૧૦. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

આપણે હવે માર્ચ મહિનાની મઝધાર પાર કરી ગયા છીએ. આજે આપણે આ મહિનાના વિષય “મન”ના જ સર્જન એવા સપના પરની એક અંગ્રેજી કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. આ જીવન મૃગજળનો ભાસ છે કે એક નક્કર અહેસાસ છે – એ પ્રશ્નના મનોમંથન દ્વારા ઉદ્ભવેલી આજની કવિતાનું શીર્ષક છે ” A Dream within a Dream ” અર્થાત ” સપના મહીનું એક સપનું…”  જેના રચયિતા છે  Edgar Allan Poe. તમે આ અંગ્રેજી કવિતા આ લિંક પર વાંચી શકશો. https://poets.org/poem/dream-within-dream

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ નાનકડી લાગતી કવિતામાં કવિએ ખુબ ઊંડા અને ગહન વિચારનું વિચારબીજ રોપ્યું છે. કવિ માનવજીવનને એક સ્વપ્નવત નહિ, પણ તેથી પણ એક ડગલું આગળ વધીને સ્વપ્નમાંનું એક સ્વપ્ન દર્શાવે છે. અહીં કવિએ માનવ જીવનની ક્ષણભંગુરતાની અને ક્ષુલ્લકતાની માત્રા દર્શાવી છે. છેલ્લી પંક્તિમાં તો કવિએ માનવજીવનની નક્કરતા પર જ પ્રશ્નાર્થ ચિન્હ લગાવ્યું છે. કવિતાના પ્રારંભમાં કવિ પોતાના પ્રિયજનથી વિખુટા પડવાની વેદના વર્ણવતા કહે છે કે તારાથી દૂર ગયા પછી મારી જિંદગીના દિવસો હવે સ્વપ્નવત જ ભાસે છે. ત્યારબાદ આશાની જ્યોત  ધીમે ધીમે કેવી ક્ષીણ થતી જાય છે તેની રજૂઆત કરતા કવિ કહે છે કે મૃગજળ સમાન આ જિંદગીની હેસિયત તો સ્વપ્નમાંના સ્વપ્ન જેટલી ક્ષણિક છે. પછી આગળ વધતા કવિ હાથમાંથી સરકી જતી રેતીની ઉપમા આપીને વહી જતા સમયની કરચો ભીતરે વેદનાની જે ટીશ સર્જે છે તેનું વર્ણન કરે છે અને છેવટે એ સમયને બાંધી ન શકવાની અસમર્થતા દર્શાવતા પરમતત્વને પોકારે છે અને “શું જિંદગીની ધારા સપના મહીનું એક સપનું જ છે – સાચે?” એ પ્રશ્ન તેમની સમક્ષ વહેતો મૂકે છે.

Edgar Allan Poe (1809-1849) ની ગણના અમેરિકાના એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે થાય છે. ટૂંકી વાર્તાઓ અને ખાસ કરીને horror stories માં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલ છે. આ કવિનું જીવન સંઘર્ષોની હારમાળા હતું. બાળવયમાંજ માતા-પિતાને ગુમાવ્યા બાદ તેઓ પાલક પિતા John Allan પાસે ઉછર્યા.આ કાવ્યની રચના તેમણે માંદગીના બિછાનેથી  જીવનના ઉત્તરાર્ધમાં કરી હતી અને એટલેજ કદાચ આ કવિતામાં તેમની મનોવ્યથા અને મનોદશાનું પ્રતિબિંબ પણ જોવા મળે છે.

માનવજીવનની ક્ષુલ્લકતા અને ક્ષણભંગુરતાની યાદ અપાવતી આ કવિતા કેટલી સહજ રીતે આ જીવનની ક્ષણિકતાને સ્વપ્નમાંના સ્વપ્ન તરીકે દર્શાવે છે. હા, માનવજીવન ક્ષણિક છે અને દરેક શ્વાસ અને ઉચ્છવાસ સાથે આપણે આપણા અંતિમ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ એજ નક્કર વાસ્તવિકતા છે, પણ જ્યાં સુધી આપણી શ્વાસ-ઉચ્છવાસની લેવડ-દેવડ  ચાલુ છે ત્યાં સુધી શું કરવું એ સંપૂર્ણપણે આપણા મન અને વિચારો પર આધારિત છે. આ જિંદગી ભલે સ્વપ્નમાંના સ્વપ્ન જેટલી temporary અને insignificant હોય, પણ એ સ્વપ્નનો આપણે ઉત્સવ બનાવવો કે ઉપહાસ એ તો આપણે અને આપણી મન:સ્તિથિએ  નક્કી કરવાનું છે. સમયની સોનેરી રેતને આપણે ક્યારેય મુઠ્ઠી માં બંધ કરી શકવાના નથી એ અસમર્થતા સ્વીકારીને આપણે એ સમયની સોનેરી રેતમાંથી ચારેકોર આનંદ-ઉત્સવનું અજવાળું પ્રસરાવીએ ત્યારેજ તો આપણું જીવન સાર્થક થયું ગણાય, બાકી તો દિવસ પછી રાત અને રાત પછી દિવસ, એમ ધીમે ધીમે શેષ સમયની રેતી સરકતીજ જશે, સરકતીજ જશે… અને નિયતિએ નિર્ધારેલા સમયે શ્વાસ-ઉચ્છવાસની લેવડ-દેવડ પર સદાયને માટે પૂર્ણ-વિરામ મુકાઈ જશે…

   તો ચાલો પ્રભુ કૃપાએ મળેલી સ્વપ્નમાંના સ્વપ્ન સમી ક્ષણિક પણ અમૂલ્ય ભેટ – એટલે કે આપણા જીવનનો નિત્ય ઉત્સવ મનાવવાની આપણી મન:સ્તિથિ કેળવાય તેવી પરમચેતનાને પ્રાર્થના સાથે હું મારી કલમને આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે મન વિશેની એક બીજી સુંદર કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે…  

– અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.