સ્પંદન-24પર્ણો પાનખરના ખર્યાં, વસંતની આવી વધામણી
બુંદો આકાશમાંથી સર્યાં, વર્ષાની થઈ પધરામણી
બુંદોની બની જાય સરિતા, હરિયાળી થઈ જાય વસુધા
ઋતુઓ આવે રળિયામણી, જીવનની પળો થાય સોહામણી
પણ ગરજે જો વાદળ દુઃખના , આ જ પળો બને બિહામણી
મુંઝાય ક્યારેક માનવમન, શું આ જ છે જીવન નર્તન
સમય હોય કે તન, મન,ધન, સહુ અનુભવે પરિવર્તન.

રાત્રિનો અંતિમ પ્રહર…ઝીણી ઝીણી ઝાકળની ભીનાશ … કૂમળી કૂંપળો હોય કે કોમળ કળીમાંથી ફૂલનું પ્રાગટ્ય હોય …પ્રભાતનું પહેલું કિરણ…રાત્રિને હટાવીને આગળ વધે છે. ફૂલોની સુવાસથી મહેક્તું અને પક્ષીઓના ગાનથી સભર વાતાવરણ આપણને સુપ્રભાત કહીને ઉઠાડે અને આપણે આંખો અધખૂલી રાખીને કહી ઉઠીએ …ઓહો, સવાર થઈ ગઈ !…ગઈ કાલ પર પડદો પાડીને આજનું આગમન થઈ જાય છે …સ્વપ્નોની દુનિયાને અલવિદા કહીને વાસ્તવિકતા સાથે કદમ મિલાવી રહેલો માનવી અનુભવે છે …પરિવર્તન. પ્રત્યેક સવારની પહેલી ક્ષણ એટલે જ પરિવર્તનનું પ્રાગટ્ય.

પરંતુ શું આ જ એક પરિવર્તનની ક્ષણ છે? ના, આ તો ગઈકાલ અને આજ વચ્ચે અનુભવાતી પરિવર્તનની પહેલી ક્ષણ છે, જેની આલબેલ દરેક પ્રભાત પોકારે છે. પણ જીવનની હર પળ પરિવર્તનની ક્ષણ છે. પળે પળે અવકાશમાં જેમ જેમ પૃથ્વીની આગેકૂચ થાય છે તેમ માનવી પરિવર્તન અનુભવે છે…અને પરિવર્તન ક્યાં નથી?…ડગલે અને પગલે પરિવર્તનની સરિતા વહેતી જ રહે છે…આ એ સરિતા છે, જેમાં બાલ્યાવસ્થાથી માંડીને જીવનના દરેક પ્રવાહોનું ..ઝરણાંઓનું સંમિલન છે…ક્યાંક તેમાં બાળક તરીકે આપણે અનુભવેલું કુતૂહલ છે, તો ક્યાંક યુવાવસ્થામાં જોયેલાં સ્વપ્નો. ક્યાંક યૌવન પરિવર્તનના પડકારોનો સામનો કરવા બાથ ભીડે છે, તો ક્યાંક વૃદ્ધાવસ્થા પરિવર્તનના પડછાયામાં વૃદ્ધત્વનો વિસામો લઈ રહી હોય છે. પરિવર્તન જીવનની પ્રત્યેક અવસ્થામાં સાર્વત્રિક છે. પરિવર્તન માત્ર તનનું જ નહિ મનનું પણ હોય છે. કોઈ માસૂમ બાળકનું કુતૂહલ આપણા હ્રુદયમાં વાત્સલ્યનો ધબકાર જગાવે તે ક્ષણ કે તારુણ્યનો સ્પર્શ અનુભવતી સુકુમાર કન્યાના મનમાં સ્પંદન જાગે તે ક્ષણ કે દિકરીને વિદાય આપતા પિતાની આંખોમાં છલકાવા મથતું આંસુ સરી પડે તે ધન્યતાની ક્ષણો છે. આ ક્ષણો હૃદય પણ અનુભવે છે …હર ધબકાર પરિવર્તન અનુભવે છે અને ચિરંતન બની જાય છે, આપણા માનસપટ પર તે ચિત્રમય બનીને જીવંત થઈ ઊઠે છે.

તન, મન કે ધન નથી કશું ચિરંતન કે નથી કશું સનાતન. સંસારમાં સનાતન હોય તો તે છે પરિવર્તન. પરિવર્તન ભૌતિક જ નહિ પણ માનસિક સજ્જતાનું પણ હોઈ શકે. પરિવર્તન વ્યક્તિને નવા જ વિશ્વમાં લઇ જવાની માનસિક સમર્થતા આપે છે. મહાભારતના યુદ્ધ વચ્ચે વિષાદયોગમાં ડૂબેલા અને મૂંઝવણ અનુભવતા અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલ ગીતાનો ઉપદેશ અને તેને પરિણામે તેનું યુદ્ધ લડવું એ પણ એક પરિવર્તન છે તો ગીતાનો આ બોધ લઈ આપણામાં કોઈ સ્વભાવગત ફેરફાર થાય અને આપણે પડકારોને ઝીલવા સજ્જ બનીએ તો તે પણ પરિવર્તન છે.

માનવ જ નહિ પણ પરિવર્તનની સાક્ષી તો સમગ્ર પૃથ્વી પણ છે જ. . પૃથ્વીના પેટાળમાંથી પ્રગટ થતો આગ ઓકતો લાવા અને સળગતા જ્વાળામુખી પર્વતો હોય કે તેને પરિણામે આવતા ભૂકંપ હોય, ધબકતી ધરા પણ પરિવર્તનથી મુક્ત નથી. મહાસાગર તો પ્રત્યેક પળે પરિવર્તનનો પહેરેદાર …દરેક લહેરમાં છુપાયેલ ચાંદનીની શીતળતા કે સૂર્યની ઉષ્મા કે તોફાનોનો તરખાટ …કંઈ કેટલીયે માનવ સંસ્કૃતિઓનો લય …ગ્રીસ, રોમ કે સોનાની દ્વારિકા …મહાસાગર સાક્ષી છે.

માનવ સભ્યતા કહો કે સંસ્કૃતિ કે ઇતિહાસ …પ્રત્યેક પાને પરિવર્તનની કહાની છે…મંત્રયુગથી માંડીને યંત્રયુગનો ઈતિહાસ હકીકતે તો પરિવર્તનનો ઇતિહાસ છે જે ક્યારેક માનવ આંખોએ જોયું, ક્યારેક અનુભવ્યું …ભૂતકાળમાં નજર નાખીએ તો ક્યાંક ન્યુટન નજરે પડે તો ક્યાંક થોમસ આલ્વા એડિસન …દુનિયાનું રાત્રિના અંધકારમાંથી પ્રકાશ તરફ પદાર્પણ. વિજ્ઞાનની હોય કે માનવની… દોટ તો અકલ્પનીય છે…પાયો છે પરિવર્તન.

અરે!… કોરોનાકાળમાં દોડતું વિશ્વ અચાનક થંભી ગયું…અને એક ક્ષણ થંભેલું વિશ્વ ..ધબકી રહ્યું છે …વિજ્ઞાન, બીઝનેસ, શિક્ષણ અને સંસ્કૃતિ સહુ આ પડકારને ઝીલી રહયાં છે, પરિવર્તનને પામી રહ્યાં છે. પણ સાથે જ એક એવી ક્ષિતિજ તરફ નજર જાય છે, જ્યારે સમગ્ર માનવજાત એક ભયનો સામનો કરી રહી છે. વિકાસની દોટમાં કુદરતનો ધબકાર ભૂલાયો છે…ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે…બરફના પહાડો હોય કે હિમખંડો પીગળી રહ્યા છે …વિકાસ પણ જાણે સમુદ્રમાં સરકી રહ્યો છે…વિજ્ઞાનની બેધારી તલવાર ક્યાંક વિકાસ તો ક્યાંક વિનાશ વચ્ચે ઝૂલી રહી છે. અને આપણે સહુ …માનવમાત્ર …તેના સાક્ષી છીએ. આ પરિવર્તન પ્રતિદિન અનુભવી રહ્યા છીએ.

આ જગતમાં કશું જ કાયમી નથી…સિવાય કે પરિવર્તન. આપણી સંમતિ હોય કે અસંમતિ, આ દુનિયા પળે પળ બદલાયા કરે છે. ઋતુઓનો ક્રમ જોઈએ કે રૌદ્ર- રમ્ય પ્રકૃતિનું સર્જન – બધું જ પરિવર્તન પામે છે. માણસને રેશમી ભ્રમણામાં રાચવું ગમે છે કે બધું યાવતચંદ્રદિવાકરો આમ જ ચાલશે. આ બધું શાશ્વત છે. પણ ચાંદની તડકામાં પરિવર્તિત થઈ જાય છે. જીવનમાં પણ જે પરિવર્તનના સત્યને સ્વીકારીને ચાલે છે, તેના જીવનમાં વસંત ખીલે છે. પણ જે પરિવર્તનને સ્વીકારી શકતા નથી, તેમના જીવનમાં પાનખર ન આવે તો જ નવાઈ. પસંદગી આપણા હાથમાં છે કે પરિવર્તનનો સ્વીકાર કરવો કે અસ્વીકાર. એટલું જ નહિ પણ ક્ષણેક્ષણને પૂર્ણતાથી જીવી લેવી. વહેવું એ નદીની આદત છે, ઝરણાની ટેવ છે, કાળનો સ્વભાવ છે.

જ્યાં ભયની બારી ખૂલે, ત્યાં વિસ્મયની, મુગ્ધતાની, કુતૂહલની, આનંદની બારી બંધ થાય. કેટલાકને પરિવર્તનનો ડર લાગે છે. પરંતુ, જે આ ડર, ભયને અતિક્રમી શકે તે જ પળે પળે નાવીન્ય, રોમાંચ સાથે અપૂર્વ જીવનને માણી શકે , આ ગેબી દુનિયાના અચરજને જાણી શકે. પરિવર્તન એક પડકાર છે તો એક તક પણ છે. જે પડકાર ઝીલે , એ જ વિકાસ પામી શકે , આનંદ અનુભવી શકે. પરિવર્તન એ પ્રકૃતિ છે. જે તેને અપનાવે તેના જ ભાગ્યમાં કળીમાંથી પુષ્પ બનવાનું સૌભાગ્ય રહેલું છે. તારલાઓ એ જ મેળવી શકે જે કાજળઘેરી રાત્રિનો અંધકાર ચીરવા તૈયાર હોય. પતંગિયા કે મીણબત્તીને ક્યારેય ન પૂછીએ કે પરિવર્તન શું છે, કારણ કે જે પરિવર્તન પામી શકે એ જ રંગો પ્રગટાવી શકે. જે ઉષ્માથી ઓગળી શકે, એ જ પ્રકાશ ફેલાવી શકે છે. જે પરિવર્તનને જાણે, એ અકળથી સકળને પામી પૂર્ણપણે જીવી જાય.

પરિવર્તનના કેન્દ્રમાં માનવ હોય કે પ્રકૃતિ-પરિવર્તન સમયનો પોકાર છે…માનવ તે માટે સજ્જ થઈ શકે, સુસજ્જ થઈ શકે પણ પરિવર્તનને ટાળી શકે નહિ…રામાયણ અને મહાભારત હોય કે કૃષ્ણનું ચરિત્ર – દરેક પાત્રો પરિવર્તનને આધીન છે. રામનું જીવન પણ આ જ વાત કહે છે. જ્યારે રાજયાભિષેક થવાનો હોય ત્યારે વનવાસ થાય. રામ પર આ પરિવર્તન આવી પડે છે અને રામ તેનો સ્વીકાર કરે છે. કૃષ્ણનું જીવન કંઇક અલગ છે. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે, કંસની સત્તાનો પ્રતિકાર કરે છે, કંસનો વધ કરે છે…દુશ્મનો સામે રણછોડરાય તરીકે સુયોગ્ય રણનીતિ અપનાવી સોનાની દ્વારિકાનું સર્જન કરે છે. આ સફળતા છે અને તેની પાછળનું રહસ્ય પરિવર્તન સામેની સુસજ્જતા છે. કૃષ્ણ પરિવર્તનને પામે છે, સમજે છે અને યોગ્ય માર્ગ અપનાવે છે. પરિવર્તન સામે યોગ્યતા કેળવવી એ કૃષ્ણનો સંદેશ છે. આવો, આપણે પણ પરિવર્તનના આ અપ્રગટ ગીતને ગાઇએ, જીવનને માણીએ. રામ અને કૃષ્ણના સંદેશને મનમાં ગ્રહણ કરી જીવનમાં પ્રગતિ કરીએ અને કહીએ – “હર દિન નયા દિન , હર રાત નયી રાત”.

રીટા જાની
02/07/2021

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.