મહારાણી
મહારાણી કલકત્તા આવી રહ્યા છે. મહારાણી અર્થાત નાહરગઢના યુવરાજ બિંધ્યાપ્રસાદના પત્ની મહારાણીની આ વાત છે. આજથી દસ વર્ષ પહેલાં એમની સાથે મુલાકાત થઈ એ કદાચ પહેલી અને એ સમયની છેલ્લી મુલાકાત હતી.
આજના મહારાણી ગોરીદેવીનો જન્મ ને ઉછેર સાધારણ પરિવાર થયો હતો. નામ તો હતું ગોરી પણ સમય જતાં પ્રસિદ્ધિના ટોચે પહોંચીને એમને સૌ ગોરીદેવીના નામથી ઓળખતાં. એ મહારાણી આજે આટલા વર્ષો પછી પાછા કલકત્તા આવે છે એ સમાચારે મને રોમાંચિત કરી દીધો. મને એવી ખબર હતી કે એમનો કલકત્તામાં મહેલ છે. આલીશાન મહેલ, બાગ-બગીચો, માળી, નોકર-ચાકર બધું જ છે માત્ર માલિક અહીં નથી એવી સૌને જાણકારી હતી. છોટા નાગપુરથી અહીં કલકત્તા આવવાનું પ્રયોજન શું હતું એની જાણકારી નહોતી પણ એ માત્ર ચાર કલાક માટે આવીને અહીંથી સ્વિત્ઝર્લેન્ડ જવાના છે ત્યારે એટલા ટુંકા સમયના રોકાણ દરમ્યાનમાં પણ એમને મારે મળવું એવો સંદેશો મળ્યો ત્યારે હું અવાચક થઈ ગયો હતો. સાંજના સાડા પાંચ વાગ્યાનો સમય નિશ્ચિત થયો.
અને મારું મન, મારા વિચારો ભૂતકાળના સમયની એ યાદોમાં પહોંચી ગયું. શક્ય છે આજે નવી પેઢી એ નામથી અજાણ હશે પણ એ સમયે ગોરીદેવીએ ફિલ્મોમાં કામ કરીને એક સફળ અભિનેત્રી તરીકે નામના પ્રાપ્ત કરી હતી. કેટલીય સફળ ફિલ્મો એમના નામે બોલતી હતી. એ સમયે ટૉકી અર્થાત બોલતી ફિલ્મોની શરૂઆત થઈ ચૂકી હતી. એમની એક ફિલ્મ પણ રજૂ થાય અને અમે એ ફિલ્મ જોવા અત્યંત ઉતાવળા બની જતાં. જ્યારે એમના નામની બોલબાલા હતી ત્યારે જ અચાનક એમણે ફિલ્મ ક્ષેત્ર છોડી દીધું.
જો કે મને એનાથી કોઈ ફરક નહોતો પડ્યો પણ એમની સાથેની એક મુલાકાતથી મારા વિચારોમાં, મારા જીવનમાં ઘણો ફરક પડ્યો હતો. ત્યારે મેં એક ત્રીઅંકી નાટક લખ્યું હતું. કાચી ઉંમરમાં લખાયેલું ‘ત્રિભૂજ’ નામના એ નાટકનું કથાબીજ સામાજિક સંબંધોને આધારિત હતું. ક્લબના કર્તાહર્તાએ પસંદ કરેલા એ નાટકના રિહર્સલ શરૂ થયા ત્યારે ઘણું ઇચ્છવા છતાં હું મારા અભ્યાસના લીધે ત્યાં હાજરી આપી શકતો નહોતો. બસ માત્ર એટલી ખબર પડી હતી કે ગોરાંદેવી આ નાટકમાં મુખ્ય અભિનેત્રીનું પાત્ર ભજવવાના છે. આટલી વાતે મારામાં ગજબનો આત્મવિશ્વાસ ઊભો થયો હતો કે આગળ જતા હું પ્રખ્યાત નાટ્ય લેખકની કક્ષાએ પહોંચીશ.
એક દિવસ સમાચાર મળ્યા કે ગોરીદેવીએ આ નાટકમાં પાત્ર ભજવવાની નામરજી દેખાડી છે. એમને એવું લાગતું હતું કે નાટકમાં પ્રણય સીન બરાબર લખાયા નથી. સંવાદો એમને પસંદ નથી. એમનું માનવું હતું કે,
કોલેજના બીજા વર્ષમાં ભણતો યુવાન કે જેણે પ્રેમ શું છે એનો અનુભવ ન કર્યો હોય તો એ વળી પ્રેમના સંવાદો શું લખી જાણે?
આટલી મોટી કલાકાર સાથે વિવાદ તો થઈ શકે એમ નહોતો. કદાચ વાત ત્યાં જ પડતી મૂકાઈ ગઈ હોત પણ મારા નસીબે ગોરીદેવીએ મને મળવાની તૈયારી દર્શાવી. ડિરેક્ટરનું કહેવું હતું કે જો આટલી મોટી કલાકાર તૈયાર થતી હોય તો એમને મળીને એ કહે એમ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો જોઈએ.
આજ સુધી જેમને માત્ર પરદા પર જોયાં હતાં એમને સાક્ષાત જોવા, મળવાની ઉત્તેજના મારામાં જરાય ઓછી નહોતી. મારા માટે તો કોઈ અભિનેત્રીના ઘરે જવાનો, એને મળવાનો આ પહેલો પ્રસંગ હતો. ગોરીદેવીના ઘરમાં પ્રવેશતા હું આભો બની ગયો. ચારેબાજુ એમની સફળતાની સાબિતી સમી કેટલીય તસ્વીરો મૂકાયેલી હતી. આવી સફળ અભિનેત્રી મારા જેવી સાધારણ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરશે એની અવઢવમાં હું એમની રાહ જોઈને શાંતિથી બેસી રહ્યો પણ મારા મનના વિચારોએ ગતિ પકડી. અનેક રાતોના ઉજાગરા વેઠીને લખેલા નાટકમાં એ ફેરફાર કરાવશે કે નાટક જ પડતુ મૂકી દેશે? એ કંઇ પણ કહેશે તો હું શું જવાબ આપીશ? મનમાં સવાલો અનેક હતા પણ એમના આવવની રાહ જોઈને બેસવા સિવાય અત્યારે બીજું કશું કરી શકુ એમ નહોતો. મને એવી ખબર હતી કે ગમે તેટલા ઉજાગરા વેઠીને લખેલા નાટકની કથા કરતાં લોકોને ગોરીદેવી આ નાટકમાં અભિનય કરી રહ્યા છે એનું આકર્ષણ વધારે હતું. બંગાળમાં નાટ્ય લેખકોની કમી નહોતી. મારું નાટક પસંદ નહીં પડે તો એને પડતું મૂકીને બીજાનું નાટક સ્ટેજ પર ભજવાશે જેમાં ગોરીદેવી તો હશે જ. મહત્વનું નાટક નહીં ગોરીદેવી છે એ તો મને એ જ દિવસે ડિરેક્ટરની વાત પરથી સમજાઈ ગયું હતું.
અચાનક મારા નાકને અત્યંત ખુશ્બુદાર હવાની લહેર સ્પર્શી હોય એવો અનુભવ થયો અને એ ખુશ્બુનો પાલવ પકડીને ગોરાદેવી પ્રવેશ્યા.
નખશીખ સૌંદર્યની મૂર્તિ સમા ગોરાદેવીને જોઈને હું અભિભૂત બની ગયો પણ એમની વાતો સાંભળીને હું આસમાનથી સીધો જમીન પર પટકાયો. એમને મારા કોઈ એક કે બે સીન સામે જ નહીં બલ્કે આખા નાટકની સ્ક્રિપ્ટ સામે વાંધો હતો.
એમના મતે જેને પ્રેમનો અનુભવ જ ન હોય તો એ સંવેદના, એ ભાવ નાટકમાં ક્યાંથી લાવી શકવાનો હતો. એક ઓગણીસ વર્ષના યુવકને મા-બહેન સિવાય કઈ વિજાતીય વ્યક્તિનો પરિચય થયો હોય કે એ પ્રેમની પરિભાષા સમજી શકે?
વાત જાણે એમ હતી કે મારા નાટકની નાયિકા અપાર સુંદરી હતી પણ એનો મુખ્ય નાયક પગે ખોડવાળો દર્શાવ્યો હતો. ગોરાદેવીનું માનવું હતું કે કોઈ પણ યુવતિ આવી કુરૂપ વ્યક્તિને પ્રેમ કેવી રીતે કરી શકે? આવા નાયકને જોઈને તો એમના મોઢેથી પ્રેમના બે શબ્દ પણ ન નીકળે. એના ચહેરા સામે જોઈને પ્રેમની વાત તો દૂર, વાત પણ ન કરી શકે.
મારી દલીલ હતી કે કેમ ન કરી શકે? સર ઑલ્ટર સ્કૉટ પણ લંગડા હતા, એમનું લગ્ન થયું હતું. એમની પત્ની એમને પ્રેમ કરતી જ હતી ને?
પણ મારી ભાવના સ્વીકારવા ગોરીદેવી તૈયાર નહોતાં. એમના મતે લાઈફ અને લિટરેચરમાં ઘણો ફરક છે. જીવનના સત્ય કરતાં સ્ટેજ પર ભજવાતી વાતો ઘણી અલગ હોય છે.
ગોરીદેવી જેવા વિદુષીની વાતનો મારી પાસે કોઈ જવાબ નહોતો. નાટક લખતી વખતે આટલું બધું વિચાર્યું નહોતું, બસ લખવા બેઠો અને મનમાં જે આવ્યું એ લખાઈ ગયું હતું. હા, મનમાં એક વાત હતી કે નાટક કંઇક જુદી રીતે લખવું છે, અંત સુધી સસપેન્સ જળવાઈ રહે એવું કંઈક કરવું હતું.
“તો પછી હવે શું કરું?” મારાથી પૂછાઈ ગયું.
“કરવાનું શું, ક્યાં તો નાયકને સુરૂપ, સુડોળ બનાવી દો નહીં તો નાટક ફાડીને ફેંકી દેવાનું. બાકી મારા જીવનમાં આવી બદસૂરતી માટે કોઈ સ્થાન નથી. મને તો આવા લંગડાની સામે જોઈને એને ગોળી મારવાનું જ મન થશે અને આ નાટકમાં તમે એવું લખો છો કે બંને વચ્ચે અનહદ પ્રેમ છે અને એથી આગળ વધીને એના અંતમાં તો તમે બંનેના લગ્ન થતાં દર્શાવ્યા છે.. એબ્સર્ડ..સાવ એબ્સર્ડ..જેને આર્ટની એલિમેન્ટ્રીનું પણ જ્ઞાન નથી એ જ આવું લખે. ક્યાં તો તમે બીજું નાટક લખો ક્યાં તો તમે નાયકને સ્વસ્થ, સુંદર બનાવી દો પછી હું ખુશીથી આ નાટક ભજવીશ. મિત્રબાબુ મને એક વાત કહો કે ખરેખર તમને આવી કોઈ લંગડી કન્યા સાથે પ્રેમ થશે ખરો કે કે તમે એવી બેડોળ કન્યા સાથે લગ્ન કરશો ખરા? આવી જ રીતે નાટકો લખી શકાતા હોત તો બંગાળમાં લેખકોનો રાફડો ફાટી નીકળે.” ગોરાદેવીએ આક્રોશમાં આવીને ઘણું બધું કહી દીધું.
મારાથી ચૂપ ન રહેવાયું અને પૂછાઈ ગયું “તમને સડક પર કોઈ લંગડા ભિખારીને જોઈને દયા તો આવતી હશે ને?”
“સડક પરના ભિખારીઓની સાથે મારે શું લેવાદેવા કે હું એમનો વિચાર કરું? “ હવે ગોરીદેવી ક્રોધથી તમતમી ઊઠ્યા હતાં.
વાત અહીં પૂરી થાય છે. ડિરેક્ટરને જઈને કહી દેજો કે ગોરીદેવી નાટકમાં કામ નહીં કરી શકે અને કારણ પૂછે તો કહી દેજો કે લંગડા પ્રત્યે મને પ્રેમ નહીં ઉપજે, લંગડાને કોઈ કાળે હું પ્રેમ નહીં કરી શકું.”
એ મારા માટે જીવનનો સૌથી વધુ હતાશાજનક દિવસ હતો. હું તો ભાવનાઓમાં રાચનારો માણસ, મારા મતે જીવનમાં માત્ર બાહ્ય સૌંદર્યનું જ મહત્વનું નહોતું. ભાવના મન સાથે જોડાયેલી છે તો એમાં શારીરિક સૌંદર્યને પ્રાધાન્ય કેમ આપવું જોઈએ? સાથે એ કાચી ઉંમરે પણ એ સમજાઈ ગયું કે ભલે ગોરીદેવી કલાક્ષેત્રે આગળ છે પણ નાટકની બાબતમાં એમનો મત સ્વીકારી લેવો યોગ્ય ન કહેવાય પણ એ દિવસથી જ નાટક લખવાનો મારો ઉત્સાહ ઓસરી ગયો હતો. ગોરીદેવીએ મારા નાટક માટે ડિરેક્ટર અને ક્લબના સભ્યોને જે નિવેદન આપ્યું એના પરથી સૌએ સ્વીકારી લીધું કે હું એક પણ સફળ નાટક નહીં લખી શકું. એ દિવસથી ક્લબ સાથેનો મારો નાતો છૂટી ગયો.
એ પછી હુગલી નદીમાં ઘણાં પાણી વહી ગયાં. જીવનમાં પણ ઘણો બદલાવ આવી ગયો. એ ક્લબ બંધ થઈ ગઈ. સફળતાની ટોચે પહોંચીને ગોરીદેવીએ નાહરગઢના યુવરાજ સાથે લગ્ન કરીને સિનેમા અને થિયેટરમાંથી વિદાય લઈ લીધી.
એ વાતને પણ દસ વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. રજવાડાની અઢળક સંપત્તિ સ્વિસ બેંકમાં જમા કરાવીને યુવરાજ અને ગોરાદેવી વિલાયતમાં સ્થાયી થઈ ગયાં હતાં. આજે અચાનક સમાચાર મળ્યાં કે મહારાણી ગોરાદેવી કલકતા આવ્યા છે અને મને મળવા માંગે છે. મને મળવાનું પ્રયોજન શું હોઈ શકે એ મને સમજાયું નહોતું. એવું નથી કે કોઈ પણ લેખકને રાતો રાત સફળતા મળી હોય કે ક્યારેય એનું લખાણ અસ્વીકૃત થયું હોય અને હવે તો વાર્તાકાર, નવલકથાકાર તરીકે હું ખ્યાતિ પામ્યો હતો પણ ગોરીદેવીએ એ દિવસે મારા મનને જે આઘાત આપ્યો હતો એ હું ભૂલી શક્યો નહોતો.
હું ગોરાદેવીના આલિશાન મહેલ જેવા નિવાસે પહોંચ્યો તો એક દેખીતો ફરક જોયો. એમ.પી હોવાના લીધે મહારાજ મોટાભાગે દિલ્હીમાં અને બાકીનો સમય તેઓ દેશની બહાર જ રહેતાં હોવાનાં લીધે ગેરહાજરીમાં કલકત્તાના આ મહેલ, બાગ બગીચાની પૂરતી કાળજી લેવાતી નહોતી એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
હું ગોરાદેવીની રાહ જોતો બેઠો હતો ત્યાં મારી નજર બહારની તરફ ગઈ. એક વ્યક્તિ યુનિફોર્મમાં સજ્જ બે નોકરોનો ટેકો લઈને આમથી તેમ ટહેલતી હતી. જોયું તો એ ગોરો ચીટ્ટા છોકરાએ કિંમતી વસ્ત્રો પરિધાન કર્યા હતા. પાણી લઈને આવેલા માણસને મેં એ વ્યક્તિ કોણ છે એ જાણવા પ્રશ્ન પૂછ્યો.
બુઝુર્ગ જેવા એ માણસે જણાવ્યું, “એ નહારગઢના મહારાજા બિંધ્યાપ્રસાદ અને મહારાણી ગોરાદેવીના એક માત્ર સંતાન-રાજકુંવર છે. મહારાણી રાજકુંવરને લઈને પગના ઓપરેશન માટે સ્વિટ્ઝર્લેન્ડ જઈ રહ્યા છે.”
હવે જરા ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે એનો એક પગ સીધો હતો પણ બીજા પગે એ લંગડાતો હતો. બીજો પગ એનો ટેઢોમેઢો હતો. એવા લંગડા પગે ચાલતા એ છોકરાના ચહેરાની રેખાઓ વેદનાના લીધે સાવ બદલાઈને વિરૂપ થઈ જતી હતી. એ દ્રશ્ય એટલું તો દુઃખદ અને કરુણ લાગતું હતું કે એ જોઈને મારું મન વિક્ષુબ્ધ થઈ ઊઠ્યું.
મારું નાટક ગોરાદેવીએ સ્વીકાર્યું નહોતું ત્યારે મને અત્યંત આઘાત લાગ્યો હત. હું હદથી વધારે અકળાયો હતો, એક હદ સુધીના વિચારો મનમાં આવ્યાં હતાં પણ એનો અર્થ એ નહોતો કે ઈશ્વર આવો કોઈ આવો બદલો લે એવું મેં વિચાર્યું હોય. આવી તો હું કલ્પના માત્ર નાટક સુધી જ કરી શકું, વાસ્તવમાં તો નહીં જ.
વીજળીની જેમ મનમાં એક વિચાર આવ્યો,” ગોરીદેવી એમના આ લંગડા સંતાનને વ્હાલ કરી શકતા હશે? પોતાના પેટના સંતાનને એ ગોળીએ મારી શકતી હશે? એનું ઓપરેશન કરાવીને એની ખોડ દૂર કરવા કે સ્વસ્થ અને સુંદર બનાવવા સ્વિટ્ઝર્લેન્ડ જતાં હશે ને? લાઈફનું સત્ય લિટરેચરના સત્ય કરતાં ભિન્ન હોઈ શકે? લિટરેચર લાઈફની કાર્બન કૉપી નથી?”
સવાલો..સવાલો.. અનેક સવાલો મારા મનને ઘેરી વળ્યાં. જાણે કે ગોરીદેવીનો પરાજય મારો પરાજય હોય એટલો ત્રસ્ત થઈને હું એકદમ ઊભો થઈને સીધો જ ઝાંપાની બહાર નીકળીને રસ્તા પર દોડવા માંડ્યો . કદાચ રોકાયો હોત તો ગોરીદેવીની ચહેરા પરની લજ્જા કે ક્ષોભને હું જોઈ ન શક્યો હોત. સડક પરની ભીડમાં હું વિલીન થઈ જઉં એટલી હદે હું દોડતો રહ્યો…દોડતો રહ્યો…દોડતો જ રહ્યો.
*****
‘સાહિબ બીબી ઔર ગુલામ’ જેવી લોકપ્રિય કૃતિઓના લેખક શ્રી બિમલ મિત્રની વાર્તા- ‘મહારાની’ પર આધારિત ભાવાનુવાદ
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
કલ્પના જ્યારે વાસ્તવિકતા બની જાય ત્યારે…… તેને ફેસ કરવી કેટલી અઘરી છે તે વાતની અદ્ભૂત વાર્તા…..દરવખતે નવીજ વાર્તાના ભાવાનુવાદથી અનેક જુદી જુદી ભાષાનાં લેખકોની વાર્તાની સરસ જાણકારી મળે છે.બિમલ મિત્ર જેવા લેજન્ડરી લેખકોની વાર્તા વાંચવાં મળે છે.અભિનંદન
LikeLiked by 1 person
વાહ રાજુલબેન બારીની બહાર નવુ જોતા શિખવાડી દીધું તમે તો….એક નવોજ દ્રસ્ટીકોણ
LikeLiked by 1 person
A perfect example of “Our Thoughts create our destiny”… I hope that this was not a reality somewhere and was purely a storyline… Enjoyed your representation Rajulben!!
LikeLiked by 1 person
Nice story ! When reality hits home the result is ten fold more extreme ! Even though it’s just the story , I have witness in real life too .
LikeLiked by 1 person