એક સિક્કો – બે બાજુ :4) વિજ્ઞાનમાં શ્રદ્ધા કે શ્રદ્ધામાં વિશ્વાસ ? By Subhash Bhatt

“એક વસ્તુ મને ક્યારેય સમજાતી નથી કે જયારે કોઈ ધાર્મિક ક્રિયાકાંડની વાત આવે ત્યારે માંડ ગરીબીની રેખા ઉપર જીવતાં મધ્યમ વર્ગનાં અમુક લોકો એકદમ ઉદાર , ધર્મ પરાયણ અને સક્ષમ ક્યાંથી થઇ જાય છે? જેમનાં ઘરમાં બાળકોને આપવા માટે પૂરતાં ઘી -દૂધ – નથી એમની પાસે અચાનક આ વિધિઓ કરવાના પૈસા કેવી રીતે આવી જાય છે ?” મેં અકળાઈને પૂછ્યું .
“ કોઈ ભગવાનનું કાર્ય કરતું હોય તેમાં આવી શંકા ના કરાય !” ગીતાએ મને રોક્યો ; “ એ લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી પણ એમને ભગવાનમાં શ્રદ્ધા છે , એમની ભાવના છે તો ભલે ને કરે !”
વાત જાણે એમ હતી કે ગીતાનાં દૂરનાં સગાં માસી ગ્રીનકાર્ડ પર અહીં દીકરાને ઘેર સેટ થવા આવ્યાં હતાં ને અમે એમને મળવાં ગયેલ . દીકરાની આમ પણ સાવ સામાન્ય નોકરી અને કુટુંબમાં પણ આંતરિક પ્રોબ્લેમ હતાં. વધારામાં એક પાંચેક વર્ષની નાનકડી દીકરી હતી એ પણ જાણે કે મંદ બુદ્ધિની હોય તેમ લાગતું હતું ! આ બધી મુશ્કેલીઓ વચ્ચે હવે એ લોકોએ સત્યનારાયણની કથા રાખેલી.

અમે અમારે ઘેર જવા નીકળતાં હતાં ત્યાં માસીએ હાથમાં દૂધનું એક ગેલન પકડાવ્યું ,કહે : અમારા વતી મંદિરમાં અભિષેક માટે આ દૂધ જરા મૂકતાં જજો ને.”
“શું જરૂર છે આવી કથાઓ , જપ -તપ , પૂજા પાઠ અને અભિષેકોની ?” ગાડીમાં બેસીને , મારાથી હૈયા વરાળ ઠાલવ્યા વિના રહેવાયું નહીં .

પણ ગીતાને તો જાણે કે સાક્ષાત ભગવાને ફોન કરીને કામ ચીંધ્યું હોય તેમ એણે ઉત્સાહથી દૂધનું ગેલનીયુ સાથે લઇ લીધેલ અને અમે સહેજ અવળા ડ્રાઇવ કરીને , મંદિરમાં મુકવા પણ ગયાં.

“આ દૂધ માં’રાજનાં છોકરાં પીવાનાં ! ભલું હશે તો એની પાસે દસ બાર ગેલન દૂધ આવ્યું હશે તો હમણાં પાછું દસ દસ ડોલરના ભાવે પ્રસાદી રૂપે લોકોને વેચી દેશે ! અને લોકો ખરીદશે પણ ખરાં.” મને આ બધું મગજમાં ઉતરવું મુશ્કેલ હતું . “ આવી સીધી અને સ્પષ્ટ વાત લોકો કેમ સમજતાં નથી ? એમ કથાઓ કરાવડાવવાથી કે યજ્ઞો કરાવવાથી મુશ્કેલીઓ દૂર ના થાય .”

પણ ગીતાને જાણેકે આ બધું જરાયે અજુગતું લાગતું નહોતું.“ કોઈની શ્રદ્ધાને આમ તોડી પડાય નહીં. ભગવાનને ધરાવેલ દૂધ પ્રસાદ બની જાય , એ મેળવીને જો કોઈ ધન્યતા અનુભવે તો આપણે શા માટે જીવ ટૂંકો કરવો અને માસીને જો કથા કરાવવી હોય તો એ તો એમની શ્રદ્ધાનો વિષય છે . એમની પરિસ્થિતિ એવી નબળી છે કે એ ભગવાનથી ડરે છે. એમને એમ છે કે એ એવું બધું કરશે તો ભગવાનની કૃપા દ્રષ્ટિ થશે એટલે એ ભગવાનને રીઝવવા પ્રયત્ન કરે છે.”
ગીતાએ એનું જ્ઞાન -જેની સાથે હું સંમત નથી તે – મારા ઉપર ઢોળ્યું.’ “ આપણને ખબર છે અને સમજાય છે કે આ ધરમ ધાગા એ બધું ધતિંગ છે, પણ માસી માટે અને એમનાં ઘરનાં સૌ માટે આ એક આશાનું કિરણ છે !” ગીતાએ કહ્યું ;
“ભગવાનનો વિચાર જ આમ તો કદાચ ભયમાંથી ઉત્પન્ન થયો હશે. ભયં ચ અભયમ ચ એવ! આમ જુઓ તો જેણે આ સૃષ્ટિ ઘડી તેને શું આ એક દૂધનું ગેલન કે થોડાં કેળાં કે સફરજન જોઈએ? ના , પણ એ તો એક માત્ર નમ્ર પ્રયાસ છે; કદાચ આ એક આશ્વાસન છે !જયારે આપણે એમ કહીએ છીએ કે,
‘ફલેન ફલિતમ સર્વે , ત્રૈલોક્યમ સચરાચર,
તસ્માત ફલ પ્રદાનેન સફલા મેં મનોરથાઃ’

આ ફ્ળ ( શ્રીફળ , સફરજન વગેરે )આપને અર્પીને , ઓ ત્રૈલોકના નાથ મારા મનનાં મનોરથ પૂરાં કરવાનું ફળ મને આપો !
અને એ વિનંતી ભગવાન સ્વીકારે એ માટે ,સાથે સત્યનારાયણની કથા કે બીજાં પૂજા પાઠનો આર્થિક બોજો પણ ઉઠાવવા એ તૈયાર થાય છે!’ ગીતાએ મને બીજી બાજુએથી વિચારવા મજબુર કર્યો .

પણ , મૂળ પ્રશ્ન તો હજુ ઉભો જ છે ! મેં પૂછ્યું ; “ શું કથા કરવાથી એના ઘરમાં શાંતિ થશે ? એની દીકરી સાજી થઇ જશે ? શું એની આર્થિક સ્થિતિ સુધરી જશે ?- ના ! ઉલ્ટાનું, આર્થિક બોજો વધશે ! ઘરમાં કંકાશ વધશે . દીકરી પણ વધારે કન્ફ્યુઝન અનુભવશે.” મેં કહ્યું.

“ખરેખર એ ધરમ કર્મની વાતો છોડીને , કોઈ યોગ્ય દિશામાં નક્કર પગલાં લેવાં જોઈએ . કોઈ સારા થેરાપિસ્ટની પાસે જઈને ફેમિલી કાઉન્સેલિંગ કરાવવું જોઈએ . પતિ પત્નીએ જે ખરેખરો પ્રોબ્લેમ છે તેને સંબોધીને ઉપાય લેવાં જોઈએ અને માસીના દીકરાની પાસે ભારતનું શિક્ષણ છે , નામું લખવાનો અનુભવ છે તો અત્યારે કરે છે તેવી જેવી તેવી નોકરીને બદલે એકાઉન્ટિંગ શીખીને વ્યવસ્થિત એ ફિલ્ડમાં નોકરી શોધવી જોઈએ . અને દીકરી માટે શું કરી શકાય એની તને ખબર છે ગીતા, તારું તો એ ક્ષેત્ર છે , તેં બાળકો સાથે વરસો સુધી કામ કર્યું છે, એને તું જ કહે શું ટ્રીટમેન્ટ આપી શકાય ?’

“પહેલાં એનું નિરીક્ષણ કરીને , નિદાન કરવું જોઈએ . કદાચ એ છોકરી આ બધાં ગૂંચવાળાઓ વચ્ચે પોતે જ ગૂંચાઈ ગઈ છે! એક તો પારકો દેશ છે , નાનકડી બાળકીને મૈત્રી કરતાં પણ શીખવું પડે , એમાં માતા પિતાના ઝગડાં અને દાદીબાનાં ‘ આ તો પૂર્વ જન્મના પાપનું પરિણામ’ છે ‘ વગેરે સાંભળી સાંભળીને હવે એની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે !” ગીતાએ કબુલ્યું.

“તો તારી માસીને આ કથા અને યજ્ઞો કરાવવાની ના કહી દેજે .” મેં કહ્યું .
“ના હોં! કથા યજ્ઞ વિધિઓ વગેરે શ્રદ્ધાનો વિષય છે. કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો આપણને અધિકાર નથી. માસીને મંતરેલાં દોરા ધાગામાં શ્રદ્ધા છે , એ રાશિ ભવિષ્ય પણ વાંચે છે અને મુહર્ત જોઈને જ બધાં કામ કરે છે . આપણે એમને જેવું તેવું કહીએ તો બિચારાનો જીવ મૂંઝાય.” ગીતાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો.

“જાનામિ ધર્મ , ન ચ મે પ્રવૃત્તિ – એવું થયું કહેવાય ! તને સમજાય છે કે દોરા ધાગા અને કથા યજ્ઞો બધું ધતિંગ છે , અને છતાં તારે એ લોકોને સમજાવવું નથી ! આ જો અમેરિકાના પ્રમુખે પ્રમુખપદની શપથ વિધિ કરી ત્યારે કયું ચોઘડિયું હતું ખબર છે ? ભારતીય સમય પ્રમાણે કાળ ચોઘડિયું હતું ! એમ મને કોઈએ મેસેજમાં કહ્યું હતું. બોલ, કાળ ચોઘડિયામાં શપથ લીધાં એમ કહેવાય.”

“એ તો સમય બતાવશે કે એ કાળ ચોઘડિયું હતું કે અમૃત !” ગીતાએ પણ મારી સાથે મજાકમાં ભાગ લીધો, “ જો કે એ વાત સાચી છે કે આપણે ત્યાં આ બધી વિધિ વિધાનો કરનાર મહારાજોનું ભણતર કાંઈ હોતું નથી . બાપદાદાનો ચાલ્યો આવતો ધંધો કરે અને થોડુંઘણું કમાય ! ભોળી પ્રજાને છેતરે અને પૈસા પડાવે ! પણ ઘણી વખત એ શ્રદ્ધા પણ જીવન જીવવા મહત્વની થઇ પડે છે ! અમુક હઠીલા રોગોને હઠાવવા , દવા કરતાં મનની તાકાત વધુ મહત્વની છે એ ધ્યાનમાં રાખીને ક્યારેક દર્દીને પ્લાસિબોની દવા પણ આપવામાં આવે છે . અને એ ખાલી ગોળીઓ પણ દર્દી પર અસર કરે છે ! જેમ ડુબતું માણસ તરણું ઝાલે એમ ઘણી વાર આવાં કાર્યોથી મનને શાતા વળે છે .

“પણ એ લોકો જ સૌની અંધશ્રદ્ધા વધારે છે. પેલાં ધર્મગુરુઓ આ લોકોને પ્રોત્સાહન આપે છે ! અહીંયા તું જો, ધર્મ સ્થળોએથી કેટલું બધું ચેરીટેબલ કાર્ય થાય છે ! ગરીબોને સહાય કરવા ચર્ચ અને સીનેગાગ ( જ્યુઈશ ચર્ચ )ફંડ ફાળો ઉઘરાવે છે . અનાથ આશ્રમો અને સ્ત્રી વિકાસ ગૃહ , આરોગ્ય કેન્દ્રો અને બાળ સંભાળ કેન્દ્રો સાથે ઘરડાં માટે , માંદા માટે , એકલાં હોય તે સૌ માટે અવનવા સપોર્ટ ગ્રુપ ક્રિશ્ચિયન ચર્ચ અને જુઈસ સીનેગાગ તરફથી હોય છે! આપણે ત્યાં ધરમ ગુરુઓ અષ્ટમ પષ્ટમ ભણાવીને આગલાં ભવનાં કર્મનું ફળ ભોગવો એમ કહીને વ્યક્તિને નસીબ ઉપર છોડી દે છે. ઘડીકમાં ભગવાન રૂઠશે અને શ્રાપ આપી દેશે એમ આપણને ભય નીચે જ રાખવાનું કામ એ લોકો કરે છે. તું ફોન કરીને માસીને કહી દેજે કે આપણે કથામાં આવી શકીશું નહીં.” મેં ગીતાને માપવા કહ્યું .
“મને તો સાધુ વાણીયાની વાત સાંભળવી બહુ ગમે છે , અને સત્યનારાયણ કથાનો પ્રસાદ પણ બહુ ભાવે છે , વળી બધાં સગાં સંબંધી પણ આવવાનાં છે એટલે આપણે તો જવું જ પડશે ! શ્રદ્ધા કહો કે અંધ શ્રદ્ધા, એ પછી નક્કી કરીશું !” એણે ચાલાકીથી કહ્યું .
જો કે એને ખબર નથી કે સત્યનારાયણ કથાનો પ્રસાદ અને યજ્ઞની ધૂપમાંથી ઉભી થતી દિવ્ય ધૂપ સુગંધ મને પણ કેટલી બધી પ્રિય છે ! એટલે આપણે કથામાં જઈશું તો ખરાં જ -!

પ્રિય વાચક મિત્રો ! તમે શું માનો છો ? તમને શ્રદ્ધામાં વિશ્વાસ છે કે વિજ્ઞાનમાં શ્રદ્ધા છે ?

8 thoughts on “એક સિક્કો – બે બાજુ :4) વિજ્ઞાનમાં શ્રદ્ધા કે શ્રદ્ધામાં વિશ્વાસ ? By Subhash Bhatt

 1. વિધિઓ, રિવાજો, rituals old and new, evolving, outdated સામાજિક જરુરીઆત છે (social networking). They act like a Placebo. ડોક્ટરની લાલ પાણીની દવાથી તાવ ઉતરી જાય એવું. કારપૂજા કરાવવાથી એક્સિડેન્ટ ના થાય એવું . અજ્ઞાનતા એ મહા મોટો અંધકાર છે. But it will go on till eternity.

  Liked by 1 person

  • Thanks ! You are right ! ધર્મ અને વિજ્ઞાન , અથવા તો તર્ક અને વાસ્તવિકતા – આ બધું એક સિક્કાની બે બાજુઓ જેવાં છે ! અને ભરતભાઈ , તમે કહો છો તેમ એ સાશ્વત રહેશે ! એને અંધ શ્રદ્ધા પણ કહી શકાય ; પણ એ રહેશે જ કારણ કે જ્યાં વિજ્ઞાન અટકી જાય ત્યાં શ્રદ્ધા જ કામ કરે !

   Like

 2. સરસ લેખ. આ બધુ ગામડામાં ચાલે એ સમજાય છે, પણ ભણેલાં ને ગણેલા પણ પરદેશમાં પગ મૂકી આ અંધશ્રધાને છોડે એ શક્ય નથી. આ એક વિષય એવો છે કે ભગવાનના નામે ભણેલા પણ ભોળવાઈ જાય છે. એવા લોકો પણ છે કે એમની વાણીથી વેતરાઈ જવાય છે. પતિ ને પરિવારને છોડી એવા લોકોની સેવા કરવા ફસાઈ જતાં સાપે સસુંદર ગળ્યા જેવી પરિસ્થિતિ ઉભી કરી ફસાઈ પણ જવાય છે. પછી, ન કહેવાય અને ન સહેવાય જેવી પરિસ્થિતિમાં જીવવું પડે છે. કોઈના સહારે પરમેશ્વરને મેળવવાના મોહથી પ્રજા ફસાઈ જાય છે. પણ, કોઈને પરમેશ્વર મળ્યા હોય એ જાણવા હજુ મળ્યું નથી!
  ગીતાબેન તમારા પ્રયત્ન માટે ધન્યવાદ.
  આભાર.

  ચીમન પટેલ ‘ચમન’
  હ્યુસ્ટન, ટેક્સાસ.

  Liked by 1 person

  • Thank you Chimanbhai ! આ એક એવું ક્ષેત્ર છે જ્યાં વિજ્ઞાન કામ ના કરે ત્યાં પછી ભગવાનમાં મુકેલી શ્રદ્ધાને તાંતણે ટકી રહેવું પડે ! અને એવી પરિસ્થિતિમાં અભણ અને ભણેલાં બધાંય ભળે ! ને ક્યારેક તમે લખ્યું છે તેમ અંજામ ખરાબ પણ આવે ! નિર્મળ બાપા અને પંડિત મહારાજ જેમની જાહેરાતો ટી વી માં આવે છે તે આ શ્રદ્ધાને નામે ધૂતે છે ; પણ કોઈ એક આશાને તાંતણે લોકો એ રસ્તો લે !

   Like

 3. ધર્મને નામે ચાલતાં ધૂપલની સુંદરવાત સાથેનો તમારો સંવાદનું સરસ આલેખન…અને મને મારા કબીર યાદ આવી ગયા…
  મૂંડ મુંડાને હરિ મિલૈં સબ કોઈ લેહુ મુંડાય, બારબાર કે મૂંડીને ભેડ ન વૈકુંઠ જાય.( ભેડ-ઘેટું) બાહ્ય ક્રિયાકાંડથી હરિ મળતા હોત તો ઘેટું વૈકુંઠમાં ન જાય?અને એ વાત પણ સાચી જ છે કે ડૂબતું માણસ તરણાનો આશરો લે છે જ….

  Liked by 1 person

 4. ગીતાબેન લેખ ૪ વિજ્ઞાનમાં શ્રદ્ધા કે શ્રદ્ધા મા વિશ્વાસ એ લેખ માં ભણેલો વર્ગ આવી અંધ શ્રદ્ધા મા ના પડે પરંતુ ગામડા ની અભણ પ્રજા આવા બંધામા માને
  અમારા જ ઘરમાં મારા પતિ પુરુષોત્તમ માને છે આમ કર્યું એટલે ભગવાને તેને સાથ આપ્યો અને અત્યારે કેવું સારું છે
  અને હું તદન વિરોધી કે એવા બધા અંધશ્રદ્ધા મા પડનારા
  પોતાનું તો સારું થાય ત્યારે થાય
  બાકી દોરા ધાગા કરવાવાળા ના ઘર મા તો લીલાલહેર થઇ જ જાય અને માણસ પોતાની પાસે જે હોય તે પણ ગુમાવી દેતાહોય છે એટલે
  બંધાના વિચાર સરખા ના હોય લેખ
  વાંચ્યા પછી શું બરાબર છે અને શું બરાબર નથી તે સમજી સકીએ। ખુબજ સુંદર ગીતાબેન
  ખુબખુબ ધન્યવાદ

  Liked by 2 people

 5. ભણેલા માણસો પણ ઘડોભરી દૂધ સંકર ને ચડાવે છે તે અંધશ્રદ્ધા જ છે શ્રદ્ધા આધ્યાત્મિક વાત છે ક્રિયાકાંડ ધર્મમાં શ્રદ્ધા પણ કંઈક વધુ મેળવવાની લાલચ છે પણ ક્રિયાકાંડ આધ્યાત્મિક તરફ દોરવા ઋષિ મુનિ ઓએ માર્ગબતાવ્યો છે પણ
  ભણેલા અને અભણ અને બ્રાહ્મણો સગવડીઓ માર્ગ અપનાવેછે
  વિજ્ઞાન સાબિતી સાથે શ્રદ્ધા ને સ્વીકારે છે
  આમ દરેક બાબતમાં શિકાની બે બાજુ હોયછે ગીતાબેન આ લેખ બધા એ વાંચીને વિચારવાજેવો છે
  નલિની ત્રિવેદી

  Liked by 1 person

  • ધર્મ અને વિજ્ઞાન પર જેટલું લખાય તેટલું ઓછું જ ગણાય ! એટલે આ લેખમાળામાં બીજો લેખ પણ એ વિષય ઉપર લંબાવ્યો છે

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.