એક સિક્કો બે બાજુ : 23) ધર્મ અને ધર્મનો આભાસ !


તમે કહેશો કે એક સિક્કોની એક બાજુએ જો ધર્મ હોય તો બીજી બાજુએ અધર્મ હોવો જોઈએ ; પણ આ વળી કેવું શિર્ષક? સિક્કાની એક બાજુએ ધર્મ અને બીજી બાજુએ ધર્મનો આભાસ ? એ વળી શું ?
પણ મારી જ જેમ સદીઓ પહેલાં આપણા ગુજરાતી જ્ઞાની કવિ અખાએ પણ આવું જ કંઈ કહ્યું હતું , યાદ છે ?
અખાએ લખ્યું હતું :
એક માણસને એવી ટેવ , પથ્થર એટલાં પૂજે દેવ !
તુલસી દેખી તોડે પાન , પાણી દેખી કરે સ્નાન!
ને કોઈ જો આવી વાત સૂરજની કરે , તો સામે જઈ ચાંચ જ ધરે;
‘ અમારે આટલાં વર્ષ અંધારે ગયાં, ને તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં?
હા , પ્રિય વાચક મિત્રો ; જ્ઞાની કવિ અખો જે સમજાવતા હતા તે હતી ધર્મ – માનવ ધર્મની વાત , અને એ દર્શાવતા હતા તે હતી ધર્મના આભાસની વાત !
હવે કોરોના મહામારી બાદ જીવન થોડું વ્યવસ્થિત થઇ રહ્યું છે ત્યારે , ઘણાં માણસો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયાં છે ત્યારે આપણો સાચો ધર્મ શું એવો પ્રશ્ન થાય !
જે તે ભગવાનની મૂર્તિઓને માત્ર હરિ ૐ હરિ ૐ કરીને પૂજવાથી કાંઈ ભગવાન પ્રસન્ન થતા નથી – આજે કોરોના મહામારીમાં ઘણાં કુટુંબો કપરી સ્થિતિમાં છે , તેમને તરછોડીને માત્ર માત્ર મૂર્તિઓની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન નથી થવાના .
પણ , આપણને શું એની સમજ છે ખરી ?
ઘણી વખત ધર્મને નામે માનવી ઘણું અધાર્મિક કાર્ય કરતો હોય છે .
આપણને જો ખબર હોય કે આ કાર્ય અધાર્મિક છે , તો આપણે એવું કાર્ય ના કરીએ . કહીએ , “ ભાઈ , અમે એવું અધાર્મિક , અમાનુષી કામ નહીં કરીએ !” કોઈના ઘરમાં ચોરી કરવી કે સ્ટોરમાંથી કોઈ ચીજ પૈસા આપ્યા વિના લઇ લેવી એ ખોટું કામ કહેવાય . અધાર્મિક કામ કહેવાય .
“ પણ સ્ટોરમાં કોઈ ચીજ પ્રમોશન માટે મફતમાં આપવામાં આવતી હોય તો તે શું અધાર્મિક પગલું કહેવાય ?” તમે પૂછશો .
મંદિરમાં ભગવાનની મૂર્તિ પર દૂધનો અભિષેક કરવો એમાં કાંઈ ખોટું નથી , પણ , કોઈ ગરીબ બાળક એ દૂધ પીવા પામે તો એ સાચો ધર્મ – માનવ ધર્મ કહેવાય ! અને ત્યારે , પેલો શિવલિંગ પર કરેલ દૂધનો અભિષેક એ માત્ર ધર્મનો આભાસ બની જાય .
શું ધર્મ છે અને શું અધર્મ કહેવાય એ માટેની મથામણમાંથી જન્મેલ છે ધર્મ આભાસ !
યુનાઇટે નેશન્સ – એમાં વિશ્વના દેશોએ ભેગા થઈને ‘અધર્મ’ ની વ્યાખ્યા બનાવવા પ્રયત્ન કર્યા છે પણ આજ સુધી એમને સફળતા મળી નથી ! ને એમાં એક શબ્દ ; “ આતંકવાદ” વિષે આ સૌ રાષ્ટ્રો એક વ્યાખ્યા બનાવવા મથી રહ્યા છે ; ‘આતંકવાદ એટલે શું ? કોને તમે આતંકવાદ કહેશો , અને કોને સ્વર રાષ્ટ્રની રક્ષાર્થે કરેલ હુમલો કહેશો ? વળી હુમલો એટલે શું ?વગેરે વગેરે શબ્દોમાં એ સૌ હજુયે લડતાં – ઝગડતાં – વાદવિવાદમાં પડ્યાં છે !
વિશ્વમાં હમણાં કોરોના મહામારીનો મોટો જંગ ખેલાઈ રહ્યો હતો . ધીમે ધીમે પરિસ્થિતિ કાબુમાં આવતી જાય છે , પણ જે થયું એના પરિણામો , એની હવે પછી થવાની સમાજ ઉપર , કુટુંબ ઉપર અને વ્યક્તિ ઉપરની અસર -વિષે ચર્ચાઓ થઇ રહી છે ..
એવી જ એક ચર્ચામાં અમારાં એક મિત્રે જણાવ્યું ; “ અમારાં કુટુંબમાં કોરોનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું . એમની અંતિમ ક્રિયામાં ( અંત્યેષ્ઠી) માટે આવેલ એમનાં સગાંને કોરોના થયો અને એમનું પણ આખરે , થોડા અઠવાડિયા બાદ મૃત્યું થયું .. સરકારે સખ્ત લોક ડાઉન જાહેર કરેલું ,પણ એ લોકોએ ગણકાર્યું નહોતું .. એ લોકો કહે મૃતાત્માને શાંતિ મળે એ માટે આટલી વિધિ તો કરવી જ પડે ..
ભારતમાં પરિસ્થિતિ હાથ બહાર થઇ ગઈ હતી , તે માટે ઘણાએ સરકારને જવાબદાર ગણી , પણ ; લગ્નોત્સવોમાં વરઘોડામાં જઈને પૂર જોશમાં નાચનાર સૌ એને પોતાનો ધર્મ સમજીને , પોતાની ફરજ સમજીને જ ત્યાં ગયાં હતાં ને ? લગ્ન પ્રસંગે વરઘોડો તો કાઢવો જ પડે . આ વિધિ તો કરવી જ પડે ! લગ્નમાં ગણેશ સ્થાપનમાં કન્યાના મામાએ તો હાજરી આપવી જ પડે , અને ફલાણાના મૃત્યું બાદ અમુક લોકોએ ગરુડ પુરાણ સાંભળવું જ પડે એમ કહેનારાઓ ,કોરોના ચારે તરફ ફેલાવવામાં ભાગીદાર બન્યાં છે . આને તમે ધર્મને નામે બજાવેલી ફરજ કહેશો કે ધર્મનો આભાસ ?
કોરોના મહામારીમાં ઘણાં કુટુંબોએ ઘરનું છત્ર ગુમાવ્યું . સરકારે સમજાવ્યું હતું કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય સામાજિક કારણોને લીધે બહાર નીકળવું નહીં . પણ ‘ આ જરૂરી છે ‘ એમ કહીને બિન જરૂરી કારણોસર લોકો બિન્દાસ સોસ્યલ ડિસ્ટેનશ – છ ફૂટની દુરી ભૂલીને , બહાર ફરતાં હતાં.. પરિણામે ઘણાં બાળકો માં કે બાપ વિનાનાં થઇ ગયાં ! શું એ લોકોને એવું કરવાની ઈચ્છા હતી ? ના , હરગીઝ નહીં ! પણ , સાચું સમજીને – એ તો જરૂરી છે એમ સમજીને -ખોટું પગલું લીધું !
આપણાં ભારત દેશનો ઇતિહાસ પણ આવાં જ ધર્મ આભાસોથી જ તો રચાયો છે !!
સાચું સમજીને ખોટું કરતાં રહેવું ! અને દુઃખ એ વાતનું છે કે જે લોકો સમજુ હતાં એને સાચું કરવા તરફ વળતાં હતાં એ લોકોને શિક્ષા પણ આ જ કહેવાતાં ધાર્મિક ‘પંચ- પરમેશ્વરો કરતાં રહ્યાં છે !
ગાંધીજી ૧૮ વર્ષની ઉંમરે ભણવા માટે પરદેશ ગયાં એટલે વૈષ્ણવ સમાજે એમને ન્યાત બહાર મૂક્યાં હતાં ! શું વિદ્યાભ્યાસ માટે દરિયો ઓળગવો એ ગુનો છે ? ના . આને છતાંયે , આ જાતનાં કહેવાતાં ધર્મ ને લીધે દેશનું ઘણું અહિત થયું છે .
રાજા રામમોહનરાયે વિધવાઓની સતી પ્રથા નાબૂદ કરવા ભેખ લીધો હતો પણ એમનો વિરોધ કરનારાઓ શું ઓછાં હતાં ?
સદીઓ પહેલાં જયારે દેશ પર પરદેશીઓના આક્મણ થવા માંડ્યાં ત્યારે તેમની સામે લડવા માટે માત્ર એક જ વર્ગ હતો : ક્ષત્રિય ! માત્ર ક્ષત્રિય પ્રજા જ લડવા જાય !! તો શું બીજાં બધાં હાથ જોડીને બેસી રહે?
હા ! બ્રાહ્મણો માત્ર પૂજા અને યજ્ઞો કરીને દેવોને આહવાહન આપે , કે હે ભગવાન હવે તું આવીને દુશમનને મારી નાંખ !!
ને આ બધું ધર્મને નામે થતું !! આ ધર્મનો આભાસ કહેવાય .
સાચો ધર્મ દોરા ધાગા કે યજ્ઞો કે આરતી ભજનોમાં નથી , નથી . હા , માનવીને શાંતિ માટે આ જાતનું મેડિટેશન , યોગ , ભજન કીર્તન વગેરે જરૂરી છે , પણ માત્ર તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન – એમ અખાએ કહ્યું છે તેમ , આ બધાં ઉપકરણો સાચો ધર્મ નથી . જેમ કોરોના સામે લડવા એની પ્રતિકાર શક્તિ કેળવવી પડે છે , અને એ રસી દ્વારા – વેક્સિનેશન દ્વારા આવે છે , ત્યાં માત્ર યજ્ઞો કરવાથી કાંઈ કામ ના સરે , એ જ રીતે સાચો ધર્મ માત્ર મૂર્તિ પ્રતિષ્ઠા કરવાથી નહીં , માનવ સેવાથી જ સાર્થક થાય છે ..
સિક્કાની આ બાજુ છે .. ધર્મ ને બીજી તરફ છે ધર્મનો આભાસ. !

4 thoughts on “એક સિક્કો બે બાજુ : 23) ધર્મ અને ધર્મનો આભાસ !

 1. તમારો આ લેખ મને મારી એક રચનાને યાદ કરાવી જાય છે; એક ડાહ્યાને એવી ટેવ/ પ્રસાદ માટે પૂજે દેવ/ ન્હાયા વગર એ ન કોઈને અડે/ નેતાઓના પગ જઈ અડે! ……. આખી કૃતિ વાંચવી હોય તો તમારી ઈ-મેલ જણાવશો?…..’ચમન’

  Liked by 1 person

 2. Thank you Chamanbhai વાહ ! ક્યા બાત કહી ! મારું emai :
  directorgeeta@hotmail.com
  આજ કાલ ધર્મને નામે જે ધતિંગ ચાલી રહ્યાં છે તેથી આંતરડી બળે છે ! લોકો દોઢ વર્ષનું સાટું વાળવા , મંદિરો માટે ફાળો ઉઘરાવે છે ; જયારે હકીક્તમાં જરૂર છે ગરીબોને સહાયની !
  ધર્મ નહીં આભાસ માત્ર !

  Like

 3. 🙏ઈશ્વર પાસે થી જલ્દી ફળ કે આશિષ મેળવવા ટૂંકારસ્તા શોધે છે
  સાચો ધર્મ સત્ય સેવા તે સમજવાની સમાજમાં જરુર છે
  સન્તો મહનતો અને સાળામાં અધર્મ અને ધર્મ ની
  સાચી સમજ આપે તે જરૂરી છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.