મિત્રો સ્પંદનની કોઈ ભાષા હોય ખરી ? અહેસાસ પછીના સ્પંદન થકી શબ્દો સર્જાય કારણ કે દરેક સ્પંદનમાં વિશિષ્ટ ઊર્જા છે ! દરેક સર્જક આવા સ્પંદન થકી પોતાના શબ્દો સર્જતો હોય છે એ ‘શબ્દ’ વાંચનારના મન, બુદ્ધિ અને ચિત્તને સ્પર્શીને અનોખા પ્રકારનું સ્પંદન જગાવે છે. મિત્રો રીટાબેન એમની નવી શ્રેણીમાં એમણે અનુભવેલી સંવેદનાને શબ્દ સ્વરૂપ આપી લઈ આવ્યા છે. આપણે તો માત્ર શબ્દમાં રહેલા ભાવને પામવાના છે. આપણે એમના શબ્દો દ્વારા મર્મને, એમની ઉક્તિના હાર્દને પામવા છે. હદયમાંથી જે શબ્દ આવે છે, એનો ભાવ ન્યારો હોય છે, કેમ કે એ ‘શબ્દ’ વાંચનારના મન, બુદ્ધિ અને ચિત્તને સ્પર્શીને અનોખા પ્રકારનું સ્પંદન જગાવે છે. કહેવાય છે કે “સર્જન કોઈ ખાસ પળે નથી થતું પણ જે પળે સર્જન થાય એ પળ જ ખાસ બની જાય છે ” આજ રીતે રીટાબેને કહે છે કે હું … કેવી રીતે લખીશ – એ વિષે બહુ વિચાર્યું નથી. મારા અંતરના સ્પંદનોનું શબ્દોમાં હું આલેખન કરતી રહીશ . તમે માત્ર વધાવજો .હું વધુ કહું અને તમે વાંચો એના કરતા આવતા શુક્રવાર સુધી રાહ જુઓ. મને ખાતરી છે તમને આ શ્રેણી ગમશે.
આ જુુઓ, લેખિકા શું કહે છે ?
મિત્રો, મારા શબ્દો અહીં સ્ફુર્યા છે સ્પંદન થકી. આ શ્રેણી એ મેઘધનુષ છે. તેમાં ઘણા બધા રંગોનો સરવાળો પણ છે અને ગુણાકાર પણ. સ્પંદન એ જ્ઞાન નથી,અનુભવ છે; દિમાગ નહી, પણ દિલની ભાષા છે. ચિત્રકાર, ગીતકાર અને સંગીતકાર કે ગાયકની સફળતાનું રહસ્ય પણ સ્પંદન જ છે. લેખક અને વાચકના સંબંધનો સેતુ પણ સ્પંદન જ છે . મોનાલિસાના રહસ્યમય સ્મિતને જોતાં જોતાં આપણી આંખોના ચમકારમાં કોઈ સ્મિત સર્જાય તો એ પણ એક સ્પંદન. છે. રાધાકૃષ્ણની મૂર્તિ જોતાં જો તમને કોઈ વેણુનાદ સંભળાય તો તે પણ સ્પંદન, સોનેરી શમણાંની વાતો જો તમને ક્યારેક ખળ ખળ વહેતા ઝરણામાં સંભળાય તો તે પણ સ્પંદન. માનવ ખુદ એક સ્પંદન છે – સમયનું – કુદરતનું – ઈશ્વરનું. તો આવા સ્પંદનોની રસગાથા મારી સ્વરચિત કાવ્ય પંક્તિઓ સાથે લઈને હું આવું છું…
અહેસાસ છે ત્યાં સ્પંદન છે,
સ્પદંન મને સાંધે મારા શબ્દ સાથે.
કાળા અક્ષર કાગળ ઉપર
એકાદ લસરકો ઉજાસનો આંકી શકું જો હું,
તો ઊઘડે રસ્તો કદાચ.મારો, તમારો, આપણો.
અહેસાસ સ્પર્શની એક ભાષા છે. જે સ્પર્શી જાય તે સ્પંદન જગાડે. પ્રેમના સ્પંદન, વહાલના સ્પંદન,સાંત્વનના સ્પંદન, મિલનના , આનંદના સ્પંદન, ગાલ પર થયેલ, ગાલને લાલ કરી દે તેવા સ્પંદન! કેટકેટલું કહી શકે સ્પંદન તેની ભાષામાં ! તમને ખબર છે… અંતરથી નજીક કોઈ વ્યક્તિએ સ્પર્શ કરેલ વસ્તુનો સ્પર્શ પણ અનેક સ્પંદન જગાવી શકે….મિત્રો આ જ વાત હવે પછીની શ્રેણીમાં લઈને આવી છું. મને જે વાત સ્પર્શી છે, જેનો અહેસાસ મને થયો છે તે મારા સ્પંદનો મારે મારા શબ્દો થકી વહેંચવા છે.
મારી મુનશી લેખમાળાને અને મારા પ્રથમ પ્રયત્નને તમે વખાણ્યો છે, તો આ શ્રેણી દ્વારા હું તમારામાં જરૂર સ્પંદન જગાડીશ.
રીટા જાની
—-
રીટાબહેન,તમારા પ્રેમના,વહાલનાં,આનંદનાં,સાંત્વનનાં,મિલનનાં,સ્પંદનને ઝીલવાં અને અનુભવવાં અમે સૌ આતુર છીએ.
નવી શરુઆત માટે અઢળક શુભેચ્છાઓ.
LikeLike
જિગીષાબેન, આભાર.
LikeLike