૧ ‘વાર્તા અલકમલકની’- રાજુલ કૌશિક

અપરિચિતા-રવીન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથ ટાગોર.. ભારતીય સાહિત્યમાં ઉચ્ચ શિખરે કાયમ થયેલું નામ. રવીન્દ્રનાથ ટાગોર વિશે અને એમની સાહિત્યકૃતિ વિશે વાત કરવા બેસીએ તો પાનાં ભરાય પણ આજે તો વાત કરવી છે એમની એક વાર્તાની-‘અપરિચિતા’.

બંગાળી અને ગુજરાતી સાહિત્ય વાંચનાર માટે આ વાર્તા કદાચ અજાણી નહીં હોય પરંતુ ક્યારેક કાળક્રમે ઘણા સમય પહેલાં વાંચેલી વાત ભૂલાઈ પણ જાય. આ વાર્તામાં એક એવી બંગાળી યુવતીની વાત છે જે ત્રાજવે તોલાયેલા પિતાના સન્માન અને પોતાનાં સ્વમાન માટે એવા સંબંધને ભૂલીને સ્વયંસિદ્ધા બની રહે છે જ્યાં એ પરણીને પોતાનો સંસાર વસાવશે એવું સપનું જોયું છે.

આ વાર્તાનું નામ કે જેને ઉદ્દેશીને  “અપરિચિતા” અપાયું છે એ શીર્ષકને સાવ સ્વભાવિકતાથી કે સાવ ઉપરછલ્લી રીતે લઈ શકાય એમ નથી. આ ‘અપરિચિતા’માં કોઈ અજાણી વ્યક્તિની વાત નથી. આ એક યુવતીની પ્રકૃતિના, આત્મ સન્માનના, સ્વાભિમાનના અજાણ્યા પાસા વિશેની વાત છે.

વાર્તાના નાયક અનુપમ અને એની વિધવા માતાને મામાજીની ઓથ છે. મામાજીના પ્રભાવ અને વર્ચસ્વ તળે દબાયેલા અનુપના લગ્ન માટે યોગ્ય કન્યાની વાત આવે છે.  કલ્યાણી એના સંસ્કાર, ભણતરને લઈને અનુપને યોગ્ય જ હોવા છતાં મામાજીની વ્યહવારુ નજર જરા વધુ ચોકસાઈ માંગતી હતી. આ ચોકસાઈ એટલે સો ટચનાં સોનાના ભારથી લદાયેલી કન્યા જે સાસરિયાના પ્રભાવ હેઠળ દબાયેલી રહીને નત મસ્તકે ઘરનું કામ ઉપાડી લે.

કલ્યાણીના પિતા શંભુનાથની આર્થિક ઘસાતી જતી હતી પણ કલ્યાણીને સોને મઢી શકાય એટલું સોનુ તો એમણે સાચવી રાખ્યું હતું. મામાજીને આ વાતની ખાતરી જોઈતી હતી. મામાજીને ખાતરી કરાવવા માટે  લગ્નવેદી સુધી પહોંચતા પહેલાં કલ્યાણીના અંગ પરથી સોળ શણગાર ઉતારાયા અને મામાજીની સાથે આવેલા સોની મહાજનની નજરે પરખાયા. ખરેખર દાગીનામાં તો કોઈ કસર નહોતી. એ દાગીના સો ટચના સોનાના જ સાબિત થયા. શંભુનાથજી આર્થિક રીતે કદાચ ઘસાઈ ગયા હતા તે છતાં સંસ્કાર અને ખાનદાનીમાં પરખ કરેલા કલ્યાણીના દાગીનાની જેમ સો ટચનું સોનુ હતા. સોની મહાજનનું કહેવું હતું કે આજના સમયમાં આવા ઉચ્ચ કોટીના દાગીના મળવા મુશ્કેલ હતા એટલું જ નહીં મામાજીની માંગણી કરતા ઘણાં વધારે વધારે હતા.  મામાજીને ખાતરી થવાની સાથે એમણે અનુપ અને કલ્યાણીના લગ્ન માટે મંજૂરી આપી દીધી પણ હવે આ લગ્ન શંભુનાથજીને મંજૂર નથી કારણકે જે સંબંધનો પાયો જ અવિશ્વાસની બુનિયાદ પર રચાયેલો હોય ત્યાં દીકરી કેવી રીતે સુખી રહી શકે? અનુપ સાથેનો વિવાહ સંબંધ તોડવામાં કલ્યાણીની સંમતિ હશે એમ માની લઈએ.

એ ઘટનાને વર્ષો પસાર થઈ જાય છે. હુગલી નદીમાં ઘણા નીર વહી ગયા છે અને એક દિવસ અચાનક ટ્રેનમાં અનુપની કલ્યાણી સાથે મુલાકાત થાય છે. લગ્નના મંડપેથી પાછો ફરેલો અનુપ અત્યાર સુધી ફરી ક્યારેય કલ્યાણીને મળ્યો નહોતો. માત્ર એકવાર એનો ફોન પર અવાજ સાંભળ્યો હતો જે એના અંતરના ઊંડાણમાં, એની યાદદાસ્તમાં કાયમ માટે જડાઈ ગયો હતો.

ટ્રેનની મુલાકાત દરમ્યાન અનુપને  કલ્યાણીના તેજ તોખાર જેવા મિજાજનો એક અલગ અંદાજે પરિચય થાય છે. એ સમય હતો જ્યારે ભારત પર ગોરાઓની હકૂમત હતી. ટ્રેનના કંપાર્ટમેન્ટમાં અનુપ એની મા સાથે બેઠો હતો એ જ કંપાર્ટમેન્ટમાં અનાયાસે કલ્યાણી પણ આવીને ગોઠવાય છે. એની સાથે કેટલીક નાનકડી બાળાઓ હતી. થોડા સમય પછી એક ગોરો ઓફિસર આવે છે. એને આ જ કંપાર્ટમેન્ટમાં બેસવું છે એટલે એ અનુપ, એના મા, બાળકીઓ સહિત બેઠેલી કલ્યાણીને કંપાર્ટમેન્ટ ખાલી કરવાનો હુકમ કરે છે. કંપાર્ટમેન્ટનું રિઝર્વેશન ન હોવા છતાં એ પૂરેપૂરા અમલદારીના તોરથી અહીં બેસવાની પોતાની જીદ પકડી રાખે છે.

મામાજીના આશરે જીવવા ટેવાયેલા, સંજોગો સામે નમતું જોખવા ટેવાયેલા  અનુપ અને એની માને કદાચ આ સંજોગો સામે નમતું જોખવામાં સમસ્યા નથી લાગતી પણ કલ્યાણી જરા જુદી પ્રકૃતિની હતી. એ બ્રિટિશ સેનાના અધિકારીની ખોટી દાદાગીરી સામે અડીખમ ઊભી રહે છે. આ ઘટનાથી કલ્યાણીના સાવ અજાણ્યા પાસાનો અનુપને પરિચય થાય છે. અહીં કલ્યાણીના બાળકીઓ તરફના  સ્નેહાળ વર્તન, ગોરા અમલદારની ખોટી વાતને પડકારવાની સ્વસ્થતા અને સ્વતંત્ર મિજાજનો  વાચકની જેમ અનુપને પણ પરિચય થાય છે.

આ આખી વાર્તામાં જ સૌથી વધુ સ્પર્શી જાય એવું પાત્ર હોય તો એ કલ્યાણી તો છે જ પણ સાથે એના પિતા શંભુનાથનું પાત્ર પણ હંમેશ માટે યાદ રહી જશે.

સામાન્ય સ્થિતિના શંભુનાથ ધન, યશ, પદ, પ્રતિષ્ઠામાં મામાજીની બરોબરી કરી શકે એમ નહોતા પણ તેમ છતાં ઘર આંગણે અનુપની જાન લઈને આવેલા મામાજી અને મહેમાનોનો ખૂબ ભાવથી યોગ્ય આદર સત્કાર કરે છે પણ પછી મામાજીના આઘાત અને આશ્ચર્ય વચ્ચે શંભુનાથજી એ ઘરમાં પોતાની દીકરી પરણાવવાની અસંમતિ દર્શાવી દે છે. જે ઘરના મુખિયા દીકરીને આપવાના દહેજ માટે પિતા પર શંકા કરે એવા ઘર અને પરિવાર સાથે કલ્યાણીને પરણાવવા શંભુનાથજી જરાય તૈયાર નહોતા. કદાચ એ સમયે કન્યાના પિતાનું આ મક્કમ વલણ દ્રુષ્ટતામાં ખપ્યું હશે કારણકે દીકરીનો મધ્યમવર્ગી બાપ આ હિંમત કરી શકે એવો એ સમય જ નહોતો.

આ વાર્તાનો નાયક અનુપ એક એવો યુવક છે જેનો પોતાનો કોઈ અવાજ નથી. મામાજીના પ્રભાવ હેઠળ જીવવા ટેવાયેલા અનુપ પાસે પોતાના કોઈ વિચારો કે પોતાનું અલગ બાહ્ય વ્યક્તિત્વ નથી, હા આંતરિક ભાવવિશ્વ, આંતરિક વ્યક્તિત્વ અકબંધ છે જેમાં એના મનમાં કલ્યાણી માટે અનન્ય ભાવ છે પણ બાહ્ય રીતે વ્યકત થવામાં, કલ્યાણીને એની પ્રતીતિ કરાવવામાં પાછો પડ્યો છે. એ લગ્ન સમયની ઘટના અંગેની શર્મિંદગી અને પશ્ચાતાપ અનુભવતો હતો. એ સમયે મામાજીના અણછાજતા વ્યહવાર સામે એ હરફ સુદ્ધાં ઉચ્ચારી શક્યો નહોતો આ બાબાત એણે કલ્યાણીને ઉદ્દેશીને પત્રમાં લખી હતી પણ એ પત્ર કલ્યાણીને આપી શક્યો નહીં.. બુદ્ધિશાળી હોવા ઉપરાંત વિચારશીલ, લાગણીશીલ અને સંવેદનશીલ હોવું એ ઉત્તમ ગુણ છે પણ એક પુરુષ તરીકે એની અત્યંત મૃદુતા, ખોટી વાત સામે વિરોધ ઉઠાવવાનો અવાજ સુદ્ધા ન હોય એવી એની પ્રકૃતિથી અનુપ કાપુરુષ તરીકેની અસર વાચકનાં મન પર છોડે છે.

અકસ્માતે ટ્રેનમાં મળી ગયેલી કલ્યાણી પાસે ફરી જ્યારે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે એની આંતરિક ભાવનાનો પરિચય થાય છે.. લગ્ન સમયે મામાજીના બેહુદા વર્તનના લીધે એ આજ સુધી શર્મિંદગી અનુભવી રહ્યો છે. મામાજી સાથેના સંબંધમાંથી મુક્ત થઈ ગયો છે. બધુ જ છે પણ તેમ છતાં કલ્યાણી એની સાથે વિવાહ સંબંધથી જોડાવા તૈયાર નથી. એની દ્રઢ માન્યતા છે કે સંબંધ પ્રેમથી બંધાયેલા હોય પશ્ચાતાપથી નહીં.

કલ્યાણી તો એ સમયની ઘટનાને ભૂલીને આગળ નીકળી ગઈ છે. એ માને છે કે જીવનમાં અનેક બાબતો વિવાહથી વધુ મહત્વની છે. લગ્નવેદી પહેલાં બની ગયેલી ઘટના માટે અનુપને દોષિત કરાર આપવાના બદલે એ એનો આભાર માને છે કે એ એક સંકુચિત સંબંધમાંથી બહાર આવી. એને જીવનનો નવો ઉદ્દેશ, નવી દિશા સાંપડી હતી. હવે એ એક નવજીવનમાં એવી વ્યસ્ત થઈ ગઈ છે જેમાં એ કોઈ એક વર કે ઘરની જવાબદારીના બંધનમાં બંધાયેલી નથી. હવે જે જવાબદારીનું બંધન છે એ અન્યના કલ્યાણભાવ માટે અત્યંત સમજપૂર્વક સ્વીકારેલું બંધન છે જેમાં એ મુક્ત રહીને ઉડાન ભરી શકે છે અને અન્યને ઉડવા મુકત આકાશ આપી શકે એમ છે. એના જીવનમાં હવે કોઈ એવા નવા સામાજિક સંબંધો માટે અવકાશ નથી કે નથી આવશ્યકતા. કલ્યાણી પરિપૂર્ણ સ્વરૂપે વિકસી છે. અનાથ છોકરીઓની આંખમાં સપના સજાવવા, એ સપના સાકાર કરી શકે એના માટે એમને તૈયાર કરવા એ કટિબદ્ધ બની છે.

અને મોટાભાગે બનતું નથી એમ આ ‘અપરિચિતા’માં બને છે. અહી અનુપ કલ્યાણીના યજ્ઞનો એક અંશ બની રહેવાનો નિર્ણય કરે છે. અનુપ કલ્યાણી એને સ્વીકારશે એવી આશા કે અપેક્ષા વગર એનું સપનુ સાકાર કરવા કલ્યાણી સાથે કાયમ માટે જોડાઈ જાય છે. આ કથામાં અનુપ કદાચ પહેલી વાર એક સમજદારીભર્યું વલણ અપનાવે છે. “ નદીના બે કિનારા ક્યારેય મળતા નથી પણ સતત સમાંતર વહી તો શકે છે.”  એમ વિચારીને એ કલ્યાણીના કલ્યાણ પથમાં સમાંતર વહેવાનો નિર્ણય કરે છે.

કલ્યાણી, અનુપ. શંભુનાથના આંતરિક અને બાહ્ય વ્યક્તિતત્વની ઓળખ સમી ‘અપરિચિતા’નું એક સબળ પાત્ર મામાજી છે જેમની અંહકારી, તુમાખીભરી પ્રકૃતિથી આ વાર્તાના અન્ય પાત્રો વધુ અસરકારક રીતે ઉપસી આવે છે.

રવિન્દ્રનાથ ટાગોરની કોઈપણ વાર્તા વિશે કહેવા માટે આપણા શબ્દો અને પનો ટુંકો પડે તેમ છતાં આ વાર્તામાં મને જે ગમ્યું છે, મને જે સ્પર્શ્યું છે એ અહીં રજૂ કર્યું છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

7 thoughts on “૧ ‘વાર્તા અલકમલકની’- રાજુલ કૌશિક

 1. ખૂબ સુંદર શરુઆત કવિવર ટાગોરની ખૂબ પ્રેરણાદાયી વાર્તાથી.હવે અમને જુદી જુદી ભાષાઓ,સાહિત્ય અને સંસ્કૃતિની
  વાર્તાઓ જાણવા મળશે.ખૂબ ખૂબ શુભેચ્છા.

  Liked by 1 person

  • આભાર જિગીષા,
   આશા તો છે કે આવા વિવિધતામાં એકતા જેવી આપણી સંસ્કૃતિના, આપણા સાહિત્યના અમૂલ્ય મોતીથી થાળ સજાવી શકું

   Like

 2. ખૂબ સુંદર કથાવસ્તુની એવી જ સુંદર રજૂઆત. સાહિત્યની વિવિધ કૃતિઓને માણવાનો ઇંતેજાર રહેશે.

  Liked by 1 person

 3. રાજુલબેન ! સરસ વાર્તા પસંદ કરી ! લેખક પણ મહાન : રવીન્દ્રનાથ ટાગોર ! જે સ્થળ , સમય અને પરિસ્થિતિમાં વાર્તા લખાઈ છે તેનાથી તદ્દન ભિન્ન સ્થિતિ અને સંદેશ આપતી આ વાર્તા ટાગોરનું આંતર મન પ્રગટ કરે છે ! જે નથી , પણ જે હોવું જોઈએ એ અભિલાષા વ્યક્ત કરતી આ વાર્તા ! ને દુઃખની વાત તો એ છે કે એ સમયે , એ સમાજ સ્ત્રીને એક કિંમતી જણસ – ચીજ સમજીને સાચવતો હતો ! એ દ્રષ્ટિએ લેખકની ભવિષ્ય પ્રત્યેની આશા પણ વર્તાય છે ! Waiting for the next one..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.