એક સિક્કો – બે બાજુ :2) રામ અને ભરત મિલાપ- by Subhash Bhatt

જેમ એક જ સિક્કાને બે બાજુ હોય છે , તેમ એક જ પ્રસંગ કે પરિસ્થિતિને પણ બે જુદી જુદી રીતે જોનારા બે વર્ગ હોય છે જ . લગભગ બે દાયકા પૂર્વે અમારાં મિત્ર દંપતીને ત્યાં રામ કથાનું આયોજન થયેલ અને પહેલે જ દિવસે પચાસ ટકા વર્ગે મહારાજની વેશભૂષા બાબત નારાજ થયેલ , અમે પચાસ ટકા ભાઈઓ તો કથા , ભોજન અને ભજનથી ખુશ જ હતા , પણ સ્ત્રી વર્ગની બહુ મતિ(?) હોવાથી બીજે દિવસે મહારાજ શુદ્ધ ‘મહારાજ ‘ ના કોસ્ચ્યુમમાં આવેલ : ઝભ્ભો , લેંઘો અને ખભે ખેસ !
રામ વનવાસનો પ્રસંગ સરસ રીતે આલેખ્યો , અને ભરતને પણ મોસાળેથી પાછો બોલાવી લીધો હતો .પણ પ્રશ્ન થયો :
જો ભરત જેવો ભાઈ તો આખી દુનિયામાંયે મળવો દુર્લભ છે તો રામના રાજ્યાભિષેક વખતે એને કેમ ના બોલાવી લીધો ?
આમ જુઓ તો ભરત અને લક્ષમણ બંને રામની નજીક , પણ બંનેનું વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારનું હતું .
લક્ષમણનું પાત્ર કાયમ રામ મય ,કોઈ પણ જાતની સ્વની આશા અપેક્ષા વિનાનું , રામ પર જીવન ન્યોચ્છાવર કરી દે તેવું , રામનો પડછાયો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે ; જયારે ભરતનું પાત્ર રઘુ વંશને ગૌરવ અપાવવા , રાજ્યના નીતિ નિયમોને આધીન થઈને જીવન જીવવા પ્રેરે એવું છે.
એવા સમજુ ભરતને મોસાળે રહેવા દઈને રાજ્યાભિષેકની તૈયારીઓ થઇ રહી હતી ..
“વાસ્તવ રામાયણ” માં સીધું જ જણાવે છે કે રાજગાદી બાબત કોઈ ઝગડા ના થાય એટલે સમજીને જ ભરતને મોસાળે મોકલેલ !
શું ખરેખર આ વાત સાચી છે ? વાલ્મિકી કે તુલસીદાસ એ વિષે કશું કહેતા નથી !
સિક્કાની બીજી બાજુએ છે ! ચાલો જરા વિચારીએ :
કેકય પ્રદેશ જે પંજાબમાં આવેલ છે જેના ઉપરથી કૈકેયી નામ પડ્યું , જે ભરત – શત્રુઘ્નનું મોસાળ હતું ; ત્યાં આ રાજકુમારો નાના નાની ને મળવા ગયેલ ; છેક ત્યાંથી આ રાજકુમારોને બોલાવવાનું યોગ્ય લાગ્યું હશે નહીં !
આ સમાધાન વર્તી બીજી બાજુ થઇ .
પણ હું તો આ ભરતનાં પાત્ર સાથે ખેંચાઈ રહ્યો છું . એના જીવનમાં બધાંએ જે તે કહ્યા કર્યું છે ! બિચારા ભરતને કોઈ સમજીજ શકતું નહોતું !
ભરતને મોસાળેથી બોલાવવા માણસો જાય છે, પણ શા માટે એને બોલાવ્યો છે તેની એને ખબર નથી . જયારે એ અયોધ્યા આવે છે અને બધાં સમાચાર જાણે છે ત્યારે એ હૈયા વરાળ કાઢતાં કહે છે કે, “ પિતાજીએ રામને ઇક્ષવાકુ વંશનો રાજા ન બનાવ્યા તે સમજુ શકું છું કે એમાં પિતાજીની કોઈ નબળાઈ હશે ; રામને જંગલમાં મોકલ્યા , એ પણ ચાલો સમજી લઈએ કે કાંઈ કારણ હશે , પણ મને – મને રાજગાદીએ બેસાડવા ? મારા માટે ?
શું હું એવી રાજગાદી પર બેસીસ એમ એ માનતા હતા ?”
આ ભરતનાં જીવનની કરુણતા છે !
એક બાજુ ભરત આમ દુઃખ કરતો હતો , પણ દશરથે એના વિષે શું વિચાર્યું હતું ? વાલ્મિકી રામાયણમાં લખ્યું છે :
મૃત્યુ શૈયા પર છેલ્લા શ્વાસ લેતાં દશરથે વિચાર્યું ;
“ ઉન્માદો માતૃ દોષેણ , પિતૃ દોષેણ મૂર્ખતા !… આ ભરત એની મા જેવો ઉન્માદી અને બાપ જેવો મૂર્ખ હશે કે ! ! મારાં મૃત્યુ બાદ મારી અંતિમ ક્રિયા એની પાસે ના કરાવશો સ્વાર્થી પુત્રના હાથે !!!આ છે વિધિની વિચિત્રતા !
માણસો કેટલું ઊંધું અવળું સમજતાં હોય છે !
ભરતનાં હિત માટે માંએ રાજગાદી માંગી !
અને બાપે ભરતને સ્વાર્થી ગણી દિલથી અળગો કર્યો !
પણ કોઈએ ભરત શું માંગે છે , ભરત શું ઈચ્છે છે , ભરતનું શું માનવું છે – એ કોઈએ ના જાણ્યું , ના પૂછ્યું !
હું માનું છું કે આ ભરતની સ્થિતિ દુનિયાના બધાં જ ભરતોની છે ! બધાં જ પુત્રોની છે !
ભરત બીજી માતા કૌશલ્યા પાસે જાય છે .
કૌશલ્યા પણ વાંકુ બોલે છે : ભરત, ઈદમ તે રાજ્ય કામાય, લબ્ધમ રાજયમ અકષ્ટકમ!
લે ભરત ! આ રાજ્ય લે ; તેં જે રાજ્યની આશા રાખી હતીને , લે હવે તને સરળતાથી , કષ્ટ કર્યા વિના મળી ગયું છે !!!
ભરત રડી પડે છે ; માતાને કરગરીને સમજાવે છે કે મારું ગળું કાપી નાંખો , પણ આવાં કડવા વચન ના બોલો !
પણ વાચક મિત્રો ! આ ગેરસમજ , આ અવળી વિચારધારા ત્યાં અટકતી નથી .. બધાં જ એને સત્તા ભૂખ્યો , કપટી , લુચ્ચો ગણે છે !
માત્ર બે જ વ્યક્તિ ભરતને સાચી રીતે સમજી શકી છે !
માત્ર બે !
એનો અર્થ એ થયો કે બધાં પેલા સિક્કાની અવળી બાજુ જ જોતાં હતાં !
આ બે વ્યક્તિઓ છે : ગુરુદેવ વશિષ્ઠ અને મોટા ભાઈ રામ !
વશિષ્ઠે કૈકેયીને કહ્યું હતું કે તું ભારત માટે રાજ્ય માંગવાનું છોડી દે . તું ગમે તે કરીશ પણ ભરત કોઈ પણ સંજોગોમાં અયોધ્યાની ગાદી નહિ જ સ્વીકારે !
ને બીજા છે રામ ; જે ભરતને બરાબર ઓળખે છે !
ભરત રામને મનાવવા જવાની તૈયારી કરે છે; પણ લોકો બીજું જ કાંઈ સમજે છે !
જોકે એમાં બિચારાં લોકોનો કોઈ વાંક નથી . કિષ્કિન્ધામાં રાજગાદી માટે બે ભાઈઓ વાલી અને સુગ્રીવને ઝગડો હતો , અને એ જ રીતે લંકામાં પણ રાવણ અને વિભીષણ બે ભાઈઓ વચ્ચે રાજગાદી માટે ઝગડા થતા હતાં !
એટલે જયારે ભીલ પ્રજાના રાજા ગુહાને ખબર મળે છે કે ભરત મોટી ફોજ લઈને આવી રહ્યો છે ત્યારે એ શંકાથી એની હિલચાલ તપાસે છે .
પછી ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવે છે ત્યાં પણ એજ શંકા :
“કપટી, કાયર , કુમતિ , કુજાતી કહીં લોક બેદ બાહેર સબ ભાંતિ”- લોકો બસ એજ શંકાથી એને ખરાબ સમજે છે ! સ્વાર્થી , લાલચુ સમજે છે !
અરે સગો ભાઈ લક્ષમણ પણ દૂરથી આવતા ભરત અને અન્ય પ્રજાજનોને જોઈને શંકા અને ક્રોધ કરે છે ! આમ તો આ ચારે ભાઈઓ એક જ રાજમહેલમાં ઉછર્યા છે , શિક્ષણ પ્રાપ્ત કર્યું છે , અને છતાં લક્ષમણ બોલે છે કે આટલી મોટી સેના, હાથી ઘોડા વગેરે સાથે એ અહીં જંગલમાં કેમ આવ્યો હશે ? નક્કી રામને મારવા જ આવ્યો છે !
અને પછી રામ લક્ષમણને શાંત કરે છે : “ જો ન હોતા જગ જનમ ભરત કો સકલ ધરમ ધૂલ ધરનિ ધરત કો ..” જો ભરત જન્મ્યો ના હોત તો આ ઉમદા વ્યક્તિત્વ વિના ધરતી પર ધૂળવાળી ઝાંખી જ લાગતી હોત .. એમ ભરતની ખુબ પ્રશંશા કરે છે ..
અને પછી બીજી બાજુ ભરતને પણ શંકા થાય છે કે રખેને રામ લક્ષમણ અને સીતા પોતાને તિરસ્કારી દે તો ?
જો કે પછી એ અમર દ્રશ્ય સર્જાય છે : રામ અને ભરતનું મિલન !
એક બીજા માટે ગમેત્યારે , ગમે તે માની લેવું એટલે ગેરસમજ ઉભી થાય ! ખુલ્લું દિલ રાખ્યું હોય તો એ વાત ત્યાં સ્પષ્ટ થઇ જાય , પણ શ્રદ્ધા અને વિશ્વાસ વિના એ બધું નકામું ! અને અહીં આખરે તો એ ગેરસમજ દૂર થાય છે જ ; પણ દરેક વખતે એવું શક્ય નથી .
“ લક્ષ્મણ પહેલેથી જ રામાયણમાં કાચા કાનનો બતાવ્યો છે” ગીતાએ કહ્યું , “ બીજા બધાં ભૂલ કરે , પણ લક્ષમણ પણ ભરતને ઓળખી શક્યો નહીં ? ઇક્ષવાકુ વંશમાં તો સાત સાત પેઢીથી આદર્શ રઘુવંશીઓને દર્શાવ્યા છે , અને છતાંયે એ એવું નકારાત્મક વિચારે ?
રામ જેવી મહાન વ્યક્તિનો પડછયો બનીને રહેતા લક્ષમણને ભરત માટે એવી શંકા થઇ એ જ બતાવે છે કે એ ઉતાવળીયો હતો .” ગીતાએ કહ્યું !
“ એને ઉતાવળીયો કે અધીરિયો ના કહેવાય ;” મેં કહ્યું , “ એને હું અગમચેત્યો, સજાગ , વફાદાર , સમજુ અને શાણો નાનો ભાઈ કહું !” મેં કહ્યું ,” આ બધાં એક વફાદાર અંગ રક્ષકના લક્ષણો છે . જેના ઉપર અતિશય સ્નેહ હોય તેની સલામતી માટે ગમે તેવા વિચારો આવે તેમાં કોઈ વાંધો હું જોતો નથી !” મેં કહ્યું .
સ્વાભાવિક રીતે જ ગીતાને એની જ વાત સાચી લગતી હતી ! પોતાની વાતને વધુ મજબૂત કરવા એણે એમ પણ કહી દીધું ; “ ખરેખર આ રામાયણ ઉભું થયું તેના પાયામાં પણ લક્ષમણ જ હતો !! એક તો પોતાની પત્નીને મૂકીને મોટાભાઈ સાથે જંગલમાં નીકળી પડ્યો , અને સીતાહરણ થયું તેની શરૂઆત પણ લક્ષમણે જ કરી હતી ! શૂર્પણખાનું નાક કાપ્યું ના હોત તો રાવણ વાતમાં આવત જ નહીં !!”
હું એની વાત સાંભળીને સ્તબ્દ્ધ થઇ ગયો ! પણ હું મારી વાતમાં મક્કમ હતો !
તમે જ કહો , તમે શું માનો છો ?

4 thoughts on “એક સિક્કો – બે બાજુ :2) રામ અને ભરત મિલાપ- by Subhash Bhatt

 1. 🙏સમાજમાં દરેક વ્યક્તિ પોતની દ્રસ્ટી કોણ થી વિચારતી હોયછે રામાયનની રામાયણમાં પણ આવુજ છે પણ
  રામનો વિચાર પોઝીટીવ હતો
  નલિની ત્રિવેદી

  Liked by 1 person

 2. એક સિક્કાની બે બાજુની જેમ દરેક પરિસ્થિતિ કે વિચારને બે અલગ દૃષ્ટકોણથી જોઈ શકાય છે. રામાયણના માધ્યમથી તેનું સુંદર આલેખન કર્યું છે .

  Liked by 1 person

 3. Thank you Naliniben , Ritaben and those who called us – Madhuben , Nishaben ) રામાયણ જેવો વિષય છે એટલે આપણા એ દરમિક ગ્રન્થો ફરીથી ઉથલાવવાનો અવસર પ્રાપ્ત થયો એમ અમે માનીએ છીએ – ને એટલે આનંદ પણ બેવડો થાય છે !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.