પડીકી
દરેક પરિવારોમાં બને તેમ એક કાકાને ત્યાં બધા જ ભાઈ-બહેન ભેગાં થયા હતા અને રક્ષાબંધનનો તહેવાર ઉજવતા હતા.
“અમીદીદી જલ્દી કરોને મારે હોસ્પિટલ જવું છે. મોડું થાય છે.” ડૉ. તેજસ બધી બહેનોનો લાડકો હતો. એનાં મુખ્ય બે-ત્રણ કારણ હતા. એક તો એને એકેય સગી બહેન ન હતી. બીજું કે એનું ખિસ્સું હંમેશા ભરેલું જ હોય એટલે દરેક વર્ષે બધી બહેનોને શ્રાવણ મહિનાની હાથ ખર્ચી તો તેજસ પાસેથી જ મળી રહે. અને ત્રીજું અગત્યનું કારણ એ કે ઘરના બધા લોકોનું ઓ.પી.ડી એક સાથે દિવસે ત્યાં કાકાના ઘરે જ ભરાય.
કાકાને મસા થયાની સમસ્યા હોય તો કાકીને સાંધા દુઃખતા હોય.
પિતરાઈ ભાઈ પ્રિયાંકને જવાનીમાં ખીલ સતાવતા હોય, તો કોઈ કઝિન બહેનને મેનોપોઝની સમસ્યા હોય.
રક્ષાબંધનના દિવસે ડૉ. તેજસની આરતી ઉતાર્યા પછી બધા જ એક પછી એક પોતાની સમસ્યા લઈને આવી જાય.
કાકી વળી કાકાના મસા માટે કોઈક પડીકીમાં ફાકી લાવ્યા હોય અને પોતાના સાંધાના દુખાવા માટે પણ કોઈ ધોળી ધોળી ચૂસવાની ગોળીઓ લઈને આવે.
આ બધા ઉપચારથી તેજસને ઘણી નફરત હતી.
“અરે કાકી આવી ફાકીઓથી કંઈ ના થાય, હવે ના રોગ તો બધા હઠીલા હોય છે!”
“અલા, તેજ્યા અમે તો નાનપણથી આવી પડીકીઓ ફાકીએ છીએ, સારુંય થઇ જાય છે. જો તારી અમીદીદીને જ જો..વાળ કેવાં ઘટ્ટ થઇ ગયા આ ફાકીથી, હવે સહેજે ઉતરતા નથી.”
“કાકી પૌષ્ટિક ખાવાનું ખાઈએ એટલે આવી ફાકીઓની કોઈ જરૂર ન પડે. આમાં તો ઊંટવૈદ્યુ થઇ જાય!”
“લે! આ તારા કાકા ક્યાં તીખ્ખું ખાય છે. તોય એમને મસા થયા જ ને!, પણ આ ફાકીથી બેસીય જાય છે.”
“એ તો થોડો ટાઈમ જ બેસે, એનો તો એક માત્ર જ ઉપાય છે. ઑપરેશન!” ડૉ. તેજસે તો હોઠને ગોળ દડા જેવો કરીને ઑ….એવું લંબાયું કે કાકી છંછેડાઈ ગયાં.
“હશે અવે તેજ્યા, ના જોયો હોય મોટો ડૉક્ટર..અમે તો તને ભણાયો છે…”
“હારું, આ અમીની સુવાવડ પછી તારા કાકાના ઑપરેશનનું કંઈક વિચારીયે. ત્યાં સુધી આ ફાકીઓ લઈને મસા બેસાડી દઈશું.”
તેજસને પણ મોડું થતું હતું એટલે એણે બહું ચર્ચા ના કરી અને બધી બહેનોને બોણી આપી અને હોસ્પિટલ જવા રવાના થયો.
તેજસ ગલીની બહાર પહોંચ્યો જ હશે ને પ્રિયાંકનો ફોન આવ્યો. “તેજસભાઈ, પાછા ઘરે આવોને અમીદીદીને છાતીમાં બહું જ દુખાવો થાય છે.”
અમીદીદી પ્રેગ્નન્ટ હોવાથી છાતીમાં નહીં પણ પેટમાં દુખાવો થતો હશે તેવું માનીને તેજસ કાકાના ઘરે પાછો આવ્યો.
અમીદીદીની છાતી સાચે જ લબકા લેતી હતી.
બોલવામાં હાંફ હતો.
અમીદીદી માત્ર છાતી પર હાથ મસળીને ઈશારો જ કરી શકતા હતા.
તેજસને ચોક્કસ થઇ ગયું કે અમીદીદીને છાતીમાં જ દુખાવો છે.
તેજસ પોતાની જ ગાડીમાં અમીદીદીને હોસ્પિટલ લઇ ગયો.
અમીદીદીના વધતા જતા દુખાવાની સાથેસાથે તેજસની ગાડીની સ્પીડ પણ વધતી હતી.
સાથે બેઠેલા પ્રિયાંક અને કાકા કાકીના ધબકારા પણ એ જ ગતિએ વધતા હતાં.
થાય જ ને!
પોતાની સગી દીકરીને આવી હાલતમાં જોવી અને ક્યાંક કંઈક ઊંચનીચ થઇ જાય તો સમાજમાં અને અમીના સાસરામાં બધા એમનાં માથે માછલાં ધોવે!
તેજસની ગાડી હોસ્પિટલ પહોંચી ગઈ. ડૉ. તેજસની ઇમરજન્સીની ટીમ એમની રાહ જોઈને જ ઉભી હતી.
વાઈટલ્સ મોનિટર અટેચ કરતા જ ડૉ. તેજસે જોયું કે આ તો કાર્ડિયાક અરીધમીયા છે.
સમયસર શૉક આપવાથી હાર્ટની રિધમ તો નોર્મલ થઇ ગઈ. પણ ધબકારાની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ હતી.
બનેવી કાર્તિકની પરવાનગી લઇ કાર્ડિયોલોજિસ્ટે અમીદીદીના હાર્ટમાં પેસમેકર મૂક્યું.
ઓબ્ઝર્વેશન માટે અમીદીદીને બે દિવસ માટે આઈ.સી.યુમાં રાખવામાં આવ્યાં.
બધી જ જવાબદારી તેજસે પોતાના ઉપર લઇને કાર્તિકજીજાજીને નિશ્ચિન્ત થઈને ઘરે જવા જણાવ્યું.
ઘરનો જ દીકરો ડૉક્ટર હતો એટલે બધાને થોડી માનસિક રાહત હતી છતાં પણ કાકા કાકીએ બાધા માની લીધી હતી કે જે દિવસે અમીને હોસ્પિટલથી રજા મળશે એ દિવસે સત્યનારાયણની પૂજા કરાવીશું.
“હેલ્લો, જીજાજી, દીદી ઇસ પરફેક્ટલી ફાઇન એન્ડ બાય ટુમોરો શી ઇઝ ગેટીંગ ડિસ્ચાર્જડ”
“ગ્રેટ, આઈ વિલ કમ ટુ પીક હર. જોઈન ફોર સત્યનારાયણ પૂજા ટુમોરો, થેન્ક્સ ફોર ઓલ યોર હેલ્પ, થેન્ક યુ…થેન્ક યુ સો મચ…આઈ ઓ યુ….” વિગેરે લાંબા લચક મેસેજથી એક સાથે બે જાન બચવાનો હરખ જીજાજી કાર્તિકના મેસેજમાં સ્પષ્ટ છલકતો હતો.
બીજા દિવસે કાકા કાકી અને આખો પરિવાર સત્યનારાયણની પૂજાની તૈયારીમાં લાગી ગયો અને બીજી બાજુ બનેવી કાર્તિક ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટની લોન્જમાં અમીની રાહ જોઈને બેઠાં હતાં.
“જીજાજી, કંઈ પણ કામ હોય તો મને મેસેજ કરજો એક ટ્રોમાનું પેશન્ટ આવ્યું છે એટલે મારે જવું પડશે, દીદીની ડિસ્ચાર્જ સમરી બને એટલે તરત એમને નીચે લાવશે. મને મળીને જ જજો.” પોતાની ડૉક્ટરની ડ્યુટી નિભાવવા તેજસ ત્યાંથી વોર્ડ તરફ ગયો. જીજાજીને કંઈક કહેવું છે એવો અણસાર તો થયો પણ હવે ડૉ. તેજસનો જીવ પેલાં મરતા માણસમાં ભરાયો હતો.
“અગર ઉન્હેં કોઈ હેલ્પ ચાહીયે તો…..” સિક્યુરિટીને કહીને ડૉ. તેજસ જેવો ડિપાર્ટમેન્ટમાં અંદર પ્રવેશ્યો અને ત્યાં એને “સર……” સિક્યુરિટીની બૂમ સંભળાઈ…
અમીદીદીને લેવા આવેલા જીજાજી કાર્તિક પણ છાતી પર હાથ મૂકીને મસળતા હતાં અને હાંફતા હતા.
અડધો ડઝન સ્ટાફ ત્યાં પહોંચી ગયો.
એ જ પ્રક્રિયા, વાઈટલ્સ મોનિટર અટેચ કર્યું અને એમને પણ કાર્ડિયાક અરીધમીયા.
આ વખતે ડૉ. તેજસના પણ પરસેવા છૂટી ગયાં.
જીજાજીને પણ શોક આપ્યાં.
હાર્ટની રિધમમાં કોઈ સુધારા નહિ.
ઓન ડ્યૂટી કાર્ડિયોલોજિસ્ટ પણ આવી ગયા.
જીજાજીનો શ્વાસ પાતળો થતો હતો.
ડિપાર્ટમેન્ટમાં મોનિટરોના બીપ સાઉન્ડની વચ્ચે સાળા અને કુશળ ઇમર્જન્સી સ્પેશ્યલિસ્ટ ડૉ. તેજસને કંઈક અણબનાવ બનવાની બીક ભરાઈ.
આ બાજુ અમીદીદી પણ નીચે આવી ગયા હતાં.
“કાર્તિક અને આખા પરિવારને મળીને પેટ ભરીને શિરો ખાઈશું” એકાદ કલાક પહેલાં જ અમીદીદી એ એવી ચર્ચા તેજસ સાથે કરી હતી.
વાઈટલ મોનિટર હાર્ટની રિધમના તો અવનવાં જ આકાર બતાવી રહ્યું હતું.
ડૉ. તેજસ અને સિનિયર ઓન ડ્યુટી કાર્ડિયોલોજિસ્ટે અનેક તર્ક લગાવ્યાં.
“ત્રણ દિવસ પહેલાં અમીદીદીને કાર્ડિયાક અરીધમીયા, હવે જીજાજીને પણ એવાં જ લક્ષણો!”
અમીદીદી અને જીજાજી જો ભાઈ-બહેન હોત તો જિનેટિક ડિસઓર્ડર પણ હોઈ શકત, પરંતુ પતિ પત્નીમાં જિનેટિક ડિસઓર્ડર તો શક્ય નથી!
“તો શું હોઈ શકે? આ તો જોગાનુજોગ કહેવાય.”
તેજસના ફોનની ઘંટડી વાગી…”કાકી, જય શ્રી કૃષ્ણ! થોડી વારમાં કરું ફોન?” પ્રશ્નાર્થમાં જ ક્યાંક ઉત્તર છુપાયેલો જણાયો. ફોન મૂકતાની સાથે જ ડૉ.તેજસે બૂમ પાડી
“બ્રધર નિખિલ, એમનો હેવી મેટલ ટોક્સિન ટેસ્ટ માટે સેમ્પલ મોકલાવો અને અમી દીદીનો પણ!!!”
કમનસીબે…થોડાક જ કલાકમાં કાર્તિકજીજાજી એ છેલ્લા શ્વાસ લીધાં.
સત્યનારાયણની કથાના શ્લોક અને વાર્તાઓમાં મહામૃત્યુંજય મંત્ર ભળ્યો.
ઘરનું વાતાવરણ ગમગીન તો હતું જ હવે શોકમય બન્યું.
તેજસના હાથની સુખડની રાખડીમાંથી પસ્તાવાની ગંધ આવતી હતી.
તેજસને જીજાને ન બચાવી શકવાનો ઊંડો આઘાત લાગ્યો હતો.
અમીદીદીની હાલત તો ચાલતી લાશ જેવી હતી.
અમુક જ કલાકમાં શું બની ગયું એનું કંઈ ભાન જ ન રહ્યું. બધા જ સમયના ગુલામ બની ગયા હતા.
અમીદીદીએ બે દિવસથી કંઈ ખાધું પણ ન હતું અને એટલે બધાં એને અનેક જાતની સલાહ, સૂચન, હિમ્મત વગેરે આપતા હતાં.
વીલ પાવરમાં સ્ટ્રોંગ કાકી અમીદીદીની નજીક આવ્યા અને કહ્યું “બેટા ખાઈ લે, કેટલાય દિવસથી તે આ પડીકીની ફાકી પણ નથી લીધી. લઇ લે!”
ફાકી સાંભળતા જ તેજસે જમણાં હાથમાં બાંધેલી સુખડની રાખડી જોઈ અને રક્ષાબંધનનો દિવસ યાદ આવ્યો.”
ડૉ. તેજસના ફોનની રિંગ વાગી “સર, બોથ હેવ હેવી મેટલ ટેસ્ટ પોઝિટિવ.”