અજ્ઞાતવાસ-૩૨

I can’t say

‘I can’t say’ મને ખૂબ ગમતી ઘોડી હતી. હું તેને મળવા રોજ જતો. તેને ગાજર બહુ જ ભાવે એટલે હું તેના માટે ગાજર લઈને જાઉં.મને દૂરથી જોઈને એતો એટલાં વહાલ અને ઉન્માદ સાથે દોડીને પ્રેમભરી હણહણાટી કરતી મારી સોડમાં લપાઈ જતી.મારી તરફ તેનાં વહાલને વરસાવવા તે તેના શરીરનો સ્પર્શ મને તેનું શરીર અડાડી અને મારાં મોં પર ઉચ્છ્વાસ ફેંકી કરતી.હું તેને વહાલથી આખા શરીરે પંપાળી ,તેની કેશવાળીમાં હાથ ફેરવતો ફેરવતો ગાજર ખવડાવતો. આ મારો રોજનો નિયમ થઈ ગયો હતો. અબોલ પ્રાણીઓનો પ્રેમ,બોલતા માણસો કરતાં અનેક ઘણો વધુ હોય છે, તે તો જે એ પ્રેમને પામે તે જ સમજી શકે.અને અચાનક એક દિવસ હું તેને મળવા ગયો તો ખબર પડી કે તે તબેલામાંથી કૂદીને ફરી ભાગી ગઈ છે!, હું ખૂબ અપસેટ થઈ ગયો.મને થયું ચોક્કસ મારી વહાલી ઘોડીને કોઈએ હેરાન કરી છે ,કે ચાબુક ફટકારી એની પાસે એને નગમતું કામ કરાવ્યું હશે! તે ખૂબ લાગણીશીલ ઘોડી હતી.એટલે જ ભાગી ગઈ લાગે છે.


બે ચાર દિવસ પછી ખબર પડીકે ‘i can’t say ‘પલોના ફાર્મમાં, કોઈ જ્યુઈશ બોબ રોબર્ટનાં ફાર્મ પર છે. હું રોબર્ટનાં ફાર્મ પર ટોની સાથે ગયો. મને હવે કોઈપણ ભોગે ‘I can’t say ‘ખરીદવી હતી. પણ એટલા પૈસા હતાં નહીં. હું તો વેટર્નર બુટેનબુચ સાથે સવારે અને અકબર રેસ્ટોરન્ટમાં સાંજે કામ કરતો હતો ત્યારથી ટોની સાથે એપાર્ટમેન્ટમાં રહેતો હતો.એટલે તેને રાખવાની જગ્યા પણ હતી નહીં.હું પલોના ફાર્મ પર રોબર્ટને મળ્યો,તેની સાથે દોસ્તી કરવા અનેક વાતો કરી. મેં તેને વાત કરતા કહ્યું,”હું નામી વેટર્નર બુટેનબુચ સાથે કામ કરું છું અને મેં ગોસડેનનાં શ્રેષ્ઠ ગણાતાં તબેલામાં રહીને પણ કામ કર્યું છે,તેમજ ઘોડો મારો પહેલો પ્રેમ છે અને સાંજે હું ઈન્ડિયન ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું પીરસતી અકબર રેસ્ટોરન્ટમાં કામ કરું છું,”રોબર્ટે મને કહ્યું,”મને ભારતીય મસાલેદાર ખાવાનું બહુજ ગમે છે,” મેં તેને અકબર રેસ્ટોરન્ટમાં ડિનર માટે આમંત્રણ આપ્યું.તેના તબેલા માટેનો વેટર્નર પણ બુટેનબુચ જ હતો. તેણે મારા અંગે તેને પણ થોડી પૂછપરછ કરી કારણ તેનાં બીજા પણ એક્સપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધા હતાં,તે ભારતથી સ્લેટ અને ગ્રેનાઈટ અમેરિકા ઈમ્પોર્ટ કરતો હતો.

રોબર્ટ ડિનર પર આવ્યો ત્યારે તેણે મને જણાવ્યું કે હું બીજા અનેક ધંધા સાથે સંકળાયેલો છું.આમ પણ જ્યુઈશ લોકો ખૂબ ચાલાક,ધંધામાં કાબિલ અને ખૂબ મહેનતું અને માલેતુજાર પ્રજા છે.રોબર્ટે મને કહ્યું કે, “હું ઇન્ડિયાથી સ્લેટ અને ગ્રેનાઈટ ઈમ્પોર્ટ કરું છું. મારો વેપારી મારી પાસેથી બહુ ઊંચા ભાવ લે છે. હું તને માલ ખરીદવાની જગ્યાનું નામ આપું. તને ઈન્ડિયા જવા આવવાની ટિકિટ આપું અને તું ત્યાંથી જે કન્ટેનર મોકલે તેનાં સ્ક્વેરફૂટ પર ૩ થી ૪ ડોલર કમીશન પણ આપું. મેં તારી જાણકારી બુટેનબુચ સાથે વાત કરી લઈ લીધી છે.તે પણ ‘તું ખૂબ હોંશિયાર અને ખાનદાન કુંટુંબનો છોકરો છે તેવું ‘કહેતા હતા.તો તું વિચારીને મને કહે તારે શું કરવું છે?”


મને ,આમ પણ ઈન્ડિયા ગયે આઠ નવ વર્ષ થઈ ગયાં હતાં,તેમાં ઈન્ડિયા જવા -આવવાની ટિકિટ અને નવા એક્સપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધાની માલેતુજાર પાર્ટી સાથે કામ કરવાની તક ,હું શું કામ છોડું?મેં પણ બીજા દિવસે રોબર્ટની કંપની અંગેની ,રોબર્ટ અંગેની તેમજ મારે જ્યાંથી સ્લેટ અને ગ્રેનાઈટ લેવાનો હતો ,તે મનુભાઈ એન્ડ સન્સની ,ત્રાંબાંકાંટાં મુંબઈમાં આવેલ ગોડાઉનની તપાસ કરી લીધી. હું થોડા સમય માટે ઈન્ડિયા જવા તૈયાર થઈ ગયો. મને થયું આ ધંધો સેટ થઈ જાય તો હું લોસએંજલન્સમાં મારું પોતાનું ઘર ,મારી ગમતી ઘોડી’I can’t Say ‘ખરીદી શકું અને મારી ગર્લફ્રેન્ડ સફીદેનાં પિતાને અને સફીદેને પણ ઈમ્પ્રેસ કરી દઉં.


હું બીજા જ અઠવાડિયે થોડો સમય કામ પર રજા લઈ ઈન્ડિયા જવા નીકળી ગયો. વર્ષો પછી મારાં બધાં મિત્રોને મળીને આનંદિત થઈ ગયો અને મારાં મુંબઈનાં બ્રીજકેન્ડીની દરિયાની એ ભેજની ભીનાશ ભરેલ હવા શ્વસીને જાણે પુલકિત થઈ ગયો……અને ’મનુભાઈ એન્ડ સન્સ’માંથી સ્લેટ અને ગ્રેનાઈટનાં બે કંન્ટેનર રોબર્ટે પૈસા મોકલ્યા તેમાંથી ખૂબ મહેનત કરી જલ્દી મોકલી દીધાં.

મારો એક મિત્ર હેમંત અને તેના પિતા બુકી હતા.હેમંત રેસટ્રેક પર હેન્ડીકેપર હતો. હું તબેલામાં વિશ્વનાં ટોચનાં ટ્રેનર ગોસડેન પાસે હોર્સ મેનેજમેન્ટ શીખેલો,પણ ભારતમાં હું મિત્રોને તે સમજાવું તે તેમની સમજ બહાર હતું. મારે ઇન્ડિયાનાં ઘોડાનાં માલિકને મળવું હતું ,જાણકારી માટે કે તેમને ઘોડાનાં ઉછેર,કાળજી તેમજ ઘોડા બાબતે કેટલી જાણકારી હોય છે.?મેં હેમંતને કહ્યું ,”મને કોઈ ઘોડાઓનાં માલિક પાસે લઈ જા. તે મને જે.પી. મહેતા પાસે લઈ ગયો.તેની પાસે છ ઘોડા હતાં. તે બહુ મોટી રેસ રમતો બે લાખ,પાંચ લાખની.તે હેન્હેડીકેપર હેમંતનું બધું સાંભળે. 

મને મળી ,મારાં ઘોડાજ્ઞાનથી તે ખૂબ પ્રભાવિત થઈ ગયો.હવે જે.પી. જાણી ગયો કે હેમંત કરતા પણ મારી પાસે ઘોડા અંગે વધુ જાણકારી છે. તે રોજ મને રેસકોર્સ પર ઘોડા બતાવી -શું લાગે છે ?તે પૂછવા ,મારો ખાસ જીગરી હોય તેમ ,મને તાજ ,ઓબેરોય જેવી હોટલમાં જમવા અને ઊંચામાનો દારુ પીવા લઈ જતો. મારી પાસે રેસનાં ઘોડા અંગે જાણકારી લઈ,પછી રેસ ફીક્સીંગ કરી લખલૂટ પૈસા કમાતો – જેની મને અને હેમંતને બહુ પાછળથી ખબર પડી.તે મને એક દિવસ એક બહુ મોટા મુંબઈનાં ઘોડાનાં ટ્રેનર અલતાબ પાસે લઈ ગયો. અલતાબની પાસે એક ‘ઈલુ ઈલુ’ કરીને ઘોડી હતી. અલતાબને તે જે.પી.મહેતાને વેચવી હતી. જે.પી. ને અલતાબે કહ્યું હતું કે ‘ઈલુ ઈલુ’ બહુ ખતરનાક અને પાણીદાર ઘોડી છે. મેં તો જોઈને કહ્યું કે ‘ ઈલુ ઈલુ’ની ઘૂંટીમાં વાનો સોજો છે ,તે તો લંગડી ઘોડી થઈ જશે. તે ન ખરીદાય. અલતાબ મારાં પર ખૂબ ગુસ્સે ભરાયો. જે.પી. ને કહે ,”કૌન હૈ યે લડકા? બહાર નિકાલો ઈસે.” એના તો પાંચ છ લાખ રૂપિયાનો સોદો ફોક થઈ ગયો. જે.પી.એ મારી વાત સાંભળી ‘ઈલુઈલુ’ નાં ખરીદી અને ખરેખર તે ઘોડી ક્યારેય કોઈ રેસમાં જીતી નહીં.

હવે મારો સ્લેટ અને ગ્રેનાઈટનો એક્સપોર્ટનો ધંધો સેટ થઈ ગયો હતો. હું દર બે ત્રણ મહિને ઈન્ડિયા સ્લેટ અને ગ્રેનાઈટનાં કન્ટેનર મોકલવા આવતો હતો.મને પૈસા સારા મળતાં હોવાથી મેં લોસએન્જલસમાં ડાયમન્ડ બારમાં સરસ ઘર ખરીધ્યું.હવે હું રોબર્ટ સિવાયનાં અમેરિકાનાં લોકો માટે પણ ગ્રેનાઈટ અને સ્લેટનાં કંટેનરનાં ઓર્ડર મેળવવા લાગ્યો,પણ L.C છોડાવવાં મારે વધુ પૈસાની જરૂર પડવા લાગી.

મને કોઈ ઈન્ડિયન પાસેથી જોસેફ નામનાં માણસની માહિતી મળી. જે સાઉથ ઈન્ડીયન ખૂબ ભણેલા બેંકર હતો.હું મારી ૫૦,૦૦૦ ડોલરની L.C.ખોલવા માટે તેને મળવા ગયો. બેંકમાં જોસેફનું જ રાજ હતું. તે ગમે તે ગફલા કરીને,પૈસા ખાઈને,પૈસા ખવડાવીને કોઈપણ કામ કરી આપતો. તેણે મને ડીનર પર બોલાવી કહ્યું,” હું તને L.C તો ખોલાવી આપું,પણ તેની સામે તારે મારું એક કામ કરવું પડે.”તેણે મને કહ્યું,” બધાં ઈન્ડિયન સ્ટોરમાં પાનપરાગનાં ડબ્બા તારે જઈને હું જે ભાવ કહું તે ભાવે વેચી આવવાનાં. “પાનપરાગનો ડબ્બો ઇન્ડિયામાં બાવન રુપિયાનો મળે. અમેરિકામાં તે જ ડબ્બા ૧૦ ડોલરમાં મળે એટલે માર્જીન ૧૦૦ ટકાનું.”ટોની પાન પરાગ ખાય તેને તો ,સસ્તા ભાવે પાનપરાગ મળી જાય ,એટલે તેતો ખુશ થઈ ગયો.ટોની અને મેં સાથે મળી આ કામ કરવાની હા પાડી. હું સવારે તો બુટેનબુચ સાથે કામ કરતો,અકબર રેસ્ટોરેન્ટમાં સાંજે કામ કરતો. વચ્ચેનાં બપોરનાં સમયે અમે પાનપરાગ ઈન્ડિયન સ્ટોરમાં ડીલીવરી કરવા જતાં. તેમાં પણ અમને બંનેને એક વખત ડીલીવરી કરીએ તો ૧૦૦ ડોલર મળતાં.


હવે મને આટલા જાતજાતનાં ધંધા કરતો જોઈ તેમજ બે ત્રણ મહિને ઈન્ડિયા જતો જોઈ સફીદે મારાં પર બહુ ખુશ રહેતી. હું ઇન્ડિયાથી તેના માટે ઈન્ડિયન ડિઝાઈનર ડ્રેસીસ લઈ જતો. તેને દરેક વખતે અનેક મોંઘી ભેટ આપતો. તેની સાથે રોજ ફોનથી વાત કરતો.સંગેમરમર જેવી સુંદર ઈરાની છોકરી સફીદે જ્યારે ભારતીય ડિઝાઈનર ડ્રેસ પહેરતી તો સ્વપ્નસુંદરી કે અપ્સરા જેટલી સુંદર દેખાતી.હું સફીદેને હંમેશ માટે મારી બનાવવા અને ‘I can’t say’ ને ખરીદવા પૂરા મન હ્રદયથી મહેનત કરી રહ્યો હતો.

જિગીષા દિલીપ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.