સ્પંદન-38

ઢોલ ઢબુકે, પગ થનગને
ગરબાના તાલે, યૌવન હિલોળે
સારી દુનિયા રૂમે ને ઝૂમે
નવલાં નોરતાંની રઢિયાળી રાતે.

ખેલૈયાઓને હર્ષ, આ ઉત્સવ પ્રતિવર્ષ
નવરાત્રિની ભક્તિ, માતા આપે શક્તિ
ભક્તિની શક્તિ અપાર, પામે ના કોઇ પાર,
આનંદ, ઉત્સાહે નવરાત્રિ ઉજવે સહુ સંસાર.

સચ્ચિદાનંદ એટલે ચિત્તનો સદ્દ સાથે જોડાયેલો નિરંતર આનંદ. આવી જ કંઇક વિચારધારા પ્રગટી છે વૈદિક સનાતન સંસ્કૃતિની ઉચ્ચતા અને ઋષિઓના અધ્યાત્મ ચિંતનમાંથી. જેમ ગંગા સદીઓથી વહેતી રહીને આપણને નિરંતર પાવન કરતી રહી છે, તે જ રીતે આપણી પ્રેરણાદાયી સંસ્કૃતિ પણ આપણને સદંતર, વર્ષોવર્ષ અવનવા ઉત્સવો દ્વારા પાવન કરતી રહી છે. એક તરફ પવિત્રતા છે અને સાથે જ જોડાયેલ છે ભકતસમાજનો ઉલ્લાસ અને ઉમંગ. આ ઉત્સવ એટલે નવરાત્રિ. નવરાત્રિ એટલે શું એ કોઈ ભારતીયને અને ખાસ તો ગુજરાતીને કહેવું પડે તેમ નથી. નવરાત્રીનો આ ઉત્સવ એટલે આસો માસના પ્રારંભના નવ દિવસો. એક તરફ માતાજીની ભક્તિ સાથે સંકળાયેલો આ ઉત્સવ ગુજરાતમાં બની જાય છે ગરબા મહોત્સવ અને ભક્તિ સાથે શક્તિના સંકલન અને અંતરના આનંદનો સંગમ વ્યક્ત થાય છે. તાળીઓના તાલે ગરબામાં, ગરબા મહોત્સવમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓમાં – નર હોય કે નારી, બાળક કે વૃદ્ધ – સહુની વાત  નિરાળી છે. ઢબુકતા ઢોલ અને સંગીતના સૂર વચ્ચે શરૂ થાય ગરબા અને જેમ જેમ રાત આગળ વધતી જાય તેમ તેમ ઉત્સાહ આગળ વધતો જાય.

અત્ર… તત્ર …સર્વત્ર… સમય બદલાય, યુગો બદલાય પણ સાતત્ય એ માનવ જીવનનું અંગ છે. યુગ પ્રાચીન હોય કે અર્વાચીન, સમયના સાથે તાલ મિલાવી રહેલું માનવજીવન પરંપરાઓથી પ્રેરિત હોય છે. વૈદિક કાળથી લઇને આજ સુધી માનવજીવનને પ્રભાવિત કર્યું છે – મંત્ર , યંત્ર અને તંત્રએ. વૈદિક કે ઋષિ સંસ્કૃતિ મંત્રશક્તિ પર મહદ્ અંશે આધારિત હતી. જો કે ત્યારે પણ યંત્ર અને યંત્ર ચલાવવા માટે તંત્રનું અસ્તિત્વ હતું જ પણ કંઇક અંશે તેનું સ્વરૂપ મર્યાદિત હતું.  પુષ્પક વિમાનનો સંદર્ભ રામાયણમાં મળે જ છે. વર્તમાન યુગ મહદંશે યંત્ર શક્તિ અને તંત્ર શક્તિ  એટલે કે ટેકનોલોજી પર આધારિત છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે – ઋષિ, કૃષિ, અવકાશવિજ્ઞાન, વ્યાપાર કે ઉદ્યોગ સહુને અપેક્ષા છે – શક્તિની. આ શક્તિની અપેક્ષા સમયાંતરે ઉદભવતી હોય છે અને સમયનું એકમ એટલે કે વર્ષ. દર વર્ષે આ અપેક્ષા, આ આવાહન કરીને શક્તિની પ્રાર્થના કરવી, અનુષ્ઠાન કરવું અને માનવશક્તિની સાથે જ દૈવી શક્તિને પણ સંકલિત કરવી એવી ઉચ્ચ વિચારધારાનું વાસ્તવિક સ્વરૂપ, ભારતીય પારંપરિક સ્વરૂપ એટલે જ નવરાત્રિ.

ઉચ્ચ વૈદિક પરંપરાઓ પ્રગટી છે આચાર અને વિચારના સંયોજનથી. અહિં કોઈ પણ આચાર પાછળ વિચાર પણ છે અને આ વિચારની પાછળ છે અવલોકન . માનવજીવન એ વ્યક્તિગત અને સામૂહિક  વિકાસની ગાથા છે. વિકાસ કૈંક અંશે વ્યક્ત એટલે કે ભૌતિક અને અવ્યક્ત એટલે કે દૈવી શક્તિઓને આધીન હોય છે. માનવી પોતાની શક્તિઓનું આયોજન તો શ્રેષ્ઠ રીતે કરે જ છે પણ જો તેમાં દૈવી શક્તિઓ પણ ઉમેરાય તો જ સોનામાં સુગંધ ભળે અને સફળતા મળે. મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા એ કહેવત નિરર્થક નથી. આજે પણ સમાન સાધનો હોવા છતાં વેપાર જગત કે વ્યવહાર જગતમાં સહુની સફળતા સમાન હોતી નથી. આ પાસું એટલે દૈવી શક્તિ કે ઈશ્વર કૃપા. આ કૃપાનું  આવાહન પ્રતિવર્ષ કરવું એવી વિચારધારા સાથે પ્રતિવર્ષ  શક્તિની ભક્તિનો ઉત્સવ એટલે નવરાત્રિ.

નવરાત્રિનો ઉત્સવ એટલે નવ રાત્રિઓ જેનું સમાપન થાય દશેરા કે દસમા દિવસે. આ ઉત્સવ ભારતના જુદા જુદા પ્રદેશોમાં પણ મુખ્યત્વે શક્તિપૂજાનો ઉત્સવ છે. ગુજરાતમાં માતા જગદંબાની ભક્તિ છે તો બંગાળમાં માતા કાલિકાની ભકિત. આ  સાથે સંકલિત ઉત્સવ આમ તો માતા નવદુર્ગાની નવ શક્તિઓ સાથે જોડાયેલ છે. પરંતુ  મુખ્યત્વે તેની સાથે જોડાયેલ પુરાણકથા મહિષાસુર અને માતા દુર્ગાનું દસ દિવસ ચાલેલું યુદ્ધ અને માતા દ્વારા મહિષાસુરના વધની કથા છે. મહિષાસુરને બ્રહ્માજીનું વરદાન છે કે કોઈ પણ દેવ કે માણસ તેને નહિ મારી શકે. આથી તે દેવો પર હુમલો કરે છે અને દેવરાજ ઇન્દ્ર સહિત દેવસેના હારી જાય છે. આદિદેવોની સંયુક્ત શક્તિ  સાથે સંયોજન પામે છે દેવોના વિવિધ આયુધો અને માતા દુર્ગા અંતે મહિષાસુરને હણે છે. માતા દુર્ગા નારીશક્તિ છે તેથી મહિષાસુરનું વરદાન તેને કામ આવતું નથી. એકવીસમી સદીની નારીએ સમજવાનું છે કે તે શક્તિ સ્વરૂપ છે અને સામે મહિષાસુર સમાન પડકાર હોય તો પણ તેણે ગભરાવાની જરૂર નથી પણ તેને પાઠ ભણાવવાનો છે.

સુંદર કથાની સાથે જોડાયેલ ઉત્સવ ભકતો માટે શક્તિની ઉપાસનાનો છે અને પૂજા, ઉપવાસ, હવન કે યજ્ઞ અને નૈવેદ્યના પ્રસાદ સાથે તેનું સમાપન દશેરાના દિવસે થાય છે. આ ઉપાસનાનું સાંસ્કૃતિક અને સામાજિક સ્વરૂપ એટલે સંગીત અને નૃત્ય સાથે જોડાયેલ અને શક્તિની ભક્તિને અભિવ્યક્ત કરતા ગરબા. ગરબા એ ગુજરાતની સંસ્કૃતિનું હાર્દ છે અને સામૂહિક, સામાજિક નૃત્યનો પ્રકાર પણ છે. માતાજીની પૂજા આરતી સાથે  શરૂ થતા ગરબા અને રાસથી શોભતો આ ઉત્સવ નવરાત્રિની શોભા પણ છે અને ગુજરાતનું ગૌરવ પણ. ગરબા એ ગુજરાતનો સાંસ્કૃતિક ધબકાર પણ છે અને આબાલ વૃદ્ધ, યુવક કે યુવતી સહુ નવરાત્રિની આતુરતાથી વાટ જુએ છે. ઢોલ ઢબકે, તાળીઓના તાલે  થીરકતાં કદમો વર્તુળમાં ગોઠવાય અને ભક્તિ, શક્તિ અને મસ્તીનું પ્રાગટ્ય થાય. રાત્રિભર ગરબાના તાલે ઝૂમે ગુજરાત, આનંદ જ આનંદ.

પુરાણ કાળ હોય કે અર્વાચીન કાળ, પરંપરાઓ કોઈ પણ હોય, નવરાત્રિ એ શક્તિનું પ્રાગટ્ય છે. શક્તિ સાર્વત્રિક છે અને શિવ અને શક્તિ એકબીજાના પૂરક છે. હેતુ છે જીવમાત્રનું કલ્યાણ. સંસારમાં વ્યાપ્ત સારાં અને નરસાં, દૈવી અને આસુરી પરિબળો દરેક યુગમાં ઉદભવે છે પણ માતા શક્તિ અને તેનાં વિવિધ સ્વરૂપો દ્વારા આસુરી શક્તિનો નાશ કરી અંતે સહુના કલ્યાણની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિ ક્યારેક જ્ઞાન દ્વારા એટલે કે માતા મહાસરસ્વતી અને  ક્યારેક ભૌતિક સાધનો કે સમૃધ્ધિ દ્વારા એટલે કે માતા મહાલક્ષ્મી અને ક્યારેક આસુરી પરિબળોના નાશ દ્વારા એટલે કે માતા મહાકાલીના સ્વરૂપ દ્વારા પ્રગટ કરી શુભનું આરાધન કરવાની સુંદર પરંપરા એટલે નવરાત્રિ. કુમકુમ અક્ષતથી આ પાવન પર્વનું સ્વાગત કરીએ, નવરાત્રિ ઉજવીએ, શક્તિની ભક્તિનો આનંદ આત્મસાત કરીએ અને કહીએ…
या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

રીટા જાની
08/10/2021

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.