હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 50. ઝવેરચંદ મેઘાણી અને વાચક વર્ગ !


એક કલ્પના કરો : દરિયામાં પગ બોળીને ઉભાં ઉભાં હાથમાં અંજલિ ભર પાણી લઈને સૂર્યને અર્ઘય આપવાની ચેષ્ટા કરીએ અને સૂર્યને દર્શાવવા જઈએ તો તેમાં મહાનતા કોની છે ? વિશાલ જલરાશિનું પાણી અને સૂર્ય જેવો પ્રચંડ ઉર્જા સ્ત્રોત ! ગુજરાતી સાહિત્ય જેવા વિશાલ સમન્દરમાં છવાયેલ – દેદીપ્યમાન સૂર્ય જવા તેજસ્વી મેઘાણી વિષે મારે આ વર્ષે લખવાનું હતું ! શું લખું અને શું નહીં એની દ્વિધા અને કેવી રીતે વાચક વર્ગ સુધી એમને ગમે તે માધ્યમમાં પહોંચાડવું એ વધારે મહત્વની વિટમ્બણા ! પણ લખવાનું શરૂ કર્યા પછી તો બહુ મોટી સમસ્યા ઉભી થઇ !! મેઘાણી વિષે ભણવામાં આવ્યું હતું અને ભણાવવાનું પણ થયું હતું ; પણ એય સાડા ચાર દાયકા પૂર્વે ! જેમ જેમ એમના વિષે વધારે ઊંડાણથી અભ્યાસ કરવા માંડ્યો તેમ તેમ મને મારી કલમ પાંગળી લાગતી ગઈ.
વાચક મિત્રોએ તો મને તેમના પ્રેમમાં અભિભૂત કરી ને ભીંજવી દીધી હતી ! કલ્પનાબેન રાઘુભાઈએ તો પહેલા જ લેખમાં મને આવકારતાં કહી દીધું ; “ ગીતાબેન !અમે તો તમારી આંગળી પકડી લીધી છે અને હવે તમારી સાથે નવું નવું જાણવા જોવા આ બંદા તૈયાર છે !
મારી મૂંઝવણ વધી ગઈ ! દર્શનાબેન નાડકર્ણીએ ક્યાંક કુશળ લેખકના સૂચનો કરેલ કે ‘નળ શરૂ કર્યા વિના પાણી આવે નહીં : લખશો તો આગળ દિશાઓ ખુલશે ;’ એ મુજબ લેખમાળા શરૂ તો કરી , અને ‘સેંકડો પુસ્તકો વાંચશો તો વિચાર ગંગા વહેશે’ એ મુજબ અસંખ્ય પુસ્તકો પણ ભેગાં કર્યાં અને પછી આત્મ શંકા દૂર કરીને મને આવડશે જ એમ શ્રદ્ધા સાથે
હૃદય સ્પર્શી વાતોથી વાચકોને આવકારવા સાથે એ શબ્દ અને સર્જનના પ્રવાહમાં હું જ રંગાઈ ગઈ !
દર અઠવાડીએ ઉત્સાહથી મેઘાણી સાહિત્ય ભેગું કરીને વાંચવા માંડ્યું ! ભુલાયેલ અતીત ફરીથી સજીવન થયો ; હા નવા મધુર રંગો સાથે !
નિશાબેન ત્રિવેદીએ પોતાનાં પુસ્તકો સપ્રેમ આપ્યાં અને એ ચેપ બીજાં મિત્રોમાં પણ લાગ્યો .. એમનાં પુસ્તકો અને મેઘાણીના જીવન સાથે સંકળાયેલ પ્રસંગોથી હાં રે દોસ્ત કોલમ વધુ જીવંત બની !
ભરતભાઈ ઠક્કરે પ્રોત્સાહિત શબ્દોથી આ લેખમાળાનો આવકારી અને લખ્યું કે ઝવેરચંદ મેઘાણીના ચાહક વર્ગને મેઘાણી વિષે તમે એક વિશિષ્ટ અમૂલ્ય સમજ આપો છો ! અને ઘણું નવું જાણવા મળશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી !
રીટાબેન જાનીએ પોતે સૌરાષ્ટ્રના હોવાથી , મેઘાણી સાહિત્ય તેમને એમનાં વતનની યાદો તાજી કરાવે છે એમ કહી ને અને દર અઠવાડીએ ઉત્સુકતાથી લેખ વાંચે છે એમ લખીને મને પ્રોત્સાહન આપ્યું . એમની પ્રત્યેક ટિપ્પણી એ મને પ્રોત્સાહિત કરી છે . જયવંતીબેન , રંજનબેન માલવિયા એ પણ અવારનવાર ટિપ્પણી મૂકી છે .. જો કે લખ્યા વિના પણ ક્યારેક ફોન દ્વારા વિચાર વિમર્શ કરનાર મિત્રો પણ અનેક છે ..
મેઘાણીનો પેલો પ્રસિદ્ધ પત્ર : “ લિ. હું આવું છું !” એ વિષે મેં એક લેખ લખ્યો હતો . તે વાંચીને અમેરિકામાં રહીને મૂળ ધ્યેય જાળવી રાખવું જીગર માંગી લે છે એમ કહીને ફોન પર મારી સાથે ચર્ચા કરનારો પણ એક વર્ગ ઉભો થઇ ગયો . સાહિત્યના જીવ અને રેડિયો કલાકાર વડીલ મિત્ર અરવિંદભાઈ જોશી મારા નજીકના માર્ગદર્શક બની ગયા ! કોઈ ઉચ્ચ ધ્યેય હોવું એ એક વાત છે અને એ ધ્યેય હાંસલ કરવા કૃત નિશ્ચયી બનવું એ તદ્દન ભિન્ન વાત છે ; અમેરિકામાં આવીને પૈસા પાછળ મૂળ ધ્યેય ભૂલીને ભટકી જનારાંઓ ઓછાં નથી .. એમણે કહ્યું
અને પછી તો જાણે કે દર અઠવાડીએ લેખ પોષ્ટ થાય પછી બુધવારે વસુબેન અને પરષોત્તમભાઇ પરમાર અને વડીલ મિત્ર દંપતી મધુબેન અને ઈશ્વરભાઈ જનસારી ઉપરાંત વડીલ સુધાબેન અને શરદભાઈ ઉપાધ્યાય સાથે વિચાર વિમર્શનું બંધાણ થઇ ગયું ! ક્યારેક લેખમાં ભાષાની સરળતા અને સ્પષ્ટતા પણ એ યુગ્મોને ધ્યાનમાં રાખીને થઇ હશે ..
હા , કોરોના એ તેનું સ્વરૂપ પ્રકાશ્યો હતું અને આખું વિશ્વ લોકડાઉંન – બધું બંધ થઇ ગયું હતું અને બ્લોગ દ્વારા વાંચન એક પ્રવૃત્તિ બની રહી હતી ત્યારે મેઘાણી લેખમાળાએ અમુક મિત્ર વર્ગને આમ વાત -વાર્તા વિમર્શ કરતાં કર્યાં ! આ બધાં કહો કે વડીલ વર્ગનાં -લગભગ એંસી વર્ષથી મોટાં , જેમણે ગાંધી યુગને , આઝાદીની ચળવળો અને મેઘાણીનાં કાવ્યો : છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ ! અને કોઈનો લાડલવાયો – રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે – એ ગીતો સાથે આસું વહાવ્યાં હતાં!
ગિરીશભાઇ ચીતલીયાએ મેઘાણીનું અનુસર્જિત સૂના સમદરની પાળે વાંચીને ભાવથી વધાવ્યું હતું . મેઘાણીનાં મન મોર બની ટહુકાર કરે એ રવીન્દ્રનાથના ‘ નવી વર્ષા’ એ વાચકવર્ગને અપ્રતિમ આવકાર આપ્યો અને મને પણ વધુ સંશોધન કરવા પ્રેરણા આપી .. પાછળથી એને અન્ય બ્લોગમાં પણ સ્થાન મળ્યું . નરેન્દ્રભાઈનો આભાર !
મેઘાણીના માણસાઈના દિવા સર્જનની વાત છેડી ને દૂર દેશમાં વસતાં જયશ્રીબેન પટેલ સાથે જાણેકે આત્મીયતા બંધાઈ ગઈ ! તેમનાં દાદીની ઘેર રવિશંકર મહારાજને જવા આવવાનું હતું ; ને પછી તો મેઘાણી સાથે રવિશંકર મહારાજના જીવનને સ્પર્શવાનો લ્હાવો મળ્યો ! સ્થળ સંકોચને લીધે વધુ તો શું લખું ? પણ આઝાદીનાં આવા લડવૈયાઓની વાતો ફરી ફરીને વાગોળવી ગમે અને પ્રેરણાદાયી રહી છે . એવી જ વાતો સખી જિગીષા પટેલ સાથે પણ થઇ .
ને અહીં લોસ એન્જલસના પ્રકાશભાઈ પંચોલી , મીનાબેન પટેલ , ભારતીબેન ભાવસાર , વડીલ મનસુખભાઇ ગાંધી નલીનીબેન ત્રિવેદી , કુમુદબેન પરીખ , વગેરેને કેમ ભૂલું ? તે સૌના મંત્વયોએ પણ મને પ્રોત્સાહન આપ્યું છે .
મયુરી શાહે તો મેઘાણી વિષે દરિયામાં છુપાયેલ ઝવેરાત રત્નો સાથે આ ઝવેરચંદની સરખામણી કરી દીધી ! દરિયો ખાલી કરવા જેવું છે ઝવેરચંદનું સાહિત્ય જગત ! એમણે લખ્યું છે . મારાં આ પ્રયાસને એમણે આચમન સ્વરૂપ ગણીને સુંદર અંજલિ અર્પી છે ..
મિત્રભાવે દર અઠવાડીએ ટિપ્પણી કરવા સાથે ફોનથી પણ ચર્ચા કરનાર મારાં પરમ મિત્રો જિગીષાબેન , રાજુલબેન ! તમારી એકાદ ટિપ્પણી અહીં ઉલ્લેખું તે પૂરતું નથી ; મેઘાણીનાં બાળગીતો , લગ્નગીતો , વ્રત કથાઓ , નવલિકાઓ , નવલકથા કે ગાંધીયુગ , પંડિત યુગ , મેઘાણીનું જીવન હો કે મેઘાણીનું કવન – તમે સૌએ મને , મારાં આ પ્રયાસને વધાવ્યો છે . સાથે માર્ગદર્શક કલ્પનાબેન , સપનાબેન સૌનો હ્ર્દયથી આભાર !
પ્રજ્ઞાબેને પ્લેટફોર્મ આપ્યું અને માર્ગદર્શન પણ . મેઘાણી જેવી મહાન વિભૂતિને અંજલિ અર્પવાની મને તક મળી એ મારુ અહોભાગ્ય . એમણે ક્યાંક કહ્યું હતું લોકસાહિત્યની ખોજમાં નીકળનાર અભ્યાસુ વર્ગને કે ,’ તમે સૂર્ય કિરણ બનીને જશો તો સૂર્યમુખી ફૂલ જરૂર ખીલશે !” હું નમ્રતાથી કહીશ કે .. સૂર્યકિરણોથી ખીલેલાં સુર્યમુખીઓને મળવાનો નાનકડાં આ દીવડાને અવસર મળ્યો .. કારણ કે ઝવેરચંદ મેઘાણી જન્મજ્યંતિ વેળાએ મેઘાણી વિષે અનેક મહાનુભાવોને ઝૂમ વિડીયો કોલ દ્વારા મળવાનું ,જોવાનું એને સાંભળવાનું મળ્યું ! મેઘાણી માટે માત્ર ૫૦ લેખમાં લખવું પૂરતું નથી જ , પણ ગંગા મૈયાના
પાણીનું આ એક ચમચી આચમન બસ થઇ જશે , એમ સમજીને અહીં જ આ લેખમાળા પુરી કરીશું ! અસ્તુ !

11 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 50. ઝવેરચંદ મેઘાણી અને વાચક વર્ગ !

  1. Dear Gitaben,

    હવે મેઘાણી વિષે સંશોધન કરતું પુસ્તક પબ્લિશ કરો એ વિનંતી. કદાચ કાંઈ રહી ગયું હોય તે ઉમેરો. ગુજરાતી (india) પીએચડી કરતા નવયુવાનોને દિશા મળશે. નવા પ્રશ્નો મળશે. મેઘાણીને ગુજરાત કે ભારતમાં limited ના રાખતાં પશ્ચિમમાં વિદ્યાપીઠોમાં through translation, make Meghani a monumental literary personality.

    Bharat Thakkar.

    Liked by 1 person

    • આભાર ભરતભાઈ ! આપના આવા ઉમદા વિચારો માટે ! વાત ઘણી રસસપ્રદ છે ! પણ એનાથી પણ વધુ દિલચસ્પ કોલમ સાથે નવા વર્ષે મળીશું ! મેઘાણી વિશેનું ઘણું સાહિત્ય મારી નોંધપોથીઓમાં સચવાયેલું રહ્યું છે અને ક્યારેક અન્ય મેગેઝીનોમાં પ્રકાશિત થાય છે જ અને ભવિષ્યમાં પણ અને અનુકૂળતાએ સાહિત્ય રસિકો સાથે જરૂર વહેંચતાં રહીશ। Thanks ; nice suggestion .. I’ll keep it in mind ..

      Like

  2. ગીતાબેન મેઘાણી વિશે ની લેખમાંલા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓને બહુજ ઉપયોગી થશે l. માહિતી સભર લેખ હતાં . લખાણ ચાલુ રાખશો નલિની ત્રિવેદી ની શુભકામના

    Liked by 1 person

  3. ગીતાબેન ગુજરાતી સાહિત્ય ના શિરોમણિ ઝવેરચંદ મેધાની વિશે ૫૦ લેખ મા તમે ખુબજ ઉંડાણ મા જઇને અમને જે રસાસ્વાદ પિરસી જે અમને અધૂરું જ્ઞાન હતું તે સારું અને સાચું તમારા દ્વારા જાણી શક્યા સમજી શકયા અને ગમે તેવું અઘરું કામ હોય પરંતુ હું આ કામ કરી સકીશ એવી પ્રેરણા મલિ અને જાણે કે હિંમત આવી ગઈ ખુબખુબ આભાર ૫૦ લેખ પૂરા કર્યા તે માટે દિલના ઉંડાણથી
    ખુબખુબ અભિનંદન

    Like

  4. ગીતાબેન ગુજરાતી સાહિત્ય ના શિરોમણિ ઝવેરચંદ મેધાની વિશે ૫૦ લેખ મા તમે ખુબજ ઉંડાણ મા જઇને અમને જે રસાસ્વાદ પિરસી જે અમને અધૂરું જ્ઞાન હતું તે સારું અને સાચું તમારા દ્વારા જાણી શક્યા સમજી શકયા અને ગમે તેવું અઘરું કામ હોય પરંતુ હું આ કામ કરી સકીશ એવી પ્રેરણા મલિ અને જાણે કે હિંમત આવી ગઈ ખુબખુબ આભાર ૫૦ લેખ પૂરા કર્યા તે માટે દિલના ઉંડાણથી
    ખુબખુબ અભિનંદન

    Liked by 1 person

  5. ગીતાબહેન, મેઘાણીની આ લેખમાળા દરમ્યાન મેઘાણીને લેખક,રાષ્ટ્રિય શાયર,કવિ,પત્રકાર,સમાજસુધારક,ક્રાંતિકારી તરીકે તમે સરસ રીતે ઉજાગર કર્યા.તેમનાં કૌટુંબિક જીવનનાં તેમજ દેશભક્ત તરીકેનાં પાસાની કેટલીયે અણજાણી વાતો અમારી સમક્ષ રસાળ શૈલીમાં રજૂ કરી.તેમનાં ખૂબ જાણીતાં અને કેટલાંય ઓછા જાણીતાં ગીતોનો રસાસ્વાદ કરાવ્યો.વિરાટ આકાશ સામે ગમે તેટલી નજર ભરી લેવા પ્રયત્ન કરીએ તો એકાદ બાજુ તો રહી જાય તે વાત તમારી સાચી છે પણ એક વર્ષ દરમ્યાન તમે અમને મેઘાણીનાં જીવન કવન અને તેમની નવલકથા,નવલિકા,કવિતાઓ વિગેરેની સુંદર વાતો અમારી સાથે કરી અમને મેઘાણીમય કરી દીધાં.આ સાથે તેમની ૧૨૪મી વર્ષગાંઠની તેમનાં સુંદર ગીતો સાથે ચિંતનની વાચીકમ્ રજૂઆત પણ કેમ ભૂલાય??તમારી સાથે અમારા જેવા સૌ વાચકોને મેઘાણીની જિંદગીમાં ડોકિયું કરાવવા બદલ અભિનંદન અને નવા વર્ષની નવી કોલમ માટે આતુરતા!

    Liked by 1 person

    • માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાવો ! એ રીતે આખું વર્ષ ઝવેરચંદ મેઘાણી વિષે ચર્ચા વિચારણા અને વિચાર વિમર્શ કરતાં કરતાં પચ્ચાસ લેખ પુરા થઇ ગયા! અને આ લખું છું ત્યારે નવું વર્ષ શરૂ થવાને ગણત્રીની મિનિટો જ બાકી છે ! અલવિદા ! અલવિદા ઓ ગુર્જર સાહિત્ય શિરોમણી મેઘાણીને ! વાચક મિત્રો મળીશું નૂતન વર્ષે નવી લેખમાળા સાથે ! વસુબેન , જિગીષાબેન અને સૌ વાચક મિત્રો ! નમસ્કાર : આભાર સહ !

      Like

  6. તમે મેઘાણીને હૂબહૂ પિરસી ધન્ય જગ કર્યું,
    મહામોટું ભારે ઋણ ચૂકવવું, સ્હેલું જરી ના.
    Bharat Thakkar

    Liked by 1 person

    • ક્યા બાત હૈ , ભરતભાઈ ! આપની ટિપ્પણી પણ કાવ્યાત્મક બની ગઈ !
      Yes, indeed ! મેઘાણી વિષે લખવાની મઝા આવી , અને આપ સૌની સાથે એને માણવાની મઝા પણ કાંઈ ઓર જ રહી !
      હવે નવી લેખમાળાને પણ આવી જ રીતે વધાવી લેશો તેવી આશા સાથે નવા વર્ષને વધામણાં ! Happy New Year 2021!🙏

      Like

  7. ગીતાબેન,
    સૌરાષ્ટ્રની રસધારને તમે બેઠકના પ્લેટફોર્મ સુધી લઈ આવ્યા અને મેઘાણીના લેખનની જે રસ લ્હાણ કરાવી એમાં સાચે જ તમે કહ્યું એમ સૌ વાચકો પણ લગભગ પાંચ દાયકા પાછળની ખેપ કરી આવ્યા. ( સૌરાષ્ટ્રની વાર કરવી હોય ત્યાં સફરના બદલે ખેપ શબ્દ મને વધુ ગમ્યો એટલે લખ્યો છે હોં..)

    ગુજરાતી સાહિત્યના એક રત્ન એવા મેઘાણીને ફરી એકવાર આ સમયખંડમાં ઊભા રહીને મળવાની મઝા આવી. તમારા ગયા લેખમાં તમે કહ્યું એમ ચતુરા બનીને તમે એ ધરા, એ ભોમકા સુધી અમને લઈ ગયા. આ બધું ફરી વાંચી ત્યારે આજે પણ સમજાય છે ગુજરાતી સાહિત્ય આવા રત્નોથી કેટલું સમૃદ્ધ છે. ભારતદેશની ભૌતિક સમૃદ્ધિને પરદેશીઓ અનેકવાર
    આવીને લૂંટી પણ આ સાહિત્ય સમૃદ્ધિ આજે પણ અકબંધ છે એ આનંદથી વાતમાં એક સમાચારથી વધુ આનંદ થયો હતો કે હવે મેઘાણીનું સાહિત્ય ચાયના અને રશિયામાં પણ વંચાશે. આ આપણાં માટે અત્યંત ગૌરવની વાત છે.

    આવા ગૌરવશાળી મેઘાણી વિશે ૫૦ લેખ દરમ્યાન ખૂબ સરસ રીતે આલેખન કર્યું એ માટે ખૂબ અભિનંદન અને નવા વર્ષની લેખમાળા માટે આગોતરી શુભેચ્છા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.