અજ્ઞાતવાસ -પ્રકરણ -૮-જિગીષા દિલીપ

સફળતા એટલે….

વિચારનાં વંટોળે મારું મગજ બહેર મારી ગયું હતું! શું કરીશ હવે? બધાં બુકીઓને મોંઢું કેવીરીતે બતાવીશ ? ક્યાંથી લાવીશ આટલા બધાં પૈસા?? વિચાર કરી કરીને!મગજ સુન્ન થઈ ગયું હતું.આખી રાત મટકું માર્યા વગર વિતાવી હતી.સવાર પડતાં રુટીન મુજબ ભાઈ અને બહેન ચાલવા ગયાં.રુખીબાનો બાથરુમ બંધ થવાનો અવાજ આવ્યો અને હું ઊભો થયો. બે ત્રણ જોડી કપડાં એટેચીમાં નાંખ્યાં અને હું ઘરની બહાર નીકળી જવા તૈયાર થયો.એક ઘડી ઊભો રહ્યો,અને બારણું ખખડાવી રુખીબાને કીધું,” બા,હું કામથી બહાર જાઉં છું ,મને રાત્રે ઘેર પાછા આવતાં મોડું થશે,” અરે !નાસ્તો તૈયાર છે ,કરીને જા,હું આ બહાર આવી,” રુખીબા બોલતાં રહ્યાં અને હું તો સડસડાટ ઘરમાંથી નીકળી ગયો.મને ક્યાં જઉં તે સમજાતું નહોતું અને હું સીધો રેલ્વે સ્ટેશન ગયો.અને મને વિજય યાદ આવી ગયો.અને હું ટિકિટ લઈ ટ્રેનમાં બેસી ગયો.
વિજય,મારો કાકા અને માસીનો દિકરો.મારા કાકાની સાથે મારાં સગાં માસીનાં લગ્ન થયાં હતા.વિજય સાથે નાનપણથી જ મારે બહુ બનતું.મારા સગા ભાઈથી પણ વધારે.મારાં બધાં સુખ દુ:ખનો ભાગીદાર.આમતો ભાઈને કોઈ સગાં ભાઈ બહેન હતાં નહીં.મામાને ઘેર રહીને તે ભણ્યા,ગણ્યા અને પરણીને પણ મામાને ઘેર અમદાવાદમાં જ રહ્યાં.મામા જ પિતા અને મામાનાં દીકરા જ સગાં ભાઈઓ અને મારાં સગા કાકા પણ…

ટ્રેન જેટલી ઝડપથી ચાલી રહી હતી તેટલીજ મારી વિચારોની ગતિ.રસ્તામાં નર્મદાનો બ્રિજ આવ્યો ત્યારે તો મને થયું કે ટ્રેનમાંથી કૂદી પડું નર્મદામાં,ઊભો થયો ટ્રેનનાં બારણા પાસે સળિયા પકડીને નર્મદાની લહેરોને જોતો રહ્યો. ઠંડા પવનની લહેરખીમાંથી જાણે રુખીબાનો અવાજ સંભળાયો,”જીવનમાં સફળતા મેળવવા જતાં ક્યારેક હાર મળે ,તો દરિયા કે નદીની અંદર જોવાને બદલે તારી જાતની અંદર જોઈને સફળતાને તેમાં જ શોધવા પ્રયત્ન કરજે.તારી જાતમાંથી આત્મવિશ્વાસ ક્યારેય ઓછો ન થવો જોઈએ.પોતાની જાતમાં અવિશ્વાસ એ જ મોટી જીવનની હાર.કુદરત ક્યારેક તમને પાઠ ભણાવે પણ તેમાં હાર ન માનો તો જ તમે સાચો જીવનનો અર્થ સમજ્યાં કહેવાય.”રુખીબાનાં નિર્વ્યાજ પ્રેમ અને જીવનનું અદ્ભૂત તત્વજ્ઞાન સમજાવતી વાતોએ જ મને હિમંત આપી.અને હું દરવાજો બંધ કરી પાછો સીટ પર બેસી ગયો.
મારાં બધાં કાકાઓ,મામા,માસી ખૂબ શ્રીમંત અને મોટી મોટી ઈન્ડસ્ટ્રીનાં માલિક અને મારે ,ભાઈ એક્ટર અને બહેન ટીચર. ભાઈને પાર્ટનરશીપમાં ધંધો ખરો પણ ભાઈને ધંધામાં રસ નહીં,પાર્ટનર થોડું બહુ કમાઈને આપે?હું મારાં કાકા કે માસીને ઘેર જઈને આવું પછી બાને કહેતો,” બા, હું મોટો થઈ ખૂબ પૈસા કમાઈશ અને સફળ માણસ થઈશ.હું તમને ,બહેન અને ભાઈને ખૂબ પૈસા કમાઈ ને ખુશ કરી દઈશ.”સફળતાનો પર્યાય મારે માટે અઢળક પૈસા જ હતો.

ત્યારે બા કહેતાં,” બેટા,નકુલ ,સફળતા એટલે પૈસા કમાવવા નહીં.તું જે રીતે જીવે એમાં તને આનંદ આવે તે,તું તારી જાતથી ખુશ હોવો જોઈએ.જો જયદેવ,પાસે બીજા ભાઈઓ જેટલા પૈસા નથી પણ તેની કલાથી સાહિત્યથી તેના નાટકનાં સર્જનથી તે કેટલો ખુશખુશાલ રહે છે.તે લેખક ,નાટ્યકાર,એક્ટર,કાર્ટુનીસ્ટ,કોમેડીઅન,કોલમીસ્ટ -બધી કલાનો સરવાળો છે.ખુશ છે અને બીજાને ખુશ કરે છે.અને ખાલી ભારત જ નહીં દુનિયાનાં કેટલાય દેશનાં લોકો તેને ઓળખે છે અને ચાર્લી ચેપ્લીનથી માંડીને ‘ચકોર’ જેવા જગતનાં મોટા મોટા કલાકારોને તે મળે છે. મોટા કલાકારો સાથે નાટક કરે છે.અને દુનિયા તેની કલાની કદર કરે છે.પોતાની જાતમાં મસ્ત રહે છે.
ટ્રેનની સાથે સાથે વિચારોની ધસમસતી ગતિ સાથે જ અમદાવાદ આવી ગયું અને હું રિક્ષામાં વિજયને ત્યાં પહોંચી ગયો.મને અચાનક આવેલ જોઈ વિજય જરા આશ્ચર્ય પામ્યો.પણ કંઈ બોલ્યો નહીં. મને ખૂબ ઉદાસ જોઈ અને અચાનક આવેલ જોઈ તે વિચારમાં પડેલો હતો.મેં એને હું ઘેરથી અહીં કહ્યા વગર જ આવી ગયો છે તે પણ કહ્યું.
રાત્રે વિજયનાં ઘરની ફોનની ઘંટડી વાગી.વિજયે મને તારો ફોન છે કહી વાત કરવાનું કહ્યું. મારો ફોન?હું જરા ગભરાયો! કોનો ફોન હશે?સામે છેડે ભાઈ હતા.ભાઈએ કહ્યું,” બેટા, બોલ કેમ છે….નકુલ .?તેમના અવાજમાં ધ્રુજારી અને પ્રેમ બંને હતા.સાંભળ ….વિજયે મને વાત કરી,મને ખબર પડી એટલે મેં તને ફોન કર્યો.હું કંઈ પણ બોલું એ પહેલાં જ ભાઈ બોલ્યા. હું તારી ઉદાસી અને નારાજગીનું કારણ જાણું છું.સારું થયું કે વિજયે,તું અમદાવાદ પહોંચ્યો અને તરત જ અમને ફોન કરીને કહી દીધું કે તું એના ઘેર છે.નહીંતો અમે કેટલી ચિંતા કરતા હોત! અને તારી મા અને રુખીબાનો વિચાર તારે નહીં કરવાનો?મેં તો એમને કહ્યું કે તારું અમેરિકા જવાનું મુલતવી થયું છે અને તારે વિદ્યાનગર જવું નથી એટલે તું રિસાઈને,મારાથી નારાજ થઈને કહ્યા વગર કાકાને ત્યાં ગયો છું.બેટા,વિજય સાથે રહી થોડો ફ્રેશ થઈ મઝા કરજે.હું તારો ગુસ્સો સમજું છું. પણ બેટા,બધાંનો રસ્તો નીકળશે.તું સમજ,હું એક્ટર,અમેરિકા ભણવાનાં તારા દસ-બાર લાખ રૂપિયા ક્યાંથી લાવું?થોડી ધીરજ રાખ,કંઈક રસ્તો નીકળશે…

હવે મને અમદાવાદમાં અઠવાડિયું થઈ ગયું હતું,મેં વિજયને બધી વાત ધીરે ધીરે કરી દીધી હતી. પણ તેને પણ કોઈ રસ્તો સુઝતો નહોતો.

અને… અને એક દિવસ સવારે ભાઈનો ફોન આવ્યો”,નકુલ,સાંભળ ,સૌથી પહેલાં તારાં બધાં ગુના માફ!મારી કંઈ ગેરસમજ થઈ લાગે છે!અહીં તો રોજ સવારે ગંદા લેંધા-ઝભ્ભા પહેરેલાં,જાતજાતનાં માણસો,નાની નાની કાગળની ચબરખીઓમાં ૧૦,૦૦૦ રૂપિયા,૧૨,૦૦૦ રૂપિયા,કોઈ ૯,૦૦૦ રૂપિયાનો હિસાબ લખીને આપી,તારા વિશે પૂછી ઉઘરાણી કરે છે.અને ઘોડાની રેસનાં બુકીનાં માણસો છે તેવું કહે છે.તો બેટા,આ બધું શું છે?તું જો ઘેર પાછો આવી જાય તો આપણે આ બધું ગમે તેમ કરીને પતાવી દઈએ.હું તને બધી મદદ કરીશ.તું ચિંતા ન કર અને પાછો આવી જા.રુખીબા અને બહેન પણ તારી ખૂબ ચિંતા કરે છે.વિજયે પણ ભાઈનાં કહેવા મુજબ જ મને કહ્યું કે ,”બધું ગળા સુધી આવી ગયું છે.તું ઘેર જઈશ તો કાકા જ તને મદદ કરશે.માબાપ જ આપણી ભૂલ હંમેશા માફ કરી દે અને તું તો નસીબદાર છે કે તને ,આવા cool પિતા મળ્યા છે.”આમ સમજાવી ,પોતેજ ટ્રેનની ટિકિટ કરાવી મને ટ્રેનમાં બેસાડી દીધો.ભાઈ તો મારા cool હતાં પણ મને બહેનની બહુ બીક લાગતી અને તે ખૂબ લાગણીશીલ હતી એટલે તેની ચિંતા પણ થતી.

હું ઘેર વહેલી સવારે લગભગ ૭.૦૦ વાગે પહોંચ્યો.બહેન ચાલવા ગઈ હતી અને ભાઈ મારી રાહ જોઈને બેઠાં હતાં.રુખીબાએ આસું સારતા બાથમાં લઈ ખૂબ વ્હાલ કર્યું. ઘેર પહોચ્યોં કે તરત જ ભાઈ મને કહે ,”ચાલ તું કપડાં બદલી ફ્રેશ થઈ તૈયાર થઈ જા. મારાં નાટકનો મારો એક ફેન અને મિત્ર ચિમનભાઈ બુકી છે.રતન ખત્રી મટકાકિંગનો પણ તે ખાસ માણસ છે.હું તને એના ઘેર લઈ જાઉં,તે કંઈ મદદ કરશે આપણને.”અમે સવાર સવારમાં લગભગ આઠ વાગ્યા પહેલાં જ ટેક્સી કરી ચિમનભાઈ બુકીનાં ત્યાં ગયા.બહેન હજુ ઘેર પાછી આવે એ પહેલાં જ અમે નીકળી ગયાં.ચિમનભાઈ બુકીનું ઘર નેપીયન્સી રોડ પર પાંચમે માળ ભવ્ય પેન્ટહાઉસ હતું.

અમને સવાર સવારમાં જોઈ ચિમનભાઈએ નવાઈ સાથે કહ્યું,”આવો ,આવો ,જયદેવભાઈ સવાર સવારમાં ઓચિંતા ક્યાંથી?અને આ હેન્ડસમ કોણ છે?” ભાઈએ કહ્યું”,મારો દીકરો છે ,મારે તમારું જરા કામ પડ્યું હતું.”ચિમનભાઈ અમને તેમના ટેરેસ ગાર્ડનમાં લઈ ગયાં.ચા નાસ્તાનો ઓર્ડર આપી,હિંચકા પર તે અને ભાઈ બેઠાં અને સામેની ખુરશીમાં હું.ભાઈને તો ઘોડા કે રેસ અંગે કંઈ ખબર નહીં એટલે ચિમનભાઈને તો એ અંગે જયદેવભાઈને કંઈ કામ હશે એવો વિચાર પણ નહીં આવ્યો હોય.થોડી આડી અવળી ઘરનાંની ખબર અંતરની વાત કરી ,ભાઈએ ધીરેથી કીધું”આ મારો દિકરો કંઈ ઘોડા રમે છે અને હારી ગયો છે.”ચિમનભાઈએ પૂછ્યું”,બેટા કેટલું રમ્યો છે?એક હજાર?બે હજાર ?કેટલું ?મેં નીચું મોં કરી કીધું,” ના ,”વધારે”એટલે કહે “વધારે? તો કોની બુકી સાથે રમ્યો? ક્યા બુકી સાથે?” મેં કીધું”બાગડી,લખુ શેઠ,કાંતિભાઈ,જેઠાલાલ,દેવીદાસ”.અને આ મોટા નામી બુકીઓનાં નામ સાંભળી ચિમનભાઈ એ હીંચકાને પગથી અટકાવી દીધો…આંચકો ખાઈને કોણ???કોણ???બુકી ભાઈ ફરી થી નામ બોલ ફરીથી બોલ…હું ફરીથી બોલ્યો”,બાગડી,લખુશેઠ,કાંતિભાઈ,જેઠાલાલ,દેવીદાસ.”અને ચિમનભાઈ વિચાર કરતાં કરતાં…આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યાં….
જિગીષા દિલીપ
૯ -૨-૨૦૨૧

 

1 thought on “અજ્ઞાતવાસ -પ્રકરણ -૮-જિગીષા દિલીપ

  1. નવલકથા આગળ વધતી જાય છે એમ એના પાત્રોને એક નવો ઉઘાડ આપીને એમના વ્યક્તિત્વના અત્યાર સુધી અજાણ્યા પાસાને ઉજાગર કર્યા છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.