કલમના કસબી : કનૈયાલાલ મુનશી-50

મારા સાહિત્યપ્રેમી સાથીઓ,
કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આપણે માણી રહ્યા છીએ. સાહિત્ય એ કળા છે તો કસબ શું છે? કસબ એ આગવી ઓળખ છે,  જે વિશિષ્ટ છે અને તેથી જ સાહિત્યના પુષ્પગુચ્છમાં રહેલાં પુષ્પો પોતાની વિશિષ્ટ સુવાસ પ્રસ્તુત કરે છે. ઇતિહાસ, પુરાણ અને પૌરાણિક વાતો સાથે વર્તમાનને સાંકળી લઈ ઇતિહાસને જીવંત કરવાનો કસબ એ મુનશીની વિશેષતા છે. સાહિત્યની પગથારના વિવિધ સોપાનો પર કદમ મૂકતાં અને સાહિત્યરસને માણતાં આપણે એક નવા કદમ પર છીએ. એ કદમ છે – આ લેખમાળાનું અંતિમ કદમ.

પુસ્તકની પ્રેરણાના પિયુષનું પંચામૃત પામેલા અને ગુર્જર સાહિત્યની ગૌરવગાથાના સહભાગી મારા સર્વ વાચકમિત્રોનું લેખમાળાના આ ગોલ્ડન જયુબિલી લેખમાં શાબ્દિક અભિવાદન કરતાં હું હર્ષ અનુભવું છું. આ લેખ ખાસ એ માટે છે કે આજે આપ સહુ સાહિત્યરસિકો સાથે એ ક્ષણોની વાત કરવી  છે કે જેને  પ્રસ્તુત કરતાં મેં અનુભવેલ હર્ષ અને રોમાંચ આજે તમારા સુધી પહોંચે. સુભગ સમન્વય પણ કેવો છે કે મુનશીજીની જન્મજયંતિ 30 ડિસેમ્બરે જ આ લેખમાળા તેના 50 હપ્તા પૂર્ણ કરી રહી છે.

પણ આજે  રોમાંચની આ ક્ષણનું કારણ ભૌતિક નહિ પણ સાહિત્ય અને સંસ્કારની સમૃદ્ધિ છે, જે આપણા સહુના આનંદનું કારણ છે. ગુજરાતની સંસ્કૃતિનું સાતત્ય રહ્યું છે ગુજરાતી સંસ્કાર સાથે અને સાહિત્યની સરવાણી વહાવી  છે સાહિત્યના સર્જક સહિત્ય સ્વામીઓએ. સાહિત્ય એ સંવેદનાઓનો શબ્દદેહ છે અને સાહિત્યસ્વામીઓ તેના સર્જક છે. સર્જનનો જે આનંદ તેમણે અનુભવ્યો તે શબ્દ સ્વરૂપે આપણા સુધી પહોંચે, તે છે પુસ્તક. આજે જ્યારે ‘બેઠક’ની પુસ્તક પરબ દ્વારા આપણે આ સાહિત્યરસને માણીએ છીએ ત્યારે આપણું આ કાર્ય એ આવા સ્વામીઓનું  તર્પણ પણ છે અને શબ્દોના પુષ્પગુચ્છનું સમર્પણ પણ છે. આવો પુષ્પગુચ્છ આજે અર્પણ કરવો છે સાહિત્યના અદભૂત સર્જક, કલમના કસબી , શબ્દના શિલ્પી, ગુજરાતની અસ્મિતાના આરાધક એવા કનૈયાલાલ માણેકલાલ મુનશીને .

મને થયું કે મારે કેમ મુનશીના જ સાહિત્યને કેન્દ્રબિંદુમાં કેમ રાખવું ? જેમ સંસ્કૃત સાહિત્યની વાત થાય અને કાલિદાસ યાદ ના આવે તો જ નવાઈ. મિત્રો, હજાર વર્ષ બાદ પણ સ્મૃતિમાં ઉદભવે છે કવિ કાલિદાસ કેમ કે સાહિત્યસ્વામીઓ યુગોથી પર હોય છે. તે જ રીતે ગુજરાતનું ગૌરવ અનુભવતા આપણે પણ કનૈયાલાલ મુનશીની ઇતિહાસની જીવંતતા ને કૌશલને અનુભવીએ છીએ .

મુનશી મારા પ્રિય લેખક. શાળાજીવન દરમ્યાન તેમને એક વખત નહિ પણ દરેક વેકેશનમાં વાંચતા. પણ આજે ફરીને એક નવી નજરે મુનશી વાંચવાનું શરૂ કર્યું. એ ઉંમરે, એ સમયખંડમાં એક વાચક તરીકે વાંચવું અને આજે, આ ઉંમરે, આ સમયખંડમાં એક લેખક તરીકે વાંચવું તેમાં આભ જમીનનો ફેર છે. આજે જ્યારે હું મુનશી વિષે લખું તો  હવે એક એવી દૃષ્ટિ છે કે વાચકને શું ગમશે, આજના સમયમાં વાચકોની અપેક્ષા શું છે સાહિત્ય પાસેથી, એવી કઈ વાતો છે જે આજના સમયમાં પણ પ્રસ્તુત છે, એવી કેટલીક જાણી અજાણી વાતોને ઉજાગર કરવી જે આ સાહિત્યના લેખનનો ભાગ હોય, લેખક વિશેની એવી માહિતી જેમાં વાચકને રસ પડે. આજે  50મો હપ્તો લખતા એક વિશ્વાસ અને સંતોષ હું અનુભવી રહી છું.  એક ઝરણાંને જેમ માર્ગ મળી જાય વહેવાનો, એમ મને પણ મારી અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, જેના માટે  વિશેષ જરૂરિયાત છે ફક્ત આત્મચિંતન અને આત્મમંથનની.

ક્યારેક…એવું બને કે મહાસાગર પાર કરવાની ઝંખના હોય અને એવામાં કોઈ નૌકા દેખાય ..અને થાય કે બસ હવે પાર ઉતરવું કોઈ મોટી વાત નથી …પણ ઝંખના અને ઉત્સાહને પણ જરૂર હોય છે કોઈ અનુભવી સુકાનીની …આ નૌકા મને ‘બેઠક’માં મળી પણ જે દિશાસૂચન , હૂંફ અને માર્ગદર્શન મને પ્રજ્ઞાબેનના સાથ , સહકાર અને કાબેલ નેતૃત્વમાં મળ્યાં તે વિના કદાચ આ રસાસ્વાદ આટલો મધુર ન રહ્યો હોત. 

પ્રવાસને યાદગાર બનાવવામાં સહપ્રવાસીઓનો ફાળો અમૂલ્ય હોય છે. બેઠકના સર્વ  સર્જકોનો  પ્રેમભર્યો  આવકાર મળ્યો. સાથે મારા સર્વ સહલેખકોનો સહકાર અને તેમાં યે રાજુલબેન અને જિગીષાબેનનો પ્રેમભર્યો સાથ સહકાર મને હર પળ યાદ આવશે …તેને આભાર કહું કે સાભાર કદાચ શબ્દો એ લાગણીને વર્ણવી નહીં શકે..

લેખક અને વાચક વચ્ચે એક અદૃશ્ય કડી હોય છે. તેનું જોડાણ લેખક માટે  આનંદનો વિષય છે. ત્યારે મારી લેખમાળાના તમામ વાચકોનો તેમના પ્રેમ, પ્રોત્સાહન અને પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે સાવ અજાણ્યા લોકો તરફથી પ્રતિભાવ મળે તો વિશેષ આનંદ થાય છે. તમામના નામ લેવા તો શક્ય જ નથી. તેમ છતાં કેટલાક નામ લેવા જરુરી છે.  લગભગ દરેક લેખમાં સૌથી પહેલો  પ્રતિભાવ આપનાર જયશ્રીબેન પટેલ જેઓ મુનશીના કુટુંબથી પણ પરિચિત  છે અને અન્ય વાચકોમાં પ્રદીપ ત્રિવેદી, બીરેનભાઇ, રાજસી, પ્રીતિ ત્રિવેદી, જિગીષાબેન, ગીતાબેન, રાજુલબેન,કલ્પનાબેન, રાજેશભાઈ, દર્શના, માયાબેન, નીલમબેન, હિમાંશુ, પાયલ, ગોવિંદ મારુ, ગિરીશ ચિતલિયા, ઇલાબેન,  બીના શેઠ, નીતિન વ્યાસ, ભાવનાભાભી અને  હર્ષા આચાર્યનો ખાસ ઉલ્લેખ કરીશ.

કોઈપણ માર્ગ ક્યારેય સીધો નથી હોતો. તેમાં વળાંક, ચઢાણ અને ઉતરાણ પણ આવે જ. મારી લેખનની સફર પણ આવી જ હતી. ક્યાંક સામાજિક જવાબદારીઓ તો ક્યાંક બિમારી તો ક્યાંક ટેકનિકલ કારણસર આખો લેખ  ભૂલથી delete થઈ ગયો ને ફરી નવેસરથી લખ્યો . પણ આ બધાની વચ્ચે પણ  લેખનયાત્રા ચાલુ રહી એનો મને સંતોષ છે. આ દરમ્યાન ઘણું નવું શીખવા મળ્યું. પ્રજ્ઞાબેન અને રાજુલબેનનું મૂલ્યવાન ટેકનિકલ માર્ગદર્શન પણ મળ્યું. તો જીવનભર ખભે ખભા મિલાવીને ચાલનાર મારા જીવનસાથી દીપકનો પણ સક્રિય સહકાર મળ્યો.

આ સાહિત્યયાત્રાનો અંત નથી, ફક્ત એક મુકામ છે. મેઘધનુષી સાંજની શોભા અનેરી હોય છે. મેઘધનુષ ત્યારે જ શક્ય બને જ્યારે સૂર્ય પણ હોય અને વાતાવરણમાં આર્દ્રતા પણ હોય. સાહિત્યસ્વામીઓ સમાન સૂર્ય હોય અને વાચકોના રસ અને પ્રેમમય સાહિત્ય વિશ્વની આર્દ્રતા પણ હોય તો મેઘધનુષ રચાતાં જ રહેશે. ફરી મળીશું, એવી જ એક મેઘધનુષી સાંજે….અદભુત રંગોના આસમાનમાં …, મોરપિચ્છની કલમને સાહિત્યરસમાં ઝબોળી..
ફરી કોઈ  નવી રસ ગાથા સાથે…

રીટા જાની

5 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી-50

 1. કલ્પના ન કરી શકું કે હવે બંધ થઈ જશે..ચાલો ઘણું જ સુંદર લખાણ, ભાષાશૈલી અને મુનશીના પાત્રોની અભિવ્યક્તિ 👌🌹

  Like

  • જયશ્રી બેન,
   સાચી વાત છે. હું પણ મુનશીના સાહિત્યમાં તન્મય થઈ ગઈ હતી આ સફરમાં. તમારા સાથ અને પ્રતિભાવ માટે શબ્દો પૂરતાં નથી. હવે નવા વર્ષે નવા વિષયને ખેડીશું. તેમાં પણ તમને આમંત્રણ છે. ખૂબ ખૂબ આભાર.

   Like

 2. રીટાબેન,

  ક. મા મુનશી સમ સાહિત્યસ્વામીના સૂર્ય વિશે આટલા સાતત્યપૂર્વક આલેખવું એ લેખનનું સબળ કૌશલ્ય દર્શાવે છે જે જે તમે ખૂબ સરસ રીતે સિદ્ધ કર્યું છે જ્યાં મુનશી વિશેની વાત હોય ત્યાં વાચકોને રસ તો હોવાનો જ.

  તમારી આ વાત પણ એટલી સાચી છે કે જ્યારે આપણે શાળાજીવન દરમ્યાન એમને વાંચતા ત્યારે અને આજના વાંચન, આપણી સમજમાં આભ-જમીનનો ફરક હોવાનો. પહેલા આપણે કોઈપણ લખાણને વાર્તા કે નવલકથા સ્વરૂપે વાંચી જતા જ્યારે આજે એક લેખક તરીકે વાંચીએ ત્યારે એમાંની ઘણી બાબતોનો ઉઘાડ જુદી રીતે પામીએ અને ત્યારે એ લખાણની યથાર્થતા વધુ સમજાય. ત્યારે આપણને શું ગમશે એ વિચાર્યું આજે વાચકને શું ગમશે એ વિચારીએ છીએ ત્યારે આપણે પણ એક જુદી ભૂમિકાએ ઊભા છીએ એવો અનુભવ થાય.

  યોગાનુયોગે કલમના કસબી કનૈયાલાલ મુનશીની જન્મજયંતિના સમયે જ આ લેખમાળાની ગોલ્ડન જ્યુબીલીનો જે સૌથી સુંદર, સુભગ સમન્વય યોજાયો એ આનંદની વાત.

  હાર્દિક અભિનંદન રીટાબેન.

  એક નવી ગાથા સાથે મળવાનુ થશે એ પણ રસમય જ હશે.

  શુભેચ્છા.

  Like

 3. રીટાબેન,
  ધન્યવાદ. ખરેખર જાણે તમે શ્રી મુનશીજી ની દરેક રચના ઓ માં ડુબકી મરાવી દીધી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.