ચિદાનંદ રુપમ્ શિવોહમ્ શિવોહમ્
બધીજ રીતે જીવનથી હારી ગયેલ હું મારાં ડામાડોળ મનને ચિરશાંતિ આપવા ઈચ્છતો હતો.તેમાં પણ
બ્રીચકેન્ડીનાં ડોક્ટરે કહેલાં મોટા મોટા રોગોનાં નામ અને વ્હીલચેરમાં આવી જવાની વાતથી હું ખરેખર અંદરથી તૂટી ગયો હતો.હાજી અલીનાં દરિયા કિનારે બેસી જ્યારે ટીનાના જીવનની કરુણતા અને બેબસતા સાંભળી ત્યારે જીવનની નકારાત્મકતાએ મારા પર કબ્જો કરી લીધો.હું ટીનાની વાતો સાંભળી ખૂબ દુ:ખી થઈ ગયો.
ભાઈ,અમેરિકાથી પાછા આવી મારી સાથે જ રહેતા હતાં.બ્રિજકેન્ડીનો ફ્લેટ વેચી તેમને એક નાનોઆશ્રમ કરવો હતો. મને પણ હવે શાંતિ જોઈતી હતી.ઘોડાની રેસનું ગૃપ મારો રોજબરોજનો ખર્ચ પૂરો કરતું હતું.ફ્લેટ વેચીને દસ્તાવેજ થતો હતો તે જ ગાળામાં એક પાણીદાર ઘોડો રેસ રમવાનો હતો.તે જીતશે એવો મને વિશ્વાસ હતો. મેં જીવનનો એક આખરી દાવ રમી લેવાનું વિચાર્યું.
ભાઈની ઈચ્છા પૂરી કરવા,નર્મદા તટે આશ્રમ માટે સરસ જગ્યા જોઈ હતી .પૈસા હાથ પર હોય તો સારીરીતે આશ્રમ બનાવી શકીએ એટલે રેસનો એક છેલ્લો દાવ રમવાનું વિચાર્યું.
જીવનની એ છેલ્લી રેસમાં ખૂબ પૈસા મળ્યા. નર્મદા નદીને કિનારે સરસ અને વિશાળ જગ્યા કોઈ જૂના મિલમાલિકના બંગલા સાથે મળી ગઈ. જૂના બંગલામાં રીનોવેશન કરાવી નાના આશ્રમ જેવું બાંધકામ કર્યું. વડ,પીપળો,આસોપાલવનાં ઝાડ ,મોગરો,ચંપો,ચાંદની,પારિજાત જેવા સુગંધીત ફૂલો,તુલસી ક્યારો અને નાનો ફુવારો પણ વચ્ચે મુકાવ્યો. બાજુમાં ઘોડાઓનો તબેલો અને વેટર્નિટી નાની હોસ્પિટલ બિમાર ઘોડાઓની સારવાર માટે કરી. ઘોડો મારે માટે પ્રેમ અને હૂંફ આપતું મારું ખૂબ ગમતું પ્રાણી હતું. કદાચ મારું જીવન એના હિસાબે જ ટક્યું હતું. આશ્રમનું નામ ‘અસંગ આશ્રમ’ રાખ્યું.
એક યુવાન ,તેજસ્વી,વિદ્વાન ઉત્તરકાશીમાં ભણી હિમાલયમાં પાંચ વર્ષ રહેલા સ્વામી સત્યપ્રિયાનંદજી ભાઈનાં ગુરુજીનાં પટ્ટ શિષ્ય હતા. ભાઈએ સ્વામી સત્યપ્રિયાનંદજીને અમારી સાથે આશ્રમમાં જ રહી સૌને સંત્સંગ કરાવવા આમંત્ર્યા.
નદી કિનારે પવિત્ર ભૂમિમાં થતો સંત્સંગ જીવનને નવી દિશા આપી રહ્યો હતો.એક સવારે ટીના પણ તેનું ઘર છોડી આશ્રમમાં રહેવા આવી ગઈ.આશ્રમમાં તૈયાર થતા સાત્વિક ભોજન બનાવનાર બહેનને તે માર્ગદર્શન આપતી અને મદદ કરતી.આશ્રમમાં ભાઈનાં ઓળખીતાં એક બે અમેરિકન દંપતિ અને બીજા પણ પાંચ ,છ લોકો રહેતા.જેમનું પણ આશ્રમ ચલાવવામાં અને રુમો બાંધવામાં આર્થિક યોગદાન હતું.ભાઈ યોગામાં પી.એચ.ડી.થયેલા એટલે વહેલી સવારે નર્મદાનાં વહેતા જળને કિનારે અમે યોગા અને મેડીટેશન કરતાં. સાથેસાથે સવાર સાંજનો શાસ્ત્રોનો અભ્યાસ અને સત્સંગ પણ ખરો. સ્વામીજી ભગવદ્ગીતા અને ઉપનિષદનાં ગૂઢ રહસ્યો સમજાવતા હતા. સંસારની અસારતા સમજાતાં ધીરે ધીરે મારા મોહ અને આસક્તિ દુનિયામાંથી ઘટવા લાગ્યા હતા.
હવે મને મારું જીવન પૂર્ણ સંતોષ અને સાચા આનંદ સાથે જીવાઈ રહ્યું હોય તેમ લાગતું હતું.મેં દારુ,સિગરેટ,બીડીની આદતો સાવ છોડી દીધી હતી.સાત્વિક ભોજન અને નર્મદા કિનારાનાં પવિત્ર શુધ્ધ વાતાવરણમાં હું શાંતિભર્યું જીવન વિતાવી રહ્યો હતો.બદલાયેલ જીવન જીવવાની રીતે ડોક્ટરોની આગાહી ખોટી ઠેરવી હતી..હું હવે આત્મનિરીક્ષણ કરી જીવનમાં કરેલી ભૂલોનો પસ્તાવો અને સત્ય તરફની ગતિ કરી,મારી ભીતર પરમને શોધવા પ્રયત્નશીલ બન્યો હતો.અને ગાતો રહેતો હતો…
મનો બુધ્ધિ અહંકાર ચિત્તાનિ નાહંમ્,ન ચ શ્રોત જિહ્વવે ન ચ ઘ્રાણનેત્રે.
ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ: ચિદાનંદ રૂપ: શિવોહમ્ શિવોહમ્॥
સમાપ્ત
જિગીષા દિલીપ
જેનો અંત સારો એનું બધું સારુ. જીવનમાં કોને સંઘર્ષ, વ્યથા કે પીડાઓ નથી ભોગવાવી પડતી?
ચડતીપડતીના દિવસોમાં જે અણનમ રહે એ જીતે અને સૌ કહે છે ને કે, જો જીતા વોહી સિકંદર.
LikeLike