તુજસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મૈં
અપર્ણા ભારતનાં જાણીતા રેસકોર્સમાં કદાચ એકજ સ્ત્રી હતી,જેને ઘોડા અંગેની ઘણી જાણકારી હતી અને પ્રેમ પણ. તેને પણ મારી જેમ ઘોડા અને રેસકોર્સને પોતાનું જીવન અને કેરિયર બનાવવી હતી.મારાં ભારત પાછા આવીને રેસકોર્સનાં ,રેસ રમનારને ,હું જે રેસ અંગે જાણકારી આપતો ,તેમાં મારી આગાહી લગભગ સાચા પડતી.હું અમેરિકા હતો ત્યારે અપર્ણા અને એક ખૂબ મોટા બુકીનેા દીકરો હેમંત બંને સાથે મળીને કામ કરતા.હેમંત શિવ ભક્ત હતો એને રેસકોર્સમાં સહુ ‘જય શંભુ’ તરીકે ઓળખતા. તે ટીલું કરીને રેસકોર્સમાં આવે. તે ઘોડાનો હેન્ડીકેપર હતો. હેન્ડીકેપર એટલે રેસ રમાવાની હોય ત્યારે ‘રેસ રમનાર ક્યો ઘોડો કઈ રેસમાં જીત્યો હતો.?આ ઘોડો આટલી સ્પીડે દોડ્યો હતો. કેટલી સેકન્ડથી બીજા ઘોડા કરતાં બે ત્રણ લેન્થ આગળ હતો- એ પ્રમાણે પોતાના વિચાર કહે કે ક્યા ઘોડાનાં જીતવાનાં કેટલા ચાન્સ છે!હું પણ પહેલા આવું હેન્ડીકેપર જેવું જ વિચારતો હતો પરતું જ્યારથી હું Gosden પાસે રહ્યો અને ઘોડાની સાથે તબેલામાં રહી બધું શીખ્યો ત્યારે મને સમજાયું કે હેન્ડીકેપર જે કહે છે તે મશીન જેવી વાત કરે છે.
પણ ખરેખર તો ઘોડો એક ચેતનવંતું વફાદાર,પ્રેમાળ પ્રાણી છે. તેને પણ મુડ હોય છે. તેની બોડી લેગ્વેંજ,તેના કાન,તેની પૂંછડી પેડોક પર જોઈ તેનાં પગ,તેનો ઉત્સાહ જોઈને નક્કી કરાય કે તે આજે રેસમાં જીતશે કે નહીં?હેન્ડીકેપર માત્ર મશીનની જેમ ગણત્રી કરે છે.હેમંત મારો પણ બહુ સારો મિત્ર હતો.અમે રોજ મળતાં.તેને બેનઝરનાં માલિકની સાથે પણ ખૂબ સારો સંબંધ. બેનઝરનાં માલિકે લગભગ એક થી બે કરોડનાં ખર્ચે વીસે ઘોડા ખરીદેલા તે થોડા જીતેલા અને અમુક ઘોડામાં તેમની ગણત્રી સાવ ખોટી પડેલી ત્યારે મેં કહેલું કે ઘોડા ખરીદો ત્યારે કોઈ ચાલાક ઘોડાનાં ટ્રેનરને સાથે રાખો પણ તે વાત તેઓ સમજતાં નહીં.
અપર્ણાને મારા રેસ માટેની આગાહી અને જજમેન્ટ બહુ લોજિકલ લાગતાં અને તે સાચા પણ પડતાં હતાં. મારા વોટ્સઅપ ગૃપનાં પૈસા આપનાર ફોલોઅર વધી રહ્યાં હતાં.મને હવે ભારતભરનાં રેસ રમનારા ,ઘોડાનાં માલિકો અને ઘોડાનાં ટ્રેનરો ઓળખતાં હતાં.અપર્ણાને મારી સાથે દોસ્તી વધારવામાં રસ હતો પરતું હું મારી જિંદગીથી ખુશ નહોતો.સફીદે મને ન મળી , તે હું ભૂલી શકતો નહોતો. મારી જીવન પ્રત્યેની ઉદાસીનતાથી હું હવે હંમેશા મનથી દુ:ખી રહેતો હતો.ભાઈ પણ અમેરિકા છોડી ભારત આવી ગયાં. તેમને પગે સ્વાતંત્ર્ય સેનાની હતાં ત્યારે ૧૯૪૨માં ગોળી વાગેલી.તે પગ હવે ચાલતો ન હોવાથી તે વ્હીલચેરમાં હતા. ન્યુયોર્કનાં મનરો અને સાનફ્રાંસિસ્કોનાં રમણીય ,શાંત,સૌંદર્ય ભરપૂર આશ્રમમાં રહ્યાં પછી તેમને મુંબઈનાં ઘોંઘાંટિયા બ્રિચકેન્ડી એરિયામાં રહેવું નહોતું. ભાઈની ઓફીસ વેચવામાં પણ પાર્ટનરોનાં અંદર ઝઘડા ચાલતાં હતા. જે ભાઈને બ્રિચકેન્ડીનો ફ્લેટનું ધ્યાન રાખવા,અમે ફ્લેટમાં રહેવા આપેલ તે હવે ઘરમાંથી નીકળતાં નહતાં.આ બધી ઘરની માથાકુટો,તેમાં ધંધાની ચડઊતર અને મારી અંગત જિદંગીની રોજની ઉપાધિઓથી મારો જીવન જીવવાનો રસ ઊડી ગયો હતો.જીવનની ઉપાધિઓનો ભૂલવા હું દારુ પણ વધુ પીવા લાગ્યો હતો ,જેની અસર મારાં મગજ અને શરીર પર થતી હતી.
અપર્ણા એક દિવસ તેની સાથે ક્લબમાં રોજ એક્સરસાઈઝ કરતી તેની ખાસ મિત્રને મારા અંગે વાત કરતાં કહેવા લાગી,” મને એક છોકરો બહુ ગમે છે.છોકરો બહુ હોંશિયાર છે. ઘોડા અંગેનું જ્ઞાન તેની પાસે કોઈ પાસે ન હોય તેવું છે. દિલનો પણ બહુ સરસ છે. પણ ખબર નહીં તેના મનમાં શું ચાલે છે ,ઘણીવાર સાવ ચૂપચાપ બેસી રહે છે તો મને બહુ બોરીંગ લાગે છે.હું અને એ બે ભેગા થઈ જઈએ તો બંનેની જિંદગી બની જાય અને અમે ખૂબ પૈસા પણ કમાઈએ. મને ખબર નથી પડતી શું કરવું?”
તેની મિત્રએ પૂછ્યું,”શું નામ છે તારા મિત્રનું?”
અપર્ણાએ કહ્યું,”નકુલ.”
અને તેની મિત્ર તો ચમકી,નકુલ…..ઘોડો…..
તેણે પૂછ્યું,”બ્રિચકેન્ડી રહે છે?એ નકુલ હોય તો મારો ખાસ દોસ્ત છે.”
અપર્ણાએ કહ્યું,”હા,પણ આ તો વર્ષોથી અમેરિકા રહેતો હતો,તારો દોસ્ત ન હોય.”
મિત્રએ કહ્યું,” ફોન લગાવ,અવાજ સાંભળીને કહું.”
અપર્ણાએ ફોન લગાવ્યો,”hi Nakul! how r you?”
તેની મિત્રએ અવાજ સાંભળતાં જ ફોન અપર્ણાનાં હાથમાંથી ખેંચી લીધો,“ નકુલ,વ્યોમા બોલું છું. ક્યાં ખોવાઈ ગયો છું? કેટલા વરસ થયાં યાર …..તારો અવાજ સાંભળે… કોઈ માણસ ભારત આવે કાયમ માટે તો જાણ તો કરે ને!!! મેં કહ્યું ,”તું તો પરણીને પૂના ગઈ હતી.”વ્યોમા અને હું એકબીજા સાથે વાત કરતાં ખૂબ ભાવુક થઈ ગયા.”“ મુંબઈ આવી તને મળું છું કહી,”ફોન નંબરની આપ લે કરી અમે ફોન મૂક્યો.
વ્યોમા સાથે વાત કરતાં અપર્ણાને તેણે મારા માટેનો ખૂબ સારો અભિપ્રાય આપ્યો.
પરતું હવે હું અપર્ણાનો ફોન આવે કે તે આવે તો પણ ઉદાસીન જ રહેતો.એવામાં વરસાદી મોસમમાં હું એકદિવસ પડી ગયો. મને મારાં કઝીન ભાભી બ્રિચકેન્ડી હોસ્પિટલમાં લઈ ગઈ. પારસી ઓર્થોપેડીક સર્જને કહ્યું,” તમને કહેતાં મને દુ:ખ થાય છે પણ તમને સોરયાટીક આર્થરાઈટિસ,આલ્કોહોલિક ન્યુરોપથી,પેરીફીરીયલ વેસ્ક્યુલર ડીસીઝ છે તમને હાર્ટમાં સ્ટેન્ટ નાંખે એવો પગમાં સ્ટેન્ટ નંખાવો પડશે અને થોડા વર્ષો પછી તમે વ્હીલ ચેરમાં આવી જશો.એક નવી ઉપાધિ… આ જાણ્યા પછી તો મેં અપર્ણા સાથે વાત કરવાનું જ છોડી દીધું.
મેં ભાઈની ઈચ્છા મુજબ બ્રિચકેન્ડીનું ઘર વેચવાનું નક્કી કર્યું. લોનાવાલામાં એક નાનું ફાર્મ અને ચાર ઘોડા રાખ્યા. મને લાગતું હતું કે મારી બાકીની રહીસહી જિંદગી હું આ ઘોડા સાથે રહીને જ કાઢીશ.કદાચ મારાં જીવનની શાંતિ અને આનંદ માણસો નહીં ઘોડા જ છે.મને હવે એકલા ઘોડા અને મારા અજ્ઞાતવાસ સાથે જ જીવવું છે એવું મેં નક્કી કરી લીધું.
બ્રિચકેન્ડીનો ફ્લેટ કરોડો રૂપિયામાં વેચાયો. મને હવે પૈસા,પ્રેમ કશામાં રસ રહ્યો ન હતો.તેમાં મારાં મિત્ર હેમંતનું હાર્ટફેઈલથી અવસાન થયું.હું આ સાંભળી ખૂબ દુ:ખી થઈ ગયો હતો.
જીવનનાં સત્યો મને જીવનભર ખત્તા ખાઈને સમજાઈ ગયાં હતા.ભાઈ પણ રોજ ગીતા અને ઉપનિષદ્ની વાતોથી મને જીવનની ફિલોસોફી સમજાવતાં હતાં.
જ્યારે ઉદાસી મારા પર હાવી થઈ જતી ત્યારે હું હાજીઅલીનાં દરિયા કિનારેની એ જ વર્ષો પુરાણી જગ્યાએ બેસી કલાકો સુધી દરિયો મારો મિત્ર હોય તેમ તેની સાથે કેટકેટલીએ વાતો કરતો બેસી રહેતો.
વ્યોમા મુંબઈ આવી હતી. તે બાજુમાં ટીનાને ઘેર ગઈ. ટીના પણ તેના પતિથી સેપરેટ થઈ કાયમ માટે મુંબઈ આવી ગઈ હતી. તેના માતાપિતા ગુજરી ગયાં હતાં. તેનો દીકરો પરણીને અમેરિકામાં રહેતો હતો અને ટીનાનાં ભાઈ -ભાભી બેંગ્લોર.ટીના એકલી જ મુંબઈ રહેતી હતી. વ્યોમાએ હું કાયમ માટે ભારત આવી ગયો છે,તે વાત ટીનાને કરી. તે મને મળી હતી ત્યારે જે વાતો થઈ હતી અને હું જિંદગી એકલોજ ઘોડાને સહારે જીવી રહ્યો છે તે બધીવાત તેણે ટીનાને કરી.ટીના મને મળવા બ્રિચકેન્ડી ફ્લેટ પર ગઈ તો યશવંતે કહ્યું ,”ભાઈ દરિયે ફરવા ગયાં છે.”ટીના હાજીઅલી પહોંચી ,તેને ખબર હતી હું ક્યાં હોઈશ?
ટીના હાજીઅલીનાં પાછળનાં દરિયે બેઠેલા મારી પાસે આવી.મને જોઈ ત્યાંજ ઊભી રહી ગઈ. વર્ષો પછી એકબીજાને જોતાં અમારી બંનેની આંખોમાં આંસુંનાં ઊભરાટની ઝાંખપ અને ગળામાં ડૂમો ભરાઈ અટકી ગયેલ અવાજ હતો. બંને માત્ર નજરોથી એકબીજાને માપી મૌનસંવાદ કરી રહ્યાં હતાં. એકબીજા સાથે કોઈ વાત ન હતી, કોઈ ફરિયાદ નહતી.જાણે કહી રહ્યાં હતાં……….
તુજસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મૈં ઓ…હૈરાન હું મૈં..
તેરે માસૂમ સવાલોસે પરેશાન હું મૈં …ઓ…પરેશાન હું મૈં…
જીનેકે લિએ સોચા હી નહીં દર્દ સંભાલને હોગેં.
મુસ્કુરાએ તો મુસ્કુરાનેકે કર્જ ઉતારને હોંગે..
મુસ્કુરાઉ તો કભી તો લગતા હૈ…
જૈસે હોંઠોંપે કર્જ રખા હૈં….
જિગીષા દિલીપ
નકુલ અને ટીના….
સમય અને સંજોગોના ચક્રમાં અટવાઈને છૂટા પડેલાં બે જીવ, અનાયાસે ફરી એક વાર જ્યારે મળ્યાં હશે, એ ક્ષણે એમનો મૌન સંવાદ કેવો બોલકો હશે?
કદાચ હાજીઅલી દરિયાના તોફાને ચઢેલાં મોજાંઓ કરતાંય તોફાને ચઢેલી હૃદયની લાગણીઓનો ઘુઘવાટ અનેકગણો વધારે હશે.
અંત તરફ આગળ વધતી નવલકથાના હેપ્પી એન્ડિંગ તરફ ઇશારો કરે છે?
એમ થાય તો આજ સુધી અનેક જાતના ચક્રવાતમાં ફસાયેલા નકુલને ન્યાય મળ્યાનો રાજીપો થશે.
LikeLike