ચાલ્યા કરું, ચાલ્યા કરું કે રાહ ત્યાં હશે
આંખો રહી છે શોધમાં કે મંઝિલ ત્યાં હશે
પરવા નથી કઠિનાઈની કે મિલન ત્યાં હશે
આશ છે બસ એટલી કે વિશ્વાસ ત્યાં હશે.
શું આ કોઈ કાવ્ય છે? ના.
આ છે સહુ ના મનની આશ, આ છે હર મનનો વિશ્વાસ, આ છે હર હૈયાની હોંશ, એ ભરશે મનમાં જોશ….સમયનો પ્રવાહ …અને એમાં આપણે સહુ..આપણે સહુ એમ માનતા આવ્યા છીએ કે સમય કે કાલ એ વિભાજિત છે અને આપણું સાતત્ય છે. આપણે સમયને વર્તમાન, ભૂત કે ભવિષ્યમાં વહેંચીએ છીએ. પણ હકીકત એ છે કે સમય તો એક પ્રવાહ છે અને આપણે એમાં તરવૈયા તરીકે બાથ ભીડતા રહેવાનું છે. આપણે તેના સાથે ચાલતા રહેવાનું છે. દરેક વર્ષ તેમાં એક માઈલ સ્ટોન છે. વિક્રમ સંવત કહો કે ઇસ્વી સન, તે તો માત્ર એક સમયનું બિંદુ છે. બાકી આપણી પાસે એક ભવ્ય ભૂતકાળ છે. આ ભૂતકાળના ગર્ભમાં ક્યાંક ડાયનોસોર છે, તો ક્યાંક વાઇરસ પણ. ક્યાંક હિમાલયની જગ્યાએ ઘૂઘવતો ટેથીસ સમુદ્ર છે, તો ક્યાંક એટલાન્ટિસ જેવા તથાકથિત ખંડ પણ. ક્યાંક છે સોનાની લંકા, તો ક્યાંક છે દ્વારિકાનગરીની સુવર્ણમય જાહોજલાલી. ભૂતકાળમાં ક્યાંક ભૂતાવળ છે, તો ક્યાંક ભવ્યતા પણ. ક્યારેક આ બધી વસ્તુઓ આપણા ઇતિહાસ તરીકે પ્રગટ થાય છે, તો ક્યાંક સાહિત્ય બનીને. ક્યાંક 2019માં દોડતી દુનિયા જોઈએ છીએ તો ક્યાંક 2020ના વિષમય વાસ્તવની વચ્ચે સ્થિર થયેલી દુનિયાનો સીન જોવા મળે છે તો ક્યાંક નવા સીન સાથે હવે આશાના તંતુમાં લટકતી વેક્સીન પણ છે. તો પછી સાતત્ય ક્યાં છે?
સાતત્ય એ માનવીના જોમ અને જોશમાં છે, હૈયાની હામમાં છે, સતત પડકાર વચ્ચે જીવતા અને તેનાથી પર રહી લક્ષ્ય સાધતા માનવ મનની ઊંડાઈ કોણ માપી શકે? આ પંક્તિઓ હકારનો જયઘોષ છે. તેમાં પોઝિટિવિટી ભારોભાર ભરેલી છે. આપણી આસપાસ નજર કરીએ તો આપણને બે પ્રકારના માનવીઓ નજરે પડશે- આશાવાદી અને નિરાશાવાદી. એક જ પરિસ્થિતિમાં બંનેનાં વિચારો, બંનેનાં અનુમાન અલગ હશે. જે બહુ બોલે છે એ કામ ઓછું કરે છે. જે લોકો હમેશા ભૂતકાળની વાતો કરતાં હોય, તે હારી ચૂકેલા હોય છે. કેટલાંકને ભવિષ્ય કાયમ ધૂંધળું જ દેખાતું હોય છે. તો કેટલાંક દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી પ્રયત્ન કરવાનું છોડીને પહેલેથી જ હથિયાર હેઠાં મૂકી દે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે જેમ બીજમાં વૃક્ષ બનવાની તાકાત છે એમ વ્યક્તિમાં પણ પ્રતિભાબીજ છુપાયેલું હોય છે. જરૂર છે એ બીજને ખીલવવાની, ભીતરના એ ખજાનાને શોધવાની, એ માટે ચાલવાની. ત્યારે એ નિ:શંક છે કે તમને જરૂર રાહ મળશે. આપણે એવા પણ લોકો જોયા છે જેમણે પોતાનો રાહ જાતે જ કંડાર્યો હોય. નેલ્સન મંડેલાની વાત આપણે જાણીએ છીએ. તેમણે પોતાની આત્મકથા – “ધ લોંગ વોક ટુ ફ્રીડમ” – માં લખ્યું છે કે” હું એક આશાવાદી વ્યક્તિ છું. હું સૂર્યને જોઈને ચાલનારો માણસ છું.”
જેની આંખો મંઝિલને શોધતી હોય તે મંઝિલ મેળવીને જ રહે છે, ભલે તે સરળ ના હોય. નીલિમા પાઇ એવું માનતી કે મારું શરીર જ મારું મંદિર છે, મારું કહ્યું બધુ એ કરશે. તેની મંઝિલ હતી કે માયામી મેરેથોન સાડી પહેરીને, ખુલ્લા પગે પૂરી કરવી. આપણે જોઈએ છીએ કે સમાન્ય રીતે મેરેથોન દોડનારા ખાસ ટૂંકો ડ્રેસ અને સારી જાતના બ્રાંડેડ શૂઝ પસંદ કરે છે. ત્યારે નીલિમાએ પોતાની મંઝિલ 2018માં માયામી મેરેથોન પૂરી કરીને મેળવી. આ મંઝિલ આસન તો ન હતી. હાફ મેરેથોન પછી એ પોતાની જાતને કહેતી રહી,’You are not a quitter, keep going, one step at a time. I will, I can, I will.” મિત્રો, જ્યાં શ્રદ્ધા હોય સ્વમાં, મંઝિલ સામે જ હોય છે. દરિયામાં મરજીવા બનીને ડૂબકી મારશો, તો મોતી જરૂર મળશે. જ્યાં કઠિનાઈની પરવા કર્યા વગર આગળ વધીએ તો પરમાત્માનું પણ મિલન શક્ય બને છે. મીરાંબાઈની વાત તો સર્વવિદિત છે. તેમનું જીવન તો સતત કઠિનાઇઓથી ભરપૂર હતું. એટલે સુધી કે રાણાએ તેમને ઝેરના કટોરા મોકલ્યા. છતાં મીરાં પોતાની ભક્તિમાંથી ચલિત ન થયા અને શ્રીકૃષ્ણને પામ્યા.
આપણે ત્યાં ખૂબ જાણીતી કહેવત છે કે ‘વાવો તેવું લણો.’ મનમાં આપણે જે ભરીએ તે જ બહાર આવવાનું છે. જેવુ વિચારીએ તેવો આપણો સ્વભાવ બને. મનનો પોતાનો પણ એક ખોરાક હોય છે. મનના આહાર દ્વારા આપણું વ્યક્તિત્વ બનતું હોય છે .આપણાં મનમાં સકારાત્મક કલ્પનાચિત્ર હશે તો તમારી સફળતાની શક્યતાઓ વધુ છે. જો નકારાત્મક કલ્પનાચિત્ર હશે તો નિષ્ફળતાની શક્યતાઓ વધુ રહેશે. જો તમને એવી આશા હોય કે ત્યાં વિશ્વાસ હશે તો એ વાત જ અશક્યને શક્ય બનાવી શકે છે. મૂળ બગસરાનો પણ કલકત્તામાં રહેતો એક તરવરિયો ગુજરાતી યુવાન….અંતરમાં અનેરા અરમાનો …ધગશ આભને આંબવાની…થાય કે કશુંક કરવું છે….પણ કાંઈ સામાન્ય નહીં….બસ છવાઈ જવું છે….એ આશ…એ વિશ્વાસ…અને કાંતિલાલ બન્યા કે.લાલ. અને તેની જાદુઇ માયાજાળ. લોખંડનો ટુકડો એક પીંછાને પણ ઊંચકી શકતો નથી. પણ મેગ્નેટ ધરાવતો લોખંડનો ટુકડો પોતાના કરતાં 12 ગણું વધુ વજન ઊંચકી શકે છે. ચાલો…આપણે પણ આશાનું આવું એક મેગ્નેટ લગાવીએ… પ્રેરણા અને પરિશ્રમની પાંખે ઉડી સુખમય સ્પંદનોથી મંઝિલ પ્રાપ્ત કરીએ….જીવન સંગીત જગાવીએ…આશાના અરુણને અર્ઘ્ય અર્પીએ …
રીટા જાની.
26/02/2021
રીટાબહેન,નવી આશાનાં સંચાર સાથે હકારાત્મક અભિગમ સાથે આગળ વધવાની સુંદર વાત….
LikeLike
આભાર, જિગીષાબેન.
LikeLike