એક સિક્કો – બે બાજુ :5) વિજ્ઞાન અને ધર્મ ! સોક્રેટિસ ની વાત !

વાચક મિત્રો ; ગયા અઠવાડીએ ધર્મમાં શ્રદ્ધા અને વિજ્ઞાનમાંવિશ્વાસની – સત્યનારાયણની કથાની વાત કરી હતી : પણ પછી બે ત્રણ મિત્રોએ ફોન દ્વારા ચર્ચા કરી , અને અમુક મિત્રોએ ટિપ્પણીમાં પોતાનાં વિચારો અને માન્યતાઓ દર્શાવી ; પછી લાગ્યું કે સોક્રેટિસની વાત કર્યા વિના આ સિક્કાની બે બાજુને પુરી રીતે ન્યાય આપ્યો ગણાશે નહીં !
“ દરેકે દરેક પરિસ્થિતિને બે બાજુ હોય છે , અને જો એ ના હોત- બધું ચોખ્ખે ચોખ્ખું દેખાતું હોત તો દુનિયામાં કોઈ યુદ્ધો જ થયા હોત નહિ !” સુભાષે વૈશ્વિક ડહાપણ ડહોળ્યું ; “ સૌની માન્યતાઓ , પોતાની પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે !”
“ તું શું માને છે :” સુભાષે પૂછ્યું , “લોકશાહીનો વિચાર જે દેશમાં સૌ પ્રથમ વાર ઉદ્ભવ્યો માનવામાં આવે છે એવા ગ્રીસ દેશના એથેન્સમાં થઇ ગયેલ સોક્રેટીસને ઝેર આપીને મારી નાંખ્યો તે શું એ લોકોએ સોક્રેટિસની સારી બાજુ જોઈ હશે ખરી?
લોકોની સિક્કાની બીજી બાજુએથી જોવાની દ્રષ્ટિ હોત તો શું એમણે સોક્રેટીસને ઝેર આપ્યું હોત ? ”
સોક્રેટિસ વિષે આપણને સૌને ખબર છે. આજે અઢી હજાર વર્ષ પછી પણ આપણે એને યાદ કરીએ છીએ . તર્કશાસ્ત્રનો એ પિતા ગણાય છે . અને એવી મહાન વિભૂતિને ઝેર આપવામાં આવ્યું હતું ! એ વ્યક્તિ કે જે લોકપ્રિય હતી , અને છતાં કઈ ભૂલ માટે એના ઉપર કેસ કરવામાં આવ્યો હશે ? એથેન્સમાં ત્યારે રાજા હતો પણ ત્યારે ત્યાં કોઈ આપખુદ રાજાશાહી નહોતી , પણ ગણતંત્ર હતું ! લોકશાહીને નામે સોક્રેટીસ ઉપર મુકદ્દમો ચાલ્યો હતો ! કઈ દ્રષ્ટિથી એને ગુનેગાર ગણવામાં આવ્યો હતો ?
જવાબ છે ધર્મની દ્રષ્ટિથી!!!
સોક્રેટિસ , અને પછી એના શિષ્યો – પ્લેટો અને એરિસ્ટોટલ – જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ , એ ફિલોસોફર , તત્વવેત્તા , તર્કશાસ્ત્રી સોક્રેટીસે એવું તે શું ધર્મ વિરુદ્ધ કહ્યું હતું કે એને ઝેર મળ્યું ?
“ધર્મ અનેવિજ્ઞાન એક જીવન રૂપી સિક્કાની બે બાજુ છે ; ધર્મ દિલથી અનુભવાય અને વિજ્ઞાન બુદ્ધિથી ! એક કુશળ રાજકર્તા માટે ધર્મ ની વ્યાખ્યા બદલાઈ જાય છે .” સુભાષે સમજાવ્યું ; “ સોક્રેટિસ જયારે એથેન્સની ગલીઓમાં યુવાનોને ભેગાં કરીને એમને એમનો “ધર્મ” સમજાવતો હતો , બસ , એ જ વાત એથેન્સનાં રાજગુરુઓને અધાર્મિક લગતી હતી !”
શું હતું એની વાતોમાં ?
હા , મને યાદ છે કે સોક્રેટિસ દેશ ભક્ત હતો , અને પોતાનું એથેન્સ શહેર આબાદ રહે તે માટે શું કરવું જોઈએ એનું મંથન કરતો હતો. ત્યાંનાં યુવાનોને એ સીધા જવાબો આપવાને બદલે પ્રશ્નો પૂછીને ,સાચો જવાબ મેળવવા પ્રેરણા આપતો હતો .
એણે પૂછ્યું : “ માણસ ખોટું ક્યારે કરે છે ?”
મિત્રો , કૃષ્ણ ભગવાન જયારે દુર્યોધન પાસે સંધિ કરવા ગયા ત્યારે દુર્યોધનને યુદ્ધ રોકવા કહ્યું હતું અને દુર્યોધને સ્પષ્ટ કહ્યું હતું : જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ !
પણ અહીં સોક્રેટીસે સીધું જ યુવાનોને પૂછ્યું ; “ ચોરી કરવી એ ખોટું છે એમ જાણવા છતાં કોઈ ચોરી શું કામ કરે છે ?
સોક્રેટીસે કહ્યું કે માણસને સમજ પડે છે કે સાચું શું છે અને ખોટું શું છે ; પણ એ છતાંયે ખોટું કરે છે ! કારણ કે , એને એ ક્ષણે એવું લાગે છે કે સાચું કરવા કરતાં આ ખોટું કરવાનો લાભ વધારે છે ! સોક્રેટીસે કહ્યું કે માણસના નૈતિક મૂલ્યોનો માપ દંડ , એના વિચારો , જુદા અને બદલાતા રહે છે – એ સીધા નથી , આડા યે નથી – એ વાંકા ચૂંકા હોય છે !”
સુભાષે સમજાવ્યું . “ એટલે કે આપણે મન સાથે નક્કી કરીને જ પહેલેથી જ સિક્કાની એક બાજુ પસંદ કરી લેતાં હોઈએ છીએ ! તમે એને ‘ધર્મ’ની બાજુ કહો કે ‘વિજ્ઞાનની’ ! આખરે તો બંને એક જ સિક્કાની બે બાજુઓ છે ને !
મિત્રો , અહીં મન વિષે રજનીશજીની વાત યાદ આવે :
મન એ જ જુએ છે જે એને જોવું હોય છે ! રજનીશજી કહે છે .
સોક્રેટીસે ગામવાસીઓને કહ્યું કે ભગવાન એક જ છે , અને એથેન્સને ચારે બાજુથી રક્ષણ કરનારાં બધાં દેવો એ કોઈ જુદાં નથી ! પણ એના કમનસીબે એ અરસામાં પ્લેગ ફાટી નીકળ્યો .વળી , નજીકના રાજાએ પણ યુદ્ધ જાહેર કર્યું ! એથેન્સવાસીઓને લાગ્યું કે આ બધું દેવો ગુસ્સે થઈને કરાવે છે ! અને એ માટે આ લઘરવઘર કપડામાં ફરતો , લાંબા ગંદા વાળ અને વિચિત્ર દેખાતો સોક્રેટિસ જ જવાબદાર છે !
અહીં મને કૃષ્ણભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો તે વાત યાદ આવે છે ! ભયન્કર વરસાદ આવે છે અને ઇન્દ્ર કોપાયમાન થયા છે તેમ સમજીને લોકો ભયભીત થાય છે ત્યારે કૃષ્ણ તેમને બચાવે છે ! પણ સોક્રેટીસના નસીબમાં એવું કાંઈ ન હતું ! મુશ્કેલીઓથી એથેન્સ ઘેરાયેલું હતું અને સોક્રેટિસ એને માટે જવાબદાર છે એમ લોકોને લાગ્યું !
સોક્રેટિસ એક અલગારી માણસ હતો . ઘરમાં પણ કર્કશા પત્નીથી કંટાળ્યો હતો . એણે પોતાનાં વિરુદ્ધની વાતો ગંભીર રીતે લીધી નહીં . એની ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને ગામને મુશ્કેલીમાં મુકવા બદલ – યુવાનોને ભડકાવવા બદલ અને દેવ દેવતાનું અપમાન કરવા બદલ શું શિક્ષા કરવી જોઈએ એમ એને પૂછવામાં આવ્યું . પણ સોક્રેટીસે એને પણ ગંભીરતાથી લીધું નહીં . આખરે એણે પોતાની જાતે જ ઝેર પીને મૃત્યુ વહોરવું એમ નક્કી થયું .
એનાં પરમ શિષ્યો પ્લેટોએ એને છાનાં માંના ભાગી જવા ખુબ વિનંતી કરી , પણ સોક્રેટીસે એને રાજ્યની મર્યાદાની વિરુદ્ધમાં કહેવાય એમ કહીને નાસી જવાને બદલે ઝેર પીવાનું નક્કી કર્યું !
“ સોક્રેટીસે ધાર્યું હોત તો એ ત્યાંથી નાસી શક્યો હોત !” “ લોકોને , પડોશના રાજ્યોમાં સૌને , એને માટે માન હતું , પણ એ ભાગ્યો નહીં ! એને એથેન્સ વહાલું હતું !”
કેમ ? શું સાચું ? શું ખોટું ? એ નક્કી કરવાવાળા આપણે કોણ ?
પણ એટલું તો જરૂર કહી શકાય કે જે ઝેર આપવામાં આવ્યું હતું એ ધર્મને નામે અપાયું હતું !
ધર્મની રક્ષા કરવાને નામે અપાયું હતું !
દેશના હિત માટે આપવામાં આવ્યું હતું !
ધર્મ અને વિજ્ઞાનનો આ સંવાદ – વિસંવાદ કાંઈ નવો નથી . બે હાજર વર્ષ પૂર્વે , જેના નામથી આ ઈસ્વીસન સંવત શરૂ થઇ છે તે શાંતિ ચાહક દેવદૂત ફરિશ્તો જીસસ ક્રાઈષ્ટને પણ વધસ્થંભ પર ચઢાવવામાં આવ્યા હતા !
કારણ ?
કારણ કે એ ધર્મની વિરુદ્ધ વાતો કરીને લોકોને બહેકાવે છે ! એમ ધર્મગુરુઓ માનતા હતા !!
અરે એ બધી તો હજારો વર્ષ પુરાણી વાતો થઇ. ; પણ હજુ છ સદી પહેલાં નરસૈંયાને “ ધર્મને અભડાવ્યો ! એ તો ભંગીને ઘેર નાચ્યો !’ કહીને એનીયે અવહેલના શું ઓછી થઇ હતી ? છૂત અછૂત , આભડછેટ , ઊંચ નીચના ભેદભાવ આ બધું જે આપણને અહીં હાસ્યાસ્પદ લાગે છે તે ત્યારે ધર્મને નામે શિક્ષાને પાત્ર હતું ! અરે દરિયો ઓળંગવાના ગુના બદલ ગાંધીજીને ય નાત બહાર નહોતા મૂક્યા? કસ્તુરબાએ પોતાના વિષે લખ્યું છે કે ગાંધીજી જયારે લંડન ગયા ત્યારે હું મારે પિયર ત્રણ વર્ષ રહેવા જવાની હતી , પણ એ લોકોને નાત બહાર મૂક્યાં હતાં એટલે પિયરમાં જવાનું ઉચિત નહોતું ! અને આ બધું ધર્મને નામે થતું હતું અને હજુએ એવું થઇ રહ્યું છે !
“ પણ આમ જુઓ તો” મેં સુભાષને કહ્યું ; “ આપણે ત્યાં ચાર વેદ ને આપણાં ધર્મગ્રંથો માનવામાં આવે છે ‘ બરાબર ? તેમાં સાહિત્ય છે , કલા છે , સંગીત છે અને આયુર્વેદિક ઔષધિઓ પણ છે – વિજ્ઞાન પણ છે અને તેના પ્રયોગો પણ છે ! તેમાં ચમત્કારો છે એમાં વિજ્ઞાનના પારખાં ના થાય : એમાં. વિજ્ઞાન છે ત્યાં ચમત્કારની દ્રષ્ટિથી પરીક્ષણના કરાય ! ધર્મ : અને વિજ્ઞાન ! એક જ સિક્કાની બે બાજુઓ . આ સિક્કો છે એ આપણું જીવન જ સમજી લો !
આજે કોરોના કાળમાં સ્વજનને કોરોના થઇ ગયાનું સાંભળીને આપણાંમાંથી કેટલાં જાણ એવાં હશે કે જેમણે સ્વજન માટે પાર્થના ના કરી હોય ? બધાં જ ત્યારે ભગવાનમાં શ્રદ્ધા રાખવા મંડીએ છીએ . પ્રાર્થનામાં એક પ્રબળ તાકાત છે એમ કહીને મૃત્યુંજય મંત્ર પાઠ કે અખન્ડ દીવો કે વ્રત – બાધા માની લઈએ છીએ ! અને ચમત્કાર થાય છે પણ ખરા ! મૃત્યુનાં મુખમાંથી, વેન્ટિલેટર પર મહિનો રહ્યાં પછી એ વ્યક્તિએ આંખ ઉઘાડી હોય અને જીવતાં પાછા આવ્યાં હોય તેમને અમે અંગત રીતે જાણીએ છીએ ! હા , વિજ્ઞાનના પ્રયાસ સાથે પ્રાર્થનાની તાકાત અને ભગવાનની કૃપાથી એ શક્ય બન્યું છે !
તો વાચક મિત્રો ; પ્રશ્ન છે સાચું શું ? વિજ્ઞાન કે ધર્મ ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.