એક સિક્કો – બે બાજુ : 1) રામાયણનીયે રામાયણ ?

એક જ પ્રસંગ , એક જ પરિસ્થિતિ ; અને છતાં બે વ્યક્ત્તિ એને કેટલી જુદી રીતે મૂલવે છે !એવું જ બન્યું અમારાં જીવનમાં :
ત્યારે અમે શિકાગોમાં રહેતાં હતાં. ભયંકર ઠંડીના દિવસો હતા . બહાર હિમ વર્ષા થઇ રહી હતી પણ અમારી ગાડીમાં ગરમી હતી , અને કારણ માત્ર પેલું ગાડીમાંનું હીટર જ નહોતું !
અમારાં મિત્રે પોતાનાં ઘરે રામાયણ કથા બેસાડી હતી અને બે એક ડઝન જેટલાં મિત્ર કુટુંબોને આમંત્રણ આપ્યું હતું . એટલે અમે બધાં એક વિશાળ પરિવારની જેમ રોજ ભેગાં થઈને અઠવાડિયું આનંદ કરવાનાં હતાં ! અને એ રામ સપ્તાહનો પહેલો જ દિવસ હતો.
“ મને તો બધાં મિત્રોને મળીને બહુ જ મઝા આવી !” સાંજે પાછાં વળતાં સુભાષે કહ્યું .
મિત્રોને અને તેમનાં પરિવારને મળવાની અને આખો દિવસ ખાવા પીવાનીયે ચિંતા કર્યા વિના નિશ્ચિંન્ત રહીને રામકથા સાંભળવાનો આનંદ મને પણ હતો જ ; પણ –
“ પણ ? પણ શું ? મને તો ક્થામાંયે મઝા આવી , મિત્રો સાથેય મઝા આવીજમવાનું અને ચા પાણી બધું જ સરસ લાગ્યું .” એણે કહ્યું .
“ કથાકાર મને બહુ અસરકારક ના લાગ્યો – સોરી , મને તો એની કથા કહેવાની સ્ટાઇલ જ ના ગમી .” મેં મારુ મંતવ્ય આપ્યું. “શું એણે – સોરી – “એમણે” વાલ્મિકીનું રામાયણ વાંચ્યું હશે ? મને તો એ ભાઈ એટલા વિદ્વાન ના લાગ્યા .”
“ શું ફરક પડે છે એ મહારાજે વાલ્મિકી રામાયણ વાંચ્યું હોય કે નહીં , તુલસીદાસનું રામાયણ વાંચું હોય કે નહીં ; અરે એમણે સંસ્કૃતમાં પી એચ ડી કર્યું હોય કે ઈકોનોમિકક્ષમાં બી એ , શું ફેર પડે છે ? ,એ કદાચ એના ઘરનો ધંધો હોય તેમ માત્ર બાપ દાદાને સાંભળીને એમની જેમ કથા કરતા હોય તોયે આપણને શું ?આપણને તો રામ સીતાની વાર્તામાં રસ છે ને ?”સુભાષે કહ્યું .
આમ તો વાત બરાબર હતી :
રામાયણ એટલે રામની વાર્તા. દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી અને ચાર પુત્ર હતા વગેરે વગેરે ..
પણ એ યુવાન કથાકારને એવી વાતોમાં રસ જ ક્યાં હતો ?એમણે તો શરૂઆત કરી હતી :
“ આજે જ્યાં ઉત્તર પ્રદેશ છે ત્યાં સરયૂ નદીને કિનારે અયોધ્યા શહેર છે , ને પછી ત્યાંથી નીકળીને , ગંગા નદી પાર કરીને રામ લક્ષમણ અને સીતા એ ત્રિપુટી પ્રયાગ આવે છે ત્યાં ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રહે છે ને એમના કહેવાથી ચિત્રકૂટ -મધ્ય પ્રદેશ -જાય છે કે જ્યાં ભરત રામને પાછા બોલાવવા આવે છે .. ત્યાં જ રામ અત્રિ ઋષિને અને સતી અનસુયાને મળે છે અને ત્યાંથી પછી રામ ત્રિપુટી આજે જ્યાં નાસિક છે ત્યાં પંચવટી આશ્રમમાં આવે છે . અહીં તેઓ અગ્યાર વર્ષ રહે છે , પછી ત્યાંથી આંધ્ર પ્રદેશ તરફ જાય છે જ્યાં જટાયુ મળે છે , પછી કર્ણાટક બાજુએ જાય છે જ્યાં કિષ્કિન્ધા – એટલેકે હાલનું હંમપિ નામનું ગામછે ત્યાં સુગ્રીવને મળે છે ત્યાંથી ……..આને રામ કથા કહેવાય કે પ્રવાસ કથા ?” મેં અકળાઈને પૂછ્યું . “આખો નકશો ચિતરી દીધો !”
“ લે , મને તો એ બહુ જ ગમ્યું !” સુભાષે કહ્યું : “ રામ વનવાસનો આખો ચિતાર આવી ગયો ! એ તો જેવો જેનો રસનો વિષય ! આ કથાકાર બચુ મહારાજ હજુ થોડાજ વર્ષ પહેલાં અહીં આવ્યા છે ; યુવાન છે અને ભવિષ્ય બનાવવા માંગે છે . મોટલમાં નોકરી કરે છે એટલે કદાચ ભવિષ્યમાં પોતાની પ્રવાસ -પર્યટનની કંપની પણ શરૂ કરે ! એ તો સારું જ છે ને ? એ એમનો રસનો વિષય લાગે છે !” સુભાષે કહ્યું .
સુભાષને જે ગમતું હતું એ જ તો મને અણગમતું , અયોગ્ય લાગતું હતું !
“ વ્યાસપીઠનું ગૌરવ, ધર્મની અનુભૂતિ એવું મને ના દેખાયું !” મેં બળાપો કર્યો .
વ્યાસપીઠ પર ઝભ્ભો અને ધોતિયું પહેરીને , ખભે ખેસ નાખીને , કપાળે ઉભું – આડું તિલક કરીને કે ગળામાં માળા, કપાળે ગોળ ચાંલ્લો ને કંકુ ચોખા સાથે હરિ ૐ હરિ ૐ કરતા વિદ્વાન કથાકારોને જ કથા કહેતાં જોયેલ એવી હું સામાન્ય વસ્ત્રધારી કોઈ જુવાનિયાને રામકથા કહેતા સ્વીકારી શકવા અસમર્થ હતી , એક બાંધેલ વિચારની બહાર જોવા તૈયાર નહોતી જ !
“ રામકથા ધર્મના તાંતણે બંધાઈ છે” મેં કહ્યું : “ ધર્મ એટલે શ્રદ્ધાનો વિષય ! અમુક પ્રકારના વસ્ત્ર વગેરે શ્રદ્ધા અને આસ્થા ઉભા કરે છે. રામાયણની કથા બધાંને ખબર હોય જ , પણ અમુક પ્રસંગો અમુક રીતે સાંભળવા આપણે ટેવાયેલાં હોઈએ છીએ એટલે આ ભૂગોળના નકશાની જેમ આપેલી માહિતી નકરી પ્રવાસની રૂપરેખા જેવી લાગે છે ! અને પ્રવાસ એટલે જીજ્ઞાષા – કુતુહલ નો વિષય . આપણે ધર્મ લાભ લેવા ભેગાં થઇએ છીએ . તમે ક્યાં આશયથી રામકથાનું આયોજન કરો છો તે મહત્વનું છે .” મેં મારુ ડહાપણ ડહોળ્યું .
“ આપણે બાળકોને દેશમાં ફરવા લઇ જઈએ તો એને યાત્રા કહેવાય કે પ્રવાસ ?” સુભાષે પ્રશ્ન કર્યો .
“ નાનાં બાળકોમાં જીજ્ઞાષા અને કુતુહલ હોય એટલે બાળકોને પ્રવાસે જ લઇ જવાય – એમ કહેવાય , યાત્રા કરાવવા નહીં ! મેં સીધું જ સમજાવ્યું .
“ પણ પ્રવાસમાં આપણે બાને પણ સાથે લઇ જવા હોય તો એ પ્રવાસ કરવા તો સાથે ના જ આવે ને ? એમને તોસમજાવવું જ પડે ને કે રામ અયોઘ્યામાંથી વનમાં ગયા ત્યારે ક્યાં રહ્યા , કેવી રીતે ગયા વગેરે જાણવા , અમે રામના ચૌદ વર્ષના વનવાસ પ્રયાણની યાત્રા કરવા જઈએ છીએ , બા તમે પણ એ યાત્રામાં સાથે જોડાશો તો ખુબ પુણ્ય મળશે ?” સુભાષે સમજાવ્યું.
એક જ સિક્કાની બે બાજુ જેવા અમે પતિપત્ની ! આ રીતે , તે દિવસે તો ‘દેશ જઈશું અને બાળકોની સાથે દાદા બાને પણ સાથે લઈને પ્રવાસ – યાત્રા – કે મુસાફરી -જે કહો તે – પણ દેશની મુલાકાતે જઈશું અને દેશ , સંસ્કૃતિ અને સમાજ વચ્ચે થોડો સમય વીતાવશું’ એ વિચારે ખુશ થઇ ગયાં!
પણ હા , પેલા યુવાન ડબલ જોબ કરતા કથાકાર મહારાજની રામાયણની રામાયણ બીજા દિવસે યે ચાલુ જ રહી !
અલબત્ત આ વખતે એમણે યાત્રા કે પ્રવાસની ઝંઝટમાં પડ્યા વિના સીધું પતિવ્રતા સીતાજી ને જ અડફટમાં લીધાં… પણ આશ્ચર્યની વાત તો એ છે કે સુભાષને એમાંયે કાંઈ વાંધો દેખાતો નહોતો !
જે વસ્તુમાં મને વાંધો પડે , જે મને ખુંચે એ જ વસ્તુ સુભાષને જરાયે વાંધાજનક તો ના લાગે પણ એ યોગ્ય જ લાગે !
હું જો ગ્લાસ અડધો ખાલી જોઉં , તો એ એજ ગ્લાસને અડધો ભરેલો જુએ !
પણ એ ભિન્ન દ્રષ્ટિકોણથી તો સિક્કાની બે બાજુ બંધાય છે અને સો ટચનો સોનાનો સિક્કો રચાય છે !
હા , એક સિક્કાની બે બાજુ જેવા અમારાં દ્રષ્ટિકોણ !
રામાયણની યે રામાયણ રચાઈ ગઈ બીજા દિવસે !
પણ એ વાત આવતે અંકે !

7 thoughts on “એક સિક્કો – બે બાજુ : 1) રામાયણનીયે રામાયણ ?

 1. એક સિક્કાની બે બાજુ જેવા અમારાં દ્રષ્ટિકોણ….
  ગીતાબેન આજે તમારી આ બે બાજુ જેવા દ્રષ્ટિકોણની વાત વાંચીને એવું લાગે છે કે આ સમગ્ર સંસારની સમસ્યા છે. મોટાભાગે પતિ અને પત્ની માટે એવું કહેવાય છે કે પહેલીવારમાં તો એક હા કહે તો બીજુ ના જ પાડે.
  અંતે તો એકના એક..

  તમારા અને સુભાષભાઈના અલગ દ્રષ્ટિકોણથી જોવાતી રામાયણમાંથી ઉદ્ભવતી રામાયણની શરૂઆત તો થઈ હવે એનો અંત શું આવે છે એની રાહ જોઈશું.

  Liked by 1 person

 2. ઘર ઘરકી કહાની ! અંતે તો એકના એક!
  એક વખત ઉમાશંકર જોશીએ ક્યાંક કહ્યું હતું કે ; “ ઉભયની ગુપ્ત વાતોને કવનનું નામ દઈ દેશું !” બસ ! આ કોલમ કદાચ એવું જ કાંઈ કહી દેશે ! આવતા અંકની વાત સુભાષે પોતે લખી દીધી જ છે ! અને by the way , આ હકીકત ૧૯૯૮-૯૯ના સમયની છે , થોડા સાહિત્યના શણગાર સાથે અમે મઠારી છે !
  આભાર રાજુલબેન !

  Like

 3. રામાયણીની રામાયણ માં સમયના પરિવર્તન ની વાત દ્રષ્ટિ દેખાય જે તમારા અને સુભાશભાઈ ના વિચારો એ દર્સા વિછે સરસ છે નલિની ત્રિવેદી

  Liked by 1 person

 4. ગીતાબહેન,ખૂબ સરસ વિષય લઈને આવ્યા છો. સિક્કાની બંને બાજુ જોવાની અને જાણવાની મઝા આવશે.મને તો પેલું ગીત યાદ આવી ગયું “હમ ઔર તુમ ,તુમ ઔર હમ ,ખુશ હૈ યું આજ મિલકે,જૈસે કીસી સંગમ પર મિલ જાયે દો નદિયાઁ…””

  Liked by 1 person

 5. Thanks friends Naliniben , Jigishaben and Alpa , Rajulben and all.. ! જીવન માટે કહેવાયું છે ને કે થોડું હસવું , થોડું હસાવવું અને થોડું હસવામાં કાઢવું ! Now don’t ask me who said that ; but it works – most of the time ..😁

  Like

 6. ગીતાબેન અને સુભાષભાઇ
  તમારો પહેલો અંક રામાયણનીયે રામાયણ બંને સાથે મળીને ખુબજ સુંદર રીતે રજુ કર્યું છે ખુબખુબ ધન્યવાદ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.