૫૦ -કબીરા

કબીરા લખતાં લખતાં


કબીરની લેખમાળા લખવાનું પ્રજ્ઞાબહેને મને કીધું, ત્યારે હું કબીર વિશે પ૦ આર્ટિકલ કેવીરીતે લખીશ તે અંગે દ્વિધામાં હતી અને બીજું એ પણ હતું કે લગભગ જાણીતાં અને વિદ્વાન બધાંજ સાહિત્યકારોએ કબીર વિશે લખ્યું છે તેથી મને એમ પણ હતું કે આ વિદ્વાનોને મૂકી કોઈ મને કેમ વાંચશે?પણ સાચું કહું આપણે કોઈ કામ બીજાને ગમે તે માટે કેમ કરીએ છીએ ?આપણા આનંદનું શું?તે વાત કબીરને લખતાં,જાણતાંઅને સમજતાં સમજાઈ ગઈ.

કબીરને લખતાં હું જે પામી છું તેના માટે નિશબ્દ છું. કબીરને લખવા માટેઅને ગહેરાઈથી સમજવાની શોધે મને અનોખા આનંદની ભેટ આપી છે.જીવનનાં સત્યને હું સમજી શકી છું.કેટલું આચરીશ તેના માટે પ્રભુકૃપા જ જોઈએ.પ્રયત્ન જરુર કરીશ.કબીરરસ,કબીરવિચારધારા એ એક રોજબરોજનાં વ્યવહાર અને વ્યવસાયીક જીવનને જીવતાં જીવતાં જ સાચી રીતે જીવવાનો રાહ છે.કબીરે જીવનનાં ગહન રહસ્યોને તેનાં બે લીટીનાં પદમાં એવી સુંદર રીતે સમજાવી દીધાં છે કે તેને વાગોળીને તમે સાચા માર્ગે સહજતાથી ચાલી શકો. કબીરબીજક વાંચીને જાણે તમને એકસાથે ગીતા,વેદ અને ઉપનિષદોનો નિચોડ મળી જાય.કબીરની રહસ્યમયવાણી ન સમજાતાં ક્યારેક અચંબિત થઈ દ્વિધા અનુભવતી,પછીકેટલાય વિદ્વાનોને વાંચતી.વિદ્વાનોને વાંચતાં વાંચતાં તેમની રહસ્યવાદી વાણી સમજાવા લાગી. નિર્ગુણ હતા ,છતાં સગુણ ભક્તિ કરતાં ભક્ત કરતાં વધુ ભગવાનમાં શ્રધ્ધા હતી.એટલે જ તે કહે છે:‘કીડી કે પાંવ નેપુર બાજે તે ભી મેરા સાહેબ સુનતા હૈં’  
આમ કહી આપણને પણ પરમશક્તિમાં પૂર્ણ શ્રધ્ધા રાખવાનું સૂચવે છે.
કબીર જેવા મરમી જ્યારે સહજમાર્ગે ચાલવાનું કહે છે ત્યારે એક જ વાત કહે છે તેવું મને સમજાયું:

‘તમારી કુશળતા ગણાતી કુટિલતાને છોડી દઈ ,જે હૈયે ઊગે તે હોઠે લાવો,અને હોઠે લાવો તે હાથપગ હલાવી આચરી બતાવો.પરમ આનંદ અને સત્યને પામવાનો એ ટૂંકામાં ટૂંકો રસ્તો છે.જેના આચરણમાં આવી સીધી વાટ છે તેનો કાન કોઈ ઝાલી શકતું નથી.મને કબીરની આ વાત એટલી ગમી:
લેણાં -દેણાં સોહરા,
જે દિલ સાંચો હોઈ,
ઉસ ચંગે દીવાન મૈં,
પ્લાન ન પકડે કોઈ.

જેની લેણદેણ સીધી સરળ ,જેના દિલમાં સચ્ચાઈ તેને ઈશ્વરની કચેરીમાં કોઈ રોકી ટોકી શકતું નથી.દુનિયાનાં કારભારમાં ઉપરછલ્લી રીતે ભલે ગમે તેટલી અંધાધૂંધી દેખાતી હોય પણ એવી એક અદ્રશ્ય સત્તા છે જે તલાતલનાં અને રજેરજનાં લેખાં લે છે.જેનું ચિત્ત નિર્મળ,જેની ચાલ નિષ્પાપ તે પાવકજ્વાળા વચ્ચે પણ મહાસુખ માણી શકે છે.ચિત્તને નિર્મળ રાખવા પર કબીરે ખૂબ ભાર મૂક્યો છે.ચિત્તની નિર્મળતા,સ્થિરતા ,પ્રામાણિક જીવનના પાયા વિના ટકતી નથી.કબીરે તેમાં પ્રભુપરાયણતા ને ઉમેરી આ સ્થિરતાને રસમય કરી આપી છે.ચિત્તને નિર્મળ કરતાં કરતાં તે એવું નિર્લેપ બની જાય છે કે ઇન્દ્રિયોના તમામ વહેવારોમાં ખેલવા છતાં તે ખરડાતું નથી.કબીર બીજી વાત મનની સ્વવશતા કરે છે સરહની આ વાણી કબીરની સ્વવશતાની વાતને સરળતાથી સમજાવે છે:
દેખહુ સુનહુ પઈસહુ સ્વાદઉ,સુંઘઉ ભ્રમહુ બઈઠહુ ઉઠ્ઠહુ,
આલમાલ વ્યવહારે પેલ્લહુ,
મન છાડિ એકાકાર ન ચલ્લહુ.

દેખતાં,સાંભળતાં,પેસતાં,સ્વાદલેતાં,સૂંઘતાં,ચાલતાં,બેસતાં,ઊઠતાં આડીતેડી વાતો કરતાં મનને તેની સાથે વહી જવા દેવું નહીં.વિષયો સાથે એકાકાર થવા દેવું નહીં.સર્વે કર્મો સાથે ચિત્તને પરોવવાં છતાં તે ક્યાંય ચીકણું બની ચોંટી ન રહે તેની કાળજી રાખવી.કબીર કહે છે.હસતાં,ખેલતાં,ગાતાં જે મનને ભંગ થવા દેતા નથી અને વૃત્તિઓને કાબૂમાં રાખે છે તે સદાય પરમ શિવની સાથે છે.આમ કહી કબીર આપણને સહજ સમાધિ અનુભવવાનું શીખવે છે.અને ગાય છે: 
‘સંતો સહજ સમાધિ ભલી,
જહાં જહાં જાઉં સોઈ પરિકરમા,
જો કુછ કરું સો સેવાજબ સોઉં તબ કરું દંડવત,
પૂજું ઔર ન દેવા.’

આમ કબીરે વ્યવહારમાં રહીને જીવન જીવવાની અદ્ભૂત શીખ આપી.શબનમજીનાં ઘૂંટાએલા બુલંદ ભક્તિની ભીનાશ સાથેનાં કબીરનાં પદો મને રોજ હથોડા મારી પરમની નજીક જવા પ્રેરતો હતો.

‘મતકર માયા કો અહંકાર,મતકર કાયા કો અભિમાન,કાયા ગારસે કાચી;કાયા ગારસે કાચી ,જેને ઓસ રા મોતી,ઝપતા પવનકા લગ જાએ,કાયા ધૂલ હો જાસી…..’

માનવ માનવ વચ્ચે રહેલ કૃત્રિમ ભેદ મિટાવીને ,જાતિપાંતિની દિવાલ તોડીને ,બાહ્યાંડબરની જાળને તોડીને,નશ્વર શરીરથી ઈશ્વરનાં અમૃતરસનું પાન કરી જે આત્માથી પરમાત્માનું દર્શન કરી શકે છે તે નર્કને મોક્ષમાં બદલી શકે છે.તે વાત સમજાવી દીધી છે.કબીરે ભારતીય સંસ્કૃતિનાં સિધ્ધાંતને અનુસરી દરેકમાં સમત્વભાવ રાખી સંતોષધન ગળે લગાડવાની વાત શીખવી છે.

કબીરે આ બધી વસ્તુ ખાલી શીખ આપીને નહીં પણ પોતે બોલ્યા તેવીરીતે જ જીવી બતાવ્યું છે.આખું જીવન તેમણે કાશીમાં વિતાવ્યું. લોકવાયકા પ્રમાણે કાશીમાં મરે તે સ્વર્ગે સિધાવે અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થઈ જન્મે.પોતાનાં જીવાએલ જીવન પર અને પરમ પર તેમને એટલો વિશ્વાસ હતો કે કબીરે પાછલી જિંદગી મગહરમાં વિતાવી ત્યાં જ મૃત્યુ પામ્યા.જે હિન્દુ હોઈને પણ હિન્દુ નહોતા અને મુસલમાન હોઈને મુસલમાન નહોતા ,આવા કબીરનું જીવન જેવું મૃત્યુ પણ રહસ્યમય રહ્યું.જે બધાંને પોતાના માનતા હતા એને બધાં પણ પોતાનાં માનતા હતા.હિન્દુઓ તેમને અગ્નિદાહ દેવા માંગતાં હતાં અને મુસ્લિમ તેમની કબર બનાવવાં માંગતાં હતા.જ્યારે તેમનાં મૃતદેહ પરથી કપડું ઉઠાવ્યું તો નીચે ફૂલોનો ઢગલો હતો જે હિંદુ -મુસ્લિમોએ અડધો અડધો વહેંચી લીધો.આમ તેમણે મરતા મરતા પણ ખોટી વાતોનું સમર્થન ન કરવા શીખવ્યું,બધાં ધર્મ એક જ પરમ પાસે લઈ જાય છે તેવો માનવતાનો ધર્મ પણ શીખવી ગયું.
આમ કબીરને અને તેની માન્યતાઓને મોટા મોટા વિદ્વાનો અને જ્ઞાનીઓ નતમસ્તક થઈ સ્વીકારે છે .હું પણ આ લેખમાળા થકી જીવન,જન્મ,મૃત્યુ અંગેનાં અનેક સત્યોને જાણી શકી છું .પ્રભુને એક જ પ્રાર્થના છે કે આ સત્યોને શેષ જીવનમાં હંમેશ જીવવા પ્રયત્ન કરું અને જ્યારે પણ તેમાંથી વિચલિત થઉં ત્યારે કબીર મારી સમક્ષ આવી મને સાચા રાહે વાળે તે જ પ્રાર્થના.મારા સૌ વાચકોનો અને પ્રતિભાવકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.પ્રજ્ઞાબહેનનો પણ કબીર જ લખ તેવા આગ્રહ માટે ખૂબ ખૂબ આભાર.મારી કબીર સાથેની મુસાફરી મારાં જીવનની યાદગાર યાત્રા રહી છે.


જિગીષા પટેલ

5 thoughts on “૫૦ -કબીરા

 1. “તમારી કુશળતા ગણાતી કુટિલતાને છોડી દઈ ,જે હૈયે ઊગે તે હોઠે લાવો;
  અને હોઠે લાવો તે હાથપગ હલાવી આચરી બતાવો.પરમ આનંદ અને સત્યને પામવાનો એ ટૂંકામાં ટૂંકો રસ્તો છે” wah !! Work is better than words .. Action speaks louder than words ..
  આ આખીએ લેખ માળાનો ધ્રુવ રણકો !! Congratulations Jigishaben ..
  કબીરને સમજવા સરળ નથી , પણ તમે સરસ રીતે પ્રયાસ કર્યો ! હવે નવા વર્ષથી કંઈક નવું લઇ આવશો એની ઇંતેજારી રહે છે !

  Liked by 1 person

 2. ખરેખર કબીરે વ્યવહારમાં રહીને જીવન જીવવાની અદ્ભૂત શીખ આપી. મને હંમેશા કબીરજી નું જ્ઞાન ગહન અને સમજવામાં થોડું અઘરું લાગતું. તમે એ ગહન જ્ઞાન ને સુંદર સુપાચ્ય રીતે રજૂ કર્યું. અભિનંદન.

  Liked by 1 person

  • જયશ્રીબહેન,આપનો ખૂબ ખૂબ આભાર.મારા કબીરનાં દરેક લેખને વાંચીને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરવા માટે.🙏

   Like

 3. જિગીષા,

  કહે છે ને કે ખરા ભાવથી સતત જેના વિશે મંથન કરો એના અંશ આપણા સુધી પહોંચે છે. કબીરનો એક લેખ લખવા માટે તેં જે વાંચનયાત્રા કરી, જુદી જુદી વ્યક્તિ થકી કબીરને ઓળખવાનો, નજીક જવાનો, નજીક રહેવાનો જે પ્રયાસ કર્યો એનો આનંદ તારા લખાણમાં વ્યક્ત થતો અનુભવ્યો છે. જીવનના જે સત્યને તું સમજી શકી છું એમાંનું આંશિક આચરણ પણ આપણને સાચું જીવન જીવવાની, મૃત્યુને ભય વિના આવકારવાની , પ્રભુને પામવાના રાહ પર મૂકી દેશે.

  કબીરને વાંચીને એકસાથે ગીતા,વેદ અને ઉપનિષદોનો નિચોડ મળી જાય એ આ યાત્રાની સાર્થકતા છે.

  મારી પરમમિત્રને એની આ સિદ્ધિ માટે ખોબલો ભરીને અભિનંદન અને અગામી સફર માટે શુભેચ્છા.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.