અજ્ઞાતવાસ -૧૪

અલવિદા 
નકુલનાં આનંદ મિશ્રિત આશ્ચર્યનાં હાવભાવ જોઈ હિરેનમાસાએ ભાઈને કહ્યું નકુલને ડ્રાઈવર સાથે ઘેર મોકલી દઈએ,તમે અને મોટીબહેન(શશીબહેન) પછી શાંતિથી જાઓ. અને માસાએ ઈન્ટરકોમથી ડ્રાઇવરને ગાડી પોર્ચમાં લાવવાનું કહ્યું અને મને કહ્યું “નકુલ ,તું નીચે જા,તને ડ્રાઈવર ઘેર મૂકી જાય છે.” હા ,કહી હું કચવાતે મને ઊભો થયો.પણ ખબર નહીં થોડી કોનિયાકની અસર અને માસીનું ઘર એટલું મોટું હતું કે ઘરની ભુલભુલામણીમાં હું રસોડામાં પહોંચી ગયો.એક સફેદ ટોપીવાળો મને નીચે ગાડીમાં બેસાડી ગયો.ઘેર પહોંચી થોડી ઉલ્ટીઓ કરી,હું ઊંધી ગયો.

મારી ‘દેશ વિદેશ એક્સપોર્ટ ‘કંપનીનાં પાર્ટનરશીપનાં પેપર્સ પર સહી સિક્કા થઇ ગયા અને મારાં ગ્રીનકાર્ડનાં પેપર્સ આવતા મારી ‘સ્વીઝ એર’ ની ટિકિટ ભાઈએ કરાવી દીધી હતી..એકબાજુ અમેરિકા જવાનો ઉત્સાહ હતો તો બીજી બાજુ ટીનાને,રેસકોર્સને,રુખીબાને અને મુંબઈને છોડવાના દુ:ખથી અંતરનાં ખૂણે એક ચચરાટ હતો.


સીમલા સાથે ગયા પછી ટીના સાથે પણ હ્રદયથી એટલો જોડાઈ ગયો હતો કે દરેક પરિસ્થિતિમાં હું તેને મારી સાથે ઝંખતો.તેથી એકલો હોઉં ત્યારે પણ ટીના મારી સાથે જ હોય તેમ તેની સાથે વાતો કરતો રહેતો..તેમાં તેને મળવાનું અને વન ટુ વન વાત કરવાનું બંધ થઈ ગયું હતું.તે તો અમારા માટે અસહ્ય હતું. અમારે માટે વ્યોમા જ એક આશાનું કિરણ હતી.હું રોજ વ્યોમાને ફોન કરતો . વ્યોમા ટીનાને તેના ઘેર જઈ બધાં સમાચાર આપતી અને તેનાં સમાચાર મને જણાવતી.મારે જતાં પહેલાં એકવાર ટીનાને કોઈપણ ભોગે મળવું હતું અને તેને વિશ્વાસ આપવો હતો કે,” હું અમેરિકા કે દુનિયાનાં કોઈપણ છેડે જઈશ પણ હંમેશ હું તારો જ છું.અને તારો જ રહીશ,જલ્દી સેટલ થઈ ,તારા પપ્પા નહીં માને તો તને ભગાડીને પણ લઈ જઈશ.તું મારી રાહ જોજે.”.હું વ્યોમાને સાથે રાખી કોઈ જુગાડ કરીને ટીનાને મળવા માંગતો હતો.વ્યોમાએ મારા જવાનાં પાંચ દિવસ પહેલાં ટીનાની મમ્મીને તેના પપ્પાને સંભળાય તેમ કીધું “,નકુલ તો અમેરિકા જતો રહ્યો ,હવે તો ટીનાને બહાર જવા દો”.ટીનાની મમ્મી કહે,” તેના પપ્પાની રજા વગર હું કંઈ કરી ન શકું.


આમ કરતાં જ મારો અમેરિકા જવાનો દિવસ આવી ગયો.ભાઈ હિરેનમાસાને અમારા એક્સપોર્ટની કંપની અંગે વાત કરીને આવ્યા હતા. પરતું માધવલાલ ફેમિલીમાં એક નિયમ હતો કે કોઈપણ નવું કામ શરુ કરે તો દરેક કાર્ય તેમનાં જ્યોતિષ કહો કે પંડિત તેમને પૂછીને મુહૂર્ત અને ટાઈમ પ્રમાણે જ જોશ જોવડાઈને જ થાય.


સફેદ દાઢી અને સફેદ વસ્ત્ર પરિધાનમાં સજ્જ ,પ્રતિભાશાળી આ જ્યોતિષને માસીએ મારું ભવિષ્ય અને કુંડળી જોવા મોકલ્યા.આ એટલા મોટા જ્યોતિષ ગણાતા કે માધવલાલ ફેમિલી સિવાય તે કોઈના માટે જ્યોતિષ જોતાં નહીં. માસીની ઓળખાણને લીધે તે અમારા ઘેર આવ્યા હતા.હું,ભાઈ ,બહેન કે રુખીબા પણ આવી કોઈ અંધશ્રદ્ધા કે મુહૂર્ત કે જ્યોતિષમાં બિલકુલ માનતા નહીં.પણ માસીએ મોકલેલ અને અમારે એક્સપોર્ટનાં બિઝનેસમાં માધવલાલ ઈન્ડસ્ટ્રીની કંઈપણ મદદની જરુર પડે તો ,અમારે એ લોકો કહે તેમ કરવું પડે એટલે, અમે તેમને માન પૂર્વક સત્કાર્યા.
અમેરિકા જવાનો દિવસ હતો એટલે ઘર ,મિત્રમંડળ અને નજીકનાં પરિવારજનોથી ભરેલું હતું.આચાર્યએ મારાં સિવાય રૂમમાંથી બધાંને બહાર જવાનું કહ્યું.આચાર્યએ હાથ અને કુંડળી જોઈને કહ્યું,” ભાઈ,તારી તો ઉજ્જવળ કુંડળી છે.તું બહુ બધાંથી આગળ નીકળી જઈશ.તું લાંબી રેસનો ઘોડો છે..તું ભવિષ્યમાં એવા મોટા ધંધા કરવાનો છું કે સામાન્ય માણસ તો તે અંગે વિચારી પણ ન શકે.આપણે બધાં વાંદરાં જ છીએ,પણ તું અકકલવાળો અને નસીબવાળો વાંદરો છે. તું સીડી પર સૌથી જલ્દી છેક ઉપર પહેલો ચડી જઈશ..તારા ધંધાનું મુખ્ય મથક ભારત જ રાખવું જોઈએ. તને માનસિક શાંતિ અમેરિકામાં નહીં મળે.તારી જિંદગીમાં નહીં ધારેલાં ઉતાર ચડાવ છે માટે તૈયાર રહેજે.મેં વાત સાંભળી ના સાંભળી કરી ,તેને બકવાસ સમજી ,બહેનને આચાર્યને સોંપી હું બહાર નીકળી ગયો.મને તો ટીનાને મળવાની તાલાવેલી હતી.


વ્યોમાએ પોતાની માંદગીનું બહાનું કાઢી ટીનાની મમ્મીને સમજાવી અને ટીનાને તેની પાસે બેસવા અડધો કલાક બોલાવી ટીનાના મમ્મી ને એમ કે નકુલ હવે અમેરિકા જતો રહ્યો છે,તો ટીનાને થોડીવાર બાજુમાં મોકલવામાં કંઈ વાંધો નથી. અને ટીના વ્યોમના ઘરે આવી.

હું પહેલેથી જ તેની રાહ જોઈને વ્યોમાનાં ઘરમાં બેઠો હતો.કેટલાય દિવસો પછી મેં એને જોઇ હું મારી જાતને રોકી ન શક્યો.અમે કેટલોય સમય મૌન રહીને એક બીજાને ક્યારેય છૂટા ન પડવું હોય તેમ પ્રેમથી આલિંગન આપી ચૂમતાં રહ્યા…ટીના ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી .હું નિ:શબ્દ અને નિસહાય બની તેના વાળ અને બરડા પર વ્હાલથી હાથ પ્રસરાવી રહ્યો હતો. મને ટીનાની અંતરની ચીસ અનુભવાતી હતી.એના હ્રદયનાં ધબકારામાં પ્રેમની જુદાઈનો હચમચાવી નાંખતો અહેસાસ રુહથી મહેસુસ કરતો હતો. હુ એટલું બોલ્યો મારી રાહ જોજે હું પાછો આવીશ.પણ એક ડર મને ફફડાવી રહ્યો હતો કે મારી ગેરહાજરીમાં તેના પિતા તેની સાથે શું કરશે ?…..તેની અમને ખબર નહોતી.મારી પાસે માત્ર અડધો કલાકનો જ સમય હતો.છેવટે એને રડતી મૂકી ,મારી જાતને ,મારી ઈચ્છા વિરુધ્ધ એનાથી છોડાવી ,હું આંખમાં આંસુ અને દર્દ સાથે તેના ઘેરથી જ સીધો એરપોર્ટ પહોંચ્યો.

ભાઈ,બહેન અને રુખીબા બેગો લઈને એરપોર્ટ પહોંચી ગયાં હતાં.રુખીબા અને બહેન હું જવાનો હતો એટલે દુ:ખી હતાં પણ ભણવા જાઉં છું અને ત્યાં બંને બહેનો હતી એટલે તેમને એટલી ચિંતા નહતી.

મારી એક બેગમાં તો મારા એક્સપોર્ટ માટેનાં ગીફ્ટ આર્ટિકલનાં સેમ્પલ જ હતાં એટલે બેગમાં વજન પણ વધારે થઇ ગયું હતું પણ ભાઈએ એની ઓળખાણથી વ્યવસ્થા કરી હતી જેથી મારી બેગમાં વધારે વજન હોય તો વાંધો ન આવે અને બેગનું ખોલીને ચેકીંગ પણ ન થાય .વ્યવસ્થા કરનાર ઓફીસરે ,મારી બેગ પર સ્વિસ-એરવાળા ઓફીસરને સમજાય તે માટે , એરપોર્ટની ભાષામાં ગોળ કરી કંઈ સાઈન દોરી હતી. હું બેગો લઈ ચેક-ઈન કરાવવા ગયો તો ,ઓફીસરોએ મારી બેગો પ્લેનમાં અંદર જવા દેવાને બદલે ઓફીસમાં લઈ ગયાં.મને લાગ્યું ભાઈની ગોઠવણ મુજબ બધું થઈ રહ્યું છે.પણ મને પણ ઓફીસરે તેની સાથે અંદર બોલાવ્યો.

૧૯૭૫નાં સમયમાં મુંબઈ એરપોર્ટ પર ચેક ઈન કરી બસમાં બેસી ફ્લાઈટ સુધી જવાનું હતું.તમે પ્લેનની સીડી પર ચડો તે પહેલાં સગાંઓ અને મિત્રો તમને વ્યુ ગેલરી પર ઊભા રહી આવજો કહી શકતાં.હું અંદર તો ગયો પણ એક કલાક થયો બહાર ન આવ્યો. ફ્લાઈટ ઉપડવાનો ટાઈમ તો ક્યારનો થઈ ગયો હતો. મારાં પ્લેનનાં ઊપડવાનાં સમય ઉપર લગભગ એક કલાક થઈ ગયો હતો. પણ હું હજુ ઓફીસરોની રુમમાં જ હતો. ફ્લાઈટનાં બધાં પેસેન્જર ફ્લાઈટ ટેક ઓફ થવાની રાહ જોઈને અંદર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતાં.

બહાર કુંટુંબીજનો અને મિત્રો મને પ્લેનમાં ચડતો જોવાં બહાર ઊભા રહી કલાકથી રાહ જોઈ રહ્યાં હતાં.ભાઈ,બહેન અને રુખીબા ચિંતા કરતાં હતાં કે નકુલ કેમ બહાર આવતો નથી?શું થયું હશે??


જિગીષા દિલીપ

1 thought on “અજ્ઞાતવાસ -૧૪

  1. વળી એક નવો વળાંક અને આતુરતામાં ઉમેરો…
    વાચકને વિચારમાં મૂકી દે તો નકુલને પ્લેનમાં ચડતો જોવાં બહાર ઊભા રહી કલાકથી રાહ જોઈ રહેલા ભાઈ,બહેન, રુખીબા, કુંટુંબીજનો અને મિત્રમંડળનો ઉચાટ તો ક્યાંય પહોંચ્યો હશે!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.