શ્રદ્ધાની પરિભાષા છે
સંસ્કૃતિની એ આશા છે
પરંપરા છે સંસ્કૃતિના તરંગો
શ્રદ્ધા, વિશ્વાસ તેના જ રંગો
ચિત્રમય આ જગતનું કેન્વાસ
આપણું જીવન પણ એક પ્રવાસ
પૂર્વ પ્રવાસી પૂર્વજોનું સ્મરણ
શ્રાદ્ધ પક્ષનું મંગલા ચરણ.
સાગર કિનારે ઝીણી ચમકતી રેતી અને સફેદ છીપલાં તો ક્યારેક કોઈ માનવનાં પદચિહ્નો કે પગલાંની છાપ અને તેને મિટાવી રહેલી લહેરો કે મોજાં ….દૂર સુદૂર ક્ષિતિજે રત્નાકર સાગર અને ક્ષિતિજનું મિલન સાક્ષી બને છે સંસારના રહસ્યોનું. અનંત કાળનો પટારો કહો કે ક્ષણોનો મહાસાગર, તેમાં ઉદભવે આપણું જીવન-સુંદર જીવન,એક અમૂલ્ય મોતી. સંસ્કૃત સુભાષિત યાદ આવે. જ્યારે સ્વાતિ નક્ષત્ર હોય ત્યારે જો આકાશમાં વાદળ વરસે અને તે સમયે આતુર છીપ જો આ જળ ઝીલે તો મોતી સર્જાય. જીવન એક અમૂલ્ય મોતી છે અને જ્યારે તેને ચમકતું જોઈએ ત્યારે ફરી યાદ આવે એ છીપનો પરિશ્રમ જેણે આ મોતીનું સર્જન કર્યું છે. સમયાંતરે, સમયના સાગરના કિનારે જ્યારે વર્ષો વહેતાં જુઓ ત્યારે ચમકી રહેલ મોતીઓ સાથે યાદ આવે એ છીપ જેણે મોતી સર્જ્યાં. આ છીપનું સામ્ય કંઇક અંશે આપણા પૂર્વજો સાથે છે જેમણે પોતાના સામર્થ્ય, પરિશ્રમ અને સમયના બલિદાન સાથે આપણા જીવનના મોતીને ચમકતું કર્યું, આપણા અસ્તિત્વને નવપલ્લવિત કર્યું. આપણા જીવનમાં આવા કેટલાયે પૂર્વજોનું યોગદાન છે, જેને કદાચ આપણે નામથી ન પણ ઓળખીએ; પરંતુ તેમના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત ન કરીએ તો આપણું જીવન કર્તવ્ય અપૂર્ણ ગણાય. આપણા જીવનના પુષ્પ પરિમલને પ્રગટાવનાર દિવંગત વડીલો અને પૂર્વજોને નમન સાથે સ્મરણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવાની શ્રદ્ધાપૂર્ણ વાર્ષિક પરંપરા એટલે શ્રાદ્ધ.
શ્રાદ્ધ એ પરંપરા પણ છે અને વડીલો અને પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનું તર્પણ, જેમણે આપણી આજ ઉજ્જવળ બને તે માટે પોતાના જીવનના સુખોનું, સમયનું સમર્પણ કર્યું. આ વડીલો પાસે તેમના સમયનો સંચિત હિસ્સો હતો જ પણ તેમણે તેનો એક હિસ્સો આપણા જ્ઞાન પાછળ, આપણા જીવનને પગભર બનાવવા પાછળ અને આપણા જીવનને સુખમય બનાવવા પાછળ ખર્ચ્યો. કોઈ પણ ફૂલની સુવાસ અને સૌંદર્ય સમગ્ર વૃક્ષના જીવનસંઘર્ષનો પરિપાક હોય છે. કોઈપણ ઈમારતનું સૌન્દર્ય તેના સ્વપ્નશિલ્પીના સ્વપ્નનું વાસ્તવિક સ્વરૂપ છે, તેના કણકણમાં છુપાઈ છે અસંખ્ય લોકોની મહેનત અને પરિશ્રમ.
એવી માન્યતા છે કે શ્રાદ્ધ પક્ષમાં દરેક પિતૃઓ કે જે સૂક્ષ્મ રીતે ચંદ્રલોક કે પિતૃલોકમાં આવેલા છે તે સૂર્યના કન્યા રાશિ પ્રવેશ કે દક્ષિણાયનથી જાગૃત થાય છે અને તેમના નજીકના સ્વજન , પુત્ર કે પૌત્રને ત્યાં જે તે તિથિ અનુસાર ઘેર આવે છે અને શ્રાદ્ધથી સંતૃપ્ત થઈ આશીર્વાદ આપે છે, જે પરિવારની ઉન્નતિ કરે છે. શ્રાદ્ધમાં પિતૃઓને દૂધ કે ખીર ધરાવી સંતૃપ્ત કરવાની પ્રણાલિકા છે. આ સાથે પિતૃના પ્રતિનિધિ તરીકે કાગડાને સાંકળી લઈને કાગવાસ નાખવાનો રિવાજ છે. કંઇક અંશે માનવ જે દ્રશ્ય અને ભૌતિક સૃષ્ટિનો હિસ્સો છે તે ઉપરાંત તેનું સુખ જે અદ્રશ્ય કે દિવંગત વડીલો કે પૂર્વજોને કારણે છે તેને સાંકળી લઈ અને સાથે જ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના રણકાર રૂપે પ્રાણી પક્ષીઓના માનવ પ્રત્યેના યોગદાનને યાદ કરી શ્રાદ્ધનું માહાત્મ્ય પ્રસ્થાપિત થયું છે.
વૈદિક સંસ્કૃતિ એટલે પ્રાચીન આદિ ભારતીય સંસ્કૃતિ. ભારતની સાંસ્કૃતિક વિરાસત પ્રમાણે વિચાર એ આચરણનું પ્રથમ સોપાન છે. વિચારધારાની ઊંડી સમજણ કાર્યની પ્રેરણા માટે આવશ્યક છે. વિચાર વગરના કાર્યો દંભ અને યાંત્રિકતા બને છે. ભારતીય વિચારધારા સમયની કસોટીમાંથી પસાર થયેલી અને પાર ઉતરેલી વિચારધારા છે. જરૂરત છે આ સનાતન વિચારધારાને સમજીને અનુસરવાની. સનાતન એટલે સમયના પ્રવાહોથી અલગ. સત્ય સનાતન છે. જેમ કે ગુરુત્વાકર્ષણનું અસ્તિત્વ સનાતન છે. ન્યૂટન પહેલાં પણ અને પછી પણ. જુદી જુદી વિચારધારાઓની બદલાતી સમજણો વિવાદ બને પણ જો આચાર સાથે સાચી સમજણ જોડાય અને યોગ્ય વિચારધારાને અનુસરવામાં આવે તો સંસાર સ્વર્ગ બને. આવી સમજણ સાથે ઉત્પન્ન થયેલ ભારતીય વિચારધારાઓ માણસને શ્રેષ્ઠતાની પ્રેરણા આપે છે. તેથી જીવનની સમૃધ્ધિ સાથે વિશ્વ પણ સમૃધ્ધિ અને કલ્યાણ તરફ આગળ વધે છે. વિશ્વ એ માનવ અને પ્રાણીઓ પક્ષીઓ અને વિવિધ જીવોનું સંયુક્ત નિવાસસ્થાન છે અને આધાર પણ. આજે પર્યાવરણના પ્રશ્નો જે સંકટ સર્જી રહ્યા છે અને માનવ જીવસંસ્કૃતિનું નિકંદન કાઢવા જઈ રહ્યો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની સાચી સમજણ આપણા જીવનને માર્ગદર્શક બને છે.
શ્રાદ્ધ એ માત્ર ક્રિયાકાંડ નથી. તેની પાછળ છે ભાવના દિવંગત પ્રત્યે શ્રદ્ધાંજલિની. આપણા જીવનમાં કેટકેટલાં લોકોનું યોગદાન રહેલું છે. કેટલીક વાર આ વાત તે વ્યક્તિના મૃત્યુ બાદ સમાજમાં આવે છે. ત્યારે તેઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક મધ્યમ છે શ્રાદ્ધ. શ્રાદ્ધમાંથી બીજો બોધ મળે છે જીવનની ક્ષણભંગુરતાનો. આ શરીરનો તો નાશ થવાનો જ છે. માટે આ શરીર નાશ પામે એ પહેલાં આત્મગુણો પ્રગટાવી આત્મહિત સાધવાનું છે. દરેક કાર્ય કરવા પાછળનો હેતુ આત્મ ગુણોની પ્રાપ્તિનો રાખીએ તો જીવન ઉત્સવ બની જશે. જીવનને ઉકરડો કે ઉપવન બનાવવું એ પોતાના હાથમાં છે. જો જીવન માત્ર ધન દોલત કમાવામાં વાપર્યું તો ઉકરડો બનશે. પણ જો તેનો ખાતર તરીકે ઉપયોગ કરી ગુણોના ફૂલ છોડ વાવ્યા તો ઉપવન બનશે.
રાજા પરીક્ષિતને ખબર પડી ગઈ હતી કે સાતમા દિવસે તેને તક્ષક નાગ કરડશે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે. તો તેણે જીવન સુધારી લીધું. સ્ટીવ જોબ્સને પણ મૃત્યુનો અણસાર આવી જતાં તેણે જે વાક્યો કહ્યાં છે તે કોઈના પણ માટે પથપ્રદર્શક બની શકે તેમ છે.
જો ગંગા હિમાલયના ઉત્તુંગ શિખરોને યાદ કરીને ધન્યતા અનુભવે, આકાશગંગા પોતાના તારલાઓના તેજને યાદ કરી ધન્યતા અનુભવે તો સમયગંગાની આ ક્ષણે આપણા વડીલો, પિતૃઓ અને પૂર્વજોના યોગદાનને સ્મરણ કરી શ્રાદ્ધ પક્ષની ધન્યતા અનુભવી આપણા જીવનને અને અસ્તિત્વને ઉત્સવ બનાવીએ-સાચી અને યોગ્ય સમજણ સાથે, કારણ કે જીવન એ પ્રયાગ છે, પવિત્રતા છે, પ્રાચીન અને અર્વાચીનનો સંગમ છે. એ જ છે જીવનનું કર્તવ્ય અને સાફલ્ય- તર્પણ,અર્પણ અને સમર્પણ. ત્યારે સર્વ દ્વારા પૂજિત, અમૂર્ત, તેજસ્વી, ધ્યાની અને દિવ્ય દૃષ્ટિ સંપન્ન પિતૃઓને નમસ્કાર કરતાં આપણે પણ કહી ઉઠીએ છીએ….
अर्चितानाममूर्तानां
पितृणां दीप्ततेजसाम्।
नमस्यामि सदा तेषां
ध्यानिनां दिव्यचक्षुषाम्।।
રીટા જાની
24/09/2021