સ્પંદન-35

જીવનનો નહિ સરળ માર્ગ
જો મનમાં હશે રાગ વિરાગ
પંથ જીવનનો જતો કપાઇ
પણ પુણ્યની નથી કમાઈ
મનમાં રહે જો ત્યાગભાવના
સફળ જીવનની મનોકામના
માનવ ઈશનું સુધામય સર્જન
કલ્યાણમાર્ગે ત્યાગમય અર્ચન.

પુષ્પમય  પ્રભાત અને પ્રભાતમય પુષ્પ. સૌંદર્ય એ પામવાની સૃષ્ટિ, માણવાની સૃષ્ટિ, અનુભવવાની સૃષ્ટિ. બંને શબ્દો એકસરખા લાગે છે પણ એક નથી. પુષ્પમય પ્રભાત એટલે પુષ્પોથી ભરેલું, સુવાસથી મઘમઘતું, સુંદર રંગોથી શોભતું, સુંદર છટાઓથી પુષ્પ વિન્યાસ કે ફૂલોથી વિવિધતા સર્જતું પ્રભાત. પ્રભાતમય પુષ્પ એટલે જેણે પ્રભાત અનુભવ્યું છે. શું પુષ્પ પણ પ્રભાત અનુભવે? હા, પ્રભાતનો સ્પર્શ પુષ્પોને પણ થાય છે. જેને પ્રભાતનો સ્પર્શ થાય તે પુષ્પ ખીલી ઊઠે, જીવંત થઈ ઊઠે, કળીમાંથી પુષ્પ બન્યાનો થનગનાટ શમતો ન હોય. સુંદર રંગ, કોમળતાનો સ્પર્શ, અને સુવાસનો સંગમ તો પુષ્પની સહજતા છે. અગત્યતા છે ખીલી ઉઠવાની, જીવંતતાની અને પ્રભાતનો સ્પર્શ માણવાની.

આપણી સવાર એટલે સ્વપ્નસૃષ્ટિનો અંત અને વાસ્તવના વિશ્વનો  કદમતાલ. દરેક ક્ષણ આ કદમતાલ અનુભવે છે અને તેમાં કશુંક પ્રાપ્ત થાય છે, તો કશાકનો ત્યાગ પણ કરવો પડે છે. ક્ષણોનો વર્તમાન જીવંત ન બને તો ક્ષણ ભૂતકાળમાં સરી પડે છે અને ઇતિહાસના પટારાનો વૈભવ બને છે. આપણા અનુભવોની યાદ, આપણી યાદોની સૃષ્ટિ અને આપણો ભૂતકાળ કદાચ ભવ્ય હોય તો પણ જીવંત નથી. યાદ રહે કે પ્રભાતને પામવાનું છે, ખીલી ઉઠવાનું છે અને દરેક પળની પ્રેરણા અને આપણા પરિશ્રમને પ્રારબ્ધના પુષ્પો સાથે મેળવીને જીવનનો પુષ્પગુચ્છ સુંદર બનાવવાનો છે.

જીવન એટલે ક્ષણોની સમજણનો સરવાળો. મહાન પુરુષો કે શ્રેષ્ઠ તત્વજ્ઞાનનો ઉદભવ જીવનની સાચી સમજમાંથી ઉદભવે છે. જીવનમાં શું કરવું અને શું ન કરવું તેવા બે માર્ગોની સાચી સમજણ એ જીવનની ચાવી છે. આ ચાવીથી  સુંદર ભવિષ્યનું તાળું ખૂલે છે. આપણા સ્વપ્નો અને આપણો વ્યવહાર, સફળતાની સીડીનું રહસ્ય શું? સફળતાની સીડી  સહુના માટે અલગ છે. આપણે સફળ થયા તેમ વિશ્વ તો કહે, પણ આપણું મન અને આત્મા કહે તો જ આપણે સફળ. જીવનની સમૃધ્ધિની વચ્ચે પણ કંઇક હજુ મેળવવાની કામના કે ઈચ્છા રહે તો તે તૃપ્તિ કે સંતોષ નથી પણ અતૃપ્તિ છે. શ્રાવણની સરી ગયેલી ક્ષણોના તત્વજ્ઞાન અને આત્મચિંતનને એકત્ર કરીએ તો ક્ષણની સફળતા એ આત્મસંતોષ છે અને જીવનની સફળતા એ પણ આત્મસંતોષ છે. ભરપૂર જીવ્યાનો આનંદ, સૃષ્ટિને માણ્યાનો આનંદ અને વિશેષ પામવાની કામનામાંથી મુક્તિ એ સફળ જીવનનું રહસ્ય છે. આ રહસ્ય ધર્મોનું સત્વ છે.

યાદ આવે ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર. ‘ तेन त्यक्तेन भूंजीथा:। ‘ અહીં જીવનના પરિત્યાગની વાત નથી પણ તેના પ્રત્યે આસક્તિ કે રાગના પરિત્યાગની વાત છે. અહીં ભોગ ભોગવવાની મનાઈ નથી પણ ત્યાગીને ભોગવવાની વાત છે.  આજે માનવ દુઃખી, અશાંત અને અસંતુષ્ટ જોવા મળે છે તેનું કારણ તેની પાસે જીવન જીવવાની ઉદ્દાત દૃષ્ટિનો અભાવ છે. જીવન ઈશ્વરનું અમૂલ્ય સર્જન અને ભેટ છે. તેને પરહિતમાં શ્રેયસ્કર, સુખદ અને સર્વ મંગલકારી બનાવી જ્યોતિર્મય પથ પર પ્રયાણ કરી શકાય, જ્યારે ત્યાગીને ભોગવવાની સમાજ આવે.

જીવનમાં ભક્તિ સાથે ત્યાગને પણ કઈ રીતે સ્થાન આપી શકાય તે પર્યુષણ પર્વનો મહાધ્વનિ છે. જૈન સમુદાયનું પર્યુષણ મહાપર્વ ધર્મના શ્રેષ્ઠ આદર્શો, જ્ઞાન, ભક્તિ અને ત્યાગ તથા સહનશીલતા સાથે તપ અને ક્ષમાભાવ સાથે શ્રેષ્ઠ સામાજિકતાનો પરિચય આપે છે. ત્યાગ એ ભારત ભૂમિનો આદર્શ છે. આ આદર્શને વાસ્તવિક જીવનમાં કઈ રીતે પ્રતિબિંબિત કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અને સાથે ભક્તિનું સંયોજન અહીં જોવા મળે છે. જ્યારે ઉપવાસ સાથે સંકળાયેલ આરાધના અને અન્ય મહાતપ માનવજીવનને મોહના સ્થાને ત્યાગનો જયઘોષ કરાવે છે ત્યારે આદર્શોની ઉચ્ચતા સિદ્ધ થાય છે. જીવનનો આદર્શ મોહ નથી પણ ત્યાગ છે, જીવન એક સાધન પ્રાપ્તિની દિશા તરફની દોડ નથી પણ તપસ્યા છે. તેનો હેતુ વસ્તુ અને વ્યક્તિઓ પ્રત્યેનો સમભાવ છે એવી ભાવના અહીં દ્રઢ થાય છે. આ જ સમભાવ સમાજમાં પ્રવર્તે જો પરસ્પર વ્યવહારમાં ક્ષમા ભાવના પ્રગટ થાય. ‘મિચ્છામી દુક્કડમ’ એ આનું  આદર્શ ઉદાહરણ છે. આવા ઉચ્ચ આદર્શોનું ચિંતન, મનન અને વ્યવહાર ‘વસુધૈવ કુટુમ્બકમ’ ને પણ સિદ્ધ કરે છે.

ત્યાગ એ માત્ર વિચાર જ નથી આચાર પણ છે. ત્યાગના તાણાવાણા ભારતભૂમિની તાસીર છે. ભારત રામની જન્મભૂમિ પણ છે અને કૃષ્ણની કર્મભૂમિ પણ છે. ત્યાગ કેવો હોઈ શકે? રામચંદ્રજીનું જીવનચરિત્ર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રામનો રાજ્યાભિષેક સવારે થવા જઈ રહ્યો છે. માતા કૈકેયીને પિતા રાજા દશરથે ભૂતકાળમાં આપેલા વચનના લીધે રામને મળે છે વનવાસ અને કૈકેયી પુત્ર ભરતજીને મળે છે અયોધ્યાની રાજગાદી. રામ પિતાના વચનનું પાલન કરવા ગાદીનો ત્યાગ કરે છે. જ્યારે રાજ્યાભિષેકની તૈયારી હોય ત્યારે પણ આદર્શ છે વચનપાલનનો. ત્યાગ કેવો હોય તેનો આદર્શ છે એક ક્ષણમાં ગાદી છોડી શકતા રામ.  ભાઈનો પ્રેમ કેવો હોય તેના આદર્શો લક્ષ્મણ અને ભરત પૂરા પાડે છે. ભરત પણ ગાદી સ્વીકારતા નથી પણ રામના પ્રતિનિધિ તરીકે અયોધ્યાનું રાજ્ય ચલાવે છે. જ્યાં ત્યાગ અને પ્રેમના આદર્શો હોય ત્યાં ભૌતિકતા પ્રવેશી શકતી નથી.

મોહ અને ત્યાગ નું શું મહત્વ છે અને માનવજીવન મોહમાં કઈ રીતે વ્યર્થ બને છે તે સંસ્કૃત સાહિત્યમાં ભમરા અને કમળની ઉપમા આપી સુંદર રીતે સમજાવાયું છે. ભમરો કમળથી મોહિત થઈને કમળની પાંખડીઓ વચ્ચે બેસે છે. સંધ્યાકાળે કમળ બંધ થતાં જ ભમરો અંદર કેદ થાય છે.  મોહજાળમાં સપડાયેલ માનવજીવનનું પણ એવું જ છે. મોહના કારણે તે પોતાની ખરી શક્તિઓ પારખી શકતો નથી.  જીવનરસને પ્રાપ્ત કરી શકતો નથી કે વિકાસ પણ પામી શકતો નથી. માનવજીવનનો હેતુ વિકાસ છે. જે મોહ જાળને ભેદી શકે તે જ વિકાસ પામી શકે, ગુણોનું સંવર્ધન કરી શકે અને શ્રેષ્ઠતા તરફ કદમ માંડી શકે.

ત્યાગ એ ભૌતિકતા અને મોહથી દૂર લઈ જઈ આદર્શમય જીવન તરફનો વિકાસ છે. આત્મવિકાસની મંઝિલ તરફ પ્રગતિ કરાવતા આપણા આ તહેવારોમાં તત્વજ્ઞાન છે, વિવિધતા છે અને સમાજમાં સ્થાપિત કરવાના ભ્રાતૃભાવ અને પ્રેમનો સંદેશ પણ છે. આ બધાના પરિણામે માનવજીવન સમૃધ્ધ બને છે, ઉલ્લાસ અને ઉમંગ જીવનમાં વ્યાપે છે. ઉત્સવો માણીને જીવન સુવાસ પ્રગટાવીએ તો પ્રેરણાના પુષ્પો  વાસ્તવિક જીવનને સુવાસિત બનાવે છે. જીવન અને આપણું અસ્તિત્વ એ ખુદ એક ઉત્સવ છે. ઉત્સવ ઉજવીએ ત્યારે આ ઉત્સાહ પામીને ધન્ય બનીએ, શ્રેષ્ઠતાનું સર્જન કરી જીવનને જીવંતતા તરફ અભિમુખ કરીએ તો જીવન ઉમંગ અને ઉલ્લાસ સભર ફૂલ છે અને તે જ છે આપણું પ્રેરણા પુષ્પ.

રીટા જાની
17/09/2021

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.