રાતે વહેલાં જે સૂએ , વહેલાં ઉઠે વીર!
બળ ને બુદ્ધિ ને ધન વધે , સુખમાં રહે શરીર !
નાનાં હતાં ત્યારે આ કવિતા આપણે સૌએ સાંભળી જ હશે .અમે પણ આ કવિતા સાંભળીને જ મોટાં થયાં છીએ . બા રોજ સવારે એવું ગાતાં ગાતાં અમને જગાડે :
પરોઢિયે નિત ઉઠીને લેવું ઈશ્વર નામ , દાતણ કરી નાહ્યા પછી , કરવાં કામ તમામ !
અને એ જ કવિતા વર્ષો બાદ , મેં પણ અમેરિકામાં અમારાં સંતાનોને ગાઈ સંભળાવી .
મને એમ કે હવે એ લોકો પણ વહેલાં ઉઠવાની ટેવ પાડશે … મેં એમને કહ્યું , અલબત્ત , અંગ્રેજીમાં કે Early birds get the worms ! જુઓ , પંખીઓ વહેલાં ઉઠે છે એટલે એમને જરૂરી ખોરાક ( અળસિયાં કે ઝીણા જંતુઓ ) સવારે સૂરજ ઉગ્યા પહેલાં જ મળી જાય છે !
આ સવારે વહેલા ઉઠવાના ફાયદા છે .
પણ મને સ્વપ્નેય કલ્પના ક્યાં હતી કે દરેક વાતને , દરેક હકીકતને , એટલે કે દરેક સિક્કાને બીજી બાજુએ હોય છે ?
છોકરાઓએ તો મને સામો પ્રશ્ર્ન કર્યો ; “ પંખીઓને તો એમનું ચણ મળી જાય , પણ જે અળસિયાં એમની મમ્મીનું કહ્યું કરીને વહેલાં નીક્યાં હોય એ તો બિચારાં પંખીઓનું ભોજન જ બની જાય ને ? એના કરતાં સૂર્ય ઉગ્યા પછી નિરાંતે બહાર નીકળ્યા હોય તો બચી જાય ને ?
હું તો સ્તબ્ધ થઈને સાંભળી રહી !!
પણ દર વખતની જેમ સુભાષને પણ આ ચર્ચા સાંભળવાની મઝા આવી ગઈ . કહે , “ છોકરાંઓ સાચું કહે છે : બળ બુદ્ધિ ને ધન વધારવા વહેલા ઊઠવાને બદલે ‘ જાગ્યાં ત્યારથી સવાર સમજીને , ગમે ત્યારે ઉઠીયે , ગમે ત્યારે બ્રશ કરીને , ખાઈ પીને પછી કસરત કરીને નિરાંતે નાહી ધોઈને કામ કરીએ તો આ બધુંયે – બળ , બુદ્ધિ અને ધન -પ્રાપ્ત થાય જ !”
“ હા , પણ ;” મેં કહ્યું; “ આ આપણી સંસ્કૃતિ છે , આયુર્વેદમાં કહ્યું છે કે સવારે વહેલાં ઉઠવું જોઈએ , પછી દેહ ધાર્મિક ક્રિયાઓ કર્યો બાદ દિવસની શરૂઆત કરવી જોઈએ . આપણે તંદુરસ્ત રહેવું હોય તો આયુર્વેદ કહે છે તેમ ; “ ઉનું ખાય, ઉઘાડે સૂએ , એની નાડ વૈદ નવ જુએ ! આ બધા નિયમોને અનુસરવું જોઈએ ! વ્યવસ્થિત નીતિ નિયમ વાળું જીવન જીવી શકાય આયુર્વેદમાં , અને નિયમ વિનાનું બધું મનસ્વી જીવન એટલે એલોપથીની દવાઓ !” મેં ત્યારે કહ્યું હતું .
“ અને , આયુર્વેદ ચરી પાડવાની વાત કરે , આમ કરો , આમ ના કરો ; ફલાણું ખવાય ઢીંકણું ના ખવાય , એમાં પ્રાણાયમ ને મેડિટેશન એ બધુંયે દવા બનીને આવે ! એમાં વનસ્પતિ એનાં પાંદડાં, મૂળિયાં અને ડાળીઓ બધુંયે કાઢા ઉકાળા બનીને પીવાની , કોગળા કરવાની એવી બધી વાતો આવે .” સુભાષે કહ્યું ; “ એટલો બધો ટાઈમ કોની પાસે હોય છે આજના જમાનામાં ?”
હા , એ વાત થઇ આયુર્વેદની ! અને એલોપથીમાં જે તે તત્વોમાં , બીજાં રસાયણો ઉમેરીને એનું બીજું જ કોઈ રસાયણ બનાવીને એની દવાઓ બનાવવામાં આવે છે .” સુભાષે કહ્યું ; “પણ હોમિયોપથી તો આ બંનેથી સાવ જુદીજ માન્યતાઓ ઉપર રચાયેલ ઔષધ વિજ્ઞાન છે .”
“ હોમિયોપથી ?એમાં શું હોય છે ?” મેં જિજ્ઞાસાથી પૂછ્યું . હોમિયોપથી વિષે મેં ક્યાંક વાંચ્યું હતું પણ બરાબર ખ્યાલ નહોતો.
સુભાષે કહ્યું , “ હોમિયોપથી આમ તો મૂળ ગ્રીક શબ્દ છે , જેનો અર્થ થાય છે સરખું દુઃખ . પણ હોમિયોપથીની શોધ કરનાર હતા મૂળ જર્મનીના Dr. Samuel Hahnemann ડો . સેમ્યુઅલ હાહેનમન . ઓગણીસમી સદીમાં એમને થયું કે રોગની પ્રતિકાર શક્તિ જો લોહીમાં જ ભેળવી દઈએ તો રોગ એની જાતે મટી જાય !
એની ફિલોસોફી આયુર્વેદ અને એલોપથી બંને કરતાં સાવ અલગ છે .
દા. ત . આપણને તાવ આવ્યો હોય એમ લાગે તો આયુર્વેદના વૈદ સૌથી પહેલાં આપણી નાડી તપાસે . એમને દર્દીનાં સર્વ દર્દના મૂળોમાં પેટનો બગાડ લાગે તો પહેલાં પેટ ચોખ્ખું કરવા જુલાબ આપે .
એલોપથીનો ડોક્ટર દર્દીને સ્ટેથેસ્કોપથી હ્ર્દયના ધબકારે તપાસે અને તાવ ઉતારવાની દવા આપી દે ; એ રોગના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ ના કરે , પહેલાં તો દુઃખ દૂર કરવા પ્રયાસ કરે .
પણ હોમિયોપેથીનો તબીબ દવા આપતા પહેલાં દર્દીની આખી વાત વિસ્તાર પૂર્વક સાંભળે . એની શરીરની બધી પ્રક્રિયાઓનું એનાં બધાં અવયવો વગેરેનું ઊંડાણથી અવલોકન નિરીક્ષણ કરે . ત્યાર બાદ એ એનાં શરીરમાં ધરમૂળથી ફેરફાર કરવા માટેની દવા આપે … એટલે કે એવી દવા જે સીધી લોહીમાં ભળી જાય , લોહ તત્વ જેવા રસાયણોનો અર્ક જે ખુબ જ સ્ટ્રોંગ હોય તે આ હોમિયોપથી થેરાપીમાં વપરાય છે . વળી આ દવા આયુર્વેદના ઓસડિયાં નહીં કે એલોપથીના કેમિકલ રસાયણો નહીં પણ પૃથ્વી ઉપરના મૂળતત્વો – રસાયણોના અર્કને લઈને બનતી હોવાથી એ દવાઓ ખુબ જ પાણી જેવા પ્રવાહી માં , મંદ , ડાયલેટ કરીને ખુબ જ ઝીણી માત્રામાં દર્દીના લોહીમાં ભળી જાય એ રીતે આપવામાં આવે છે . જે રોગ હોય એજ રોગના જંતુઓ શરીરમાં ભળી અને ધીમે ધીમે પ્રતિકાર શક્તિ ઉભી કરે !” સુભાષે સમજાવ્યું .
જો કે મેં હોમિયોપથી વિષે થોડું નકારાત્મક પણ સાંભળેલું .
અમેરિકા અને અન્ય દેશોમાં આ શાખાની બધી દવાઓને માન્યતા નથી મળી . એક ઘરગથ્થુ રેમિડી – ડોસી વૈદું જેમ વૈકલ્પિક દવાઓ -તરીકે એ વેચાય છે . અને ક્યારેક એ લોહીમાં એવી રીતે ભળી જાય છે કે એની આડ અસરો પણ થાય છે . ક્યારેક એ જીવલેણ પણ બને ! અને જાપાનમાં એક વખત એલોપથીની બદલે આવા વૈકલ્પિક દવા વપરાશમાં અનેક બાળકો મૃત્યુ પામ્યાં હતાં.. કારણ કે એ દવા સીધી ઇમ્યુન સિસ્ટમ – રોગ પ્રતિકાર શક્તિ પર અસર કરે છે . કેટલાંક લોકો એમ પણ કહે છે કે એ એટલી નબળી માત્રામાં હોય છે કે જરાયે અસર કરતી નથી !
જે હોય તે ! પણ આરોગ્યની દ્રષ્ટિએ , રોગ જયારે વધી ગયો હોય ત્યારે એલોપથી દવા જ આપણે કામમાં આવે છે ને ? મેં વિચાર્યું ; “એની આડ અસરો છતાં એ જ વિશ્વમાં વપરાય છે .”
“ જો કે દવાઓની વાત કરીએ તો કૈરોપ્રેક્ટરને પણ યાદ કરવા જ પડે , હોં!” સુભાષે કહ્યું ; “ કમરના અસાધ્ય દુખાવો કે હાડકાંના ઘણાં દુખાવાને કુશળ કૈરોપ્રેક્ટર એક ક્ષણમાં ગાયબ કરી દે છે !”
એમ તો ચાઈનીઝ રમીડીઝ – ફલાણી ચા કે ફલાણો સૂપ પીવાથી જે તે રોગ નાબૂદ થઇ શકે છે ; એમ ચાઈનીઝ મેડિસિન વિજ્ઞાન કહે છે ને ? પણ આખરે તો જ્યાં સુધી લેબોરેટરી – પ્રયોગશાળા માં પુરવાર ના થાય ત્યાં સુધી બધું નકામું !” મેં કહ્યું.
“તો તું ખાત્રીથી કહી શકે છે કે પ્રયોગ શાળામાં પુરવાર થયેલ દવા જ સાચી છે ?લેબોરેટરીમાં સફળ થયેલ દવાઓ સો ટકા અસર કરે છે , એવું તું કહી શકે છે ?” સુભાષે પૂછ્યું .
ના હોં ! આપણે ગમે તેટલું રીસર્ચ – સંશોધન કરીએ , પણ લોહીના એક ટીપાંને પણ પૂરું ઓળખી શકીશું નહીં : આજે , કાલે કે આજથી સો વર્ષ બાદ પણ , લોહીના એક ટીપામાં રહેલ બધી જિનેટિકલ માહિતીઓ – કે જે આજે આપણે સમજવા પર્યટન કરીએ છીએ – કે અમુક રોગ દર બીજી કે ત્રીજી પેઢીએ આવે છે – દ. ત. બ્રેસ્ટ કેન્સર , કે ડાયાબિટીસ વગેરે – આ બધું શું છે , કેમ છે , શા માટે અમુકને થાય છે , અમુકનો ચમત્કારિક રીતે ઈલાજ થી જાય છે વગેરે વગેરે પ્રશ્નો અનઉત્તર જ રહેવાના! તમે ગમે તે શાખાથી વિજ્ઞાને તપાસો – પણ માત્ર એટલું જ કહી શકાય :
બ્ર્હમાંડમાં ભટકી રહી , અંતે મતિ અટકી ગઈ !કારણકે ભગવાનનો પાર પામવો આપણા હાથમાં નથી . પુષ્પાદનતે પણ શિવ મહિમ્નમાં ગયું છે :
તવ ઐશ્વર્યમ યતનાદ યદ્વય અપી વિરંચી હરિ હ્રદ્ય
પરિચ્છેતું યાતા વનલ મનલ સ્કન્ધ વપુષઃ !
અર્થાત , તમારા ઐશ્વર્યનો તાગ મેળવવા બ્રહ્મા આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા ; પરંતુ હે પરમાત્મા ! કોઈને પણ આપની લીલાનો આદિ કે અંત પ્રાપ્ત ના થયાં!
તો આપણે તો પામર માનવી ! કેવી રીતે એ અનંતે જાણી શકીએ ? પણ અહીં સિક્કાની બે બાજુઓ માધ્યમથી વિજ્ઞાનો આછેરો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે . આખરે તો સુખી અને સન્તોષી જીવન એ જ તો આપણું અંતિમ ધ્યેય છે ને ? અસ્તુ!
ગીતાબેન એક સિક્કો બે બાજુ
એલોપોથી અને હોમયોપેથી બન્ને
મા શો તફાવત છે અને શેનાથી સુ ફાયદો થાય કેટલો ટાઇમ લાગે વગેરે ખુબજ સુંદર અને સરલ ભાષા મા સમજાવ્યું છે ગીતાબેન અને સુભાષભાઇ તમને ખુબખુબ ધન્યવાદ
LikeLiked by 1 person
એક સિક્કો બે બાજુ
એલોપેથી અને હોમીયોપેથી
લેખ ૭
બન્ને નો તફાવત ,ફાયદા ગેરફાયદા વગેરે ખુબજ સુંદર અને સરળ ભાષામાં સમજાવ્યું છે
ગીતાબેન અને સુભાષભાઇ ખુબખુબ ધન્યવાદ
LikeLiked by 1 person
આયુર્વેદી, હોમિયોપેથી, એલોપેથી. દરેક પદ્ધતિ ના ફાયદા ગેરફાયદા એક સિકા ની બે બાજુ છે આ વાત તમે બરાબર જણાવી છૅ ગીતાબેન &સુભાસભાઈ ધન્યવાદ
નલિની ત્રિવેદી
LikeLiked by 1 person
Thanks Naliniben , Vasuben , Madhuben ane all! વિજ્ઞાનની આ બધી જુદી જુદી શાખાઓ છે અંતે તો તે સૌ આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે જ છે ! પણ એની આડ અસરો પણ ધ્યાનમાં રાખવી જોઈએ ! સારી ટેવો પડવાથી લાંબે ગાળે આયુર્વેદ મદદ કરે , ઝડપથી એલોપથી કામ આવે અને ધરમૂળમાં ફેરફાર કરે તે હોમિયોપથી – પણ એમાં ક્યારેક ઊંધું વેતરાય તો મોત પણ નીપજે ! સૌથી વધુ નિર્દોષ આપણું આયુર્વેદ !
પ્રોત્સાહન આપવા બદલ એ સૌનો આભાર !
LikeLike