મોહક સ્મિત
નજરાણું ક્ષણિક
માન સદાય
‘આશુ, જો પેલો વિરાજ,”હાય” કરું?’ આશુની મિત્ર રિદ્ધિ એ બીકરમાં દેખાતા વિરાજના પ્રતિબિંબ પર નજર કરતા કહ્યું.
કાણી આંખ કરીને ટોંગથી ઉંચકેલ પારદર્શક ટેસ્ટટ્યૂબની આરપાર જોતા જોતા આશુ બોલી, ‘હું પણ એને જ જોઉં છું રિદ્ધિ, ઉફ્ફ…કેટલો હેન્ડસમ છે!!’
વિરાજ માત્ર એનાં ક્લાસ જ નહીં પણ આખી સ્કૂલની બધી જ છોકરીઓ માટેનું કેન્દ્ર બિંદુ હતો.
મજાકીયો અને રમતિયાળ સ્વભાવ એ એનાં આકર્ષણનું કારણ હતું.
વાંકળિયા વાળ, ગાલ પર હળવા ખાડા, મરૂન કલરનું ડાર્ક સ્વેટર, ઈસ્ત્રી ટાઈટ શર્ટ-પેન્ટ સાથે હાથમાં પહેરેલી “વિર” લખેલી ચાંદીની લકી સાથે એનો લંબગોળ ચહેરો પણ એટલો જ ચક્મકીત થતો હતો.
બારમાં ધોરણના વિજ્ઞાન પ્રવાહના બે ડિવિઝન હતાં. વિરાજ “એ” ડિવિઝનમાં હતો. આશુ “બી” ડિવિઝનમાં હતી.
અઠવાડિયામાં બે દિવસ માટે “બી” ડિવિઝનની છોકરીઓ આતુરતાથી રાહ જોતી રહેતી. કારણકે આ બે દિવસ બન્ને ક્લાસનો કેમેસ્ટ્રીનો પ્રેકટીકલ પિરિયડ એક સાથે કેમેસ્ટ્રી લેબમાં લેવાતો હતો.
નવી પેઢીના નવા રીતરિવાજ પ્રમાણે લગભગ દરેક છોકરા છોકરીઓ કોઈકના કોઈક સોશ્યલ મીડિયા પર એકબીજાના ફ્રેન્ડ તો હતા જ. પણ બંને ક્લાસની છોકરીઓને વિરાજ સાથે કોઈક ખાસ મિત્રતા જ કરવી હતી.
વિરાજ અને આશુના ક્યારેક નજરથી અડપલાં થઇ જતા હતા.
જયારે પણ આશુ વિરાજ સાથે વાત કરતી ત્યારે કંઈ ખાસ અનુભવાતું ન હતું.
વિરાજ બધા સાથે વાત કરે તેમ જ આશુ સાથે વાત કરતો હતો. પણ નજરનો વાર્તાલાપ અલગ જ હતો.
એક દિવસ સોશ્યિલ મીડિયાના અબોલા તૂટ્યા.
આશુના છુટ્ટા વાળ લહેરાવીને બીકરમાં ભરેલા ભૂરા રંગના પ્રવાહી સાથે અપલોડ કરેલા સેલ્ફી ઉપર લાઈકની લાઈટ ચમકી.
ઇન્સ્ટાગ્રામ પણ ઘણું ગૂંચવાળા ભર્યું છે. કોઈ વ્યક્તિ લાઈક કરે અને લાલ રંગનું હાર્ટ કુદકા મારે. લાઈકમાં ને લવમાં કોઈ ફરક જ નહીં.
‘રિદ્ધિ ઉપાડને જંગલી, જલ્દી…જલ્દી..’ ઇન્સ્ટાગ્રામના હાર્ટની જેમ આશુનું હાર્ટ પણ ઊછળવા લાગ્યું.
‘ફોન ઉપાડતાની સાથે જ રિદ્ધિ એ કહ્યું,’ બહું ઊછળીશ નહીં, એણે બધા છોકરા અને છોકરીઓના ફોટા લાઈક કરેલા છે.’ આશુનું હૃદય આંસુ આંસુ થઇ ગયું.
આશુને હવે ઊંઘ આવતી ન હતી. એના લીધે એ એના ફોનને પણ સુવા દેતી ન હતી.
ઊંઘ તો ના જ આવેને. બારમું ધોરણ, ઉંમર પણ વિચારો જોડે હરીફાઈ કરતી હોય, ત્રણ-ચાર મહિના પછી કોલેજીયન થઇ જવાની ગલીપચી અને વિરાજ જેવો મસ્ત ગલૂડિયાં જેવો હસમુખો છોકરો, કોને આવા છોકરાની કંપની ન ગમે?
હિંમત કરીને આશુએ વિરાજને મેસેજ કરવા ઈન્સ્ટાગ્રામ ચાલુ કર્યું.
‘ઓહ માય ગોડ!!’ વિરાજના નામની નીચે ટાઈપિંગ જોડે ત્રણ ટપકાં કુદકા મારતા જોયાં.
‘હાય :)…’થી શરૂઆત થઇ. બંને વચ્ચે મેસેજની આપ-લે ચાલુ થઇ ગઈ.
એ રાત્રે તો બંનેના ફોનમાં જ કેમિસ્ટ્રીના પ્રયોગો થતાં હોય તેમ ઈમોજીથી ચેટ બોક્ષ ઉભરાવવા લાગ્યું.
બંને જણાની રાતો હવે લંબાવા લાગી. અઠવાડિયામાં બે દિવસ બંનેની ગાઢ કેમેસ્ટ્રી, પ્રયોગશાળામાં દેખાતી. એ જ કેમેસ્ટ્રી ઘરે ગયાં પછી ચેટ બોક્ષમાં મિક્ષ થતી હતી.
બંને જણાએ સવાર,બપોર, સાંજ,રાતના આઠેય પ્રહરોને એક ફ્લાસ્કમાં ઓગાળીને એનાં ઉપર મૈત્રીનું બૂચ મારી દીધું હતું.
બંનેની ફ્રેન્ડશીપમાં હવે “આઈ લાઈક યુ એન્ડ મિસ યુ’ જેવાં સંવાદો પણ ઉમેરાયા હતા. ક્યારેક બંને વધારે ગેલમાં આવી જાય તો એ સંવાદોની પાછળ હગ અને કીસ જેવાં ઈમોજીએ પણ પગપેસારો કર્યો હતો.
તેઓની વર્ચુઅલ મિટિંગ હવે સ્કૂલના સાઇકલ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી.
વિરાજ અને આશુ માટે દુનિયામાં એકબીજા સિવાય હવે માત્ર તેઓનાં ફોનનું જ મહત્વ હતું.
રીસેસમાં આશુ એની સહેલીઓ સાથે ગપ્પા મારતી હતી. એનાથી થોડે દૂર ઉભેલા વિરાજે આશુને ઉપર લેબમાં આવવા ઈશારો કર્યો.
શરમ અને ડરના માર્યે ત્રાસી આંખે જોતી આશુને કંઈ સમજાયું નહીં. એણે મેસેજ કરવા ઈશારો કર્યો.
ઝણઝણાટી સાથે મેસેજ ડિસ્પ્લે થયો.
મેસેજમાં લખ્યું હતું કે ‘આઈ વોન્ટ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ યુ ઈન લેબ, કમ ઈન લેબ આફ્ટર રીસેસ પ્લીઝ.’
આ તો “નેકી ઑર પૂછ પૂછ”.
‘થેન્ક ફોર કમિંગ આશુ’ લેબમાં બાગ બગીચા જેવી મહેક તો ન હતી.
કેમિકલની દુર્ગંધ હતી પણ એની આ લોકોને કોઈ પરવાહ ન હતી.
વિરાજે લેબનો દરવાજો આડો કર્યો. બંને હાથ આશુના કમર પર મુક્યા. આ વખતે ફોનને નહીં પણ આશુને ઝણઝણાટી થઇ.
સમય બગાડ્યા વગર જ વિરાજે આશુને કહ્યું, ‘આશુ આઈ લવ યુ, વિલ યુ બી માય…’ વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો વિરાજ આશુના હોઠથી બે દોરા જ દૂર હતો ને ત્યાં જ લેબનો દરવાજો ખખડ્યો.
ખખડાટની સાથે જ બંને સ્વસ્થ થઇ ગયા. આશુએ તો બે ટેસ્ટ ટ્યૂબ્સ હાથમાં લઈને રસાયણો સાથે કંઈક પ્રયોગ કરતી હોય તેમ નાટક પણ ચાલુ કરી દીધું.
લેબનો દરવાજો આડો કરીને આવતા વિરાજ બબડવા બબડતા આશુને કહેવા લાગ્યો, ‘હાશ!! બચી ગયાં!! રમેશભાઈ પટ્ટાવાળા…!!’
‘આ શું? આશુ ક્યાં ગઈ? મારી જોડે સંતાકૂકડી રમે છે, આશુ?’ ટૅબલની આ બાજુ આવીને જોયું તો આશુ જમીન પર પડી હતી.
‘કમ ઓન ડિયર..હવે નાટક ના કર, રમેશભાઈ ગયા!!’ આશુ તરફથી કોઈ પ્રતિસાદ ના મળ્યો.
‘આઈ એમ વેટીંગ ફોર આન્સર, બેબી.’ બોલતા વિરાજે તેનો હાથ આશુના ગળા પર ફેરવ્યો.
‘ઓહ શીટ’ આશુ ઠંડી બરફ જેવી થઈ ગઈ હતી. બેભાન આશુને જોઈને વિરાજ ગભરાઈ ગયો.
તુરંત જ એણે એમ્બ્યુલન્સને ફોન કર્યો અને લેબની બહાર જઈને “રમેશભાઈ…રમેશભાઈ” બૂમો પાડી.
રમેશભાઈ અને બે-ચાર ટીચર્સ પણ દોડીને આવ્યાં.
વિરાજે થોડી સાચી જુઠ્ઠી વિગતો સ્કૂલ ટીચર્સને આપી. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ.
વિરાજ પણ પોતાનું સ્કૂટી લઇ એમ્બ્યુલન્સની પાછળ હોસ્પિટલ ગયો.
ઇમર્જન્સી ડૉ. વિષ્ણુ ત્યાં હાજર જ હતાં. ડૉ વિષ્ણુએ બેભાન આશુનું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું.
આશુનું ઑક્સિજન લેવલ સિત્તેર સુધી ઘટી ગયું હતું. હાર્ટ રેટ સો હતો.
બ્લડ પ્રેશર પણ નોર્મલ હતું. દેખીતી રીતે આશુના બેભાન થવાનું કોઈ કારણ જણાતું ન હતું.
ટીચર્સ અને પટ્ટાવાળા રમેશભાઈ પાસેથી ડૉ. વિષ્ણુને એક જ વિગત મળી કે, ‘અમને તો વિરાજે જ ઇન્ફોર્મ કર્યું હતું.’
ડૉ. વિષ્ણુએ વિરાજને લાંબીલચક પ્રશ્નાવલી સ્પર્ધા ચાલુ કરી.
‘આશુ તારી ગર્લ ફ્રેન્ડ છે?
તે એને કંઈ ખવડાવ્યું છે?
એણે સવારથી શું ખાધું-પીધું છે?
તમારી વચ્ચે કોઈ સં….?
નો…નો..નો…સર, વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. વિરાજે એ જ બધી મિશ્રિત વિગતો ડૉ. વિષ્ણુને આપી જે વિગતો તેણે ટીચર્સને આપી હતી.
હા…અધકચરી જ..!!
દરેક દિશામાં ઇન્વેસ્ટીગેશન કરતા ડૉ. વિષ્ણુ પાસે આશુનો પ્રેગ્નેન્સી રિપોર્ટ અને ટૉક્સિન રિપોર્ટ પણ આવી ગયો..
‘નેગેટિવ..નેગેટિવ..’
આશુના મમ્મી પપ્પા આવતા જ ડૉ. વિષ્ણુએ ટીચર્સ, રમેશકાકા અને વિરાજને જવા જણાવ્યું.
‘વિરાજ, મને સ્કૂલે ઉતારી દઈશ, મારી સાઇકલ ત્યાં પડી છે.’
‘ઓકે…’ વિરાજનું મન હવે ચોંટતું ન હતું. એ પોતાને જ દોષી માનતો હતો.
‘જરૂર આશુ ઘભરાઈને પડી ગઈ લાગે છે.’
‘એ ભલે મેસેજમાં નજીક હતી પણ….’
અનેક વિચારોની વચ્ચે, બે ચાર સિગ્નલ બ્રેક કરીને વિરાજ અને રમેશભાઈ સ્કૂલે પહોંચ્યા.
‘રમેશકાકા, લેબ તો લૉક થઇ ગઈ હશે ને? મારી પુસ્તકો ત્યાં પડી છે.’
બંનેને ખબર હતી પુસ્તક તો માત્ર બહાનું હતું.
રમેશકાકાને પણ શક થયો. નક્કી વિરાજ કંઈક સગેવગે કરવાં જઈ રહ્યો છે.
વિરાજ લેબમાં પ્રવેશ્યો. આજુબાજુ જોયું અને ખાતરી કરી કે કોઈ તેને જોતું તો નથી ને!
જ્યાં આશુ બેભાન થઇ હતી ત્યાં ગયો.
ત્યાં કંઈક અજીબ પ્રકારની જ સુગંધ આવતી હતી.
આશુએ હાથમાં પકડી હતી તે ટેસ્ટ ટ્યૂબસ પર વિરાજની નજર પડી.
આછા ભૂખરા રંગના બે-ચાર ટીપાં પ્રવાહી સાથે બંને ટ્યૂબસ આડી પડી હતી.
થોડી ક્યુરિઓસીટી થતાં એણે આજુબાજુના બે ચાર ફ્લાસ્કમાં પડેલા કેમિકલના નામ વાંચ્યા.
બહુ જ બધાં દિવસો પછી આજે પહેલી વાર આટલી બધી વખત ખિસ્સામાં રહેલો ફોન વિરાજે બહાર કાઢ્યો.
સત્તર વર્ષના આ ગુજરાતી રજનીકાંતે બધાં જ કેમિકલની તાસીર ઈન્ટરનેટ પર ચેક કરવાની ચાલુ કરી દીધી.
‘ઓહ માય ગોડ!!!’
વિરાજે વળી પાછી ઈન્ટરનેટની મદદ લીધી. આ વખતે હોસ્પિટલનો નંબર શોધવા માટે.
હોસ્પિટલના રિસેપ્શન પરથી ફોન ડૉ. વિષ્ણુના ઍક્સટેંશન પર ટ્રાન્સફર થયો.
‘હેલ્લો..’ ડૉ. વિષ્ણુ હિયર
‘સર…ઇટ્સ સાઇનાઇડ..ઇટ્સ સાઇનાઇડ…સર..વિરાજ સ્પીકિંગ..ઇટ્સ સાઇનાઇડ’
ડૉ. વિષ્ણુ સીધા જ વૉર્ડમાં ગયાં અને આશુને પાછું ચકાસ્યું..
આશુના ભૂરા પડતા નખ સામે નજર કરતા ડૉ. વિષ્ણુએ રાડ પાડી ‘નર્સ..જલ્દી મને મિથિલિન બ્લ્યુ ઇંજેક્શન હોસ્પિટલની ફાર્મસીમાંથી મંગાવી આપો.’
‘હી ઇસ બ્રિલિયન્ટ…હી ઇસ રાઈટ..’
થોડીક જ સમયમાં વિરાજ પણ હોસ્પિટલ પહોંચી ગયો.
વિરાજને જોતા જ ડૉ. વિષ્ણુએ ‘યુ આર બ્રિલિયન્ટ માય બોય’ સાથે એને આવકાર્યો. સાથેસાથ નર્સિંગ સ્ટાફ, બીજા ડૉક્ટર્સ અને આશુના મમ્મી પપ્પાએ પણ વિરાજના આ આવકારને તાળીઓના ગડ્ગડાટથી તાલબદ્ધ કરી દીધો.
વિરાજે દૂર નજર કરતા આશુ પણ બેડ પર સૂતી સૂતી આ જ તાલમાં તાળીઓ વડે તાલ પુરાવતી હતી અને ડોકું હકારમાં ધુણાવતી હતી.
ત્યાં જ ડૉ. વિષ્ણુના ફોનની રિંગ વાગી, ‘લિટલ બોય બ્લ્યુ, એન્ડ અ ગર્લ ઈન ધ મૂન.’