If it is not to be,it’s not to come.If it is not to come, it is not to be
સીનેમેં સુલગતે હૈ અરમા,આંખોંમેં ઉદાસી છાયીહૈ….
લો આજ તેરી દુનિયાસે, હમેં તકદીર કહાં લે આયી હૈ…
હું મારા નસીબને કોસતો,દરિયામાં કૂદીને ,જીવનનો અંત આણવાના વિચારે ,હાજી અલીની પાછળનાં દરિયા કિનારે જઈને બેઠો.બે રાતનાં ઉજાગરાથી અને વિચારનાં વંટોળે મગજ બ્હેર મારી ગયું હતું.આજે તો સફીદેને સાથે મુંબઈ લઈ આવી,તેની સાથે કંઈ કેટલુંય કરવાનાં સપના જોયાં હતાં! મંઝીલ બસ સામેના કિનારે દેખાતી હતી અને ફરીવાર કિનારે આવેલ વ્હાણ ડૂબી ગયું.બહેનનાં હાથની આલ્બમમાંથી મળેલ ,ચિઠ્ઠીમાં અમેરિકા જતાં પહેલાં આવેલ માધવલાલનાં જ્યોતિષનાં શબ્દો હતાં. “ તમારો દિકરો ખૂબ હોંશિયાર છે. તે પ્રેમ અને લાગણીથી અનેકનાં દિલ જીતી લેશે.કોઈપણ કામ માટે,સીડી સડસડાટ ઉપર ચડી જશે. અને છેક ઉપરનાં પગથિયે પહોંચવાના એક કદમ પહેલાંજ છેક નીચે પડશે.મને પૂર્ણ વિશ્વાસ હતો કે ટીના મને મળશે જ. ત્યારે જ તેમણે બહેનને કહ્યું હતું કે તેને આ છોકરી નથી મળવાની.”
તેણે વર્ષો પહેલા કહેલાં એક એક શબ્દ સાચાં પડ્યા હતાં. હું નાસીપાસ થઈ જાઉં એટલે બહેને ક્યારેય મને આ વાત કરી નહીં.જ્યોતિષનાં વાક્યો પ્રમાણે આખી જિંદગીનાં એક એક દિવસને જોતો અને ભગવાને મારી સાથે જ કેમ આવું કર્યું?,મને કેમ આવું નસીબ આપ્યું ?તેમ વિચારતો રહ્યો.આપઘાતનો વિચાર કરતો હતો,ત્યાં જ રુખીબાનાં શબ્દો યાદ આવ્યાં,” બેટા,કુદરતે નસીબમાં જે લખ્યું હોય તે થાય જ છે.પણ તમારી હોશિયારી એમાં છે કે આવી પડેલ સમસ્યામાંથી તમે રસ્તો કેવીરીતે કાઢો છો.અને જે ખરાબ સમયમાં કુશળતાથી બહાર નીકળે છે તેજ જીવનમાં સફળ થાય છે અને જે હારી જાય છે તે નમાલા ગણાય છે.”
ડોક્ટર સ્ટીવન બુટેનબુચે પણ મને ઘોડાઓ અંગે અને જીવન અંગે ખૂબ ઊંચી જાણકારી આપેલ. મારી જિંદગીમાં તેમનું ખૂબ મોટું પ્રદાન હતું.તેમને શેક્સપીયર બહુ ગમે,તેં હંમેશ શેક્સપીઅરનું આ વાક્ય બોલતા તેં મને આજે યાદ આવી ગયું”If it is not to be,it’s not to come. If it is not to come,it is not to be.”
તો ઘેર ,યશવંત મારી રાહ જોતો જોતો જ આખી રાત અડધો જાગતો ઊંઘતો હતો. વહેલી સવારે ભાઈનો ફોન આવ્યો ,તેમણે યશવંતને પૂછ્યું,” બધાં આવી ગયાં?” યશવંતે કહ્યું,” બધાં કોણ?”
ભાઈએ પૂછ્યું,” અમેરિકાથી નકુલ સાથે બીજું કોઈ નથી આવ્યું?
યશવંતે કહ્યું,”ના,અને પછી કહ્યું ,ભાઈ તો બહુજ ઉદાસ છે ખાધું પણ નથી અને આખી રાત ઘેર પણ આવ્યા નથી. હું તો જાગતો રહીને રાહ જોતો બેસી રહ્યો છું.” સારું કહી,ભાઈએ તરત ફોન મૂકી દીધો અને સીધો મને મોબાઈલ પર ફોન કર્યો. ભાઈનો ફોન આવતાં જ, હું ખૂબ ઢીલો થઈ ગયો. ભાઈ તો અંદરથી એકદમ ખુશ હતા. તેમને મારો સફીદે સાથેનો સંબંધ ,તેમજ તેના માતાપિતાને મુંબઈ લાવવાનાં વિચાર ,સાથે તે જરાપણ મંજૂર નહતા.મોર્ડન વિચારસરણી ધરાવતાં ,દેશ -વિદેશ ફરેલા ભાઈ,મારાં ઈરાની છોકરી સાથે લગ્ન કરવાનાં વિચાર સાથે જરાપણ સંમંત નહતા. તેથી તેમને તો એ લોકો અહીં ન આવ્યા ,તે વાતથી જ તેમનાં અવાજમાં ખુશીનો રણકો હતો.મને સાવ ભાંગી પડેલ સાંભળી,તેમણે પણ મને જીવનની ફૂલસૂફી સમજાવતી વાતો કરી ,હિંમત ન હારવા અને ખૂબ હિંમત આપતા જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે તેમાં સ્થિતપ્રજ્ઞ રહી કેવીરીતે આગળ વધી જવું તેમાં જ કુશળતા છે ,તે તેમના જીવનનાં દાખલા આપી સમજાવ્યું.નાની ઉંમરમાં ગુમાવેલ પિતા,પિતા સમાન મામાની વિરુધ્ધ જઈ નાટકની કેરિયર બનાવવી,૪૫ વર્ષે બહેનનું દુનિયા છોડી ચાલ્યા જવું ,વિગેરે …વાત સાંભળી મેં સ્વસ્થ થવા કોશિશ કરી.ઘેર પહોંચ્યો.મને જોઈ યશવંત ખૂબ ખુશ થઈ ગયો.નાહીને થોડો નાસ્તો કર્યો.
ભાઈ સવાર સાંજ મને ફોન કરતાં,અઠવાડિયા પછી એક દિવસ તેમણે મને ફોન કરી ઈમીગ્રેશન કન્સલટન્ટ રાવસાહેબ, ભાઈનાં મિત્રએ મને H1 વાળા વિદ્યાર્થીઓ મોકલવાનાં ધંધામાં પાર્ટનરશીપ કરવા ભાઈને ભલામણ કરતો ફોન કર્યો હતો તેની વાત કરી. રાવસાહેબે ભાઈને કહ્યું હતું કે,” તમારો દિકરો આટલો કુશળ અને મહેનતું છે ,એ મને મુંબઈથી મહારાષ્ટ્ર અને ગુજરાતનાં છોકરાઓને તૈયાર કરી અમેરિકા મોકલે તો મારી પાસે અમેરિકાની સારી અને મધ્યમ બધી કોલેજોનાં ડિરેક્ટર જોડે ઓળખાણ છે. દસ્તાવેજ તૈયાર કરાવી મને મોકલે તો હું છોકરાની હોંશિયારી પ્રમાણેની કોલેજમાં તેને એડમીશન અપાવી દઉં . આ ધંધામાં બહુ જ પૈસા છે. આઈ.ટી.નાં વધતાં જતાં વેવને કારણે ગવર્મે્ન્ટે સ્ટુન્ડન્ટ વિઝાનો કોટા ખૂબ વધારી દીધો છે ,તો ખૂબ પૈસા પણ મળશે. હું પાનપરાગ અને સોપારીનો ધંધો કરતો ત્યારે રાવસાહેબને મળેલો પણ ત્યારે મને ભારત આવી જવાનો વિચાર નહોતો.હવે મેં રાવસાહેબ સાથે વાત કરી ધંધાનું સેટીંગ કરી દીધું.હવે મારી કંપનીએ મહીને દસ છોકરાને અમેરિકા મોકલવા માંડ્યા હતા.ધંધો સારો ચાલતો. પણ હું હજુ સફીદેથી બહાર આવી શકતો નહોતો.ધંધાનાં નુકસાનને હું પહોંચી વળતો. પરતું હું એટલો લાગણીશીલ માણસ હતો કે પ્રેમને ભૂલવો મારે માટે મુશ્કેલ કામ હતું.
એવામાં એક સાંજે મારે ત્યાં મારો એક મિત્ર આવ્યો. મને આમ ઉદાસ જોઈ,મને કહે ચાલ તૈયાર થઈ જા ,તને ખુશ કરી દઉં આજે તો. તે મને ટોપાઝ ડાન્સબારમાં લઈ ગયો. ડાન્સબારનું ઝાકમઝોળ વાતાવરણ ,સેક્સી સંગીત,મેકઅપથી રુપાળી લાગતી અને સેક્સી નૃત્ય સાથે પુરુષોનાં પોરુષત્વને ઉપસાવતી રૂપલલનાઓ,તેમનાં અંગપ્રદર્શન અને નખરાંથી આકર્ષતી તેમની અંગભંગીઓ,ચિક્કાર પીરસાતો દારુ- આ બધામાં પૈસાની કોથળીઓ ભરી આવેલ ઘરાક ન ખંખેરાય તો જ નવાઈ!
બીજી બાજુ મને H1 નાં વિધ્યાર્થીઓને અમેરિકા મોકલવાનાં ધંધામાં ખૂબ પૈસા મળતાં. હું હવે ડાન્સબારની લતે ચઢી ગયો હતો. ટોપાઝ મુંબઈનો મોટો ડાન્સબાર હતો. જ્યાં ઘરાકોનાં લાખો રૂપિયા રોજના ખંખેરાતા.એકવાર ત્યાં આવેલ લોકલ ઘરાક રોજ ત્યાં જવા પ્રેરાતો અને છેલ્લે ખુવાર થઈ જતો.હું ક્યારેક ગ્રાન્ટરોડનાં ‘ગોલ્ડન ગુઝ’બારમાં પણ જતો.તો ક્યારેક ‘દિલબર’માં.
હવે હું સફીદેને ફોન કરતો તો ફોન લાગતો નહોતો. મેં ટોનીને ફોન કર્યો સફીદે અંગે જાણવા,તો તેણે કહ્યું કે સફીદે અને તેના માતાપિતા લોસએંજલસ છોડીને ક્યાંક જતા રહ્યાં છે. અકબર રેસ્ટોરન્ટનાં પટેલ અને પંજાબી પાર્ટનરનાં મોટા ઝઘડા થતાં રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે. ટોનીને પણ મેં સમજાવ્યો કે ,”તું ભારતમાં આટલી મોટી રેસ્ટોરન્ટનો માલિક છે ભારત કાયમ માટે આવી જા. તારા પિતાની પણ એજ ઈચ્છા છે.”તે સમજી ગયો ,આમ પણ અકબર બંધ થવાથી એને ફરીથી એકડો જ ઘુંટવાનો હતો.
ટોની ભારત આવતાં તેને ખબર પડી કે હું ડાન્સબારની લતે ચડી ગયો છું. તે મારો ખૂબ હિતેચ્છુ મિત્ર હતો. ડાન્સબારની અંદરની બધી વાત તે જાણતો હતો ,કારણ ટોપાઝનો માલિક જેણે ડાન્સબારની મુંબઈમાં શરુઆત કરી હતી તે પરવેઝ તેનો બાળપણનો મિત્ર હતો.તે મને પરવેઝ પાસે લઈ ગયો અને ટોનીએ કહ્યું,” આ મારો જીગરી દોસ્ત છે,તું ડાન્સબારની સચ્ચાઈ બતાવી તેને ડાન્સબાર અને દારુની લત છોડાવ.પરવેઝે મને ચાર પાંચ સવાલ પૂછ્યાં કે,” તને ડાન્સબારની છોકરીએ ડાન્સ કરતાં કરતાં તારો ફોન નંબર લીધેલો?બીજે દિવસે ‘શીતલ સ્ટોર’ પાસે બોલાવી તેને એક ગમતો ડ્રેસ અપાવવા કીધેલ? ,ત્રીજે દિવસે તેના ભાઈનું કે,માનું કે પિતાનું ઓપરેશન છે કહી પૈસા માંગેલ?,ડાન્સબારનાં ત્રીજા પેગ પછી શં થયું તે તને યાદ નહીં હોય સાચી વાત? કારણ પછી દારુ વિદેશી બોટલમાં,બીજો દારુ ભરી પિરસાય છે.ઘરાકનું ભાન જતું રહે એટલે બારગર્લ તેના બધાં પૈસા ખંખેરી લે છે. અને આ બધાં પૈસામાં બારગર્લ અને ડાન્સબાર માલિકનો અડધો અડધો ભાગ હોય છે એટલે તો ટોપાઝ જેવા ડાન્સબાર અને બારગર્લની આવક રોજની લાખોમાં હોય છે.”દિવસનાં સમયે પરવેઝે મને સાદા કપડાંમાં, સંગીત અને લાઇટોની ઝાકમઝોળ વગર ,મેકઅપનાં થપેડા વગરની કદરુપી,ડાન્સબારની છોકરીઓ બતાવી ,મને છોકરીઓનું સાચું રૂપ બતાવ્યું.અને વિલાયતી દારુની બોટલમાં ભરાતો fake દારુ પણ બતાવ્યો. ડાન્સબારનાં માલિક પરવેઝ દ્વારા રજૂ કરેલ સત્ય હકીકત જાણી હું પણ બઘવાઈ ગયો. આમ સચ્ચાઈ જણાવી ટોનીએ મને ડાન્સબારની લત છોડાવી દીધી.
બીજીબાજુ,રેસકોર્સનાં કન્સલ્ટન્ટ તરીકેનું મારું ગૃપ દિવસે દિવસે વધતું જતું હતું. પૂરા ભારતમાંથી મારાં રેસકોર્સનાં ગૃપમાં લોકો જોડાવવા અને મને ફોલો કરી જાણવા કોશિશ કરી રહ્યાં હતાં.એવામાં એક દિવસ એક અપર્ણા નામની અજાણી છોકરીનો મારા પર ફોન આવ્યો.તેને ઘોડા વિશે ખૂબ જાણકારી અને તે ,મારા જેટલોજ ઘોડાને પ્રેમ કરતી અને ઘોડાને સમજતી એવું તેની એક કલાક મારી સાથેની વાતચીતથી મને લાગ્યું . પૂનામાં રહેતી પણ હવે કલકત્તા જઈ સેટ થવા માંગતી આ છોકરીએ મને પૂનાની મોટી રેસમાં અનેક લોકો સાથે ઘેરાએલ જોયેલો. તેણે મારી તપાસ કરી કોઈ બીજા ડમી નામથી મારાં ગૃપમાં જોડાઈ હતી. છેલ્લી રેસમાં બહુ પૈસા મારી ટીપ્સથી કમાઈ હોવાથી મારી સાથે દોસ્તી કરવા માંગતી હતી પણ હવે હું છોકરીઓથી દૂર રહેવા માંગતો હતો પણ તે મને છોડે તો ને? રોજ કોઈ અવનવા પ્લાન અને બહાના સાથે તે મને ફોન કરતી.હવે મારે કરવું શું?
જિગીષા દિલીપ
હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી.
છાંવ હૈ કભી, કભી હૈ ધૂપ જિંદગી..
હર પલ યહાં, જી ભર જીયો,
જો હૈ સમા, કલ હો ના હો…
LikeLiked by 1 person