૧૪- વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

હ્યુમર એટલે કે વિનોદ, જેમાં હાસ્ય પ્રેરિત વાત કહેવાઈ હોય.

સટાયર એટલે કે ઉપહાસ, જેમાં હસતા હસતા વિચારતાં કરી દે .

માર્ક ટ્વેઇન કહે છે, “ ભૂખથી મરતા કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવશો તો એ તમને કરડશે નહીં, હરિશંકર પરસાઈ કહે છે,’ કૂતરા અને માનવીમાં આ જ મૂળ ફરક છે.”

હરિશંકર પરસાઈની વાર્તાઓમાં ભારોભાર આવા ઉપહાસ જોવા મળે છે. તો આવો આજે માણીએ એમની એક આવી એક વાર્તા.

*****ચાંદ પર ઈન્સ્પેક્ટર માતાદીન*****

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્ર પર જીવન શક્ય નથી.

જ્યારે સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર માતાદીન (ડિપાર્ટમેન્ટના એમ.ડી.સાહેબ) વૈજ્ઞાનિકોની આ વાતને નકારે છે. એમના માનવા મુજબ ચંદ્ર પર આપણાં જેવી જ આબાદી છે. માતાદીને પોતાની માન્યતાના આધારે વિજ્ઞાનને કેટલીય વાર ખોટું સાબિત કર્યું હતું એ તો પોલીસ ડિપાર્ટ્મેન્ટેય સ્વીકારી લીધું છે. માતાદીનનું માનવું હતું કે વૈજ્ઞાનિકોએ પૂરતું સંશોધન જ ક્યાં કર્યું છે? એમણે તો ચંદ્રની ઉજળી બાજુ જોઈને નક્કી કરી લીધું કે ત્યાં જીવન નથી પણ હું તો અંધારી બાજુ જોઈને આવ્યો છું જ્યાં માનવ જીવન છે. આ વાત પણ પોલીસ ડિપાર્ટ્મેન્ટે સ્વીકારવી જ રહી કારણકે માતાદીન તો અંધારી આલમના ખાસ જાણકાર હતા.

ખરી રસપ્રદ વાત હવે શરૂ થાય છે. અખબારોમાં, ટી.વી. પર સતત સમાચાર આવતા હતાં કે, માતાદીનને ભારત તરફથી આપણી સંસ્કૃતિના આદાનપ્રદાન માટે ચંદ્ર પર મોકલવમાં આવી રહ્યા છે.

ચંદ્ર પરની સરકારનું માનવું હતું કે ત્યાંની સંસ્કૃતિ અને સભ્યતા માટે બે મત નથી પણ એમની પોલીસ ખાસ કાર્યક્ષમ નથી. એમની પોલીસ અપરાધીઓને પકડવા અને સજા અપાવવામાં સફળ નથી એટલે પૃથ્વીલોકના રામરાજમાંથી એવા કોઈ પોલીસ ઓફિસરને મોકલે જે ચંદ્રની પોલીસોને તૈયાર કરે. સ્વાભાવિક છે કે માતાદીનથી વધીને કાર્યદક્ષ બીજા કયા ઓફિસર હોઈ શકે? ચંદ્રલોક પરથી એમને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું.

આમ તો ગૃહમંત્રીના કહેવા પ્રમાણે કોઈ આ.જી.ને પણ મોકલી શકાય, પણ સચીવનું કહેવું હતું કે ચંદ્રલોક તો એક નાનકડો, નજીવો ઉપગ્રહ છે તો પ્રોટોકૉલ મુજબ આઈ.જી.ના બદલે હજારો મામલાના સફળ ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર માતાદીનને જ મોકલવા જોઈએ. માતાદીનને લેવા પૃથ્વી પર યાન મોકલવાનો સંદેશો મોકલવામાં આવ્યો અને લો, અંતરિક્ષમાં પૃથ્વીનો જયજયકાર કરવા માતાદીનને લેવા યાન આવી ગયું.

પૂરા ઠાઠથી માતાદીને પોતાની સવારી ઉપાડવાની તૈયારી કરી લીધી. નીકળતા પહેલાં પૂરતી ચોકસાઈ કરવા યાનના ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસંસ છે કે, યાનમાં બત્તી બરાબર છે કે નહીં એ પૂછી લીધું. બધું બરાબર હતું નહીંતર અંતરિક્ષ જતાં જ એને ચલાન પકડાવી દેવાનીય માતાદીને તૈયારી રાખી હતી.

જેવું વાયુમંડળમાંથી યાન બહાર નીકળ્યું કે એમણે ચાલકને પૂછી લીધું, “અબે ઓય, હોર્ન કેમ મારતો નથી?”

ચાલકે નમ્રતાથી જવાબ આપ્યો, “અહીં એવી ક્યાં જરૂર છે, આસપાસ લાખો માઈલ સુધી કશું છે જ નહીં સાહેબ.”

પણ માતાદીને ચાલકને ઠપકાર્યો,

“નિયમ એટલે નિયમ, હોર્ન તો મારવાનો જ.”

ચાલકે લમણે હાથ ઠોક્યો અને પછી તો અંતરિક્ષની પૂરી સફર દરમ્યાન હોર્ન મારતો યાન ચંદ્રલોક સુધી લઈ આવ્યો. અંતરિક્ષના અડ્ડા પર માતાદીનના સ્વાગતમાં પોલીસ અધિકારીઓ હાજર હતા. માતાદીન પૂરા દમામભેર ઉતર્યા અને ત્યાં ઊભેલા અધિકારીઓના ખભા પર અછડતી નજર નાખી. કોઈનાય ખભા પર બિલ્લા કે સ્ટાર નહોતા કે ન તો કોઈએ માતાદીનને એડી ઠોકીને સલામી આપી. આવું કેવું? માતાદિનને આશ્ચર્ય થયું. ચંદ્રલોકની પોલીસમાં શિસ્ત જેવું કંઈ છે કે નહીં?

તેમ છતાં ઉદાર દિલના માતાદીને મન મનાવ્યું કે એ ક્યાં અહીં પોલીસ ઓફિસરની હેસિયત આવ્યો છે, એ તો અહીં સલાહકાર બનીને આવ્યો છે.

ચંદ્રલોકમાં માતાદીનને એક સરસ બંગલામાં ઉતારો આપવામાં આવ્યો. એક દિવસ આરામ ફરમાવીને માતાદીન કામે લાગ્યા. ચંદ્રલોકની પોલીસની કામગીરી અંગે પૂરી જાણકારી લીધી. એમને એક વાતની નવાઈ લાગી કે પૃથ્વીલોકના રામરાજની અહીં ક્યાંય હનુમાનજીનુ મંદિર જ નથી. હનુમાન! એ વળી કોણ? ચંદ્રલોકના આઈ.જી માટે તો હનુમાન નામ સાવ અજાણ્યું હતું.

“અરે! હનુમાનજીને નથી ઓળખતા? અમારે તો દરેક કર્તવ્યપરાયણ પોલીસવાળા હનુમાનજીના દર્શન કરીને જ કામે ચઢે. હનુમાનાજી સુગ્રીવની સ્પેશલ બ્રાન્ચમાં હતા, માતા સીતાની ભાળ એમણે જ કાઢી અને દફા ૩૬૨ને અનુસાર રાવણને સજા પણ કરાવી. રાવણની આખી પ્રોપર્ટીને આગ લગાડી દીધી. તરત દાન મહા પુણ્ય.  કેસનો ઉકેલ લાવવા કોર્ટમાં જવાની ઝંઝટના બદલે દરેક પોલીસ અધિકારીને એટલી સત્તા હોવી જોઈએ કે એ અપરાધીને પકડીને સજા કરી શકે. જો કે અમારા રામરાજમાં હજુ એટલું શક્ય બન્યું નથી. પણ રામજી એમના કામથી ખુશ થઈને અયોધ્યા લઈ આવ્યા અને ડ્યુટી ઓફિસર તરીકે નિમણૂંક કરી દીધી. હનુમાનજી અમારા આરાધ્ય દેવ છે. હું એમનો ફોટો લઈ આવ્યો છું, એના પરથી મૂર્તિઓ બનાવડાવીને દરેક પોલીસથાણામાં સ્થાપના કરાવી દો.”

થોડા દિવસોમાં ચંદ્રલોકની દરેક પોલીસ લાઈનમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત થઈ ગઈ.

હવે ચંદ્રલોકની પોલીસની ઢીલી કામગીરી માટે જવાબદાર એવું બીજુ કારણ પણ માતાદીને શોધી કાઢ્યું. અહીંની પોલીસને પૂરતો પગાર આપવામાં આવે છે તો એ લોકોને કામ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકે? પૃથ્વીલોક કરતાં ચંદ્રલોકમાં સિપાહી, થાણેદારને પાંચ ઘણો વધુ પગાર આપવામાં આવતો. જો પુરતો પગાર મળી રહેતો હોય તો એમને અપરાધીને શોધવામાં શું રસ પડે?

માતાદીનની સૂચના અનુસાર તાબડતોબ પગાર ઘટાડી દેવામાં આવ્યો અને પરિણામે ચંદ્રલોકના પોલીસની કાર્યવાહીમાં ક્રાંતિકારી પરિવર્તન જોવા મળ્યું. આજ સુધી ઊંઘતી પોલીસ એકદમ સ્ફૂર્તિવાન બની ગઈ. અપરાધીઓને શોધવા એમની નજર સતેજ બની. આજ સુધી નોંધાયા ન હોય એટલા કેસ રજીસ્ટર થવા માંડ્યા. અંધારી આલમના અપરાધીઓમાં ગભરાટ છવાઈ ગયો. આવી ક્રાંતિથી પોલીસ મંત્રી અભિભૂત થઈ ગયા, આ નોંધપાત્ર ઘટના એમની સમજણ બહારની હતી.

“અરે ભાઈ, પગાર ઓછો આપશો તો એમનો ગુજારો કરવાનું મુશ્કેલ બનશે, પરિવારનું પોષણ, ઠાઠ-માઠ મેન્ટેઈન નહીં થાય, તો એ બધા માટે બીજે નજર દોડાવવી પડશે ને? અમારા રામરાજની જેમ સ્વચ્છ અને સક્ષમ પ્રશાસન કરવું છે કે નહીં?”

ચંદ્રલોકમાં તો ચારેકોર રાજીપો છવાઈ ગયો. ઓછા પગારની ચૂકવણીના લીધે સરકાર ફાયદામાં અને ઓછા પગારમાં પણ પોલીસ એકદમ સક્ષમતાથી કાર્યરત.. પોલીસ ચારેકોરથી શોધી શોધીને અપરાધીઓને પકડવાના કામમાં લાગી ગઈ.

“વાહ, ગુરુ તમે અહીં આવ્યા ના હોત તો આ શક્ય ના બન્યું હોત.” પોલીસ મંત્રીએ માતાદીનનો આભાર માન્યો. પોતાના વિજય પર પોરસાઈને માતાદીનની છાતી તો ફૂલીને ૫૬ ઈંચની બની ગઈ.

હવે કોઈ અઘરો કેસ આવે તો એના પર કેવી રીતે કામ કરવું એ શીખવાડવાનું હતું.

અને એ પણ સમય આવીને ઊભો રહ્યો. અંદરોઅંદરની મારામારીમાં એક વ્યક્તિ ઘાયલ થઈ. કોઈ ભલા માણસે એને હોસ્પિટલ સુધી પહોંચાડી.

ચંદ્રલોકમાં આજ સુધી સીધા હત્યારાને શોધવાની સિસ્ટમ હતી. માતાદીનની થીયરી મુજબ પહેલાં પુરાવા શોધવાના અને પછી કાતિલને શોધવાનો. પૂરાવાના આધારે જેણે ઘાયલને હોસ્પિટલ પહોંચાડ્યો એને પકડવામાં આવ્યો કારણકે એના કપડાં પર લોહીના ડાઘ હતાં.

માતાદીને એની ઉલટ તપાસ આદરી,

“તું ઝગડાની જગ્યાએ ગયો’તો જ કેમ?”

“અરે, હું ઝગડાની જગ્યાએ ગયો જ નહોતો, ઝગડો મારા મકાનની સામે થયો હતો, ભઈસાબ.” પેલો કરગરી પડ્યો.

“મકાન તો ગમે ત્યાં હોય પણ તારે ત્યાં જવાની જરૂર ક્યાં હતી?” માતાદીને સખતાઈ આદરી. એમની કાર્યવાહીથી ચંદ્રલોકની પોલીસ પ્રભાવિત થઈ ગઈ.

હવે જરૂર પડે તપાસપંચની પણ અહીં એની તો જરૂર નહોતી, માતાદીન એકલા જ એકે હજારા જેવા હતા. એમણે ઇન્વેસ્ટિગેશનના સિદ્ધાંત સમજાવવા માંડ્યા.

“પહેલો સવાલ એ છે કે માણસ મર્યો એ હકિકત છે, કોઈએ માર્યો એ પણ નક્કી છે, જે કાતિલ છે એને સજા થવી જરૂરી છે, સજા કોને થવી જોઈએ એ સવાલ મહત્વનો નથી, મહત્વનું એ છે કે અપરાધ કોના પર સાબિત થવો. કોઈકને તો સજા થવી જ જોઈએ, મારવાવાળાને કે બેકસૂરને, એ વિચારવાનું છે, મનુષ્ય સૌ એક સરખા છે, દરેકમાં પરમાત્માનો અંશ છે તો ભેદભાવ કરવાવાળા આપણે કોણ?”

“બીજો સવાલ એ છે કે અપરાધ કોની પર સાબિત થવો જોઈએ. એમાં બે વાત મહત્વની, એક તો એ કે એ માણસ પોલીસને રસ્તામાં નડે છે? બીજું એ કે એને સજા અપાવવામાં ઉપરના લોકો ખુશ થશે?”

આહાહા, શું અદ્ભૂત થીયરી છે, માતાદીનની!

ચંદ્રલોકની પોલીસ તો આશ્ચર્યચકિત .આવી થીયરી પણ હોઈ શકે એવી તો એમને કલ્પના સુદ્ધા ક્યાંથી હોય?

હવે?

હવે માતાદીન કઈ અને કેવી થીયરી પ્રમાણે કામ કરશે એની આતુરતા ચંદ્રલોકની પોલીસને જાગી.

પણ એમ કંઈ તરત આતુરતાનો અંત આવે ખરો?

ક્રમશઃ

વાચક મિત્રો, ચંદ્રલોકની પોલીસની જેમ આપ સૌનેય માતાદીનની થીયરી જાણવાની આતુરતા જાગી હશે પણ આપણેય એ અદભૂત થીયરી સમજવા વધારે નહીં એક સપ્તાહ જેટલી રાહ તો જોવી રહી..

*********

1 thought on “૧૪- વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.