લીનાબેન તો હાથમાં ચેકલીસ્ટ લઇને બેગ ભરવામાં મશગુલ થઇ ગયાં હતાં.
‘જો બેટા, ખાવાપીવાની કોઈ પણ તકલીફ પડે, પૈસાની જરૂર પડે કે ગમે તે ઇમરજન્સી આવે, જરાક પણ મૂંઝાતો નહીં, અમને અહીંયા જાણ કરી દેજે, મેં મારા ત્યાંના બે-ત્રણ મિત્રોને કહી જ રાખ્યું છે, ક્યારેય હતાશ ના થતો, તકલીફ આવે તેમ જતી પણ રહે, મારા જીવનનો મંત્ર તું પણ આજે જીવનમાં ઉતારી લે “ઓલવેઝ બી પોઝિટિવ.”
‘અરે મમ્મી-પપ્પા તમે જરાક પણ ચિંતા ના કરો, ઉષ્મા તો છે મારી સાથે અને બધું કંપની જ પ્રોવાઈડ કરવાની છે, બસ તમે લોકો પણ ત્યાં આવવાની તૈયારી ચાલું કરી દેજો.’
ચિક…ચિક…ચિક…ચિક…ચકલીના અવાજવાળો દેશી ઘરનો દેશી બેલ વાગ્યો અને દરવાજો ઉઘાડતા જેમની રાહ જોવાતી હતી તે પાડોશી પ્રમોદભાઈ નજરે પડ્યાં.
‘લીનાબેન આ લો, ખાખરાનાં પાંચ પેકેટ, લિજ્જત પાપડનાં ત્રણ પેકેટ, મુખવાસ અને બીજો સૂકો નાસ્તો પણ છે.’
‘સોરી પ્રમોદભાઈ તમને કામ સોંપવું પડ્યું, આજે રાત્રે જ ભાવેશની અમેરીકાની ફ્લાઈટ છે અને બહું બધાં કામ બાકી છે.’
‘અરે લીનાભાભી પાડોશી એ પહેલો સગો…….તમ ત્યારે જરાક પણ……!’
લીનાબેન ટીફીન સર્વિસ ચલાવતા હતાં, રોજનાં ૧૫ માણસોનું ટિફિન એ એકલાં હાથે બનાવતાં હતાં અને રક્ષેશભાઈ નામું લખવાં જતાં હતાં. ભાવેશ એમનો એકનો એક દીકરો હતો.
મોજશોખ બાજુ પર મૂકીને તેઓ એ ભાવેશને ભણાવ્યો હતો. ઉછીના પૈસા લઈને એને ધામધૂમથી પરણાવ્યો અને ચારધામ યાત્રાની બચત પણ ભાવેશના હનીમૂન પાછળ ખર્ચી નાખી.
એ સમય એવો હતો કે અમેરિકા જવું એટલે પરગ્રહ પર જવા બરાબર હતું અને એક ગર્વની વાત પણ હતી, એટલે લીનાબેન અને રક્ષેશભાઈના ઘરે સવારથી જ સગાસંબંધીઓ મુલાકાતે આવતાં હતાં.
“કંઈ કામકાજ હોય તો અચૂક કહેજો રક્ષેશભાઈ!!!.”
“અમારી ગાડી છે, જો એરપોર્ટ જવું હોય તો લીનાભાભી!!!” જેવું કહેતા અનેક મહેમાનો મદદ માટે ઊમટી પડ્યાં હતાં.
સાંજ પડી, ૩૫-૪૦ જેટલાં સગાસંબંધીઓ સાથે આખોય સંઘ અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયો. લીનાબેને ભાવેશનાં માથે વ્હાલભર્યું ચુંબન કરી ભાવેશ અને ઉષ્માને વિદાય આપી.
‘પપ્પા, અમે અહીંયા પહોંચી ગયા છીએ, કંપનીની ગાડી એરપોર્ટ લેવાં આવી હતી.’ ભાવેશે પહોંચતાની સાથે જ ઘરે ફોન કરી જણાવી દીધું કે પોતે સુખરૂપ પહોંચી ગયો છે.
રિસિવર હાથમાં આવવાની સાથે જ મમ્મી એ તો સવાલોની ગોળીબારી ચાલું કરી દીધી, ‘ક્યાં, કેવું, કેમ વિગેરે વિગેરે!!’
‘મમ્મી ચિંતા ના કરીશ, અત્યારે તો કંપની એ હોટેલ રહેવા આપી છે, પછી અમે કંપનીના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ જઈશું, તમારા લોકોની વિસા પ્રોસેસ પણ કંપની જ કરાવી આપવાની છે.’
‘સારું બેટા તું અમારી ચિંતા ના કરતો, બસ તારી નોકરીનું ધ્યાન રાખજે, ઉષ્મા અને છોકરાઓને અમારી યાદ આપજે.’ મમ્મી એ ફોન મુક્યો અને આંખમાંથી મમતા છલકાઈ ગઈ.
સમયે તો જાણે મેરેથોનમાં ભાગ લીધો હોય.
વર્ષો વીતવા લાગ્યાં, બ્રેડ બટરના દેશમાં તો ભાવેશ પાસે ઘી કેળાં હતાં.
પોતાના પર્સનલ સ્વિમિંગ પુલવાળો વિલા, માથાદીઠ ગાડીઓ, નોકરચાકર વિગેરે વિગેરે….
વર્ષો વીતી ગયાં હતાં અને ગમે તેટલાં પૈસા હોવા છતાં પણ એ એક પણ વખત મમ્મી-પપ્પાને અમેરિકા બોલાવી શક્યો ન હતો.
ક્યારેક એને છોકરાઓની પરીક્ષાઓ નડતી, ક્યારેક બહું ઠંડી હોવાથી તમે આવશો તો માંદા પડશો જેવાં બહાનાં નડતા અને ક્યારેક ટિકિટના અને ડોલરનાં ભાવ ઘટે એટલે તરત ટિકિટ બુક કરાવી દઈએ એવું આશ્વાશન મળતું.
હવે તો લીનાબેન અને રક્ષેશભાઈએ પણ અમેરિકા જવાનો વિચાર માંડી વાળ્યો હતો.
જોતજોતામાં કોરોના નામની વૈશ્વીક બીમારી એ વિશ્વના એકેએક દેશમાં કહેર વર્તાવવાનું ચાલું કરી દીધું.
લીનાબેન તો રોજ સવારે ભાવેશ, ઉષ્મા અને પૌત્રોના ખબર અંતર પૂછી લેતી પણ સામેથી “તમે લોકો સાચવજો પાછા” જેવો બેદરકારી ભર્યો પ્રેમ મળતો.
છેલ્લા એકાદ અઠવાડિયાથી રક્ષેશભાઈને તાવ ઉતરતો જ ન હતો, બે ત્રણ વખત તેઓ કોરોના ટેસ્ટિંગ ટેન્ટમાં વિનામુલ્યે ટેસ્ટ કરાવવા ગયાં હતાં પણ ત્યાંથી તેમને સામાન્ય તાવ છે તેવું કહીને ટેસ્ટ કરવામાં આવતો ન હતો.
ભાવેશ પણ સામાન્ય તાવ છે મમ્મી, થઇ જશે સારું, આ તો સીઝન બદલાય એટલે પપ્પાને આવું થતું જ હોય છે જેવાં અનેક સામાન્ય કારણો જણાવી ફોન મૂકી દેતો.
રક્ષેશભાઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ હોઈ એમની તબિયત વધારે બગડવા લાગી હતી.
લીનાબેનની ઘભરામણ ધીરે ધીરે વધતાં તેમણે ભાવેશને અડધી રાત્રે ફોન કર્યો, ઉત્તરમાં ભાવેશે કહ્યું કે, ’ચિંતા ના કર, મારો ફ્રેન્ડ નિશાંત છે ને એની બહેન ધરતી ત્યાં ઇન્ડિયામાં ડૉક્ટર છે એને હમણાં વાત કરું છું.’
‘દીદી, હું ભાવેશ, નિશાંતનો ફ્રેન્ડ’, આજે લાગ્યું કે ભાવેશે થોડી દરકાર રાખી છે.
ભાઈના મોઢે ભાવેશનું નામ અને લક્ષણ બંને સાંભળ્યા હતાં. “એકના ચાર અડધાં”
કંઈ કામ હશે એટલે અમેરિકાથી મેસેજ કર્યો હશે એવું વિચારી ધરતીએ પણ ઉત્તર આપ્યો.
‘દીદી, આમ તો સામાન્ય તાવ જ લાગે છે, પણ તમે મમ્મી જોડે વાત કરી લેજો ને, વગર કામની ચિંતા કરે છે.’
‘ડોન્ટ વરી આઈ વીલ ટોક ટુ અંકલ-આંટી, પણ ભાવેશ, અમે ડૉક્ટર્સ એક ખાંસીને પણ ક્યારેય સામાન્ય નથી ગણતા’ આવા સજ્જડ મેસેજ સાથે ધરતીએ કોઈ પણ પરિસ્થિતિને સામાન્ય ન ગણવી એવો સંકેત આપ્યો.
ડૉ ધરતીએ લીનાઆંટી સાથે ફોન પર વાત કરી. બંનેના કોરોના ટેસ્ટ કરાવ્યાં
સદ્ભાગ્યે લીનાઆંટીનો રિપોર્ટ તો નેગેટિવે આવ્યો પણ રક્ષેશ અંકલ પોઝિટિવ આવ્યાં.
શહેરમાં કોરોનાનાં અનેક કેસ વધી ગયાં હતા, એક પણ હોસ્પિટલમાં દાખલ થવાં માટે બેડ મળતાં ન હતાં.
ધરતીએ ભાવેશને અમેરીકા ફોન કરીને જણાવ્યું કે, ’અંકલને કોરોના પોઝિટિવ છે, એમને તાત્કાલિક દાખલ કરવાં પડશે.’
ભાવેશે કહ્યું, ‘દીદી, તમને જેમ ઠીક લાગે તેમ કરજો.’
‘સરકારી હોસ્પિટલમાં બેડ મળવો તો મુશ્કેલ હતો, ખાનગી હોસ્પિટલમાં જ દાખલ કરવાં પડશે’ ધરતી વહેતાં જતાં સમયનો અણસાર જાણતી હતી.
‘દીદી, જો બચવાની શક્યતા ના હોય તો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાનો કોઈ મતલબ નથી, જે કંઈ હોય તે તમે મમ્મી સાથે ચર્ચા કરી લેજો.’
બાય કીધું ના કીધું અને ભાવેશે ફોન પટકી દીધો.
લીનાઆંટી એ તો ધરતીને છુટ્ટી દોર આપી દીધી હતી, કે ‘બેટા તું જેમ કહીશ એમ કરીશું, બસ એનાં પપ્પાને બચાવી લો’
ધરતીએ મોબાઈલ ફોનની ફોનબુક ફરાવવાં લાગી, જેટલાં પણ જાણીતાં ડૉક્ટર કે હોસ્પિટલવાળા હતાં બધાંને ફોન કરીને પૂછી જોયું. ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ક્યાંક પણ એકાદ બેડ મળે તો રક્ષેશઅંકલની ટ્રીટમેન્ટ ચાલુ થઇ જાય.એમનું ઓક્સીજન લેવલ ઘટતું જતું હતું, એમની તબિયત હવે ધીરે ધીરે ગંભીર થતી હતી.
પોતાનાં સગા કાકાને દાખલ કરવાનાં છે એમ કહીને મહામહેનતે એક પ્રતિષ્ઠિત ડૉક્ટરની ભલામણથી રક્ષેશઅંકલ માટે એક ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઇ ગઈ.
‘હેલ્લો આંટી, ધરતી બોલું છું, ચિંતા ના કરતાં ખાનગી હોસ્પિટલમાં અંકલ માટે એક બેડની વ્યવસ્થા થઇ ગઈ છે’ હાશકારો અનુભવતાં ધરતી એક જ શ્વાસે બોલી ગઈ.
‘બેટા, અમે તો આણંદ પહોંચવા આવ્યાં છીએ, અહીંની સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી હતો એટલે અમે ૧૦૮માં અહીંયા આવી ગયાં. હું અને તારાં કાકા એક જ એમ્બ્યુલન્સમાં આવ્યાં છીએ અને અમારાં પાડોશી પ્રમોદભાઈ બીજી ગાડીમાં આવે છે. કંઈ બીજું કામ હશે તો તને જણાવીશું.’
ધરતીની મહેનત તો પાણીમાં ગઈ પણ એને માઠું ન લાગ્યું, આટલાં વર્ષોના અનુભવો બાદ લોકોના આવાં સ્વભાવથી એ પરિચિત થઇ ગઈ હતી.
ધરતી તો એનાં કામમાં વ્યસ્ત થઇ ગઈ, થોડાં કલાકો બાદ લીનાઆંટીના ફોન પરથી જ પાડોશી પ્રમોદભાઈનો ફોન આવ્યો. બેટા અહીંયા ૭-૮ કલાક થયાં અને હજી અમને બહાર જ ઊભા રાખ્યા છે, કહે છે કે એમનાં બ્લડ રિપોર્ટ્સ આવશે પછી જ એમને દાખલ કરીશું અને બ્લડ રિપોર્ટ આવતાં હજી બીજાં ૧૨ કલાક જેવું તો થશે જ.
ધરતીએ પ્રમોદ અંકલને કહ્યું, “ચિંતા ના કરો અંકલ, હું ભાવેશને વાત કરું છું અને બની શકે તો ત્યાંના કોઈ ડૉક્ટર સાથે મારી વાત કરાવજો.’
ફોન તો ચાલું જ હતો ત્યાં પાછળ એક વૉટ્સએપ મેસેજ આવ્યો. ચાલું ફોને જ ધરતીએ મેસેજ ચેક કર્યો.
લીનાઆંટીના મોબાઈલ પરથી જ પ્રમોદભાઈ દ્વારા મોકલાયેલો એક સ્નેપશોટ હતો.

સ્નેપશોટ જોતાંની સાથે જ ધરતી એ ઉત્તર આપ્યો, “નો પ્રોબ્લેમ અંકલ કંઈ કામ હોય તો કહેજો, આઈ એમ યુઝડ ટુ વિથ ધીસ, આઈ એમ સ્ટીલ પોઝિટિવ”
ખૂબ સરસ
LikeLiked by 1 person
🙏🙏
LikeLike
મૌલિકભાઈ ! વાત આજ કાલની સમસ્યા ઉપરની છે એટલે ગમી ! સત્ય પ્રસંગ હોય તેમ લાગે છે ! કોરોનએ ઘણાં કુટુંબોને ભાંગી નાંખ્યા છે ! સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો જીવનાં જોખમે દર્દીઓની સેવા કરે છે તેમાં પૈસો અને ધંધો વગેરે ભળતાં અરેરાટી થાય છે ! Even though it’s the reality of life .. પૈસા ખર્ચતાંયે જો દર્દી બચી જાય તો ભલે , ને એટલા ખર્ચ પછી દર્દી ના બચે તો પૈસા પડી ગયા હોય તેવો ભાવ થાય ! .. Nice story..
LikeLiked by 1 person
પ્રિય ગીતાબેન અને સુભાષભાઈ..હા આ સત્ય પ્રસંગ છે. મમ્મીએ રસોઈ કામ કરીને એ દીકરાને ભણાવ્યો છે..ઘણી બધી વખત એણે ઇન્ડિયાથી પૈસા મંગાવ્યા છે. દિવાળીના સમયે એનાં પપ્પાને કોરોના થયો હતો. મેં અને અંજલિએ મહામહેનતે એક પલંગની વ્યવસ્થા કરી હતી..અને એ હોસ્પિટલવાળા મેનેજમેન્ટે કહ્યું હતું કે તમે આવવાના હોવ તો જ કૅન્ફમ કરીયે, નહીં તો અમારે વેટિંગ ચાલે છે…મેં કહ્યું હા હમણાં 30મિનિટમાં પહોંચશે…અંજલિએ પેલા આંટીને ફોન કર્યો તો તેઓ આણંદ જવા નીકળી ગયા હતા… Courtesyથી કીધું પણ નહીં કે હવે વ્યવસ્થા ન કરો..
ત્યાર બાદ ત્યાં 18 કલાક સુધી બહાર જ રાખ્યા, કોઈ ટ્રીટમેન્ટ ચાલુ ના થઇ, એમની કિડની પર અસર થઈ..અંજલિ બીજા દિવસે બધા રિપોર્ટ જોયાં ડોક્ટર્સ સાથે પણ ટ્રીટમેન્ટની ડિટેલ લીધી અને સમયસર સારવાર ના મળવાના કારણે અંકલ પાંચેક દિવસમાં ગુજરી ગયાં… દીકરાએ બે ત્રણ વખત એવું કહ્યું કે બચવાના ના હોય તો ખર્ચ કરીને શું કામ, પણ જો સમયસર દાખલ કર્યા હોત તો એ અંકલ બચી જાત.
LikeLiked by 1 person