અજ્ઞાતવાસ-૧૨

પહેલા પ્રેમની મદહોશી


મને જે ટેન્ટમાં લઈ ગયાં હતાં ત્યાં સંજય ગાંધીનાં માણસો ભારતની વસ્તી ઘટાડવા મુફલિસ અને ગરીબ યુવાનોને પકડી પકડીને નસબંધી કરાવતાં હતા.મેં તે જાણીને બૂમાબૂમ કરવા માંડી.હું અંગ્રેજીમાં નર્સ સાથે જોરજોરથી ઘાંટાં પાડી “,તમે મને હાથ તો લગાવો,સમજો છો શું તમે લોકો? હું હમણાંજ મારા વકીલને ફોન કરું છું”, વિગેરે બોલતો સાંભળ્યો એટલે એ લોકો સમજી ગયા કે આ કોઈ સારા ઘરનો છોકરો છે.હું ટેન્ટમાંથી ખૂબ ગુસ્સામાં બહાર નીકળી ગયો.

હું ટેક્સી કરી સીધો હોટલ પર ગયો. ટીનાને બધાં મિત્રો મારી રાહ જોઈને બેઠાં હતા.ટીના મને જોતાંજ ભેટીને રડવા લાગી.મે કહ્યું,”મેરી જાન, હવે તો હું આવી ગયો છું.” કમલ કહે,” ભાઈ એણે તો રડી રડીને જ આખી રાત વિતાવી છે,કેટલું સમજાવી કે નકુલ આવી જશે,ગમે તેમ કરીને પણ માને તો ને!,” મેં બધાંને મારી નસબંધીનાં ટેન્ટમાં લઈ જવાની વાત કરી હસાવ્યાં અને હું નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો.મેં મિત્રોને કહ્યું,” અહીં દિલ્હીમાં બહુ ગરમી છે,ચલો, આપણે સીમલા જઈએ,ગરમીમાં હીલ સ્ટેશન પર મઝા આવશે.” અમે દીલ્હીથી ટેક્સી કરી સીધા સીમલા ગયાં.સીમલામાં કૂફરીમાં સરસ હોટલ મળી ગઈ. કૂફરી પહોંચતાં લગભગ રાતનાં આઠ વાગી ગયા હતાં.અમે જમીને ફ્રેશ થઈ બહાર ફરવા નીકળ્યા.ત્યાં ઠંડી ઘણી હતી.બરફાચ્છાદિત પર્વતોની હારમાળા વચ્ચે કૂફરીનાં ગોલ્ફકોર્સ પરની સરસ હોટલ હતી.બીજા મિત્રોતો બજારમાં ફરવા ગયાં.ટીનાને તો મારી સાથે બેસીને વાત કરવા સિવાય કશાયમાં રસ નહોતો.


હોટલની બહાર જ કેમ્પફાયર કરી અમે બંને એક પથ્થર પર નજીક એક જ શાલમાં વિંટળાઈને બેઠા. ચંદ્રની ચાંદની બરફાચ્છાદિત પર્વત પર પડી રહી હતી તે વાતાવરણને માદક બનાવી રહી હતી.અમારા શરીરનાં સ્પર્શનાં સ્પંદનો સ્વર્ગનું સુખ આપી રહ્યાં હતાં.એકબીજાની કમરમાં હાથ નાંખી અમે ત્યાંજ સહેજ ટહેલવા લાગ્યાં.અમને થયું બસ!સમય અહીં જ થંભી જાય.અમારા મૌનમાં,સ્પર્શમાં વણબોલે અમે એક બીજાને જાણે કેટલુંય કહી ………મુગ્ધાવસ્થાની પ્રેમની મુલાયમતાને મનભરી માણી રહ્યા હતાં.હોટલની બાજુમાં જ સરસ પહાડોની ઝીલ પરથી એક ઝરણું વહી રહ્યું હતું.ઝરણાંની બાજુમાં પડેલ બેન્ચ પર હું આગલી રાતનો થાક ઉતારતો ટીનાનાં ખોળામાં માથું મૂકી આડો પડ્યો.ટીના મારા વાળમાં પ્રેમથી તેની આંગળીઓ પ્રસરાવી રહી હતી.મારા કપાળ પર ચુમી અને મારાં ગાલને બે હથેળીમાં રાખી મારી આંખોમાં આંખો પરોવી જાણે ટીના મને જનમોજનમ સાથે રહેવાનાં સોગંદ દઈ રહી હતી.ખરતાં પાંદડાંની સરહરાહટ,પહાડી હવાની ઠંડી લહેરખી ,તેમાં નભમાં ચમકી રહેલાં તારાથી ટમટમતું આકાશ – આ બધું અમને પ્રેમની ઉન્માદકતામાં બેહોશ બનાવી રહ્યું હતું.આવાં પ્રેમમાં તરબતર દિવસો ક્યાં પસાર થઈ ગયાં તેની સમજ જ ન પડી!


ચાર દિવસ ત્યાં રહી અમે દીલ્હી થઈ મુંબઈ આવવા ટ્રેનમાં બેઠાં.મારે બરોડા જવાનું હતું.અમારો પ્રેમનો નશો ઉતાર્યો નહતો.મેં ટીનાને કહ્યું ,”તું પણ ચલને મારી સાથે બરોડા.મારું આર્ટપીસનાં સેમ્પલ લેવાનું કામ પતાવીએ અને બે દિવસ વધુ સાથે રહીએ.”તેણે ફોન કરીને ઘેર કહ્યું કે અમે બધાં બે દિવસ પછી આવવાનાં છીએ.ખરેખર તો બીજા બધાં મિત્રો ઘેર ગયાં,હું અને ટીના જ બરોડા ગયા.પ્રેમની મદહોશી યુવાનીમાં બધાં હોશ ખોઈ બેસે છે.અમારે તો હવે જાણે છૂટા જ પડવું નહોતું.બરોડાનું કામ પતાવી અમે પાછા મુંબઈ પહોંચ્યા.


ટીના આટલા દિવસ મારી સાથે રહી,હવે એ કોઈપણ ભોગે એને છોડવા તૈયાર ન હતી તે દિલ્હીથી આવીને બહુ જ ખુશ હતી. તેનાં પપ્પા પાર્કમાં ચાલવા ગયા હતાં,તે પાર્કમાં ચાલી,તેમનાં મિત્રો સાથે ડાયરો જમાવી વાતોચીતો કરીને ઘેર આવતાં.ટીનાને નકુલ હવે અમેરિકા જવાનો હતો એટલે તેની અને નકુલની દોસ્તીની વાત ઘરમાં જણાવી દેવી હતી.તેણે આવીને એની મમ્મીને ધીમેથી કહ્યું,”મમ્મી મને નકુલ ગમે છે, તે હવે આગળ ભણવા અમેરિકા એકાદ મહિનામાં જ જવાનો છે. તેની બહેનોએ તેનું ગ્રીનકાર્ડ અપ્લાય કરી દીધું છે.હું દીલ્હી ગઈ તેની પહેલાં એનાં ઘેર ગઈ હતી,તેના મમ્મી અને દાદી પણ બહુ પ્રેમાળ છે.મમ્મી તને એનાં મમ્મી સાથે વાત કરાવું?.”ટીનાની મમ્મીને હું ટીનાનેા મિત્ર છું તેવી ખબર હતી,ટીનાએ ક્યારેક તેને પાર્કમાં વોક લેતાં મળાવ્યો પણ હતો.ટીનાની મમ્મી ખૂબ સાલસ સ્વભાવની હતી પણ તેના હીટલર સ્વભાવનાં પતિથી તે ખૂબ ગભરાતી અને તેમનું કંઈજ પતિ પાસે ઉપજતું નહીં.છતાં નકુલ અમેરિકા જવાનો છે અને ટીનાને ગમે છે એટલે તે વાત કરવા તૈયાર થઈ ગઈ.ટીનાએ ફોન જોડી નકુલને કહ્યું કે બહેન સાથે મમ્મીને વાત કરવી છે.”બહેને ટીનાની મમ્મી સાથે સરસ રીતે ખુશ થઈને વાત કરી કે,”જો બંને છોકરાઓ એકબીજાને પ્રેમ કરતાં હોય તો આપણે પણ મળી લઈએ અને આપણાં સ્વિકારની મ્હોર લગાવી દઈએ અને નકુલ ભણી ગણી થોડો સેટલ થાય પછી વિચારીશું.”


ટીનાની મમ્મી બહેન સાથે વાત કરતી જ હતી અને ટીનાનાં પપ્પા પાર્કમાંથી વોક લઈને આવ્યા.ટીનાને જોઈને પહેલાં તો એમણે સીધા આવીને ગુસ્સામાં ધૂંવાંપૂવાં થતાં અને ઘાટાંઘાંટ કરતાં બે ચાર તમાચા લગાવી દીધાં.”ક્યાં હતી બે દિવસ તું? કોની સાથે હતી? એમ કહીને હાથ પકડી ટીનાને ઢસરડીને રુમમાં લઈ ગયાં અને જોરથી ધક્કો મારી પલંગ પર પછાડી. ગુસ્સાથી લાલપીળાં થતાં ધ્રૂજતાં અવાજે ઘરમાં સૌ સાંભળે તેમ બરાડ્યા”,મારી રજા વગર હવે ટીના આ રુમમાંથી બહાર નહીં નીકળે, મને પૂછ્યાં વગર આ બારણું કોઈ ખોલશે તો તેને આ ઘરમાંથી બહાર ફેંકી દઈશ,સાંભળી લો બધાં”.

જિગીષા દિલીપ

1 thought on “અજ્ઞાતવાસ-૧૨

  1. જીવન કે પ્રેમ ..બંને એક જાયન્ટ વ્હીલ જેવા પળમાં ઉપર લઈને દુનિયાનો ખૂબસુરત નઝારો દર્શાવે અને પળમાં જમીન સોતા ઉતારી દે.
    કિસ્મત કે ખેલ નિરાલે મેરે ભૈયા…જોઈએ હવે ટીના અને નકુલના પ્રેમનો કેવો અનેરો રંગ ઘૂંટાય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.