હૃદય બને કારણ વ્યથાનું
જીવન બને કંટક બિછાનું
ચિત્તને ચિંતા અકળાવે
કે મનનો ડર ગુંગળાવે
વિપદ છો આવે અચાનક
રુદન ના હોય મારું કથાનક
શ્રમની સુગંધ લાવે પવન
રંગીન ઉષાનું થાય આગમન
ચિંતા ન મનમાં આણે
તે જીવન જીવી જાણે
ભીતર શ્રધ્ધા કેરો સમંદર
નૈયા મારી લાંગરે બંદર
હઠ હોય પ્રહારો ઝીલવાની
ઋતુ આવે ફૂલોના ખીલવાની
ભલે લાગે આ ફાની જિંદગાની
જીવી જાણો તો એ છે મઝાની.
પૃથ્વી …. અવકાશમાં ઘૂમી રહેલ સુંદરતમ ગ્રહ…આસમાની રંગની પૃથ્વી અવકાશી સૌન્દર્યમાં કંઇક અલગ જ ભાત પાડે છે કેમ કે તેમાં આસમાની સમુદ્રો છે, લીલાંછમ વનો છે, ખળખળ વહેતી નદીઓ અને ઝરણાં છે અને સૌથી વિશિષ્ટ તો માનવીની ઉપસ્થિતિ છે. પ્રભુનું શ્રેષ્ઠ સર્જન છે માનવી કેમ કે તેની પાસે બુદ્ધિ છે, શક્તિ છે, ટેકનોલોજી છે અને આ બધાથી તે ધારે તે કરી શકે – હવામાં ઉડે, પાણીમાં તરે અને જાતજાતની મુસાફરી કરે, અરે પૃથ્વી જ નહીં અવકાશમાં પણ તેના પગલાં છે. પણ આવી અદભુત સિદ્ધિ ધરાવનાર માનવને કોઈ પૂછે કે શું તે પુષ્પોની જેમ હરહંમેશ પ્રફુલ્લિત રહી શકે? પુષ્પ કલિકાની જેમ નવપલ્લવિત રહી શકે? પંખીની જેમ ખુશી ખુશી નવાં ગીત છેડી શકવાનો આનંદ તેની પાસે છે ખરો? કદાચ મહદઅંશે ઉત્તર નકારમાં આવે. સહેજે પ્રશ્ન થાય કે આ આનંદ ક્યાં ગયો અને કોણે છીનવી લીધો? આ પ્રશ્નોનો જવાબ છે ……ચિંતા.
ચિંતા … આનંદની ક્ષણોને છિન્નભિન્ન કરી શકે …માનવ સિદ્ધિના મહેલોને જમીન દોસ્ત કરી શકે, માનવ મનની અમાપ શકિતઓ હોવા છતાં તેને પાંગળો બનાવી શકે. તત્વજ્ઞાનીઓ તેને તત્વ અને જ્ઞાન બંને રીતે જાણે છે, મનોચિકિત્સકો તેને ઓળખે છે અને સામાન્ય માનવી જો એમ કહે કે તેને કોઈ ચિંતા નથી પણ દિલ પર હાથ રાખીને કોણ કહી શકે કે તેને ચિંતા નથી? ચિંતાનું સામ્રાજ્ય સર્વત્ર છે. બાળપણની વાર્તાઓ યાદ કરીએ તો …
…..એક રાજા હતો . પ્રજાવત્સલ અને પ્રજા સુખી. પણ એક વાતની ચિંતા હતી…રાજગાદી સંભાળે તેવા સંતાનની ખોટ….રાજાને ક્યારેક કુંવરના રાજ્યાભિષેકની ચિંતા…
તો ક્યારેક કુંવરીના લગ્નની તો ક્યારેક દુશ્મનોના આક્રમણની ચિંતા. આવાં કથાનકો સાંભળીને મોટા થતાં વિદ્યાર્થીને પરીક્ષાની ચિંતા…ત્યાર બાદ નોકરી, પ્રમોશનની ચિંતા, યુવાનીમાં સુંદર, સુશીલ યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થશે કે કેમ તેની ચિંતા…. અને વૃદ્ધાવસ્થા તો ચિંતાનો ખજાનો. કેમ કે શરીર, ધન અને મન -બધી જ શક્તિઓની સીમા આવી જાય. આ બધામાં સામાજિક ચિંતા, આર્થિક ચિંતા , પદ અને પ્રતિષ્ઠાની ચિંતાનો સરવાળો કરીએ તો લાગે કે ચિંતાઓનું આ નકારાત્મક લીસ્ટ ઘણું લાંબુ છે કે તેનો અંત છે કે કેમ?
ક્યારેક કોઈનો સૂર સંભળાય કે…
એમ જ કંઈ કાળામાંથી વાળ સફેદ નથી થતા.
…આમ ચિંતા આબાલવૃદ્ધ, ગરીબ, તવંગર સહુને છે.
માનવ સિદ્ધિના જુદાં જુદાં ક્ષેત્રો પર નજર નાખીએ તો લાગશે કે ચિંતા એ કોઈ ક્ષેત્ર છોડ્યું નથી. આર્થિક પંડિતોની દિલચસ્પીનું ક્ષેત્ર એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર તો દરેક માનવીને સ્પર્શે છે. આર્થિક વિકાસ થશે કે કેમ, જી ડી પી વધશે કે નહિ અને વધે તો કેટલી વધે તેની ચિંતા આ ક્ષેત્રના સહુ લોકો કરતા જ હોય છે. ત્યાર બાદ આવે કોર્પોરેટ મહારથીઓ – સફળતાની સીડી તો તેમને સાધ્ય ખરી જ પણ ચિંતાના ક્ષેત્રો પણ ખરાં જ – કંપનીના વિકાસ અને પ્રતિસ્પર્ધા , નફો જાળવવાની , બજારમાં સ્થાન જાળવીને વિકાસ કરવાની ચિંતા. તો શેરબજાર તો ચિંતામાં શિરમોર . ચિંતા તેમાં કંઈ કેટલીયે ઉથલ પાથલ કરી શકે અને આજે ફૂલગુલાબી લાગતું હોય તે ગમે ત્યારે પત્તાના મહેલની યાદ આપી શકે અને કડડભુસ થતાં જરાય વાર ન લાગે. માનવીના સ્વાસ્થ્યનો ભાર ઉઠાવતી હોસ્પિટલો પણ ચિંતાથી મુક્ત નથી.
… આ બધું ઓછું હોય તેમ હવે આવ્યા છે નવા વાઇરસ. કોરોનાના પાનડેમિકથી ત્રસ્ત દુનિયાને એક વાઇરસ પડકાર ફેંકી શકે છે. માનવીની સફળતાની દોડ થંભી જાય છે – ધંધા , રોજગાર ઠપ્પ અને કાલે શું થશે તેની ચિંતા આજે સાર્વત્રિક છે. વાઇરસ સામે આવેલી વેક્સિનની પણ ચિંતા કદાચ આજે સમગ્ર વિશ્વને છે. વેક્સિન મળશે કે નહિ, તે અસરદાર છે કે નહિ, કોને ક્યારે મળશે – તેવી નવી ચિંતાઓ માનવીની રોજબરોજની જિંદગીને અસ્તવ્યસ્ત બનાવી રહી છે. અતિશય સફળ એવું વિજ્ઞાન પણ જો ચિંતાની વેક્સિન શોધી શકે તો એ મોટી સફળતા ગણાશે.
પણ ત્યાં સુધી ….શું ?
ચિંતાનો ઉકેલ …ચિંતામાં જ સમાયેલો છે. ચિંતા માનસિક હોય છે અને તેથી જ તેનો ઉકેલ પણ માનસિક જ હોઈ શકે. ચિંતા જુદી જુદી રીતે ઉદભવે છે. પણ સામાન્ય રીતે જોઈએ તો ચિંતા એ અદૃષ્ટ અને દૃષ્ટ વચ્ચે ઊભેલી સમયની ભેદરેખા છે. જે કોયડો ઉકેલી શકાતો નથી તેની મૂંઝવણ એટલે જ ચિંતા. જો તે ઉકેલવાની શક્તિ આવી જાય તો ચિંતા રહે નહીં. યાદ કરીએ કે એક સમયે માણસ માટે ઊડવું શક્ય ન હતું. રાઈટ બ્રધર્સ તેનો પોતાની શક્તિથી ઉકેલ લાવી શક્યા અને આજે હજારો માઈલ દૂર માત્ર પ્લેનમાં ઊડીને પહોંચી શકાય છે. પ્રથમ ઉકેલ આત્મશક્તિ કેળવીએ તો ઊકેલ દૂર નથી. તમે બ્રેક મારીને વાહન ચલાવી શકો નહિ. ચિંતા એ પ્રયત્નોના પૈડાં પરની બ્રેક છે.
બીજો ઉકેલ ગીતામાં શ્રી કૃષ્ણ એ અર્જુનને કહ્યો હતો..
ફળની અપેક્ષા વિના કર્મ કરવું. જે ફળ આવે તે સ્વીકારવું. અહીં પણ ચિંતા રહી શકે નહીં.
છત્રપતિ શિવાજીની વાત યાદ આવે છે. તેમનું નાનું સૈન્ય પૂર્વઘાટમાં આરામ કરતું હતું ને ત્રણ બાજુથી મોગલો ત્રાટક્યા. દુશ્મનોથી અચાનક ઘેરાઈ જવા છતાં ચિંતા કરવાના બદલે શિવાજીએ પોતાના સૈનિકોને ચોથી બાજુએ નાસીને ડુંગર પાછળના ખડકોમાં જવા કહ્યું. થોડી વાર પછી તેઓએ ત્રણે બાજુથી તીરનો વરસાદ વરસાવી મોગલોને ભગાડ્યા. ચિંતા કરી હોત તો ચોક્કસ હારનો સામનો જ કરવો પડે. માટે પરિસ્થિતિ જોઇને વ્યૂહ રચવો જોઈએ. જીવન સંગ્રામ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ક્રિકેટમાં પણ દરેક બોલ રમવો જરૂરી નથી. જેનામાં ક્યો બોલ રમવો અને ક્યો છોડી દેવો એની સમજ હોય તે જ સદી ફટકારી શકે છે.
એ સમજવું જરૂરી છે કે હકીકતે ચિંતા એ સૌથી મોટો વાયરસ છે. ચિંતા એ સમય અને શક્તિની બરબાદી છે. પરીક્ષા, નોકરી કે પ્રમોશનની ચિંતા કરવાના બદલે પ્રયત્ન અને ક્ષમતા વધારીને ચિંતાનું કારણ દૂર કરી શકાય છે.
ચિંતા એ નાની ફૂટપટ્ટી વડે અવકાશી ઊંડાઈ પામવાની ઈચ્છા છે. જ્યારે ક્ષમતા કે કેપેસિટી કરતાં અપેક્ષાઓ અને સ્વપ્નો વધુ મોટા હોય તો ચિંતા ઉદભવે છે. જો વાસ્તવિકતાને સમજીને વર્તવામાં આવે તો ઉકેલ સહજ અને સરળ બને.
ભક્ત કવિ દયારામનું સુંદર પદ યાદ આવે છે..
ચિત્ત તું શીદ ને ચિંતા કરે
કૃષ્ણને કરવું હોય તે કરે .
ચિંતા એક કાજળઘેરી રાત્રિ છે અને સવાર સુધી પહોંચવા પહેલાં જ પ્રકાશ પામવાની અધીરાઈની મૂંઝવણ પણ છે. ઉગતી સવારની વાત આવે એટલે પૂર્વ- પશ્ચિમ દિશાનો જ ખ્યાલ આવે. આપણે જો પૂર્વ દીશા તરફ જોઈએ તો સૂર્ય દેખાશે અને પશ્ચિમ દિશામાં પડછાયો. નક્કી આપણે કરવાનું છે કે સફળતાનો સૂર્ય જોઈએ કે ચિંતાનો પડછાયો. જરૂરી છે સાચો અભિગમ, શ્રધ્ધા અને આત્મ વિશ્વાસ…
સુંદર શબ્દો યાદ આવે છે…
…..સુબહ જરૂર આયેગી
…..સુબહ કા ઇન્તેઝાર કર.
રીટા જાની
04/06/2021
ખુબ સરસ પ્રગતિ કરી રહ્યા છો અભિનંદન
LikeLike
તમારા માટે આભાર શબ્દ ખૂબ નાનો પડે છતાં હ્રુદય પૂર્વક રાજીપો વ્યક્ત કરું છું.
LikeLike
બહુ સુંદર લખાણ💐
LikeLike
આભાર, સ્વાતિ બેન.
LikeLike
ચિંતા ન મનમાં આણે
તે જીવન જીવી જાણે
ભીતર શ્રધ્ધા કેરો સમંદર
નૈયા મારી લાંગરે બંદર
LikeLiked by 1 person
આભાર, વિમળાબેન.
LikeLike
ભલે ફાની લાગે આ જિંદગાની,જીવી જાણો તો છે એ મજાની.બહુ સરસ રીટાબહેન
LikeLike
આભાર, જિગીષા બેન. તમે મારી આ લેખન યાત્રામાં હંમેશા સાથે રહ્યા છો તેનો આનંદ છે.
LikeLike
Very nice . . Convicing language . .
LikeLike
આભાર, પંકજ ભાઈ.
LikeLike