એક સિક્કો – બે બાજુ :9) ધરમ કરતાં ધાડ પડી !


આ કહેવત જ દર્શાવે છે કે તમે ધર્મ નું કામ કરવા જાઓ અને સામે ચોર લૂંટારા આવીને તમને લૂંટી જાય ! ધરમ કરતાં ધાડ પડે !
એક વખત અમારાં જીવનમાં જ આવો પ્રસન્ગ બની ગયો : અમે કોઈકની દયા ખાવા ગયાં અને અમારી જ ખબર લેવાઈ ગઈ! એકાદ હાજર ડોલરનો દંડ પણ ભરવો પડ્યો અને એમાંથી માંડ માંડ છૂટ્યાં!
અને એવું કેમ બન્યું ? કારણ કે અમે માત્ર અમારી દ્રષ્ટિથી જ પરિસ્થી જોતાં હતાં : સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે તે વાત લાગણીમાં ભુલાઈ ગઈ હતી !
એ વર્ષ હતું ૧૯૯૩ કે ૧૯૯૪ની સાલનું .અમે શિકાગોમાં ધીમે ધીમે સેટ થઇ રહ્યાં હતાં ! મારું બાલમંદિર ; અને સુભાષનાં એપાર્ટમેન્ટ બિલ્ડીંગ વચ્ચે અમે અમારાં જીવનનો પથ નક્કી કરી લીધો હતો .
માર્ચ મહિનાની આખર તારીખે અમારાં એક બિલ્ડિંગના એક એપાર્ટમેન્ટમાંથી કોઈ ભાડુઆત એપાર્ટમેન્ટ ખાલી કરીને જતો રહ્યો હતો એટલે અમે એ એપાર્ટમેન્ટનું અંદરથી નિરીક્ષણ કરવા નીકળ્યાં હતાં . સુભાષ અંદર ચક્કર મારવા ગયેલ ; અને હું બિલ્ડિંગની બહાર નિરાંતે કુદરતમાં વસંત ઋતુનાં આગમનનાં સુંદર એંધાણ જોઈને ખુશ થઇ રહી હતી : વાહ ! ભગવાનની લીલા પણ કેવી અદભુત છે ! ત્યાં અચાનક એક વીસેક વર્ષની છોકરી હાંફળી ફાંફળી દોડતી મારી પાસે આવી . એ પ્રેગ્નન્ટ હતી તે સ્પષ્ટ દેખાતું હતું . એ થોડી અપસેટ , મૂંઝાયેલ હોય તેમ લાગતું હતું .એણે મને પૂછ્યું કે કોઈ એપાર્ટમેન્ટ આ બિલ્ડિંગમાં ભાડે આપવાનું છે ?
‘ હા , એક એપાર્ટમેન આજે જ ખાલી થયું છે” મેં બધી માહિતી આપી અને બીજે દિવસે સવારે મેનેજમેન્ટ ઓફિસમાં ફોન કરવાનું જણાવ્યું . પણ ત્યાં તો એણે રડવાનું શરૂ કર્યું ! એનો બોયફ્રેન્ડ એને મારતો હતો અને એ પોતાને અને બાળકને મારી નાંખશે એમ ધમકી આપતો હતો એવું બધું એણે મને રડતાં રડતાં કહ્યું .
‘ પ્લીઝ ,તમે મને આ એપાર્ટમેન્ટ આપો ! મારો જાન જોખમમાં છે .. એણે કરગરતાં , કલ્પાંત કરતાં કહ્યું .
“ પછી શું થયું ?” તમે પૂછશો !
એજ થયું જે તમે વિચારો છો .
તમે જો મારી જગ્યાએ હોવ તો જે કરો એજ મેં પણ કર્યું ..
સુભાષને મેં સમજાવીને ઈમોશનલ બ્લેકમેઇલ કરીને એ એપાર્ટમેન્ટ પેલી છોકરી – ટ્રેસી ને આપવા દિલથી ભલામણ કરી .
“ ગીતા , એપાર્ટમેન્ટ કોઈ પણ વ્યક્તિને એવી રીતે આપી શકાય નહીં .” સુભાષે મને ગુજરાતીમાં કહ્યું .
અને પછી પેલી છોકરી – ટ્રૅસીને અંગ્રેજીમાં સમજાવ્યું ; “બેન , તું કાલે ઓફિસમાં ફોન કરજે , એપ્લિકેશન કર્યા પછી અમે બધી તપાસ બાદ જો તારી અરજી મંજુર થશે ત્યાર પછી તને એપાર્ટમેન્ટ જરૂર ભાડે આપીશું .”
પણ હવે એ છોકરી કોઈ વાતે સમજવા તૈયાર નહોતી . એણે કહ્યું કે એ બધી જ વિધિ અત્યારે જ પતાવી દેવા માંગે છે ; પણ આજે એને રહેવા માટે એ જ એપાર્ટમેન્ટ આપો , કારણકે એનો જાન જોખમમાં છે .
એણે બધાં ફોર્મ ભર્યાં અને નિયમ પ્રમાણે ડિપોઝીટ અને ભાડું વગેરે બધું જ આપી દીધું .
કોઈનું ભલું કર્યું છે એવાં આત્મસઁતોષ સાથે એ સાંજ ત્યાં જ પુરી થઇ … પણ ભવિષ્યમાં એક પદાર્થપાઠ શીખવા મળવાનો હતો એનાં બીજ ત્યારે જ રોપાઈ ગયાં હતાં ..
ટ્રૅસીનો બોયફ્રેન્ડ ભારે ખતરનાક હતો . એણે ટ્રૅસીનું આ રહેઠાણ શોધી કાઢ્યું અને હવે એ એની સાથે જ રહેતો હતો ! ત્રણ મહિનામાં આખું નેબરહૂડ ગ્રફિટી , ડ્રગ્સ , ગન શોટ્સ અને પોલીસના ચક્કરોથી ઘેરાઈ ગયું !જાણે કે ગેરકાનૂની કરતૂકોનો અડ્ડો બની ગયું ! બધાં રહેવાસીઓએ અમને કંમ્પ્લેઇન કરી પણ હવે બાજી અમારાં હાથમાં પણ નહોતી !
સિક્કાની આ બીજી બાજુનો અમને ખ્યાલ જ નહોતો !
“ નિયમ પ્રમાણે ના કરીએ એટલે એવું થાય !” સુભાષે પણ અકળાઈને મને કહ્યું હતું .
“ હું કોઈ દયાભાવથી સ્ત્રી અને બાળકની રક્ષા કરવાના ઉમદા ભાવથી વિચારતી હતી, મારે એ વાતમાં પડવાની જ જરૂર નહોતી !” મેં પણ અફસોસ કર્યો .
“ રામાયણ પણ ના રચાઈ હોત જો સીતાએ સદભાવનાથી રાવણને ભિક્ષા આપી ના હોત તો ! ઘણી વાર આપણે સારું જ વિચારતાં હોઈએ છીએ અને બીજી બાજુનો વિચાર કરવાનું ભૂલી જઈએ છીએ !” સુભાષે જે કહ્યું તેમાં તથ્ય હતું . મૌન રહીને મેં સાંભળ્યાં કર્યું .
શિકાગોમાં સુંદર ઉનાળાનાં દિવસો શરૂ થયાં હતાં.. અમે અમારાં જીવનમાં વ્યસ્ત હતાં . બાળકોને એક શનિવારે મિત્રોને ત્યાં પાર્ટીમાં જવાનું હતું અને સુભાષને બિઝનેસનાં ઘણાં કામ હતાં એટલે મેં મારી બેનપણી રમીલાને ઘેર જવાનું નક્કી કર્યું . જે પંદરેક માઈલ દૂર રહેતી હતી .
“ અરે હા ,” સુભાષે મને એક કાગળ આપ્યો અને કહ્યું; “ ગીતા , તારે રસ્તામાં આ ફલાણો પાર્ક આવે છે ત્યાંના મુખ્ય હોલમાં આજે આપણા ફલાણા નેબરહૂડની પાર્ટી છે એટલે જો તું ઉભા ઉભાત્યાં જઈશ તો એ નેબરહૂડના લોકોને સારું લાગશે કે મકાનમાલિક તરીકે આપણે ત્યાં હાજરી આપી !”
“ સ્યોર !” મેં કહ્યું .અને બપોરે બે વાગે હું તૈયાર થઈને બેનપણીની ઘેર જવા નીકળી .
રસ્તામાં એ પાર્કના બિલ્ડીંગ પાસે ગાડી બ્લીન્કર ઉપર રાખી અને હું અંદર ગઈ .
ચારે તરફ મેળા જેવો માહોલ હતો . લોકો ખાતાં પીતાં અને નાચતાં હતાં . સ્ટેજ પર કોઈ બેન્ડ વાગતું હતું અને બે પાંચ જણ ડાન્સ કરતાં હતાં ..
મેં પેલો કાગળ આપ્યો અને હું પાછી વળવા જઈ રહી હતી ત્યાં એ ભાઈ ખુબ વિવેકથી મારી પાસે આવ્યા અને મારી પાસે માત્ર બે મિનિટ માંગી .
“ જુઓ ભાઈ ; હું ઉતાવળમાં છું .” મેં નમ્રતાથી કહ્યું પણ એ તો મને છેક પ્રવેશ દ્વારથી છેક આગળ સ્ટેજ તરફ લઇ ગયા અને એક જ મિનિટમાં પાર્ટીનો ઘોઘાટ બંધ થઇ ગયો ! સ્ટેજ ખાલી થઇ ગયું અને એ ભાઈ મને સ્ટેજ પર લઇ ગયા ને મારી ઓળખાણ આપી … ને પછી પ્રશ્નોની ઝડી વરસી !! અમારું નેબરહૂડ એટલું બધું બગાડી કાઢવા માટે તેઓ મને જવાબદાર ગણતાં હતાં .
ગાંધીજી જયારે ભારતથી સાઉથ આફ્રિકામાં પાછા ફરેલા અને ત્યાં ઓળખાઈ ગયા પછી જે ધમાલ થઇ હતી તેવો જ અનુભવ મને થઇ રહ્યો હોય તેમ લાગ્યું ..
શું કહેવું તે મને સૂઝતું નહોતું પણ મેં અચાનક જ મારો બચાવ કરતાં કહ્યું કે “ મિત્રો . બિલ્ડીંગ મેનેજમેન્ટનું કામ મારું નથી પણ મારા પતિની તબિયત ગંભીર હોવાથી આવું બધું થઇ રહ્યું છે , અને જો કોઈ રસ્તો બતાવશે તો એ અપનાવવા અમે તૈયાર છીએ ..” વગેરે વગેરે .
પ્રિય વાચક મિત્રો ! ઘણી વાર આપણે આવાં રમુજી જોક્સ સાંભળતા હોઈએ છીએ જ્યાં વ્યક્તિ એક જૂઠ છુપાવવા બીજું જૂઠ ઉભું કરે .. મેં પણ આવું જે તે મગજમાં આવ્યું તે કહી દીધું .
ને ગાડીમાં જઈને નિરાંતનો દમ લીધો ! “ હાશ ! જાન છૂટ્યો ! સારું છે કે કોઈ ઓળખીતું ત્યાં નહોતું !”મેં મનમાં વિચાર્યું !
પણ અહીંયા પણ હું એક જ દ્રષ્ટિથી વિચારતી હતી …ફક્ત મારી જ દ્રષ્ટિથી ! સિક્કાની બીજી પણ બાજુ હતી જેનો મને અણસાર પણ નહોતો !
રમીલાની ઘેર પહોંચી ત્યારે એ બહાર જ મારી રાહ જોતી ઉભી હતી .
મને એમ કે બે વાગ્યે એને ઘેર પહોંચવાને બદલે લગભગ સાડા ત્રણે પહોંચી એટલે એ ગુસ્સે થશે .
પણ એણે ચિંતાથી પૂછ્યું ; “ ગીતા , સુભાષભાઈને શું થયું ? એમની તબિયત આટલી બધી ક્યારે બગડી ગઈ?”
હું લગભગ ચક્કર ખાઈને પડવાની તૈયારીમાં હતી .. લે , આને કોને કહ્યું આ બધું ??”
કાંઈ બોલું એ પહેલાં અમે ઘરમાં આવ્યાં. ટી વી . ઉપર જાહેરાત હતી : “ લેન્ડ લેડી અચાનક બગડી ગયેલ નેબરહૂડ માટે લોકો પાસે દિલ ખોલીને વાત કરે છે – વિગત વાર સમાચાર સાંભળો હમણાં ચાર વાગ્યાનાં સમાચારમાં !” અને ત્યાર પછી તો લોકલ છ વાગ્યાનાં સમાચાર અને રાત્રીના દશ વાગ્યાનાં સમાચારમાં પણ હું ઝળકી : “ મારાં પતિની તબિયત બગડતાં પરિસ્થિતિ હાથ બહાર જતી રહી છે , અમે તમારી મદદ માંગીએ છીએ ..” એવી મારી અપીલ સૌ સાંભળી રહ્યાં હતાં!
વાચક મિત્રો , વાત ત્યાંથી ના અટકી , પણ સોમવારે ડે કેર સેન્ટરમાં પણ બધાં પેરેન્ટ્સ મને અતિશય સહાનુભૂતિ દર્શાવવા લાગ્યાં ત્યારે મેં માત્ર એટલુંજ કહ્યું – અલબત્ત મનમાં – કે મારી આ ખોટી ઉભી કરેલી સહાનુભૂતિ મેળવવાની બાબત પાછળ સિક્કાની બીજી બાજુ પણ છે …
જયારે મેં દિલ ખોલીને એ વાત મારી બાલમંદિરની ઈન્સ્પેક્ટરને કરી ત્યારે એમણે મને સાચી સલાહ આપી : “ મદદ કરવા માટે એ છોકરીને ત્યારે શેલ્ટર હોમ કે કોઈ ચર્ચમાં ફોન કરીને લઇ જવાની જરૂર હતી .. જે વાત મને – કે સુભાષને – ત્યારે યાદ જ આવી નહોતી .
સદ્ભાવનાની બીજી બાજુ હોય છે તેના તમને પણ અનુભવ થયા હશે જ .. તો એવાં અનુભવની વાત આવતે અંકે .

4 thoughts on “એક સિક્કો – બે બાજુ :9) ધરમ કરતાં ધાડ પડી !

 1. સિક્કાની બે બાજુ તમારા પોતાનાં અનુભવથી સરસ રીતે જણાવી.ખરેખર ક્યારેક ધર્મ કરતાં ધાડ પડી જાય છે એ વાત સાચી છે પણ ધર્મ કરતાં ટી.વી. સમાચારમાં આવી જવાય છે. That’s funny 🤪

  Liked by 1 person

  • When we are new in this country , we see everything according to our beliefs and forget to see the other side of the situation ! Yes , we learned the lesson hard way by paying in finds almost $2000 – thats two thousand dollars – to clean up the mass and be more allert .. 😳 But there are some good people … um… that story is next !

   Like

 2. તમારી વાત સાચી છે અહીં મને પણ શીખ મળી કે દયા રાખો પણ વિચારી ને આગળ વધો
  સિકા ની બીજી બાજુ નો વિચાર પણ વિચાવો જરૂરી છે
  નલિની ત્રિવેદી

  Liked by 1 person

  • You are right , દયા દયા કરનારને ખાય ! આ બીજો પ્રસંગ કૈક એવો જ છે .. read it next ..

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.