અમેરિકામાં આવે વરસો વીતી ગયા પણ ઘણી જૂની યાદો આજે પણ તાજી છે.વિચાર કરું છું કે કમ્પ્યુટરમાં સેવ કરવા માટે ક્લિક કરવું પડે છે. પણ મનની કરામત તો અજબ છે ક્લિક કર્યા વગર જ સેવ થઈ જાય છે. એવી જ થોડી યાદો નો ગુલદસ્તો તમને આપ્યા વગર રહી શકતી નથી.
1965 ની સાલ હતી થોડા મહિના પહેલા જ અમેરિકા આવેલી બધું જ મારા માટે નવું હતું સગા સંબંધી મિત્ર એ જે કહો તે એક મારા પતિ જ હતા અને તે પણ મને સ્વાવલંબી થવાનું કહી રહ્યા હતા હિંમત રાખ્યા વગર છૂટકો નહોતો
કોલેજ શરૂ કરી. જુદા જુદા દેશના વિદ્યાર્થીઓને જોતી ત્યારે મનમાં વિચારો આવ્યા વગર રહેતા નહીં. ખરેખર અમેરિકા દેશ એક મેલ્ટીંગ પોટ છે. જુદા જુદા દેશના લોકો આવ્યા અને તેમને સમાવ્યા. અને એટલું જ નહીં પણ પ્રેમથી આવકાર્યા. એમના જીવનધોરણ ઊંચું લાવવામાં મદદ કરી. એવા મહાન અમેરિકાનો આભાર માન્યા વગર રહી શકતી નથી. ઇન્ડિયા તો મારી મા એના માટે તો અવિરત ઝરણું મારા હૃદયમાં વહેતું જ રહે છે. પણ અમેરિકાએ પણ મા જેટલો જ પ્રેમ આપ્યો છે. કોલેજકાળ દરમિયાન નહીં પણ મારા જીવનમાં આજે પણ અમેરિકા માટે એવી જ ભાવના છે.
કોલેજકાળ દરમિયાન ખૂબ જ શીખવા મળ્યું જુદા જુદા દેશના લોકોની રીતભાત સંસ્કૃતિ વિચારો રમત-ગમતો સંગીત વગેરે વગેરે વિષયો ની આપ-લે થઈ.
જ્યારે હું તેમને કહેતી કે હું વેજિટેરિયન છું ત્યારે તેઓ મને અનેક પ્રશ્નો પૂછતા. એ લોકોને તો એમ જ હતું કે શાકભાજી સિવાય વેજિટેરિયન શું ખાઈ શકે? પ્રોટીન ક્યાંથી મળે અને એ લોકોને સમજાવતા મારો દમ નીકળી જતો. આજે તો દુનિયામાં વેજિટેરિયન ની મહત્તા વધી ગઈ છે.
આમને આમ એક વર્ષ કોલેજ માં પૂરું થઈ ગયું મારામાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો. અને મને જોબ કરવાની ઈચ્છા થઈ. એ વખતે થોડા વર્ષો પહેલા જ કમ્પ્યુટર ની શોધ થયેલી અને એનું ફિલ્ડ પણ વિશાળ હતું. અને મ્હેં એ ફિલ્ડમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. ચાર મહિનાનો ટૂંકો કોર્સ કરી લીધો.
મારી જોબ શોધવા ની કસોટી શરૂ થઈ ઘરમાં એક જ કાર જોબ શોધવા બસમાં જવું પડતું બસમાં કેવી રીતે જવું તે તો 411 ઇન્ફર્મેશન દ્વારા સહેલું થઈ ગયું છતાં પણ બસમાં ડ્રાઈવર ની પાછળ ની સીટ માં જ બેસતી બે-ત્રણ વાર યાદ કરાવતી કે મારું સ્થળ આવે ત્યારે મને જણાવે. તે વખતના બસ ડ્રાઈવરો ને પણ ફોરેનરો માટે ખૂબ જ સહાનુભૂતિ હતી. અને હંમેશા મદદ કરતા .
ઘણીવાર તો જોબ શોધવાં પચ્ચીસ ત્રીસ માઈલના અંતરે બે ત્રણ બસ બદલીને જતી. વિચારતી નહીં કે જોબ મળશે તો એટલું દૂર જવું શક્ય છે? પણ મારા મનમાં તો એક જ ધૂન 400 ડોલર ખર્ચ્યા છે તો યેનકેન પ્રકારે જોબ તો કરવી જ પડશે.
મારી પાસે ગ્રીનકાર્ડ અને એક્સપિરિયન્સ નહીં. એટલે જયાં જાઉં ત્યાં નકારો જ મળતો. પણ હું તો કરોળિયા ની જેમ મારા પ્રયત્નો ચાલુ જ રાખતી. આમ રખડતા રખડતા એક કંપનીમાં ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ. અને જોબ પણ મળી ગઈ. હું ખૂબ જ ખુશ થઈ ગઈ ફોન બુથમાંથી મારા પતિને જોબ મળ્યા ના સમાચાર આપ્યા.
મારા પતિએ પૂછ્યું. કઈ કંપની માં જોબ મળી? મ્હેં કહ્યું “ i don’t know” wait અને હું દોડતી બહાર ગઈ. બિલ્ડિંગનું નામ જોઈને કહ્યું IBM . આમ હું સીડીનો ચોથું પગથિયું ચઢી ગઈ.