૩-વાર્તા અલકમલકની-

વારસો

ઈસ્ટ બેંગોલના ઢાકામાં ૧૯૩૪માં જન્મેલા પ્રફુલ્લા રોયનું એમના સમયના સમકાલિન અગ્રણી લેખકોની હરોળમાં નામ મૂકાય છે. ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ઢાકાથી સાવ અકિંચન અવસ્થામાં કલકત્તા આવીને સ્થાયી થવા, પગભર થવા એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

માણસને પોતાના વતનથી દૂર થવાનું આવે ત્યારે એના હ્રદયના ઊંડાણમાં કશુંક છોડ્યાની વેદના, વતનની મમતા હંમેશ રહી જાય એ સ્વભાવિક છે. વતનમાં જડાયેલા મૂળથી ઉખડીને એ બીજે પોતાની દુનિયા વસાવવા પ્રયાસ કરેય છે. પ્રફુલ્લા રોયની આજની વાર્તાના મૂળમાં આ ભાવના છલકાતી અનુભવાય છે.

*****

પ્રસ્તુત છે આજની વાર્તા….. વારસો

“બાબુજી, ચા તૈયાર છે, બહાર લઈ આવું?” બહાર બાગમાં પાણી છાંટતા બાબુજીને બોલાવતા એમની પુત્રવધૂએ છજામાંથી બૂમ મારી.

“નહીં બેટા, હું અંદર આવીને ચા પીશ, તું મારી ફિકર ના કરીશ.” બાબુજીનો હર હંમેશનો જવાબ સાંભળવા ટેવાયેલા પડોશમાં રહેતા પાંચ વર્ષના ટેણીયાએ બાબુજીના બદલે જવાબ આપી દીધો.

“જોયું, આજુબાજુના પડોશીઓને પણ ખબર પડી ગઈ છે કે તું મારી કેટલી ફિકર કરે છે.” બાબુજી  એટલેકે મોહનબાબુ હસી પડ્યા.

“હા તો એમાં નવું શું છે, આજુબાજુમાં બિલ્ડિંગો કેટલા થઈ ગયા છે. કોઈ પ્રાયવસી જેવું તો રહ્યું જ ક્યાં છે?” જરા છણકાઈને પુત્રવધૂએ જવાબ આપ્યો.

વાત એની સાચી જ હતી. વર્ષો જૂના આ બિલ્ડિંગની આસપાસના ઘર બહુમાળી મકાનોમાં ફેરવાઈ ગયા હતા. આ એક જ તો ઘર હતું કે જે હજુ એ એમ યથાવત હતું . જો કે મોહનબાબુનો દિકરો મોહનીશ તો ક્યારનોય આ મકાન વેચીને એની જગ્યાએ બહુમાળી બિલ્ડિંગ બનાવવા જીદે ચઢ્યો હતો પણ એક મોહનબાબુ કોઈ સંજોગોમાં આ મકાન નહીં વેચવાની પોતાની વાત પર અડગ હતા.

કારણ મોહનબાબુ માટે આ એક મકાન નહીં કોઈની અમાનત હતું. વર્ષો પહેલાનો એ સમય હતો જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે મોહનબાબુ એમના પરિવાર સાથે ઢાકા હતા અને એમના મિત્ર કરીમભાઈ અહીં કલકતામાં. ભાગલા પછી મોહનબાબુને ઢાકામાં રહેવાનું મુનાસિબ ન લાગતા એ કલકતા આવ્યા અને કરીમભાઈ ઢાકા ચાલ્યા ગયા અને ઢાકાને પોતાનું વતન બનાવી લીધું

વકીલો અને દલાલોને મળીને આપસી સમજૂતીથી બંને એકબીજાના ઘરની અદલાબદલી કરી લીધી. કોઈ લેખિત કરાર નહીં પણ આ વાત  સમજણ, વિશ્વાસના પાયા પર જાણે વણલેખ્યા કરારની જેમ મોહનબાબુ અને કરીમભાઈએ સ્વીકારી લીધી હતી..

“હવે તું જ કહે આ ઘર હું કેવી રીતે વેચી શકું? અને ઘર એ માત્ર ઘર જ ક્યાં હોય છે, એ આપણા મૂળ સાથે જોડાતું જાય છે ને આ કોઈ એક જમીનનો ટુકડો નથી એ કોઈની અમાનત છે. એ સાચવવાની મારી જવાબદારી છે.” બાબુજી ચા પીતા પીતા પુત્રવધૂ સાથે વાત કરતા હતા. પુત્રવધૂ આ લાગણી સમજી શકે એટલી સહ્રદયી હતી નહીંતો ક્યારનીય પોતાના પતિની આ મકાન વેચવાની વાતને સાથ આપી દીધો હોત.

“એનો અર્થ એ કે તમારું ઢાકાનું મકાન કરીમચાચાએ આવી જ રીતે સાચવ્યું હશે ને?” પુત્રવધૂના પ્રશ્નનો મોહનબાબુ ઉત્તર આપે અને હજુ આગળ વાત વધે એ પહેલાં ઘરના બારણે બેલ વાગ્યો.

ક્યારેક એવું બને કે જેને ખરા હ્યદયથી યાદ કરતાં હોઈએ, એની જ વાત કરતાં હોઈએ અને એ વ્યક્તિ ઓચિંતી સામે આવીને ઊભી રહે તો વાચા હણાઈ જાય. બરોબર આવું જ કંઈક મોહનબાબુ અનુભવી રહ્યા હતા કારણકે બારણે બેલ મારનાર અન્ય કોઈ નહીં એમનો એ જ મિત્ર કરીમ હતો અને સાથે હતા, એમના પુત્રના સંતાનો.

અંગ્રેજોના સમય દરમ્યાન કાલીકાટામાંથી કલકત્તા નામથી ઓળખાતા પોતાના વતન આવવાનો કરીમચાચાનો હેતુ એ જ હતો કે એમના પૌત્ર અને પૌત્રી એમના મૂળને ઓળખે, એમના મૂળ વિશે જાણે, જ્યાં એમના બાપદાદા જન્મ્યા, ઉછર્યા અને જેટલો સમય જીવ્યા એ વતનની માટીની ખુશ્બુ એમના શ્વાસોશ્વાસમાં ભરે.

૪૦ વર્ષ પછી મોહનબાબુ અને કરીમભાઈ એકબીજાને મળી રહ્યાં હતા પણ બંને વચ્ચેથી આ સમય ખરી પડ્યો કે પછી આ વર્ષો પસાર જ નહોતા થયા?

જે લાગણીથી મોહનબાબુએ કરીમચાચાનું મકાન સાચવ્યું હતું એવી જ લાગણીથી કરીમચાચાએ મોહનબાબુનું ઢાકાનું ઘર સાચવ્યું હતું

૪૦ વર્ષ પહેલાં જે રૂમ એક સમયે કરીમચાચાનો હતો એ રૂમ આજે મોહનબાબુના દિકરા મોહનીશનો હતો. આ એ રૂમ હતો જ્યાં કરીમભાઈને બાપ બનવાનું અને મોહનબાબુને દાદા બનવાનું નસીબ થયું હતું. આ રૂમ બદલાતી પેઢીનો સાક્ષી હતો. આ રૂમે માત્ર માણસોની જ નહીં કબૂતરોની પણ પેઢીઓ બદલાતી જોઈ હતી. આ રૂમમાં જ્યાં કરીમભાઈ કુરાન મૂકતા ત્યાં હવે મોહનભાઈ ગીતા મૂકતા.

આજ સુધી, આ ઘડી સુધી બધું બરાબર હતું પણ હવે મોહનબાબુ અને કરીમભાઈ, બંને એવું જાણતા હતા કે જે મૂળની એ વાત કરતા હતા, જે અમાનતને બંનેએ આજ સુધી જાળવી હતી એનું ભવિષ્ય કાલે સુરક્ષિત નહોતું રહેવાનું. મોહનબાબુના મોહનીશની જેમ કરીમભાઈનો દિકરો પણ ઢાકાના એ મકાનની જગ્યાએ બહુમાળી બિલ્ડિંગ બનાવવાની તરફેણમાં હતો. બદલાતી નવી પેઢી માટે આ માત્ર એક મકાન હતું. મોહનબાબુ અને કરીમભાઈ પણ આ વાત સમજી શકતા હતા.

પરિવર્તન એ સમયનું એક અફર ચક્ર છે. બદલાતા સંજોગો સાથે બધુ જ બદલાતું હોય ત્યાં કયા મોહનબાબુ કે કરીમભાઈની ભાવના કાયમ રહેવાની હતી? ભવિષ્ય સુધીનો સમય કોણે જોયો છે પણ અત્યારે, આ ક્ષણે મોહનબાબુ અને કરીમભાઈ જે જોઈ રહયા હતા એ સાચે જ એમના માટે અત્યંત સુખદ હતું. મોહનબાબુ અને કરીમભાઈના પૌત્ર અને પૌત્રીઓ એકબીજા સાથે અત્યંત હળી મળી ગયાં હતાં જાણે દેશના ભાગલા માત્ર નકશા પર દોરાયા હતા, દિલ પર નહીં.  ધર્મ, દેશ કે સંસ્કૃતિના વાડા જાણે ક્યારેય ઊભા થયા જ નહોતા.

બંને માટે આ એક મોટુ આશ્વાસન હતુ.. એક સુરેખ ભાવિ એમાંથી કંડારાતુ દેખાતુ હતું.

“માનવીના મૂળ એટલેકે જડ જમીન સાથે નહીં સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. એ જ્યાં જશે ત્યાં એની સભ્યતા અને સંસ્કૃતિ લઈને જશે અને એના થકી આબાદ બનશે. બસ માત્ર એટલી આશા રાખવાની કે આ પેઢી જ્યાં જાય ત્યાં એમનો આ વારસો જળવાય એવું વાતાવરણ મળે. યોગ્ય વાતાવરણ અને માવજત મળશે તો આપોઆપ એ ધરોહર વિકસીને મજબૂત બનશે.”

મોહનબાબુ કરીમભાઈને એક એવી વાત કહી રહ્યા હતા જેમાં સદીઓથી ચાલી આવતી સભ્યતા અને સંસ્કૃતિના પાયાના યોગ્ય મંડાણ થયા હશે તો આ નવી પેઢી જ્યાં જશે ત્યાં પોતાની આગવી  પરંપરાને લઈને સદીઓ સુધી સ્થિરતા અને સમૃદ્ધિ પામશે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

5 thoughts on “૩-વાર્તા અલકમલકની-

 1. “યોગ્ય વાતાવરણ અને માવજત મળશે તો આપોઆપ એ ધરોહર વિકસીને મજબૂત બનશે.” બહુ સરસ વાત છે અને આ વારસો. જ ખરો વારસો છે.
  રાજુલ બેન, તમારું વાર્તાનું ચયન અને રજૂઆત દાદ માગે એવું છે.

  Liked by 1 person

 2. ધરોહરને મજબૂત કરવાની, સ્થિર અને સમૃધ્ધ રાખવાની આ ભાવના અમુક ઉંમરે કેવી સ્પષ્ટ અને સક્રિય થતી જાય છે. આ પણ એક કેવી નૈસર્ગિક સાચી વાત? તમારી રસાત્મક શૈલીને સલામ.

  Liked by 1 person

 3. સંસ્કૃતિનો વારસો નવી પેઢીને, જૂની પેઢીને જોઈને આપોઆપ મળી જાય છે. અને મિત્રપ્રેમ હોય ત્યાં ધર્મ વચ્ચે પણ નથી આવતો.સુંદર સંદેશ આપતી સરસ વાર્તા.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.