પ્લેનની પહેલી મુસાફરી
કેટલા કેટલા વર્ષો જિંદગીના પસાર થઈ ગયા. મુવીના રીલની જેમ મારું મન પણ અતીતના ઊંડાણમાં ઊડી રહ્યું હતું. 2021 ની સાલમાં થી આપણે પસાર થઈ રહ્યા છીએ. આજની ટેકનોલોજીએ દુનીયા ને કેટલી નજીક લાવી દીધી છે. આજે નાના ગામડાના લોકો પણ દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે.પણ હું જે વાત કરવા માગું છું તે તો 1964 નવેમ્બર મહિનાની છે મારી પ્લેનની મુસાફરી કડી થી અમેરિકા આવતી પહેલી છોકરી અમારા ગામની હતી. મોટા ભાગે તો એ વખતે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર જતા.
મારા મંગેતર પણ અમેરિકામાં ભણવા ગયેલા લગ્ન કરી અમેરિકામાં સ્થાયી થવું એ વિચારી મને અમેરિકા બોલાવવાનો નિર્ણય કર્યો. ૧૯૬૪ની નવેમ્બર કેમ ભુલાય એક બાજુ મા બાપ ભાઈ બહેનો ,મિત્રો ગામ અને મારો દેશ એને છોડીને જવાનો, ત્યારે બીજી બાજુ નવો દેશ અને પતિને મળવાનો આનંદ, વિયોગ અને આનંદનાં ઝૂલામાં ઝૂલતી હું બોમ્બે એરપોર્ટ પર પહોંચી ગઈ.
મનમાં અસંખ્ય વિચારો હઝારો માઈલ દૂર એકલી જવાનું પ્લેન તો ઊડતુજ જોયેલું, અંદર થી કેવું હશે? ખાવાનું શું મળશે એનો તો ખ્યાલ જ નહોતો. આજે તો અમેરિકા આવતા લોકો નાસ્તાના ડબલા લઈને આવતા હોય છે. એ જમાનામાં મને યાદ છે કે મારી પાસે એવું કંઇ જ નહોતું .
પ્લેનમાં બેઠા પછી સીટ બેલ્ટ કેવી રીતે બાંધવો તે પણ ખબર નહોતી. મારી સાથેની સીટમાં બેઠેલા એક ગુજરાતી ભાઈએ મને શીખવ્યું. એરહોસ્ટેસ પૂછવા આવી શું પીસો? ચાય સિવાય બીજા કોઈ પણ પીણાંની ખબર નહોતી મને તો મસાલાવાળી ચા પીવાની ટેવ, જિંદગીમાં પહેલીવાર બ્લેક ટી ચાખીને મારું મોં કડવું થઈ ગયું. એ પછી તો ફૂડ ની ટ્રે આવી. ખોલીને જોતાં જ કંઈ જ ખબર નહોતી પડતી શું ખાવું. બાફેલા વેજિટેબલ્સ જોઈને જ મારું મ્હોં બગડી ગયું. આમ આપણા રામ ભુખ્યા તરસ્યા બેસી રહ્યા. મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું. શુ હું અમેરિકા જવાની ભૂલ તો નથી કરી રહીને? ઘરના બધા યાદ આવતા થોડી થોડી વારે આંખમાંથી આંસુ સરી પડતા જિંદગી ક્યા વળાંક પર જશે? એક અપરણિત છોકરી અમેરિકા એકલી જતી હોય ત્યારે કેટલી ભયની લાગણી મનમાં ચાલી રહેલી હોય છે તેની અનુભૂતિ માંથી હું પસાર થઇ રહી હતી.
વિચારોમાં ને વિચારોમાં ટોક્યો આવી ગયું ત્યાંથી મારે ફ્લાઇટ બદલવાની હતી બધા પેસેન્જરો ઉતરવા માંડયા. હવે શુ કરુ? તરત જ મને યાદ આવ્યું મારા કઝિન બ્રધરે એક ચિઠ્ઠી આપેલી અને કહેલું કોઈ પ્રોબ્લેમ થાય તો આ ચિઠ્ઠી એરહોસ્ટેસને બતાવજે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હેલ્પ મી આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ.. ચિઠ્ઠી એરહોસ્ટેસ ને આપતા જ એની મદદથી જે . ટર્મિનલ પર જવાનું હતું ત્યાં મને બેસાડી દીધી. મને તો બીક હતી કે હું પ્લેન ચૂંકી જઈશ તો? જે જાપાનીઝ છોકરી એ કહેલું કે પ્લેન આવશે ત્યારે પોતે આવીને મને મદદ કરશે એટલે મારી નજર તો એ છોકરીને શોધવામાં જ ફર્યા કરતી હતી મને તો બધી જ જાપાનીઝ છોકરીઓ ના મ્હોં સરખા જ લાગતાં.
મનમાં ખૂબ જ ગભરાટ થતો હતો. પણ મારા આશ્ચર્ય વચ્ચે ટાઈમ થતાં જ તે આવી અને મને પ્લેનમાં બેસાડી દીધી. મનને શાંતિ થઈ હવે પ્લેન નથી બદલવાનું સીધી લોસ એન્જલસ પહોંચી જઈશ.
લોસ એન્જલસ આવતા જ બધા પેસેન્જરો સાથે હું નીચે ઉતરી. બારણા આગળ જ મારા પતિ ને જોતા જ મારો બધો જ થાક અને ગભરાટનો અંત આવી ગયો. આ મારી પ્રથમ પ્લેનની મુસાફરી નો અનુભવ. વિચારું છું કે આજની આટલી બધી ટેકનોલોજી જાણ્યા પછી શું પહેલી વાર અમેરિકા આવતા લોકોને આવી મુશ્કેલી અને મનોમંથનમાંથી પસાર થવું પડતું હશે?
કુમુદ પરીખ –kumudpari@gmail.com
કુમુદબેન,
પહેલી વાર ભારતથી અમેરિકા સુધીની પહેલી વારની મુસાફરી દરમ્યાન લોકોને આવી અનેક
મુશ્કેલી અને મનોમંથનમાંથી પસાર થવું પડતું હોય છે. તમારી આ વાત કદાચ ઘણાં બધાને પોતાની લાગશે.
સાવ સરળતા અને સ્વભાવિકતાથી તમારી વાત મૂકી છે.
બેઠક- શબ્દોના સર્જન પર તમારા અનુભવની અનુભૂતિ જાણવાનું રસપ્રદ રહેશે.
LikeLike
રાજુલબેન ખૂબ આભાર.
LikeLike