હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો…
બે એક કલાક હું ઘસઘસાટ એરપોર્ટના રુમમાં બેન્ચ પર જ સૂઈ ગયો અને ઊઠ્યો ત્યાંજ એક ઓફીસરે મને પૂછ્યું,”R you ok? You need anything?” મેં ના પાડી અને તેણે મને કહ્યું કે “તમે હવે આ તમારો સામાન લઈ જઈ શકો છો.” મારી બધી તપાસ કરતાં હું ગ્રીનકાર્ડ હોલ્ડર હતો એટલે મને જવાનું કહ્યું. મેં મારી મોટી બહેન નીનાને ફોન કરી એરપોર્ટ પર લેવા આવવાનું કહ્યું. તે મારા કોઈને જણાવ્યા વગર ,અચાનક અમેરિકા આવી જવાથી જરા આશ્ચર્યચકિત હતી. પરતું તરત જ મને લેવા આવી ગઈ.નીના અને નરેનભાઈ તેના પતિએ મારી ખૂબ સારસંભાળ લીધી. નરેનભાઈનાં બેન અને બનેવી લોસએંજલસમાં સર્જન હતાં એટલે મને તેમણે L.A જઈ તેમની દેખરેખ નીચે સારવાર કરાવવાનું નક્કી કર્યું. બંને ડોક્ટર હોવાથી ખૂબ વ્યસ્ત હતાં એટલે મેં મારાં અંગત મિત્ર માધવરાજને ફોન કરી તેમને ઘેર રહેવાનું નક્કી કર્યું.
નરેનભાઈનાં બનેવીએ મારી એક નાની સર્જરી કરી પણ તેમનાં મતે મારે દર બે ત્રણ મહિને સ્ક્રેપીંગ કરાવવું પડશે અને કોલોસ્ટ્રોમી કરાવવી પડશે તેમ કહ્યું.કોલોસ્ટ્રોમીમાં મળદ્રારનાં બદલે પેટ પર હોલ કરી તેમાંથી ટ્યુબ નાંખી કોથળી રાખી તેમાં ટ્યુબથી મળ એકઠો થાય અને કોથળી બદલવી પડે વિગેરે ,જેને માટે હું જરાપણ તૈયાર નહોતો. એમણે બીજા નામી ડોક્ટરોને બતાવવા માટે સજેશન,એડ્રેસ અને ભલામણ પત્ર પણ લખી આપ્યા પણ મારી પાસે એ ડોક્ટરોને બતાવવા માટે કે સર્જરી કરાવવાનાં પૈસા નહોતા.ત્યારે તેમણે મને છેલ્લા વર્ષનાં U.S.C. નાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલતી હોસ્પીટલનું પણ સજેશન આપ્યું,જ્યાં બધી સવલતો સાથે ટ્રીટમેન્ટ ફ્રી થાય. હું ત્યાં બતાવવા ગયો.
ત્યાં મને એક સરસ અમેરિકન છોકરી લીઝા સાથે પરિચય થયો. તેણે મારામાં ખૂબ રસ લઈ ,રીસર્ચ કરી મને હિંમત અને આત્મવિશ્વાસ આપ્યા. તે કહેતી ,” નકુલ,તું એવા બેક્ટેરિયા સાથે આવ્યો છે ,જેનો ઈલાજ બહુ અઘરો છે પણ આપણે ગમે તેમ કરીને મટાડીશું. એણે રોજ જુદા જુદા એન્ટીબાયોટીક અને મહિને દોઢ મહિને સ્ક્રેપિગ કરવાનું ચાલુ રાખ્યું ,પણ મહિનો થતાં ,તો ખાડો સફેદ પ્રવાહીથી ભરાઈ જતો. હવે લીઝાએ રીસર્ચ ઈન્ટરનેટ પર શરુ કરી અને આખી દુનિયાનાં ડોક્ટરોને ચેલેન્જ આપતી ,મારી બધી વિગતો ઈન્ટરનેટ પર મૂકી. ત્યારે જર્મનીનાં એક ડોક્ટરનેા જવાબ આવ્યો કે ,”આનો રસ્તો મારી પાસે છે અને આનું સફળ ઓપરેશન મેં કર્યું છે ,પણ અમેરિકાનું લાયસન્સ મારી પાસે નથી અને અમેરિકાનાં મેડિકલનાં કાયદા ખરાબ છે તેથી ,હું ત્યાં આવી ઓપરેશન ન કરી શકું.”લીઝાએ તરત જ વળતાં ઈમેઈલમાં લખ્યું,” ડોક્ટર અમે તમને ટિકિટ મોકલાવીએ છીએ ,તમે અમારી સાથે ઓપરેશનમાં ઊભા રહો, તો તમે બતાવશો તેમ તમારી હાજરીમાં ,તમારી હાજરી અને દોરવણી હેઠળ ,અમે ઓપરેશન કરીશું.” ડોક્ટર તૈયાર થઈ ગયા આવવા માટે …
તે દરમિયાન મારી અને લીઝાની આટલી દોસ્તી થવાનું કારણ શું હતું ખબર છે? લીઝા એક કાબિલ ડોક્ટર હતી પણ તેનાં પિતા સ્કોટલેન્ડનાં હતાં. તેમની પાસે ખૂબ મોંઘો પોતાનો ઘોડો હતો અને તે કંટકીની રેસમાં દોડતો. હું હોસ્પીટલનાં મારાં એકાંતવાસનો ટાઈમ પાસ કરવા ઘોડાની રેસ જોતો અને લીઝાને દરવખતે બતાવતો કે આ ઘોડો જીતશે. તે મારા ઘોડજ્ઞાનથી મારી પર આફરીન થઈ ,ઘોડા અંગે,મારાં જીવન અંગે,મારા એકલપણા વિશે વાત કરતી. મને ડ્રેસિંગ કરતાં પણ તે મારી તીણી ચીસો અને વેદનાને સમયે શરીર પર તેનાં હાથ પ્રસરાવી સાંત્વના આપવા કોશિશ કરતી.તેનો આ સુંવાળો સ્પર્શ મને પ્રેમ અને હુંફ પૂરતા , જે મારાં એકાંતવાસમાં સહિયારો બનતાં.
લીઝાનાં પ્રયત્ન,ભગવાનની મહેરબાનીઅને મારી ધીરજને અંતે મારું ઓપરેશન સફળ થયું. ડોક્ટર કહે તમારે જો ઘા રુઝાવો હોય તો સતત ચાલતાં રહેવાની નોકરી કરજો ,તો લોહી ફરતું રહેવાથી જલ્દી સારું થઈ જશે. પણ હજુ મારી પાસે અમેરિકામાં સર્વાઈવ થવા નોકરી હતી નહીં. માધવરાજ અને તેમનાં પત્નીએ મને છ સાત મહિના એમને ત્યાં રાખ્યો પણ મારાં દુર્ગંધ મારતાં શરીર અને કામવગરનાં માણસનો ભાર ,કોઈ અમેરિકામાં ક્યાં સુધી વેંઢારે? એક દિવસ હું તેમનાં બગીચામાં સાંજે બેઠો હતો ત્યારે માધવરાજે મારાં રુમમાં જઈ મારાં બધાં કપડાં એકઠાં કરી બેગ ભરી દીધી. ગાડીની ટ્રન્કમાં બેગ મૂકી દીધી.મને માધવરાજ કહે ,”ચાલ, નકુલ બિયર પીવા જઈએ.”મને બીયર પીવાને બહાને ગાડી સીધી એરપોર્ટ લઈ ગયાં.
ત્યાં એરપોર્ટની રેસ્ટોરન્ટમાં બીયર પીવડાવતાં મને કહ્યું,” નકુલ,તું મારો ખૂબ સારો મિત્ર છે, પરતું મારી પત્ની અને હું તારાં શરીરની તેમજ તારાં કપડાંની ભરાએલ દુ્ર્ગંધને ઘરમાં હવે સહન નથી કરી શકતા.તારા પપ્પાનાં પણ તને પાછો ભારત બોલાવવા ફોન આવે છે.હું તારી ફ્લાઈટની ટિકિટ અને બેગ લઈને તને ભારત પાછો મોકલવા અહીં લઈને આવ્યો છું.”
હું તો એકદમ આભો જ બની ગયો! મને શું કરવું તે સમજાયું નહીં.પણ હું તેમને ખૂબ દિલગીરી સાથે ભારોભાર વેદનાથી કહેવા લાગ્યો ,” મને સમજી શકો એવા નિકટનાં મારા મિત્ર માત્ર તમે જ છો. તમે મને મારાં ખરાબ સમયમાં ખૂબ મોટી મદદ કરી છે. મારું ઓપરેશન ડોક્ટરોનાં કહેવા મુજબ સફળતાથી પાર પડ્યું છે. હું તમારી અને ભાભીની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. મને માત્ર પંદર દિવસનો સમય આપો. પંદર દિવસ પછી હું તમારા ઘરમાંથી ચાલ્યો જઈશ. કંઈ નહીં થાય તો ત્યારે મને તમે ઈન્ડિયા જવા એરપોર્ટ પર મૂકી જજો.”મને આમ ઢીલા અવાજે મારાં તબિયતની વાત કરતો અને પંદર દિવસ વધુ રહેવાની માંગણી કરતો સાંભળી તેમણે મને પૂછ્યું,”પંદર દિવસમાં એવું શું થશે? તું શું કરીશ?”મને પણ કંઈ ખબર નહતી કે હું શું કરીશ ?
પણ ભારત જઈ મારે મારી તબિયતની અવદશા કોઈપણ હિસાબે થવા નહોતી દેવી. અહીં તો દવા અને ઓપરેશન પણ ફ્રી થતાં હતાં.મારાં નિરાશ કરગરતાં અવાજની માધવરાજનાં હ્રદય પર અસર થઈ. મને માધવરાજે વધુ પંદર દિવસ તેમના ઘેર રહેવા દીધો.તેમનાં પત્નીને મોં બતાવવાનું હવે મારે માટે ખૂબ કઠણ હતું. મારી રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પરતું મને ધીરે ધીરે રુઝ આવવા માંડી હતી એટલે એ વાતે ,હું ખુશ હતો. ડોક્ટરે મને ચાલવાનું કીધું હતું એટલે હું વહેલી સવારે ચાલવા જતો રહેતો અને માધવરાજ મને તેમની પત્નીને મોઢું મારું જોવું ન પડે એટલે ખિસ્સા ખર્ચીનાં ડોલર પણ આપતાં. હું લાઇબ્રેરીમાં બેસીને બહાર જ ખાઈ પીને સમય પસાર કરતો હતો.
આમ ને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું. હવે શું કરીશ? મારા કાળા ભવિષ્યની ચિંતા કરતો હું લાઈબ્રેરીમાં રવિવારનું જાહેરખબરોથી ભરપૂર ,છાપાનાં પાના ઉથલાવતો હતો અને મેં એક જાહેરાત વાંચી.તે એડવર્ટાઈઝ ‘Horseman’s Benevolent Protection Association ‘ની હતી.તે સમયે કેલિફોર્નિયાનાં રેસટ્રેક પર મોટેભાગે ઈલીગલ ,સેનડીયાગોની હદમાંથી ઘૂસેલા મેક્સીકનો જ ઓછા પગારે કામ કરતાં.INS ની મોટી રેડ પડતાં ,તેમાં આ બધાં ઈલીગલ મેક્સીકનો પકડાઈ ગયેલા.એટલે રેસટ્રેકનાં ઘોડાનાં ટ્રેનરોએ H.B.P.S.ને મોટી એડવર્ટાઈઝ લોસએન્જલસ ટાઈમ્સમાં આપવાનું કહ્યું કારણકે employee વગર ટ્રેઈનરો હેલ્પલેસ થઈ જાય.
એડવર્ટાઈઝમાં લખ્યું હતું. “જે માણસને ઘોડામાં રસ હોય, ગ્રીનકાર્ડ હોય અને અંગ્રેજી આવડતું હોય તેનાં માટે નોકરી તૈયાર છે.” હું એકપળનો પણ વિલંબ કર્યા વગર ત્યાં પહોંચી ગયો. મેં મને ઘોડા ખૂબ ગમે છે. અને મને ઘોડાની અને રેસની જાણકારી છે ,તેની વાત કરી.તેમજ મારી યુવાન વય અને ફ્લુઅન્ટ ઈંગ્લીંશ બોલવાની આવડતથી એ લોકોએ મને તરત જ નોકરી માટે હા પાડી દીધી. તેઓએ મને રેસટ્રેકની પાછળ જ સરસ એપાર્ટમેન્ટ એક બેડરુમ ,કીચન,હોલનુ બતાવ્યું. ગ્રોસરી પણ એ લોકો જ આપે. મને રહેવા ખાવાનું ફ્રી અને ઉપરથી અઠવાડિયાનો ૩૦૦ ડોલર પગાર પણ મળે. ભગવાને મારાં ખરાં હ્રદયની પ્રાર્થના સાંભળી લીધી. મેં ઘેર જઈ મારી બેગ ભરી માધવરાજને કહ્યું ,”મને મારી બે બેગ અને સામાન સાથે આ રેસટ્રેક પર ઉતારી જાઓ.”તેં તો મારી સામે જ જોઈ રહ્યાં. મને કહે,” ભાઈ, તું ત્યાં જઈને શું કરીશ?” મેં કહ્યું ,”મને નોકરી મળી ગઈ છે.”તે તો મારી સામું જોતાં જ રહ્યાં. રસ્તામાં મેં તેમને બધી વાત કરી. તેમણે મને કહ્યું,”હું તને ઉતારી દઉં છું. પણ તારે ક્યારેય પણ મારું કામ હોય તો ફોન કરજે.”હું તેમનાં લાગણીસભર બોલાયેલ શબ્દો અને મને છ મહિનાનાં મારાં ખૂબ ખરાબ સમયમાં આપેલ આશરાથી ગદગદીત હતો. તેમને ભેટીને હું છૂટો પડ્યો.
મારું પોતાનું સ્વતંત્ર ઘર ,મારી સુધરી રહેલ તબિયત,નોકરીમાં થોડા પૈસાની આવક અને કોઈનાં પણ ઉપકાર વગર મને ગમતાં ઘોડાઓ સાથે રહેવાનું. શનિ-રવિ રેસકોર્સ પર રેસ જોવાની – બધુંજ મારું ગમતું. હું ખૂબ ખુશ થતો સૂવાની તૈયારી કરતાં ,બારીમાંથી દેખાતાં પૂનમનાં ચંદ્રને શીતળ ચાંદની વેરતો જોઈ રહ્યો હતો અને મને એવીજ શીતળતા આપતાં મારા રુખીબા મારી પાસે હોય તેવી અનુભૂતિ થવા લાગી.નાનો હતો ત્યારે જેમના ખોળામાં માથું મૂકી મને સૂવાડતાં સૂવાડતાં ગાતાં હતાં તે વિનયપત્રિકાનું તુલસીદાસનું ભજન મારાં કાનમાં ગુંજવા લાગ્યું,
“હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો,હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો,
કોટિન્ મુખ ,કહી ન જાત પ્રભુ કે ,એક એક ઉપકાર,
હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો,”
અને આમ રુખીબાનાં ખોળામાંજ, અસીમની કૃપાને માણતો કેટલાય મહિનાઓ પછી શાંતિથી સૂઈ ગયો.ભગવાન ખરેખર મારું ધ્યાન રાખે છે તેની ખબર તો મને બીજા દિવસથી મારે શું કામ કરવાનું છે તેની મને ટ્રેઈનીંગ અને સમજ આપવામાં આવી ત્યારે પડી.
જિગીષા દિલીપ
આજ સુધી નકુલ સામે વાર્તાના પ્રકરણના અંતે કોઈ એક નવી આફત આવીને ઊભી રહી હતી એટલે આજે પણ અંત સુધીમાં એવો કોઈ આઘાત આવશે એવી દહેશત હતી. પરંતુ હવે નકુલના હિંમત હાર્યા વગર આજ સુધી કરેલા અથાક અને અથાગ પ્રયત્નને ઈશ્વરનો સાથ મળશે એવી આશાનું આજે કિરણ દેખાયું છે.
જાણે એના જીવનમાં ઈશ્વરની હાજરીનો અનુભવ થશે એવો વિશ્વાસ ઊભો થયો છે.
આવતા અંકની આતુરતાપૂર્વક રાહ…
LikeLike