યોગ પ્રત્યે સહુનો અનુરાગ
યોગ છે અજાયબ ચિરાગ
કાર્યસિદ્ધિ એવી છે નક્કર
રોગ સામે કાંટાની ટક્કર
તનમાં સ્ફૂર્તિ, મનમાં શાંતિ
એકાગ્ર ચિત્ત, ઓળખ આતમની
પ્રતિશ્વાસ પ્રાણનો ધોધ વહાવે
શક્તિપુંજ રોમ રોમ પ્રગટાવે
ધ્યાનમય નયનો ઢળે છે ભીતર
યોગ થકી પામે નવ જીવતર
મહત્તા યોગની એવી નિરંતર
માનવ માનવ રહે ન અંતર.
કોહિનૂર… કહો કે પ્રકાશનો પર્વત…ભાષા બદલાય પણ નૂર સહુને અચંબિત કરે…ઝળહળતો પ્રકાશ જે તેને બ્રિટિશ તાજમાં પણ સ્થાન આપે …કહેવાય છે કે ક્યારેક કોહિનૂર સ્યમંતક નામથી ઓળખાતો હતો અને ભગવાન કૃષ્ણએ તેને જાંબુવાન પાસેથી મેળવીને રાજા ઉગ્રસેનને આપેલો…સત્ય ક્યારેક ઇતિહાસમાં છૂપાયેલું હોય …પણ ભારતનો ઇતિહાસ એ રહ્યો છે કે તેણે સમગ્ર વિશ્વને એવી વસ્તુઓનું યોગદાન આપેલું છે જે વિશ્વના ફલક પર આજે પણ ઝળહળે છે. ભારત માત્ર હીરા કે ઝવેરાતથી સમૃધ્ધ છે તેમ નથી. ભારત વિશ્વને હંમેશ કંઇક અજોડ અને અદ્વિતીય કહી શકાય તેવું યોગદાન આપતું રહ્યું છે. આવું જ એક યોગદાન એટલે યોગ. યોગ એ વિશ્વને ભારત તરફથી પ્રાપ્ત થયેલ પુષ્પાંજલિ છે, જે પ્રાચીન હોય કે અર્વાચીન હર યુગમાં મહેકે છે.
આમ તો યોગની પરંપરા અતિ પ્રાચીન છે. મહાભારત અને ભગવદ્ ગીતામાં પણ ત્રણ પ્રકારના યોગનો સંદર્ભ મળે છે. યોગ એ જીવનશૈલી છે, જેનો ઉલ્લેખ 5000 વર્ષ પૂર્વે વેદોમાં મળે છે. પરંતુ, આજે જે વધુ પ્રચલિત છે….શાસ્ત્રીય રીતે જેનું યોગસૂત્ર દ્વારા આલેખન થયું છે….તે છે ઋષિ પતંજલિનો અષ્ટાંગ યોગ.
યોગ એટલે શું એ સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે યોગ શું નથી. માત્ર આસન અને પ્રાણાયામ એટલે જ યોગ એવી સામાન્ય માન્યતા જોવા મળે છે., જે સત્ય નથી. યોગ કોઈ વ્યાયામ પદ્ધતિ નથી કે નથી ચિકિત્સા પદ્ધતિ. યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે નથી કે નથી કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ માટે. યોગ વિજ્ઞાન પણ નથી કે નથી માત્ર તત્વજ્ઞાન. યોગ એ પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પદ્ધતિ છે. યોગ એ ભૌતિક જગતથી પર, બધાંમાં ઓતપ્રોત પરમ ચૈતન્યના અનુભવ માટે સાધનમર્ગ છે. યોગની વિવિધ વ્યાખ્યાઓ થઈ છે. અને વિભિન્ન યોગ માર્ગો છે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, મંત્ર યોગ, લય યોગ, હઠ યોગ, રાજ યોગ, પૂર્ણ યોગ…. વિ. સંસ્કૃત युज ધાતુ પરથી યોગ શબ્દ આવ્યો છે. युज એટલે જોડવું…માટે યોગ એટલે જેનાથી જોડાણ સધાય તે… જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ. છતાં સામાન્ય માનવી જે યોગને જાણે છે તે હઠયોગ અને રાજયોગ છે. આ એવું ગહન જ્ઞાન છે કે જ્ઞાનનો મહાસાગર છે, જેનો તાગ મેળવવો મુશ્કેલ છે. માટે આપણે અહીં વધુ ઊંડાણમાં નહિ જઈએ. પણ સરળ રીતે સમજીશું.
યોગ એ પ્રાચીન ભારતીય વિદ્યા છે. પ્રશ્ન થાય કે વિદ્યા એટલે શું? વિદ્યા એ એવું જ્ઞાન છે, જે માણસની ક્ષમતા વધારે છે અને કક્ષા બદલે છે. કોઈપણ વિદ્યા મેળવ્યા બાદ વ્યક્તિની ક્ષમતા કે કેપેસીટી વધે છે. તે પહેલાં કરી શક્તો હોય તે કાર્ય વધુ સારી રીતે કરી શકે છે. જ્યારે તેની આ ક્ષમતા વધે છે, ત્યારે તેનું વધેલું કૌશલ્ય તેની કક્ષા બદલે છે. કક્ષા બદલાય ત્યારે તે વધુ સારો માનવ બને છે. આ મહામાનવ બનવાની વાત નથી પણ માનવ તરીકે પોતાને મળેલી શક્તિઓની શ્રેષ્ઠતા મેળવવાનો તેનો હેતુ છે. માનવ બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ સિધ્ધ થયો છે. પણ કઈ રીતે? માનવ યુગો પર્યંત શક્તિની આરાધના કરતો રહ્યો છે. ક્યારેક શારીરિક શક્તિ તો ક્યારેક માનસિક. આ શક્તિ તેણે જ્ઞાન કે વિદ્યાઓ વડે સંવર્ધિત કરી છે. યાદ કરીએ કે સિંહ, વાઘ, હાથી હોય કે જળચર પ્રાણીઓમાં વિશાળકાય વ્હેલ હોય, માનવી પોતાની શક્તિના સામર્થ્યથી સર્વોચ્ચ પદે બિરાજે છે. આ કૌશલ્ય ક્યાંથી આવ્યું? આ કૌશલ્ય તેણે શારીરિક અને માનસિક શક્તિના વિકાસથી પ્રાપ્ત કર્યું છે. યોગનું લક્ષ્ય ભલે શારીરિક કે માનસિક ક્ષમતા વધારવાનું ન હોય ..પણ યોગની ઉપાસના કરનાર આ ક્ષમતા સહેજે પ્રાપ્ત કરે છે.
આજે સમગ્ર વિશ્વની સમૃધ્ધિની દોટ થંભી છે અને કોરોનાની મહામારીના તોફાની સમુદ્ર વચ્ચે આરોગ્યનું વિશ્વ હાંફી રહ્યું છે. ત્યારે દીવાદાંડી બની પ્રકાશ આપે છે યોગ. યોગ આજે જીવન દૃષ્ટિ છે. દ્રશ્ય ગમે તેટલું ભવ્ય હોય પણ દ્રષ્ટિહીન વ્યક્તિ તે માણી શકતી નથી. દ્રશ્ય નહીં પણ દૃષ્ટા અને દૃષ્ટિ જીવનપથ પર માર્ગદર્શક બને છે. આવી જીવનદ્રષ્ટિ એટલે યોગ. યોગ એક જીવનવૃક્ષ છે અને સુંદર આરોગ્ય એ તેનું ફળ .
માનવ સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે છે. સફળતાની સીડી પર તેનાં પગલાં ક્યારેક તેને ચંદ્ર કે મંગળની સફર કરાવી શકે તેમ છે તો ક્યારેક મહાસાગરના પેટાળની અદભુત જીવસૃષ્ટિનું દર્શન પણ કરાવી શકે છે. આ સર્વસ્વ, સિદ્ધિ, સમૃધ્ધિ અને સફળતાનો પાયો છે તેનું તન, મન અને ધન . ધનની દોટમાં દોડતો માણસ પણ જો તન અને મનનું પોષણ ન કરે તો ન તેને સમૃદ્ધિ બચાવી શકે કે ન ટેકનોલોજી. જીવન સફર રોગના પડાવ પર આવી ઊભી રહે છે અને જીવનયાત્રાને એક આંચકો લાગે છે. જીવન ઓનલાઈનમાંથી ઓફલાઈન બનતાં વાર લાગતી નથી. સફળ ગણાતું જીવન ક્યારેક બેક્ટેરિયા તો ક્યારેક વાયરસની સામે માઈક્રોસોફ્ટ હોય તેમ લાગે છે. ચોપાસ છે અંધકાર અને ત્યારે પ્રકાશનો રાજમાર્ગ છે યોગ …ઋષિ પતંજલિએ પ્રયોજેલો રાજયોગ . યોગ એ પ્રાચીન વિદ્યા છે જે અર્વાચીન સમયમાં પણ સચોટ અને સફળ છે. જ્યારે બે વસ્તુઓનું જોડાણ થાય ત્યારે નીપજે યોગ . આ જોડાણ તનનું અને મનનું હોય તો બને રાજયોગ. જેમ રાજમાર્ગ એ સહુ માટે છે તેમ જ રાજયોગ એ કોઈપણ માણસ માટે પથપ્રદર્શક છે. તે સમગ્ર માનવજાતિના કલ્યાણનો માર્ગ છે. આજે વિશ્વ, આરોગ્ય માટે આકાશપાતાળ એક કરી રહયું છે, ત્યારે યોગ વ્યક્તિની પોતાની શક્તિને કેળવવાનો માર્ગ છે. યોગથી સ્વસ્થ બનેલ શરીર કોઈપણ પડકાર ઝીલવા સક્ષમ છે. તે માનવીની રોગ પ્રતિકાર શક્તિને ખીલવે છે. પ્રશ્ન થાય કે આવું કઈ રીતે થઈ શકે?
ઋષિ પતંજલિનો યોગ એ અષ્ટાંગ યોગ વિદ્યા છે. તેના આઠ અંગ છે. અષ્ટાંગ યોગમાં સમાવિષ્ટ છે -યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર , ધારણા, ધ્યાન અને સમાધિ. આ અંગોમાં એક ક્રમિકતા હોવા છતાં એ ક્રમિકતા પગથિયાં જેવી નથી. તેથી સાધક જેમ જેમ વિકાસ પામતો જાય તેમ તેમ આગળના અંગોનું ઉમેરણ થતું જાય છે. માટે આ આઠ અંગોને યોગમૂર્તિના આઠ અંગો ગણવામાં આવે છે. રાજયોગ સૌમ્ય સાધન માર્ગ છે. તે મનોજય દ્વારા પ્રાણજયનો માર્ગ છે. પાતંજલ યોગસૂત્રના અભ્યાસ પરથી લાગે છે કે મહર્ષિ પતંજલિનો દૃષ્ટિકોણ સાંપ્રદાયિક નહિ પણ વ્યાપક અને સમન્વયાત્મક છે.
યોગનું અંતિમ ધ્યેય આત્મ સાક્ષાત્કાર છે. તેનું પ્રાથમિક લક્ષ્ય જીવનમાં સંતુલન અને નિયંત્રણ મેળવવાનું અને મૂંઝવણ અને તણાવ દૂર કરવાનું છે…જે આસાનીથી આસન અને પ્રાણાયામથી થઈ શકે છે. કોઈ વ્યક્તિ વિચારે તેનાથી અધિક લાભ યોગ આપે છે. આજના યુગના પડકારોનો સામનો કરવામાં પણ યોગ મદદરૂપ છે. શરીર અને મન વચ્ચે સંપૂર્ણ સંવાદિતા જાળવવા યોગિક જીવનશૈલી આધારભૂત છે. યોગ એ માત્ર નિરીક્ષણ કે બૌદ્ધિક વિચારણાનું પરિણામ નથી. ભારતના દૃષ્ટિ સંપન્ન ઋષિઓ અને યોગીઓએ આંતરદૃષ્ટીથી જે જોયું, અનુભવ્યું તેના પરિપાક રૂપે આ ખૂબ જ વ્યવસ્થિત શાસ્ત્ર છે. માટે જ આજે વિશ્વભરમાં એક યા બીજા સ્વરૂપે યોગની ઉપાસના થાય છે. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિનની શુભેચ્છાઓ…
રીટા જાની
18/06/2021
સરસ યોગનો અભ્યાસ પૂર્ણ લેખ છે. અભિનંદન
LikeLike
આભાર, પ્રજ્ઞાબેન. આમ પણ વર્ષોથી યોગની ઉપાસના અપનાવી હોઇ આ તો સ્વાનુભવની પણ વાત છે.
LikeLike
યોગ વિષે સરસ જાણકારી આપી.
LikeLike
આભાર, સુરેશભાઈ.
LikeLike