કનૈયાલાલ મુનશીની લેખમાળા અંતર્ગત ગત બે અંકથી આપણે સહુ માણી રહ્યા છીએ મુનશીની અંતિમ કૃતિ ‘કૃષ્ણાવતાર’ને. મુનશીની ઇતિહાસને જીવંત કરવાની કળાથી આપણે સહુ પરિચિત છીએ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે. કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.
કૃષ્ણના આકર્ષક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે. પરંતુ તેના પર દંતકથાઓ, ચમત્કારો અને ભક્તિના કારણે અનેક સ્તોત્રોના સ્તર ચડતા ગયા. શ્રીકૃષ્ણ શૂરવીર હતા, તો શાણા પણ હતા. તેઓ પ્રેમાળ હતા, છતાં તેમની જીવનચર્યા મુક્ત હતી. તેમનામાં પૂર્ણ માનવીની પ્રફુલ્લતા હતી. તો શ્રીકૃષ્ણનો પ્રભાવ દૈવી હતો. મુનશીએ આ પહેલાં પણ નવલકથા તેમજ નાટકોમાં પૌરાણિક પાત્રોનું નિરૂપણ કર્યું છે. અગસ્ત્ય, લોપામુદ્રા, વસિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ અને સહસ્રાર્જુનને ‘લોપામુદ્રા”, ‘લોમહર્ષિણી’ અને ‘ભગવાન પરશુરામ”માં આલેખ્યા હતા તો ચ્યવન ને સુકન્યા ‘પુરંદર પરાજય” અને “અવિભક્ત આત્મા” માં વસિષ્ઠ અને અરુંધતિના પાત્રો નિરુપ્યા હતા. એ જ રીતે શ્રીકૃષ્ણનું આલેખન કરતાં પણ મુનશીએ કેટલીક ઘટનાઓ તેમના વ્યક્તિત્વને સુસંગત બનાવવા ઉપજાવી કાઢી છે. મુનશીએ પોતાની કલ્પનાનો આશ્રય લઈને પુરાણોના કેટલાક પ્રસંગોના નવા અર્થ પણ ઘટિત કર્યા છે. અને એ વાત જ સમગ્ર કથાને ખૂબ રોચક બનાવે છે.
કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે ? કદાચ આવા પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હ્રુદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે. આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે. કૃષ્ણ બાલકૃષ્ણ તરીકે ગોકુળમાં બાલ કનૈયો છે, તો ઇન્દ્રને પડકાર ફેંકી ગોવર્ધન તોળનાર કૃષ્ણ એ શક્તિમાન ગોવર્ધનનાથ પણ છે. રાસ રમનાર અને રાધાજીના પ્રેમને આત્મસાત કરનાર કૃષ્ણ મથુરામાં કંસને મારી પણ શકે છે, તો ચાલાક કૃષ્ણ કાલયવનથી યુદ્ધમાં નાસે છે અને રણછોડ તરીકે પ્રખ્યાત થાય છે. કૃષ્ણ કાલયવનનો નાશ મુચકુંદ ઋષિ દ્વારા કરાવે છે. પરંતુ આ જ કૃષ્ણ દ્વારિકાધીશ તરીકે દ્વારિકાને સોનાની દ્વારિકાનું નામ અપાવી શકે તેવી વિચક્ષણતા ધરાવે છે અને પાંડવોને વિજય પંથે દોરી જનાર કૃષ્ણ જ ગીતાના ઉદ્ ગાતા પણ બને છે અને કર્મયોગનો ઉપદેશ પણ આપે છે. કૃષ્ણ નર અને નારાયણ બંને છે અને તેથી જ કૃષ્ણ અવતાર છે.
‘કૃષ્ણાવતાર’ ના પાંચમા ખંડ ‘સત્યભામાનું કથાનક’ માં વિવિધ પુરાણોમાં વર્ણવેલી સ્યમંતક મણિની ઘટના, જે શ્રીકૃષ્ણના જીવન સાથે અનેરી રીતે સંકળાયેલી છે, તે મુનશીએ ખૂબ જ રોચક અને પ્રતીતિકર રીતે રજૂ કરી છે. શ્રીકૃષ્ણના પરાક્રમો અને ચમત્કારની કથાઓ સાંભળી મનોમન કૃષ્ણ વાસુદેવને પતિ તરીકે મેળવવાની ઇચ્છા રાખતી સત્યાના પિતા સત્રાજીત કૃષ્ણને પસંદ કરતાં ન હતા. કારણ તેઓ માનતા કે યાદવોના તમામ કમભાગ્યના મૂળમાં કૃષ્ણ જ રહેલા છે. આવા સંજોગોમાં કૃષ્ણ પર સ્યમંતક મણિની ચોરીનું આળ આવે છે. ત્યારે સત્યા કઈ રીતે કૃષ્ણને મદદ કરે છે, કૃષ્ણ બહાદુરી અને કુનેહથી રીંછમાનવોના પ્રદેશમાં જાંબવાન પાસેથી મણિ પાછો મેળવે છે, જાંબવતી રોહિણી સાથે લગ્ન કરે છે, સત્રાજીતની યાદવો પર વર્ચસ્વ મેળવવાની મહત્વાકાંક્ષાના ચૂરેચૂરા કરે છે, સત્યભામા સાથે લગ્ન કરે છે તેની દિલધડક કથા વાચકોને જકડી રાખે છે.
‘કૃષ્ણાવતાર’નો છઠ્ઠો ખંડ છે –‘મહામુનિ વ્યાસ”. પુરાણ સાહિત્યમાં વ્યાસનો ઘણો મોટો હિસ્સો છે. મોટા ભાગનાં પુરાણો વ્યાસમુનિએ રચેલા કહેવાય છે. તેઓ વેદના સંસ્કર્તા અને ધર્મના અવતાર તરીકે દર્શન દે છે. મૂળ મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હોવાનું કહેવાય છે. તેમણે વેદની વિવિધ શાખાઓને વ્યવસ્થિત કરી અને શ્રુતિને પ્રમાણિત રૂપ આપ્યું. એ વ્યવસ્થા 3000 વર્ષ પછી પણ અકબંધ જળવાઈ રહી છે. વ્યાસ ધર્મની રક્ષા કરનાર પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા હતા. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણ પોતાને વ્યાસ સાથે સરખાવે છે. ખંડના અંતે વ્યાસ કહે છે: “ દેવો મને પોતાની પાસે નહીં બોલાવી લે ત્યાં સુધી હું ધર્મ માટે જ જીવીશ….ભગવાન સૂર્ય મારાં પગલાંને ત્યાં સુધી દોરી જશે.”
‘કૃષ્ણાવતાર’ના સાતમો ખંડ ‘યુધિષ્ઠિરનું કથાનક”માં શકુનિના પ્રપંચથી ધર્મરાજ યુધિષ્ઠિર દ્યુતમાં પરાભવ પામે છે તેની વાત છે.
‘કૃષ્ણાવતાર’નો આઠમો ખંડ ‘કુરુક્ષેત્રનું કથાનક’ અપૂર્ણ રહ્યો. આ કથાની શરૂઆતનો ઇતિહાસ રસિક છે પણ અંતનો ઇતિહાસ કરૂણ છે. જ્યારે લેખનકાર્ય આરંભ્યુ ત્યારે ફક્ત બે ખંડમાં જ આ કથા રજૂ કરવાની મુનશીજીની ઇચ્છા હતી. પણ જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ તેમ વાચકસમુદાયનું એના પ્રત્યેનું આકર્ષણ વધતું ચાલ્યું. મુનશીજીને પણ શ્રીકૃષ્ણના જીવનમાં અગત્યનો ભાગ ભજવતાં પુરાણ અને મહાભારતના પાત્રોએ આકર્ષ્યા. પરિણામે એમણે કથા લંબાવી અને જીવનના અંતિમ દિવસોમાં પણ આઠમા ખંડ સુધી વાર્તાપ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો. સાતમા ખાંડના પ્રાસ્તાવિક લખ્યાના માત્ર બાર દિવસ પછી જ મુનશીજીની જીવનલીલા સંકેલાઈ ગઈ અને એક મહાનવલ અધૂરી રહી ગઈ.
કૃષ્ણ જ્યાં પણ જતા, ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના. મુનશીના શબ્દોમાં કૃષ્ણ ‘શાશ્વત ધર્મગોપ્તા’ હતા. यतो धर्म स्ततो जय: કૃષ્ણ ની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રવાહ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોરપિચ્છ સમાન વિવિધરંગી અને મોહક છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા ….અને ઘણું બધું. મુનશીની મહારત એ છે કે કથા ભલે પરિચિત હોય, પણ ‘કૃષ્ણાવતાર’ માં કૃષ્ણને આપણે મળીએ છીએ , ઓળખીએ છીએ એક નવા સ્વરૂપે – આને શું કહીશું ? કલમનું કૌવત, કૌશલ્ય , કળા કે કસબ ?
રીટા જાની
સરસ 👌
LikeLike
આભાર, જયશ્રીબેન.
LikeLike