જગમાં જ્યારે આવે છે આંધી
ત્યારે પથદર્શક બને છે ગાંધી
ગાંધી નથી કોઈ વિચારોનું વમળ
ગાંધી ખીલવે મનહૃદયનું કમળ
તન મન ધનનું ભલે હો સંયોજન
કદી ન ભૂલાય તેમાં માનવ સંવેદન
માનવ સેવા એ જ પરમ સાધના
માનવ સેવા એ જ શ્રેષ્ઠ પ્રાર્થના.
તાજ્જુબ. ..વિસ્મય … અચંબો…અચરજ…શબ્દો જ્યારે આપણા વ્યવહારમાં પ્રસ્તુત થાય ત્યારે સર્જાય વિચારોના વમળ, આપણી આંખો ભૌતિક વસ્તુઓ જોઈને કંઈ કહે અને મન તેને માનવા ઇનકાર કરે. નજર સમક્ષ દેખાતું ગુલાબનું ફૂલ પક્ષી બનીને હવામાં ઊડતું દેખાય ત્યારે કોઈ તેને જાદુ કહે તો કોઈ તેને જાદુગરના કરતબ ગણે. પણ મનમાં એક જ પ્રશ્ન ઉદભવે. શું આ સત્ય છે? સત્યતાને ચકાસવા અને માનવા માટે ટેવાયેલું આપણું મન અને તાર્કિક બુદ્ધિ, વિચારોમાં ગરકાવ થઈ જાય અને આપણે બોલી ઉઠીએ…હોય
નહિ…અશક્ય… unbelievable..કદાચ આવું આપણા રોજબરોજના જીવનમાં દેખાય તો તેને જાદુ કહીએ અને જે જાદુ કરે તેને જાદુગર. આજે આવા જ એક જાદુગરને યાદ કરીએ, જેમનું નામ સહુને હૃદયસ્થ છે – મોહનદાસ કરમચંદ ગાંધી … આપણા રાષ્ટ્રપિતા…મહાત્મા ગાંધી. સત્ય કે અહિંસાનો આગ્રહ, સ્વાશ્રય કે સ્વાવલંબન, સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત – સર્વ વિચારધારાઓ એક જ જગ્યાએ જઈ મળે અને તે છે ગાંધીજી.
વિજ્ઞાન વિશ્વમાં વિહરતા, મોબાઈલ સૃષ્ટિમાં મગ્ન અને દિનબદિનની દોડધામમાં વ્યસ્ત આજનો સામાન્ય માનવી ઇતિહાસને ગૂગલના આધારે જાણે તો છે પણ માણે છે ખરો? મહદઅંશે વિવાદનો વિષય રહેતો ઇતિહાસ ક્યારેક સુંદર રહસ્યોને પ્રસ્તુત કરતો હોય છે. સત્ય સનાતન છે. અસત્યમાંથી સત્ય તરફ જવાની પ્રાર્થના ઈશ્વરને કરતાં આપણે સહુ સત્યનો વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ ખરા? સામાન્ય લાગતો આવો પ્રશ્ન એટલે સત્ય જ્યારે આદર્શ મટીને વાસ્તવમાં પ્રયોજાય ત્યારે અસંભવને સંભવ બનાવતી આ કડી, આ સેતુ એટલે મહાત્મા ગાંધી. અને સત્યને વિજ્ઞાન આધારિત રીતે જીવનકથા બનાવતાં સર્જાય છે આત્મકથા – ‘સત્યના પ્રયોગો’.
પ્રશ્ન એવો થાય કે ‘સત્યના પ્રયોગો’ એટલે જે સત્ય શાશ્વત છે, સ્પષ્ટ છે, તેના પ્રયોગો? ગાંધીજીના જન્મ એટલે કે 2 જી ઑક્ટોબર 1869 ને આજે 152 વર્ષ થઈ ચૂક્યાં છે ત્યારે તેમની આત્મકથાનું શીર્ષક જ એક પ્રેરણા બને છે કે ગાંધીજીને કઈ રીતે મૂલવવા. સંસારનો કોઈ પણ માનવી એક જીવનકાળ ધરાવે છે અને સામાન્યતઃ એવું જોવામાં આવે છે કે વ્યક્તિની કૃતિઓ અને સ્મૃતિઓ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. પણ ગાંધીજીનું વ્યક્તિત્વ અદ્વિતીય છે. ગાંધીજીના માટે કોઈ પણ ભારતીય વ્યક્તિ રાષ્ટ્રપિતા તરીકે કે આઝાદી સંગ્રામના નેતા તરીકે ગર્વ અનુભવે તે સ્વાભાવિક છે પણ જ્યારે વિદેશી મહાનુભાવો કે નેતાઓ પણ તેમને પ્રેરણામૂર્તિ ગણે ત્યારે પ્રશ્ન થાય કે ગાંધીજીના વ્યક્તિત્વમાં એવું શું હતું કે જેને કારણે આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પણ કહેવું પડેલું કે માનવજાતની પેઢીઓ વીતી જાય પછી ભાગ્યે જ કોઈ માનશે કે હાડચામનો બનેલો કોઈ આવો વ્યક્તિ પૃથ્વી ઉપર ચાલતો હતો. જેમને ગાંધીજી ક્યારેય મળ્યા નથી, તે લોકો પણ તેમના જીવનથી કેટલા પ્રભાવિત રહ્યા. માર્ટીન લ્યુથર કિંગ જુનિયર હોય કે નેલ્સન મંડેલા તેમના વિચારોનો આધાર મહાત્મા ગાંધી હતા, ગાંધીજીનું વિઝન હતું. તેઓ પ્રભાવિત નહિ પ્રેરિત કરતા.
ગાંધીજીના આગમન પહેલાંથી ચાલતી આઝાદીની લડત ગાંધીજીની રાહબરી નીચે એવા નિર્ણાયક તબક્કામાં પહોંચી કે ભારત આઝાદ બન્યું. ગાંધીજીના કાર્યક્રમોની વિશેષતા તેમનાં આગવાં શસ્ત્રો એટલે કે સત્ય અને અહિંસા પર આધારિત તેમના કાર્યક્રમો હતા. તેમના સત્યાગ્રહો વિદેશી સત્તા સામે હતા, પરંતુ તેમાં દ્વેષ કે ધૃણા ન હતી. કદાચ સરકાર દમન કરે તો પણ સત્યાગ્રહીઓએ અહિંસાનું પાલન કરવું તેવા આગ્રહને કારણે લોકોમાં આત્મશક્તિ જાગૃત થઈ. આ આત્મશક્તિની સાથે સ્વદેશી માલ વાપરવો અને વિદેશી માલનો બહિષ્કાર કરવાના કાર્યક્રમો જોડાયા. આમાં આત્મનિર્ભરતા અને ખાદીના ઉપયોગના આગ્રહને લીધે દેશની જનતામાં નવું ચેતન આવ્યું. અંતે એ સોનેરી સવારનો ઉદય થયો અને ભારત આઝાદ થયું.
આઝાદીની ચળવળ એ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી ભારત આગમન બાદના જીવનને સમાંતર ચાલે છે. ગાંધીજી માત્ર નેતા જ ન હતા પણ એક સંવેદનશીલ માનવી હતા. ભારતની ગરીબ જનતાને જો તન ઢાંકવા વસ્ત્ર પણ ન મળે તો પોતે પણ પોતડીભર ફકીરની માફક રહેવું એવો આદર્શ રાખવો અને જીવનભર તેનું પાલન કરવું એ નાની સુની વાત નથી. ફક્ત સ્વતંત્રતા ચળવળમાં તેમના પ્રદાનને જ યાદ કરીએ તો પણ પુસ્તકો ભરાય. પણ તેથી વિશેષ આજના વિશ્વના સંદર્ભમાં ગાંધીવિચારમાં એવું તે શું છે જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે તેના માત્ર ગણતરીના દાખલા જ આપવા છે.
ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે કારણ કે તેમની વિચારસરણી એ માત્ર ઉપદેશ નથી પણ આચરણ છે . તેમાં એવું કંઇક છે જે ગઈ સદીથી આજ સુધી બહુ બદલાયું નથી. તેમાં લોકોના દુઃખને અને વ્યથાને સમજવાની સંવેદનશીલતા છે. ગાંધીજીનું જીવન સ્થાપિત વ્યવસ્થા અને તેમાંથી ઉદભવતા પ્રશ્નો સામેનો સંઘર્ષ છે, છતાં તેમાં કડવાશ નથી પણ પ્રેમ છે. અન્યાય સામે ન ઝૂકવાની તેમની વિચારસરણી તેમને દક્ષિણ આફ્રિકાના મોરિત્સબર્ગના સ્ટેશન પર મહાત્મા બનાવે છે. આ આક્રોશનો પડઘો છે અને આ જ પડઘો તેમને ચંપારણના ગળીના ખેડૂતોને થતા અન્યાયમાં પણ દેખાય છે.
વિશ્વના સ્તર પર જોઈએ તો બે બે વિશ્વ યુદ્ધો પછી પણ યુદ્ધનો ઉન્માદ માનવજાતમાં ઘટયો નથી. માનવની માનવ પ્રત્યે નફરત અને ઘૃણા, રક્ત પિપાસા અને શોષણની કહાણીઓ આજે પણ છે. જગતમાં યુદ્ધથી કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. અન્યાયને સહન કરવાને બદલે અહિંસક રીતે આપણા આગ્રહને વળગી રહેવાનો અને શાંત પ્રતિકાર કરવાનો રાહ આજે પણ અસરકારક છે.
આજે ઉપભોક્તાવાદની અસર નીચે જ્યારે કુદરતી સાધનોનું મહત્તમ દોહન થઈ ભાવિ પેઢીના મોઢામાંથી કોળીયો ઝૂંટવાઈ રહ્યો છે. ઝડપથી નાશ થતાં જંગલો, ગ્લોબલ વોર્મીંગ, ગ્લેસીયરો પીગળી રહ્યા છે, ચોમાસું હવામાન બદલાયું છે, પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નોનો સામનો દુનિયા કરી રહી છે ત્યારે એક પ્રસંગ યાદ આવે છે. ગાંધીજી એક નાની શી લોટી વડે સાબરનાં જળ ભરી મોં ધુએ છે. કોઈ આશ્રમવાસી પૂછે છે કે સાબરમતી નદીમાં તો ઘણું પાણી છે. ત્યારે ગાંધીજીનો જવાબ હતો કે આ પાણી મારું એકલાનું નથી. તેમાં સહુ પશુ, પ્રાણી અને માનવોનો પણ હિસ્સો છે. મારાથી મારા ઉપયોગ માટે જરૂર જેટલું જ પાણી લેવાય તેથી વધુ નહિ. ગાંધીજીના શબ્દો યાદ આવે છે ‘Earth has everything to satisfy human needs but not his greed’. વિશ્વના પ્રશ્નોનો ઉકેલ ગાંધીજીના માનવ પ્રત્યેના સંવેદનશીલ અભિગમમાં છે.
ગાંધીજી પોતે સમય વ્યવસ્થાપન કઈ રીતે કરતા હતા તેનો મંત્ર જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણને એકવીસમી સદીમાં સફળતાની ગુરુ ચાવી મળી જાય. બે મિનિટ જેટલા ટૂંકા ગાળામાંય એ સ્પષ્ટતાપૂર્વક પોતાની વાત મુકી શકતા. આ જ કારણ હતું કે ગાંધીજી પોતાને લખાયેલા હજારો પત્રો વાંચતા અને એનો જવાબ લખતા. તેમની પ્રમાણિકતા અને ભૂલનો જાહેરમાં એકરાર કરવાની પદ્ધતિ અદ્વિતીય હતી. સિદ્ધાંતોના ભોગે કાંઈ નહીં. અસ્પૃશ્યતાની શરતે સ્વરાજ પણ નહીં. તેઓ પોતાના વિચારોનું પ્રત્યારોપણ સામેની વ્યક્તિમાં કરી શકતા.નિયમ જીવનને દોરે છે પણ જીવનને તોડે તેવી જડતા નિયમ પાલનમાં ન ક્યારેય રાખતા. નિયમપાલનની શરૂઆત પોતાની જાતથી જ થાય છે. કસ્તુરબા અને બાપુ ગરીબીનો આદર્શ બન્યા. આધુનિકતાને બદલે સાદગી આવી. આત્મનિર્ભરતા અને જાતમહેનત પર ભાર મૂક્યો.
બાપુ અમર છે. તેમના સિદ્ધાંત અમર છે. તેમનું જીવન એ જ તેમનો સંદેશ છે. આજે આપણામાંનો માણસ ખોવાયો છે ત્યારે ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ માણસ પાછો માણસ બને તો એ વિચાર પ્રસ્તુત કહેવાય કે નહીં? પડકાર વૈશ્વિક, રાષ્ટ્રીય કે વ્યક્તિગત સ્તરે હોય ગાંધીજીના આ સિદ્ધાંત, આપણને માનવતાની રક્ષા કરવા માટે માર્ગદર્શકની જેમ કામ કરી રહ્યા છે. આજે એકવીસમી સદીમાં પણ સત્યનો ધ્વજ, અહિંસાની ઢાલ અને આત્મવિશ્વાસની તલવારથી લડીને ગાંધી ચિંધ્યા રાહે સંવેદન અનુભવી માનવપ્રેમ પ્રગટાવી વધુ સારા વિશ્વના નિર્માણમાં પ્રેરક બનીએ એ જ ગાંધીજીને સાચી પુષ્પાંજલિ.
રીટા જાની
01/10/2021
આપનો લેખ સર્વાંગ સંપૂર્ણ અને સમયોચિત પણ છે.
‘સત્યના પ્રયોગો’ એ ‘મહાભારત’ પછીનું મારું સૌથી મનગમતું પુસ્તક છે.
હાલ વોટ્સએપીયા લેખકો ગાંધીજીની ટીકા કરતા જોવા મળે છે, પણ મને ખાત્રી છે કે તેમાંથી કોઇ એ પણ સત્યના પ્રયોગો વાંચી નહિ હોય.
કોઈ વ્યક્તિને જાણ્યા સિવાય તેની ટીકા કઈ રીતે કરાય?
સરસ લેખ માટે ધન્યવાદ
LikeLike
સુરેશભાઈ,
આભાર. તમારી વાત સાથે સહમત છું. પણ આવી ટીકા વાંચી દુઃખ થાય.
LikeLike