“સમુદ્ર ” એટલે દરિયો એક કુદરતની કૃપા
આખોં બંધ કરીને યાદ કરો કે તમને સૌથી વધારે શું ગમે?
જવાબ આવ્યો કે સમુદ્ર
દરિયાએટલે વિરાટતા દરિયો એટલે ગહનતા,
એની એકલતાને સમજવી, એના પ્રેમને ફીલ કરવો,
એનાં મોજાંઓને જોઈ હૃદયમાં ઉમંગ-તરંગનું ફેલાઈ જવું
સમુદ્રની વિશાળતા, તેની ભવ્યતા, તેનું આંખ ઠરે એવું સ્વરૂપ કોને પસંદ ન આવે? તેને કિનારે બેઠા હોઈએ તો મન, આંખ અને અંતર ત્રણે પરમ શાંતિનો અનુભવ પામે. કુદરત પર આફરીન થઈ જવાય ,તેની વિશાળતા જોઈને ત્યારે શબ્દો સરી પડે
“ભલે તેનું પાણી ખારું છતા લાગે ન્યારું.”
સમુદ્ર પણ કેવો ?ખજાનાથી છલકાતો છતાં સંયમી.
“ઉઘડે ઉઘડે રે જળ માછલી,છલકે મોજા રે છોળો મારતા,
દરિયો ડોલે રે માઝમ રાતનો, યાદ આવે ને આ પંક્તિ …..
અનેક જીવ તેમાં આશરો પામે છે તેની કલ્પના કરવી પણ અશક્ય છે. તેની અંદર કિંમતી ખજાનો , એનું મોલ તો મરજીવા પણ ન કરી શકે.સર્જનનો સોનેરી સમુદ્ર કેટલો વિશાળ-ગાઢ?!
તેમાં સહેલ કરવાની મજા જેને માણી હોય તે કદી વિસારે ન પાડી શકે. તે શાંત હોય અને છતાં પોતાની મોજમાં રહે. ઉછળતા મોજાની મોજ કરાવે છે. તેની મસ્તી માણવી અને નિહાળવી કોને ન ગમે ?સમુદ્ર કિનારે મોટી થઈ છું. તેનું વર્ણન કરતાં થાક નહીં લાગે.
“ઓરો આવ તું આઘો જા પગની પાની પલાળતો જા
ઠંડી હવાની લહેરખી માં દિલના તાર તું છેડતો જા
જો તારો મારો સંગ હોય મિલનનો એ આનંદ હોય
જાની એ મસ્તીમાં મુજને તું પલાળતો જા ”
“સમુદ્ર કિનારે રેતીમાં નામ લખવાની,મજા
પછી રાહ જોવાની કે કોઈ લહેર આવે ..
દરિયે કેટકેટલી ઝંખનાઓ મોજાની જેમ આકાર આપે
આવો છે સમુદ્ર અને તેની સાથે જોડાયેલી અનેક કહાની
દરિયો જોઇને જ તેમાં છબછબિયા કરવાનું અને વારાફરતી કિનારે ધસી આવતા મોજા પર સવાર થવાની ઇચ્છા થયા વગર ન રહે પરંતુ તરતા ન આવડતું હોય તો ? એવા લોકોએ પોતાની ઇચ્છા પર કાબુ રાખીને પણ દરિયામાં આગળ સુધી જવાની ઇચ્છા દબાવી રાખવી પડે છે ને !
ધરતીના લગભગ દરેક ખૂણાને જીવન વડે ધબકતી કરનાર પ્રકૃત્તિએ કેટલીક એવી જગ્યાઓ પણ રાખી છે જ્યાં ભય પણ છે
હવે યાદ કરો પેલું લોક ગીત
“હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ”
ઘણા વર્ષો પહેલાં ઈ.સ. ૧૮૮૮ની ૮મી નવેમ્બરે મોડીરાત્રે સૌરાષ્ટ્રના માંગરોળ બંદરેથી પચીસેક કિ.મી. દૂર દરિયામાં વેરણ થયેલી ‘વીજળી‘ નામની આગબોટ વિશે આપણે વર્ષોથી રોમાંચક વાતો દંતકથાઓ લોકગીતો વગેરે સાંભળતાં આવ્યાં છીએ. સૌરાષ્ટ્રના લોકડાયરાઓમાં જ્યારે આ લોકગીત ગવાય છે ત્યારે ગાનાર અને સાંભળનાર બંનેની આંખો આજે પણ ભીંજાયા વિના રહેતી નથી. દરિયા છોરુંઓનાં હૈયાંમાં દર્દનાં મહાકાય મોજાં ઊછળવા માંડે છે. વીજળી ડૂબ્યાને આજકાલ કરતાં ૧૩૦ વર્ષથી વધુ થવા આવ્યાં છતાં તેનો વિયોગ યથાવત્ છે.
કુદરતની વિવિધતા અને ક્રૂરતા તો જોવો…. એક તરફ મહાસાગર સમૃદ્ધિથી સભર છે. જીવનમાં આવતા હર્ષ-શોક, આનંદ -ઉલ્લાસ, પ્રસન્નતા અને ગાંભીર્ય બધુ જ તેની પાસે છે અને બીજી તરફ મોત,ન ભૂલી શકાય તેવી કરુણાંતિકા.
દરિયાકિનારે પગ પલાળતા આપણે સૌ સાંજના સૂર્યાસ્તનો આનંદ લેતા હોઈએ અને અત્યંત અસામાન્ય અને ભયંકર સંજોગો ઊભા થાય, દરિયો તોફાને ચડે મધદરિયે ભયાનક તોફાન ઊઠે અને માણસોને ભરખી જાય, દરિયાના પેટાળમાં સૌ કોઈ ગરક થઈ જાય જે ત્યારે .. કલ્પના પણ ન કરી શકાય અને સર્જાય મોજામાં એક વિરાટ પ્રશ્નચિહ્ન,
એક કરુણાંતિકા, સમુદ્ર અને મૃત્યુ એક રહસ્ય બનીને રહી જાય.
આ દરિયો અને સિક્કાની બીજી બાજુ …આજ વાસ્તવિક્તા