અજ્ઞાતવાસ-૩-જિગીષા દિલીપ

  1. દુનિયા મારી મુઠ્ઠીમાં
નરેન,તેના પપ્પા અને હું જ્યારે રેસકોર્સની અંદર પ્રવેશ્યો ત્યારે હું બહુ જ ખુશ હતો.રેસકોર્સનું વાતાવરણ મને કોઈક જુદીજ ઊર્જા આપી રહ્યું હતું.બધાં પુરુષો સુટેડ બુટેડ હતા. છોકરીઓ જે રીતે તૈયાર થઈને આવી હતી તેવી મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી.ટાઈટ સ્લીવલેસ કે સ્પગેટીવાળા મીનીફ્રોક,સ્ટીલેટો હીલનાં સેન્ડલ અને જાતજાતના ફેધરવાળી મોટી ફેશનેબલ હેટ પહેરેલી છોકરીઓને હું જોતો જ રહ્યો. રેસકોર્સ પર આવેલ સુટેડબુટેડ નબીરાઓ અને ફેશનેબલ આકર્ષક વસ્ત્રપરિધાન અને સોલિટેડ હીરાનાં કે પર્લના વેસ્ટર્ન દાગીના પહેરેલ મેકઅપ કરેલ આધેડવયની સ્ત્રીઓ પણ સામાન્ય સ્ત્રીઓ કરતાં જુદી લાગતી હતી વાતાવરણમાં બ્રીટીશ છાંટનો અનુભવ થતો હતો.સ્ટેડિયમ ચિક્કાર હતું.પાણીદાર,ઊંચા,રુષ્ટપુષ્ટ ઘોડાઓને પેડોક પર ફરતા જોઈ અને તેમની વાસથી હું રોમાંચિત થઈ ગયો.રેસ શરુ થવાની જાળી પાસે લાઈન સર ઘોડા પોતાનાં ટ્રેકમાં ઊભા રાખ્યા હતા.દરેક ઘોડા પર નંબર લખેલા હતા.પન્ટર પોતપોતાનાં નંબર સાથે તૈયાર હતા.
આ ગાળો હતો ૧૯૭૩નો.નરેનનાં પપ્પા રેસકોર્સમાં રેગ્યુલર જવાવાળા,રેસકોર્સની ક્લબનાં મેમ્બર હતા.તેમણે નરેન અને મને બંનેને વીસ ,વીસ રુપિયા આપ્યા અને બિગનર્સ લક તરીકે એક એક ઘોડાનો નંબર માર્ક કરવાનું કીધું.અમને કેવીરીતે Tote (સરકારમાન્ય) પર બેટ કરાય તે શીખવ્યું.તેઓ માનતા કે બિગનર્સ લક હંમેશા જીતે જ.નિરેનને મેં કહેલું કે મને ઘોડાની ભાષા અને બોડી લેન્ગવેજ સમજાય છે.તેથી હું જે કહું તેજ ઘોડા તે માર્ક કરતો.અમે પહેલી રેસ જીત્યા ૨૦ રૂપિયાનાં ૩૦રૂપિયા થયા પછી બીજી,ત્રીજી અને ચોથી એમ સાતમાંથી પાંચ રેસમાં અમે જીત્યા અને ૨૦રૂપિયાનાં ૮૦ રુપિયા લઈ ખુશ ખુશ થતો હું ઘેર પાછો આવ્યો.હું તે આખી રાત ઊંઘ્યો નહીં અને મનનાં ઘોડા દોડાવતો રહ્યો.
મને તો જાદુઈ કિમીયો મળી ગયો.મને મહિને પોકેટમની કે બસભાડુ જે ગણો તે માટે પ૦ રૂપિયા મળતા.મેં તો હવે રેસકોર્સ પર જઈ ૫૦ રૂપિયા પર પોતાની ઘોડા સાથેની કેમેસ્ટ્રી મુજબ ઘોડા માર્ક કરવાનું શરુ કરી દીધું હતું.૫૦ રૂપિયાનાં ૧૫૦ ,૨૦૦ કે ક્યારેક ૨૫૦ રુપિયા પણ મળતાં.૧૮ વર્ષની નાની ઉંમર,બ્રીચકેન્ડી જેવો એરિયા અને કોલેજ જીવનનાં એ ૧૯૭૩નાં ગાળામાં મધ્યમવર્ગનાં લોકોના ઘર મહિને સો -દોઢસો રૂપિયામાં ચાલતાં ત્યારે હું એક ,એક રેસમાં ૧૫૦થી બસો રૂપિયા કમાવા લાગ્યો. હવે રેસ દ્વારા પૈસા સરળતાથી કમાવાનું મને સાધન મળી ગયું હતું અને મારાં વ્હાલા ઘોડાઓને રોજ મળવાનું બહાનું પણ…
એક દિવસ સાંજે હું બ્રિજકેન્ડીની Bombay lees રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે ડીનર માટે મળવાનો હતો.હું રેસ્ટોરન્ટની બહાર મિત્રોની રાહ જોતો ઊભો હતો. ત્યાં બે છોકરીઓ મારા મિત્ર સમીર સાથે આવી.સમીરે મારી ઓળખાણ કરાવી ‘ટીના મારી કઝીન અને આ ટીનાની બહેનપણી વ્યોમા.’ આ છોકરીઓ મૂછમાં હસતી હતી.સમીરની નજર ચુરાવી ટીનાએ ધીમેથી કીધું’ભોપો’.અમે ત્રણે હસી પડ્યા.સમીરે પૂછ્યું’ કેમ હસો છો?’ તો અમે વાત ઉડાવી દીધી.મારાં બધાં મિત્રો આવ્યાં અમે બધાં સાથે ડીનર ટેબલ પર ગોઠવાયા.ટીના મારી સામેની ખુરશી પર બેઠી હતી.હું મિત્રો સાથે વાતો અને મસ્તી મજાક કરવામાં મશગૂલ હતો.અહીંનું સિઝલર ખૂબ વખણાતું.દસ જણનાં ડ્રીંકથી ડેસર્ટ ખાવા-પીવામાં ૩થી ૪ કલાક જતાં રહ્યાં.પણ ટીના તો સાવ શાંત હતી.તેની સામે હું જ્યારે વાંકી નજરે જોઉં તો તે મને જ જોયા કરતી હતી.તેણે સીઝલરના પરાણે એક બે બાઈટ ખાધાં હશે.બિયરનાં,જમવાનાનાં ,ડેઝર્ટનાં બધાં પૈસા દસે લોકોનાં મેં જ આપ્યા.મારું ખીસ્સ્સું તો ભારે જ હતું.ટીનાએ મારો ફોન નંબર લઈ લીધો.છેલ્લે જતાં મેં તેને પૂછ્યું”કેમ કંઈ ખાધું નહીં ?ન ભાવ્યું તને?તો એણે કીધું” કુલ,મને તો તું ભાવી ગયો!” હું કંઈ સમજ્યો નહીં.તે તો સમીર સાથે જતી રહી.હું વિચારતો રહ્યો અને ઘેર જઈને મિરરમાં જોવા લાગ્યો કે ‘હું cool લાગું છું!’ત્યાં તો મને ટ્યુબલાઈટ થઈ ,ઓહો !આણે તો પહેલીવાર મળતાં જ મારું વ્હાલભર્યું ખાસ નામ પણ રાખી લીધું? ‘કુલ’મને તો આવો વિચાર જ નહોતો આવ્યો!પણ હવે રાત્રે સૂતાં સૂતાં હું ટીનાનાં વિચારોથી અનોખો રોમાંચ અનુભવવા લાગ્યો.રીશેલ્યુ,ટીના,ન ધારેલા પૈસા અને ટીનએજની માદકતા,હું તો સપનાનાં સ્વર્ગનો આનંદ હાજરાહજૂર માણી રહ્યો હતો.
હવે ટીના સાથે અવારનવાર ફોન પર વાત થતી હતી. અમે ક્યારેક કલાકો સુધી ફોન પર પ્રેમાલાપ કરતા.હું મિત્રો અને ટીના સાથે ક્યારેક કોપર ચીમની કે તાજની શામિયાનાંમાં ડીનર કરવા જતાં ,તો ક્યારેક રવિવારે સવારે બધાંને હું બ્રન્ચ કરવા પણ જુહુ બીચની રેસ્ટોરન્ટમાં લઈ જતો.હું અને ટીના એકલા પણ અવારનવાર મળતા.
હવે મને તાજ હોટલનો મેનેજર તેના વેઈટરો સલામ મારતા થઈ ગયાં હતા.ટીના,વ્યોમા,નિરેન,કેતન અમે બધાં મારાં ઘોડાની કમાણીનાં પૈસે કોલેજમાં અને સાંજે પાર્ટીઓ કરતાં.તાજની શામિયાનાં ર૪ કલાક ખુલ્લી રહેતી રેસ્ટોરન્ટમાં બીયર,વ્હીસ્કી અને ચીકનની મિજબાનીઓ ઉડાવતા.મારી ૧૮મી વર્ષગાંઠનાં અઠવાડિયા પહેલાં હું એક મોટી રેસ જીત્યો.મેં મોટી પાર્ટી ગોઠવવાનું નક્કી કર્યુ. મેં તાજમાં ગ્રાન્ડ ડીનર અને રેડિયો ક્લબની નજીકનાં ડીસ્કોથેકમાં ડાન્સ પાર્ટી રાખી. હું મારા બધાં મિત્રોને પાર્ટી પહેલાં બાબુ જગજીવનદાસ સ્ટોરમાં લઈ ગયો,બધાં માટે રેમન્ડસનાં પેન્ટપીસ અને સફેદ સેલ્ફમાં ફ્લોરોસન્ટ પ્રિન્ટનાં શર્ટપીસ ,લેસર લાઇટમાં ચમકે તેવા પણ લીધાં.અમે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની જેમ કચીન્સમાં ૩૬ ની મોરીનાં બેલબોટમ અને શર્ટ સિવડાવ્યા.ડીસ્કો પાર્ટી માટે ક્રાફર માર્કેટની એકજ દુકાનમાં મળતાં Levies નાં જિન્સ ખરીદ્યાં.બધાં ડીનર કરી ડીસ્કો પાર્ટી માટે તૈયાર થઈ ગયાં.ટીના,વ્યોમા,નરેન અને બીજા અનેક મિત્રોએ ભેગા થઈ ડીનર અને ડીસ્કોમાં ખૂબ મઝા કરી.ડીસ્કોથેકમાં જ્યારે ”આજ કલ તેરે મેરે પ્યારકે ચર્ચે હર જબાન પર ….સબકો માલુમ હૈ ઔર સબકો ખબર હો ગઈ હૈ”ગીત સાંભળતાં જ હું ટીનાને હાથ પકડીને ડાન્સ ફ્લોર પર લઈ ગયો.મેં અને ટીનાએ મિત્રોની તાળીઓ અને સીટીઓ સાથેની બૂમાબૂમ વચ્ચે ખૂબ ડાન્સ કર્યો.કદાચ આ મારાં જીવનની સૌથી રોમાંચક બર્થડે પાર્ટી હતી.
મારાં પપ્પા-મમ્મી તેમની જિંદગીમાં એટલા બધાં વ્યસ્ત હતાં કે તેમને મારી આ કોઈ વાતની ખબર જ નહોતી.બહેનને તો મને ડોક્ટર બનાવવો હતો. તેના માટે મને બહેને ચાર ટ્યુશન સર ઘેર આવે તેવા રાખી આપ્યા.મેથ્સ,કેમેસ્ટ્રી,બાયોલોજી,ઈગ્લીંશ અને યોગાનાં સર પણ ખરા .પરતું મનેતો રેસમાં એટલા પૈસા મળતા હતાં કે ભણવું જરૂરી જ નહોતું લાગતું.અરે !મેં તો ચારે ટીચરને પણ ભણાવવાને બદલે તેમનાં પૈસા ડબલ કરી આપીને રેસનાં રવાડે ચડાવી દીધાં.હું ટીચરોને રેસની બધી વાત કરતો કે જૂઓ ,આ રેસમાં મેં આટલા પૈસા લગાડ્યા છે. જો મને ખબર પડે છે કે આ જ ઘોડો જીતશે અને મારો કહેલ ઘોડો દરેક વખત જીતેલ બતાડતો.દસ રેસ સાચી પડતી જોઈ ,એ લોકો પણ તેમનાં પૈસા મને આપવા લાગ્યા અને હું તેમને પૈસા ડબલ કરી આપતો ગયો.પરીક્ષાનાં સમયમાં ટીચરોએ પૈસા આપી પેપરો જ લઈ આવી મને ભણ્યા વગર પાસ પણ કરાવી દીધો.મને પરીક્ષામાં ખોટી રીતે પાસ થઈ જવાનો આનંદ પણ હતો જ.
ટીનએજનાં એ ઉન્માદભર્યા ,જાણે સ્વર્ગમાં વિહરતાં હોય તેવા દિવસો યાદ કરતાં આજે આ પણ રોમાંચ અનુભવાય છે.કદાચ મારાં જીવનનાં એ જ સૌથી સારા દિવસો હતાં- મારો પહેલો પ્રેમ-રીશેલ્યુ,રેસકોર્સ અને ટીના મને બધું મળી ગયું હતું.હું આસમાનમાં ઊડી રહ્યો હતો.
હવે મને દુનિયા મારી મુઠ્ઠીમાં લાગતી હતી.
જિગીષા દિલીપ

1 thought on “અજ્ઞાતવાસ-૩-જિગીષા દિલીપ

  1. આજ સુધી માનવ સંબંધોની લઈને લખાતી વાતો, વાર્તાઓ વાંચી છે પણ આ માણસ અને ઘોડા વચ્ચેના અનુબંધનો
    એક નોખો, અનોખો અભિગમ ખૂબ રસપ્રદ બની રહ્યો છે.
    વાચિકમ પણ તું ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરી રહી છું.
    અભિનંદન…..દિલ સે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.