રંગ છલકતો અંગ અંગ
મુખડું મલકે સંગ સંગ
આજ ઉઠે ઉર ઉમંગ
દિલમાં જાગે એક તરંગ
સજી પિચકારી રંગ રંગ
તન મન નાચે એક સંગ.
વસંતના વધામણે, ગ્રીષ્મના આંગણે, આપણે આવી ઊભા છીએ પૃથ્વીના રંગમંચ પર …. દ્રશ્ય છે હોળીની ઉજવણી…રંગનો ઉમટયો છે સાગર… તન રંગાયું … મન રંગાયું …કુદરત બની એક રંગ ચિત્ર…રંગો સાથે છે માનવીનો અતૂટ નાતો… આંખોમાં ઉભરાય છે સુંદર દ્રશ્યની હારમાળા…જ્યાં કુદરતના કેનવાસ પર ઉષા અને સંધ્યાના રંગો …દૂર દૂર લહેરાતો વાદળી કે નેવી બ્લ્યુ સમુદ્ર અને તેની સાથે મિલન માટે અધીર આસમાન… નાસાના કોઈ ફોટોગ્રાફમાં ઉભરતી બ્લૂ રંગની પૃથ્વી… લીલાંછમ વનો અને પહાડો …બરફથી આચ્છાદિત હિમાલય …નાયગ્રાના ધોધમાંથી ઉત્પન્ન થતું મેઘધનુષ અને તેમાંથી ઊઠેલાં જલબિંદુઓની રંગમય સૃષ્ટિ …આપણી આસપાસ ફેલાયેલું છે રંગોનું સામ્રાજ્ય …આ રંગો જોતાં જોતાં દરેક માનવી ઉત્સાહ અને આનંદનો અનુભવ કરે છે… મનમાં નિરાશાની પાનખરનો અંત આવે છે, રંગીલી વસંતથી સુવાસિત બનેલાં પુષ્પો પણ રંગોની રંગોળી પૂરતાં હોય તેમ લાગે છે… મનમાં આનંદના ફુવારા વચ્ચે ટહુકા ઊઠે છે અને ગ્રીષ્મના આગમનની વધામણી ખાતી આવે છે હોળી…
હોળી એટલે જ જુદા જુદા રંગો … આજે આ રંગોને નજીકથી માણીશું …શબ્દોથી જાણીશું અને તેની રંગ છટામાં રંગાઈશું. હોળી ભારતીય સંસ્કૃતિની સોડમ છે. તહેવાર છે સામાજિક, રંગ છે સાંસ્કૃતિક પણ તેના મૂળ છે પૌરાણિક. હોલિકા અને પ્રહલાદની પૌરાણિક કથાના મૂળમાં છે ધર્મસંદેશ. અસત્ય પર સત્યના વિજયની ગાથા એટલે જ હોળી. અશ્રદ્ધા અને અસત્યને ભક્ત પ્રહલાદની જેમ નિર્ભયપણે શ્રદ્ધાના અગ્નિમાં સ્વાહા કરી ઈશ્વર પ્રત્યે સમર્પણ સાથે આગળ વધવામાં આવે તો ઈશ્વરી શક્તિ માનવનું કલ્યાણ કરવા માટે પ્રગટે છે તેવો સંદેશ હોળીના હુતાશન કે અગ્નિમાંથી પ્રગટ થાય છે, માનવ જીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને આનંદના સ્પંદન જાગે છે. આ આનંદને વધાવવા વસંતના વાયરે આવી પહોંચે છે હોળી અને ધુળેટી. પૌરાણિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવતો તહેવાર સામાજિક રંગોથી રંગાય છે અને તેના ઉપલક્ષ્યમાં દર વર્ષે ઉજવાય છે રંગોનો તહેવાર હોળી.
હોળીનો તહેવાર ભારતીય વેદ સંસ્કૃતિ કે ઋષિ સંસ્કૃતિની દેન છે. આ સંસ્કૃતિને શ્રદ્ધા છે જ્ઞાનના પ્રકાશમાં, નહિ કે અજ્ઞાન અને વહેમમાં. વહેમ કે અજ્ઞાનના અંધકારને જો જ્ઞાન અને શ્રદ્ધાના અગ્નિની જ્વાળાઓમાં ભસ્મીભૂત કરવામાં આવે તો જ જીવનમાં ઉલ્લાસ અને આનંદ પ્રગટે એવો શુભ સંદેશ માર્મિક રીતે આ તહેવાર સાથે જોડાયેલ છે. જીવન -વ્યક્તિગત હોય કે સામાજિક- ઋતુચક્ર સાથે જોડાયેલ છે. હોળી એ શિશિર અને ગ્રીષ્મ એટલે કે શિયાળા અને ઉનાળાના સંધિકાળને વધાવે છે. એક તરફ છે સૂર્યની ઉત્તર અયન તરફની ગતિ કે ઉત્તરાયણ તો બીજી તરફ છે વસંતના વધામણાં લેતી વસંતપંચમી જ્યાં માનવ ઉભો છે ગ્રીષ્મના આંગણે. ઋતુઓનું આ ચક્ર સમયાંતરે સમાજજીવન સાથે જોડવાની પ્રણાલિકા એટલે જ હોળી.
હોળીનો તહેવાર સમાજજીવનને રંગે છે પણ આ રંગસૃષ્ટિ ક્યાંથી ઉદભવે છે? ખેડૂતના ખેતરમાં ઘઉં અને સરસવના સોનેરી પીળા રંગની સૃષ્ટિ છવાઇ છે, વનના વૃક્ષો કેસુડાના કેસરી ફૂલોથી શોભે છે, આંબાની ડાળીઓ આમ્રમંજરીથી મહેકે છે, પ્રકૃતિ કરવટ બદલે છે, સમાજજીવન આ સુંદરતાને હોળીના રંગોથી વધાવે છે. ગુલાબી ગુલાલ હોય કે પિચકારી ઉડે છે રંગોની, આનંદની, ઉત્સાહની છોળો વચ્ચે ક્યાંક ઢોલ ઢબુકે છે, પગ થરકે છે,નૃત્યના તાલે હોળી ગીતો ગવાય છે, ઠંડાઈના દોર વચ્ચે ગ્રીષ્મની ગરમીના ઓવારણાં લેવાય છે અને કાવ્ય પંક્તિઓમાં ક્યાંક ‘ હોલી ખેલત નંદલાલ ‘ તો ક્યારેક ‘ હોલી ખેલે રઘુવીરા ‘ ની પંક્તિઓ સાથે વાતાવરણ જીવંત બને છે. ક્યારેક આ ગીતો હાસ્ય ગીતો કે હાસ્ય કવિતાનું રૂપ લે છે. સાહિત્ય અને સંગીત કે નૃત્ય સાથે જ ક્યાંક ભક્તિનો રંગ પણ પ્રગટે છે. રાધા અને કૃષ્ણના સંબંધોના ભક્તિમય વાતાવરણમાં ક્યારેક મથુરા, વૃંદાવન તો ક્યારેક રાધાજીનુ જન્મસ્થાન બરસાના પણ અદભુત રીતે રંગાય છે. બરસાનાની લઠ્ઠમાર હોલીમાં ગોપીઓના વેશમાં રહેલી સ્ત્રીઓ લઠ્ઠ કે લાઠીથી પુરુષ ગોપવર્ગને હોળી રમાડે છે.
જીવનચક્ર, ઋતુચક્ર અને સંસારચક્રના સમાંતર પ્રવાહોમાંથી પસાર થતો માનવી ક્યારેક કુદરતને ભૂલે છે. પરિવર્તન તેને ક્યારેક પળોજણ લાગે છે. તે પોતાને પડકારો સામે એકલો અને અસહાય અનુભવે છે. વિજ્ઞાન હોય કે ટેકનોલોજી, તેની રાહોને આસાન બનાવે છે. પરંતુ સફળતા અને સરળતા બંને જુદી વસ્તુ છે. સફળતા કુદરતી સાધનોના ઊપયોગથી ઉદભવે છે, પણ સરળતા કુદરતના સાંનિધ્યને માણવામાં છે. કારણ, માનવી આખરે તો કુદરતનું બાળક જ છે. કુદરતને આત્મસાત કર્યા વગરનો વિકાસ નિરર્થક છે. બ્રહ્માંડના તરંગો માનવીના મનના સ્પંદનોથી પ્રતિબિંબિત થાય છે. આ ઉમંગો જ્યારે રંગોનું સ્વરૂપ લઇ સમાજ જીવનને પ્રેમના, ભાઈચારાના, સાહચર્યના રંગોથી રંગે છે, ત્યારે સર્જાય છે રંગોનો ફુવારો. આ રંગમયતા બને છે હોળીનો તહેવાર. ઢોલ ઢબુકે છે, મન મલકે છે, તન થરકે છે, રંગોથી દિશાઓ છવાય છે અને જયઘોષ કાને પડે છે…. હોલી હૈ ભાઈ હોલી હૈં…
રીટા જાની
26/03/2021
પ્રકૃતિ જ્યારે પોતાની જ રંગછટાથી અબીલ ગુલાલલે વાતાવરણને રંગી દે ત્યારે તો આપણાં રંગો પણ કાચા કે ઓછા લાગે.
બેઠક પરિવારને હોળીની શુભેચ્છા.
LikeLiked by 1 person
સુંદર પ્રાસ સાથેની અને ભાવ સાથેની કવિતા,હોળીનાં પ્રાકૃતિક રંગોને સરસ રીતે સજાવીને નિખાર્યાં છે.હોલીમુબારક….હોળીનાં રંગો તમારાં જીવનમાં પણ મેઘધનુષી ઉઘાડ લાવે એવી શુભેચ્છા …
LikeLiked by 1 person