પ્રકરણ – 3 હોપસ્કોપ – મૌલિક નાગર

રાતના 11 વાગ્યા છે.
લાલ રંગની લાઈટના ઝગારા મારતી એમ્બ્યુલન્સ પૂર ઝડપે અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલના દરવાજે આવી ચડી.
સાથે સાથ, લક્સરી ગાડીમાંથી કોકિલાબેન પણ ત્યાં આવી પહોંચે છે.

Emergency વોર્ડના કોરીડોરમાં CPR (Cardiopulmonary Resuscitation) આપતા જુનિયર ડૉકટરના મનમાં અનેક સંભાવનાઓ સ્ફુરે છે, Emergency નિષ્ણાત ડૉ અંકિતા ત્યાં આવી પહોંચે છે. પેશન્ટની કંડિશન જોતા તેમને લાગે છે કે આ LOCKED IN કંડીશનના કારણે આમને હલનચલન નથી. ક્યાં તો આને બ્રેઈન હેમરેજ છે, ક્યાં તો બ્લડ ક્લોટ થયું છે. ડૉકટર અંકિતા જરૂરી ટેસ્ટ્સની સાથે MRI કરવાનો આગ્રહ રાખે છે.

દીપેન પણ કોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઇને વેઇટિંગ રૂમમાં ડૉક્ટર કંઈક ચોખવટ કરે એની રાહ જોવે છે. બીજી બાજુ રોઈ રોઈને બેબાકળી બનેલી કોકિલા હાલમાં જ ડાઇ કરાવેલ માથામાં હાથ ખોસીને 12 કલાક પહેલાની સ્મૃતિમાં સરી પડે છે.

‘આશા ઓ આશા, ક્યાં જતી રહે છે આ બાઈ’, કોકિલાબેન સોનેરી પાલવ સરખો કરતા કરતા બબડતા નીચેના ડ્રોઈંગ રૂમમાં આવ્યા.
‘બોલો બા’, આસોપાલવનું તોરણ લગાડવા ટેબલ પર ચઢેલ આશા એ પૂછ્યું.
‘અરે, ભાઈ’સાબ, તું પણ ગાંડી જ છે ને, આ પ્રસંગના સમયે ક્યાંક પગ ભાંગી બેસીસ. કોકિલાબેન પાછા બબડ્યા’, ‘આ કામવાળા પણ છે ને…!!’
‘બા, ડેકોરેશનવાળા ભાઈને ત્યાંથી મંડપ બાંધવા આવ્યા છે’, પરેશે ટ્રાન્સપોર્ટ રીક્ષા તરફ ઈશારો કરતા કહ્યું.
‘પાછળ મહારાજને પણ પુછી લે જે જો એમને કોઈ ચંદરવો બંધાવવો હોય તો અને હા, બધાને ચાનું પણ પૂછતો રહેજે, મહારાજને કહી દીધેલું છે કે ચાનું એક તપેલું તો ચઢાઈને જ રાખજો.
એકના એક દીકરા નિરવનાં લગ્નનો થાક કોકિલાબેનના હરખની પાછળ સંતાઈ જતો હતો.

‘અરે દીપેન તમે ક્યારે આવ્યા?’ સલવાર કમીઝમાં સજ્જ, રજવાડી મોજડી ઉતારતા નિરવનાં પપ્પાને સહજ જ પ્રશ્ન પુછાઈ ગયો.
‘બસ, મેં અને નિરવે જ્વેલેરને ત્યાંથી એની ગળાની ચેન કલેક્ટ કરી અને એને હું સલૂનમાં મૂકીને આવ્યો. એને સલૂનમાં 3-4 કલાક થશે.’
‘લો, તો તમારે પણ થોડી ટ્રીટમેન્ટ કરાવી જ લેવી હતી ને, નિરવને ક્યાં એકલો મુક્યો.’ કોકિલાબેને થોડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

‘બસ હવે આ પ્રસંગ પતે પછી આપણે શિરડી જઈ આપણી બાધા પુરી કરી આવીએ અને પછી રિદ્ધિ પાસે 2-3 મહિના અમેરિકા રહી આવીએ.’ હાયપર એક્ટિવ કોકિલાબેનના અવાજમાં આજે હાશકારો હતો.
‘મેંગ્લોરમાં એન્જીનીરીંગ, માસ્ટર્સ અમેરિકામાં અને એનું સ્કૂલિંગ પણ આપણે હોસ્ટેલમાં કરાવ્યુ’…દીપેનનુ વાક્ય પૂરું થાય એ પેહલા જ કોકિલાબેન વચ્ચે કૂદી પડ્યા, હાસ્તો એ નિર્ણય બધા તમારા જ હતા ને, આ મા ને તો ક્યાં કંઈ પૂછ્યું જ છે.
‘હવે ભરપૂર રહેજે નિરવ સાથે..હવે તો એ અને માનસી આપણી સાથે જ છે ને કાયમ માટે!!’ દિપેને આશ્વાસન આપતા કહ્યું.


—————————————————

56 Hours to Go Nirav 🙂 નિરવનાં iphoneમાં માનસીનો મેસેજ રણક્યો.
નિરવે ફોન ઉપાડ્યો અને રિપ્લાય કર્યો, ‘I can’t wait too Darling, TTYL I am in saloon’..
અરીસામાં સલૂનવાળાભાઈ અને નિરવ એક બીજાની સામે હસ્યા અને નિરવે હેડ મસાજ માટેનો ઈશારો કર્યો.
પેલા ભાઈ તો તેલની બાટલી લઇને મંડી જ પડ્યા. માથે, કપાળે, બોચીએ બધી લાગ્યા એ દે ધના-ધન જાણે દિયર બુશટ મારે એમ.

—————————————————


‘Mr. દીપેન…., Mr. દીપેન…. તમને પેશન્ટની હિસ્ટરી આપવા માટે ડૉક્ટર અર્જન્ટ બોલાવે છે.’
‘Yes મેડમ’, આંખો ચોળીને ચૂંથાઈ ગયેલા ચક્મકીત કપડામાં દીપેન ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં રાખેલ નિરવની પડખે ઊભેલા ડૉ. અંકિતા પાસે પહોંચે છે.

‘બે ત્રણ દિવસ પહેલા નિરવ માથું દુખે છે અને ચક્કર આવે છે એવી ફરિયાદ તો કરતો હતો, પહેલા તો અમને લાગ્યું કે એને સામાન્ય થાકનો દુખાવો હશે અને અમારા ફેમિલી ડોકટરે એને Stress Induce કહીને Pain Killer આપી હતી, અચાનક આજે સાંજે એની ફરિયાદ વધી ગઈ એટલે હું એને નવરંગપુરામાં આવેલ અમારા ફેમિલી ડૉક્ટર પ્રભુના ક્લીનીક પર લઇ ગયો, એમના ક્લીનીકના દાદરા ઉપર જ નિરવ ફસડાઈ પડ્યો અને બેભાન થઇ ગયો. ડૉક્ટર પ્રભુ તુરંત જ બહાર આવ્યા અને એમણે કહ્યું કે આને કોઈ મોટા સેંટર પર લઇ જવો પડશે અને તેમણે 108ને ફોન કરીને બોલાવી. મને ફર્સ્ટ એઇડની જાણકારી હોવાથી હું નિરવને સતત CPR આપતો અહીંયા લઈને આવ્યો.’

‘નિરવને કોઈ ખેંચ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે એવી કોઈ બીમારી છે?’ ડૉક્ટર અંકિતાએ વધુ ઇન્વેસ્ટીગેશન કરતા પૂછ્યું.

‘ના મેડમ ક્યારેય નહીં, બસ જે દિવસથી એ સલૂનમાં જઈને આવેલો ત્યારથી માથું દુખવાની ફરિયાદ કરે છે.’

શરીરના એક પણ અંગમાં હલનચલન ન હતું. થોડી ઝીણી આંખો કરતા ડૉક્ટર અંકિતાની નજર વેન્ટિલેટર પર બેભાન માની લીધેલ નિરવની પાંપણો પર પડી, બંધ પાંપણની પાછળ કીકીઓ ડાબી જમણી થતી હતી.

‘તમે મને સાંભળી શકો છો Mr. નિરવ, જો તમે મને સાંભળી શકતા હોવ તો બે વખત આંખ પટપટાવો.’ ડૉ અંકિતાએ વાંકા વળી નિરવનાં કાનમાં કહ્યું.
નિરવે પ્રતિસાદ આપવાનો પ્રયત્ન કર્યો પણ ડૉક્ટર અંકિતાની આ તરકીબ કારગર ન નીવડી. પણ નિરવે આંખ ઉઘાડીને પોતે Conscious હોવાનો પુરાવો તો આપી જ દીધો.
‘કંઈ વાંધો નહીં નિરવભાઈ, હું જે સવાલો પૂછું એનો મને ‘હા’ અને ‘ના’ માં જવાબ આપજો, ‘હા’ હોય તો તમારી બંને કીકીઓ જમણી બાજુ અને ‘ના’ હોય તો બંને કીકીઓ ડાબી બાજુ લઇ જજો.’

નિરવની લગભગ બધી જ હિસ્ટરી ડૉ અંકિતાએ આ અનોખી યુક્તિથી મેળવી અને અનેક સવાલો-જવાબોના તારણ સાથે ડૉ અંકિતાનું મેડિકલ ઇન્વેસ્ટીગેશન એ જ દિશામાં જતું હતું કે સલૂનમાં માલિશ કરવાના કારણે મગજમાં સંદેશા પહોંચાડતી એક ધમની ડેમેજ થઇ હશે.
‘You are Right ડૉ અંકિતા!’ Radiology ડીપાર્ટમેન્ટથી દોડીને આવતા ડૉ અર્પણે કહ્યું, ‘MRIનો રિપોર્ટ આવી ગયો છે, વર્ટેબ્રલ આર્ટરી ડેમેજ થવાના કારણે બ્રેન સ્ટેમ સ્ટ્રોક થયો છે.’
આ સંવાદથી ખુબ જ ડરી ગયેલ દીપેનભાઈથી કહેવાઈ ગયું, ‘મેડમ, Now only 12 hours to go for his wedding!’

નિરવની પરિસ્થિતિનું નિદાન થવાનો ડૉ અંકિતમાં હજુ તો થોડોક હાશકારો થયો હતો અને દીપેનભાઈના આ વાક્યના કારણે ડૉ અંકિતાની સ્થિર આંખોમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે ‘શું દિપેનભાઈ અને કોકિલાબેન આ આઘાત સહન કરી શકશે કે હવે માત્ર નિરવની આંખો જ એનું આખું શરીર છે!!!’


મૌલિક ‘વિચાર’

8 thoughts on “પ્રકરણ – 3 હોપસ્કોપ – મૌલિક નાગર

  1. Pingback: હોપસ્કોપ વાર્તા – 6 | "બેઠક" Bethak

Leave a reply to મૌલિક "વિચાર" Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.