એક સિક્કો બે બાજુ :26) હે જી તારાં આંગણિયા પૂછીને જો કોઈ આવે તો –


તમે કહેશો , “ એ પંક્તિઓ તો અમને આવડે છે : હે જી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપ જે! “
હા , આપણી સંસ્કૃતિ અતિથિ ને દેવ સમાન ગણે છે ; અને ગરીબ , હતાશ , દુઃખી જનને પ્રેમથી આવકારવા પ્રેરે છે .
કેવી ઉમદા વાત ! કેવું ઉમદા તત્વજ્ઞાન ?
પણ , આ ઉમદા સિક્કાની બીજી બાજુનો વિચાર તમે કર્યો છે , ક્યારેય ?
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે , તદય અપિ અર્થ ના સરે !
આ વર્ષે આપણો ભારત દેશ સ્વતંત્ર્યનાં ૭૫ વર્ષ પુરા કરે છે ત્યારે દેશના ઇતિહાસ પર એક નજર કરીએ – આપણી ભલમનસાઈ ( અને બીજા અવગુણો પણ ખરા ) એને લીધે દેશ કેવી પરતંત્રતામાં સદીઓ સુધી સબડયો હતો !!
આમ તો આપણી સઁસ્કૃતિ ઉજ્જવળ , દિવ્ય અને ખેડાયેલી !
ઋષિ મુનિઓએ વર્ષો સુધી તપ કરીને ભારત ભૂમિને દિવ્ય બનાવેલ .
આપણે ત્યાં શાસ્ત્રો અને શસ્ત્રોના અભ્યાસ માટે દેશ વિદેશથી – દૂર દૂરથી લોકો ભણવા આવતાં અને પોતાને દેશ જઈને આ સઁસ્કૃતિની વાતો કરતાં. વ્યાપાર ઉદ્યોગમાં પણ આપણો દેશ પારંગત હતો ! અને કેમ ના હોય ? અહીં રાજાઓ રાજ્ય કરતાં , ક્ષત્રિયો દેશનું રક્ષણ કરતાં , બ્રાહ્મણો સૌને વિદ્યા પ્રદાન કરતાં અને વૈશ્યો વેપાર કરતાં ! અને એક વર્ગ ક્ષુદ્ર – એટલે કે ક્ષુધા આતુર – અર્થાત જે તરસ્યો છે તે : અર્થાત સ્વામીની સેવા કરનારો ,સમાજની સેવા કરનારો , રાજ્યની સેવા કરનારો ,સેવક વર્ગ ! અને રાજા , વેપારી અને વિદ્યા ગુરુ સૌ એની સંભાળ રાખે , એનાં કુટુંબનું ભરણ પોષણ કરે !
બસ , બધું જ વ્યવસ્થિત ! સરસ ! સુંદર !
સ્ત્રીઓને દેવી સમાન ગણવામાં આવે – યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે , રમન્તે તત્ર દેવતાઃ!
રાજાઓમાં ક્યારેક કોઈ એવો રાજા આવે જે પ્રજાનું કલ્યાણ કરવામાં આળસ કરે , તો ઋષિ મંડળ રાજાને સલાહ આપે , ને રાજાએ તે સ્વીકારવી પડે . સ્ત્રીઓનું ગૌરવ જળવાય અને માતા સ્વરૂપે એનું પૂજન થાય .
બાળકોના ઉછેર માટે પણ સ્પષ્ટ વિચાર : લાલયેત પંચ વર્ષાણિ, દશ વર્ષાણિ તાડયેત , પ્રાપ્તે તું સોડશે વર્ષે , પુત્રમ મિત્રમ સમ આચરેત !
પણ આ બધું જ કાળના પ્રવાહમાં ધીમે ધીમે બદલાવ માંડ્યું !
ધીમે ધીમે વેપાર કરવા આવતાં પરદેશીઓને બદલે હવે દેશ પચાવી પાડવાના ઈરાદાથી લૂંટારાઓ આવવા મંડ્યા !
આપણી સંસ્કૃતિ તો કહે :
પર દુઃખખે ઉપકાર કરો ; અને – પરધન નવ ઝાલો હાથ રે !
પીડ પરાઈ જાણો અને પર સ્ત્રી ને માતા સમાન ગણો ! કેટલા ઉમદા વિચારો !
પણ , દશમી અને અગિયારમી સદીથી દેશમાં ઉત્તર દિશાથી આવનાર લોકો એમ ભણી ગણીને કે વહેપાર કરીને પાછા જનારાં નહોતાં. એ તો લૂંટ કરવા આવેલાં. એ લોકોએ બળજબરીથી દેશની પ્રજાનું ધર્મ પરિવર્તન કરવા માંડ્યું . સ્ત્રીઓને બળજબરીથી પોતાના જનાન ખાનામાં રાખી અને લોકોને ગુલામ બનાવવા માંડ્યાં.
જે સઁસ્કૃતિ ‘જીવો અને જીવવા દો’ એમ વિચારતી હતી તેમાં ઋષિ મુનિઓ આ બીજી બાજુનો વિચાર કરવાનું ભૂલી ગયાં હતાં !
ધર્માન્ધ વિધર્મી હુમલાઓ સામે ટકી શકવાનું આપણી પાસે બળ જ ક્યાં હતું ?
આપણે ત્યાં ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા સંતો થઇ ગયાં જેમણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની સ્થાપના કરી હતી , જેઓએ એ શાંતિ સંદેશ વિશ્વમાં પહોંચાડવા સંઘ મોકલ્યાં હતાં . હિન્દૂ ધર્મની નબળીઓમાંથી ઉભા થયેલ એ બે ધર્મ દેશમાં જ ઉત્પન્ન થયેલ છતાં એ સમયે પણ દેશની એકતા ટકી રહી હતી .
પણ , અગિયારમી સદીથી શરુ થયેલ હુમલાઓમાં દેશ હચમચી રહ્યો હતો .
પણ , પાંચસો વર્ષ સુધી એ હુમલાઓ અને તેમાંથી મોગલ સામ્રાજ્ય સ્થપાયું ; જો કે તેમ છતાં સમગ્ર ભારત વર્ષ ગુલામ બન્યું નહોતું ..
આજે ચારે તરફ દેશની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીઓ થઇ રહી છે ત્યારે યાદ કરીએ કે કેવી કફોડી પરિસ્થિતિમાંથી દેશ પસાર થયો હતો !
“ પણ , જે થઇ ગયું છે તેને વાગોળવાનો શો અર્થ ?” તમે પૂછશો . તમે કહેશો કે ડાહ્યા માણસો કહી ગયાં છે કે ગતમ ન શોચન્તિ ! ગઈ ગુજરી તો બ્રાહ્મણેય ના વાંચે . આપણે ભૂતકાળને તો બદલી શકવાના નથી , તો તેની પાછળ સમય વેડફવાનું શું કામ છે ?”
ઈતિહાસનું પણ મહત્વ છે . આપણા ભૂતકાળ રૂપી પાયા ઉપર તો ભવિષ્યની ઇમારત ચણાય છે !
જે ભૂલ આપણે ભૂતકાળમાં કરી તે ફરીથી ના કરીએ એટલે ઇતિહાસ જાણવો જરૂરી છે .
હા , બ્રિટિશ સત્તા હેઠળ આપણે બસ્સો વર્ષ ગુલામ રહ્યાં – એનાં પાયામાં શું હતું ? આપણી ભલમાનશાઈ અથવા તો આપણી જ મૂર્ખાઈ !
નહીં તો અવળો મોટો દેશ ગુલામ બને કેવી રીતે ? અને તે પણ મુઠ્ઠી ભર પરદેશીઓના હાથે ? ચાલો જરા વિચારીએ .
આપણાં આંગણિયા પૂછીને વિશ્વભરમાંથી લોકો આવતાં હતાં .
એ રીતે સોળમી સદીમાં અંગ્રેજો પણ આવ્યાં..
બ્રિટન ( ઈંગ્લેન્ડથી ) વેપાર કરવા એક ગ્રુપ આવ્યું ભારતમાં .
ઇંગ્લેન્ડમાંથી એ જ અરસામાં એક ગ્રુપ અમેરિકા ગયેલું . એ લોકોને ઇંગ્લેન્ડના રાજાની જો હુકમી ગમતી નહોતી એટલે એ સૌ નવા શોધાયેલ દેશ અમેરિકામાં ગયાં .
પણ , જેમ આપણે અહીં અમેરિકામાં રહીએ છીએ છતાં માતૃભૂમિ ભારતનું આકર્ષણ રહે છે એ જ રીતે એ અમેરિકન અંગ્રેજોને પણ પોતાના દેશનું મમત્વ હતું . અમેરિકાથી સારી સારી ચીજ વસ્તુઓ ઇંગ્લેન્ડ મોકલાવે… અને ઇંગ્લેન્ડના રાજાએ અમેરિકા ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું હતું . જો કે સો દોઢસો વર્ષ બાદ , અમેરિકાની પ્રજાએ બળવો કર્યો : અમે તમને ટેક્સ નહીં આપીએ , અમારું પ્રતિનિધિત્વ ઈંગ્લેન્ડમાં જો નહીં હોય તો !!
અમેરિકાના લોકોએ યુદ્ધ કર્યું અને 1776માં અમેરિકા ઇંગ્લેન્ડ સાથેના યુદ્ધમાં જીત્યું .
અમેરિકા સ્વતંત્ર દેશ બન્યો !!
વાહ ! ઇંગ્લેન્ડની રાજ સત્તા, જે સમગ્ર વિશ્વમાં પોતાનો પગ જમાવી રહી હતી , એ , અમેરિકા સામે ફાવી શકી નહીં .
પણ , ત્યારે , ભારતમાં શું થઇ રહ્યું હતું ?
દેશમાં સોળમી સદીમાં દિલ્હીમાં જહાંગીરનું રાજ હતું . ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ વહેપાર કરવાની પરવાનગી માંગી .
એ સમયે દેશમાં ફ્રેન્ચ લોકો , પોર્ટુગીઝ લોકો , ડચ અને સ્વીડિશ લોકો બધાં માન પાન સાથે વેપાર કરતાં હતાં . પશ્ચિમમાં સુરતમાં , પૂર્વમાં કલકત્તા અને દક્ષિણમાં મદ્રાસ એમ ધીમે ધીમે કમ્પનીએ જમાવટ કરી લીધી . આપણે લોકો સુતરું કાપડ , રેશમી જાજમ , મસાલા , ખાંડ વગેરે વેચીએ અને બદલામાં ચાંદીના સિક્કા મેળવીએ !
દેશ સમૃદ્ધ હતો , સામાન્ય પ્રજાએ મુસ્લિમ સત્તા સામે સમજૂતી કરી લીધી હતી :
ચિત્ત તું શીદ ને ચિંતા કરે , કૃષ્ણે કરવું હોય તે કરે !
સાથે આપણે આપણા નસીબને દોષ આપવા મંડ્યો : હશે , આ ગયાં જન્મના પાપનું ફળ છે … ચાલો પાપનું પ્રાયશ્ચિત કરીએ ; યજ્ઞો કરીએ , અપવાસ અને એકટાણાં કરીએ , બકરીનો બળી ચઢાવીએ અને નાળિયેર વધેરીએ … વગેરે વગેરે ક્રિયા કાંડથી સન્તોષ લેવા મંડ્યો !! જહાંગીર પછી એનો પુત્ર શાહ જહાં ગાદીએ આવ્યો. ( જેણે તાજ મહેલ બંધાવ્યો ) અને તેનો દીકરો ઔરંગઝેબ ગાદીએ આવ્યો ત્યાં સુધીમાં દેશ પાયમાલ થઇ ગયો !

ઇંગ્લેન્ડના રાજાએ ૧૭૦૮ સુધીમાં આ ફૂલી ફાલી કમ્પની પોતાને હસ્તક લઇ લીધી . હવે આ લોકોની સત્તા વધી ગઈ .
યુદ્ધો થયાં અને પરદેશી બીજી પ્ર્જાઓને હરાવીને અંગ્રેજો સત્તાએ આવ્યાં !!!
ને આપણે શું કરતાં રહ્યાં ? પરદેશીઓ તો આપણી આ સ્થિતપ્રજ્ઞતા જોઈને ચકિત થઇ ગયાં હશે ને ?
આપણાં દેશનો ઇતિહાસ એટલો કરુણ છે , એટલો વિચિત્ર છે કે સારી સઁસ્કૃતિની જાણે કે મજાક હોય તેમ લાગે !
એક વખત કુંભ મેળામાં ૪૦ લાખ લોકો ભેગાં થયેલાં ત્યારે એક અંગ્રેજ સેનાપતિએ તેના ઉપરીને કહ્યું ; “ આટલાં બધાં લોકોને અહીં એક સ્થળે ભેગાં થવા માટેની પરવાનગી આપીને આપે ભૂલ કરી છે . આ બધાં ભેગાં થઈને જો આપણી ઉપર હુમલો કરશે તો ?”
અને ઇતિહાસમાં લખ્યું છે કે પેલા સેનાપતિએ વ્યંગ કરતાં કહ્યું હતું : “ તમે એની ચિંતા તો છોડી જ દો . એ લોકો નદીમાં ડૂબકીઓ મારશે , ઉભા રહીને કાંઈક પાણી ઢોળશે , પણ એ લોકોને સંગઠિત થવાનો વિચાર જ નહીં આવે ; એ લોકો પોતાના આત્માના સુખની ચિંતા કરે તેવી પ્રજા છે !!!”
કેટલું ભયન્કર અપમાન આપણી સંસ્કૃતિનું ! પણ , આ પણ સિક્કાની જ એક બાજુ છે ને ?
ને પછી શું થયું ?
એ વાત આવતે અંકે

4 thoughts on “એક સિક્કો બે બાજુ :26) હે જી તારાં આંગણિયા પૂછીને જો કોઈ આવે તો –

  1. ્સરસ લેખ. ભુલાયેલ ભારતના ભુતકારને વર્તમાનમાં લાવીને તમોએ ભુલકણા ભારતિયોને જગાડ્યા છે. નરેંદ્ર મોદી જેવા નરો પાકે તો ભારતને લુંટનારા જરુર ભાગે.

    આભાર સાથે,

    ‘ચમન’

    Liked by 1 person

    • Thank you ! Chaman hai !બહુ વખતે આપની કોમેન્ટ જોવા મળી ! પ્રોત્સાહન બદલ આભાર

      Like

  2. ભારતના નાગરિક કોએ જાગૃત થવાંની જરૂર છે અને વિરોધી પાર્ટી એ વિકાસની વાત ને પ્રોસહન આપે તો દેશ આબાદ અને આઝાદ ભારત બને…..

    Liked by 1 person

Leave a reply to Geeta & Subhash Bhatt Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.