૪૯ -કબીરા

કેમ કબીર???

કબીર …..કબીર….કબીર…

આજે મારી આ શ્રેણી અંતનાં કિનારે આવી ને ઊભી છે, ત્યારે આનંદ કરતાં વધુ હું કોઈ દુ:ખની કસક અનુભવી રહી છું.કબીરને ,તેનાં વિચારોને ,નહીં વિચારી ,હું હવે કંઈ બીજુ વિચારી,બીજુ કંઈ લખીશ અને હું કબીર અને કબીરવાણી,કબીર ભજનોથી દૂર જતી રહીશ…..એક વર્ષ સુધી કબીર સાથે રહી કબીરનાં વિચારોને જીવવા પ્રયત્નશીલ બનવા માત્રથી હું કોઈ અલૌકિક આનંદનાં સ્પંદનોથી સ્પંદિત થતી હતી.કબીરની શ્રેણીનું સમાપન કરતાં એક ખાલીપો અનુભવી રહી છું.કબીર મને કેમ ગમે છે તેનાં અનેક કારણો છે.

કબીરે મને મારા જીવનને આનંદમય બનાવવા ,મારા આતમની ચિનગારીને ચકમક બની પ્રગટાવવા સતત કોશિશ કરી છે.મને મારી ભીતર જોવાનો પ્રયત્ન કરતાં શીખવ્યું.શબનમ વિરમનીજી ,ફરીદ અયાઝજી,કુમાર ગાંધર્વજી,મુખ્તાર અલીજી,પ્રહ્લાદ ટિપનયાજી ,ગુરુમા અને આવા અનેક લોકોનાં કબીરનાં દોહા,ભજન ,સાખીને સાંભળી કેટલાય કલાકો તેમાં મગ્ન બની અનોખો આનંદ પામી છું ,જેનું વર્ણન શબ્દોમાં અશક્ય છે.આધ્યાત્મ મને ગમે એટલે કેટલાય ગુરુઓ પાસે ધ્યાન શીખવા ગઈ છું પણ શબનમજી કે ફરીદજી કે ગાંધર્વજીનાં કબીર ભજનોને આદ્રતાથી ગવાએલ સાંભળું ત્યારે મેં જે અનુભવ કર્યો તે મારા વાચકો સાથે વહેંચવાનો આજે વિચાર છે.

શબનમજી સાથે રોજનો નાતો રહ્યો પણ “સકલ હંસમેં રામ વિરાજે,રામ બિના કોઈ ધામ નહીં રે” સાંભળું ને દરેક વ્યક્તિમાં રામ જોવા પ્રયત્નશીલ બનું અને ગીત સાંભળતાં ક્ષણિક આનંદની અવધિમાં ડૂબી જાઉં.

પંડિત કુમાર ગાંધર્વજીનું “કોઈ સુનતા હૈ “સાંભળું ત્યારે ખરેખર કોઈ સાંભળે છે તેવા અનુભવ સાથે થોડી ક્ષણો ધ્યાનસ્થ અવસ્થા અનુભવાય.

ફરીદજીને સાંભળું ત્યારે કબીર એ ભાષામાં કે શબ્દમાં શોધવાની વસ્તુ નથી કબીર તો એક concept છે તે સમજાઈ જાય અને કબીર મારો પોતાનો છે એવી ફરીદજી જેવી possessiveness પણ તેમનાં માટે આવી જાય અને હું મગ્ન થઈ જાઉં છું કબીરવિચારધારામાં.તેમની એક મુસ્લિમ કવ્વાલની ગવાએલ અદ્ભૂત કવ્વાલીમાં….તેમને ગાતાં સાંભળતાં આંખોમાં આંસું સાથે ભાવુકતાથી ગવાએલ”ઓ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી? અરે જરા બોલો કન્હૈયા,મેરે કાન્હુ !કહુ ક્યા તેરે ભૂલનેકે વારી” સાંભળુંને મારી આંખો છલકાઈ જાય અને હિન્દુ-મુસ્લિમ,નાત-જાતનાં સર્વે ભેદ ભૂલાઈ જાય!

આનંદમૂર્તિ ગુરુમાને તેમનાં ભાવવાહી અવાજમાં “ધીરે ધીરે ગાડી હાંકો,જરા હલ્કે ગાડી હાંકો મેરે રામ ગાડીવાલે”સાંભળું ત્યારે કબીરનો અવાજ મને કહેતો સંભળાય છે કે વિશ્વભરનાં સૌ માણસો પોતપોતાની દોડમાં એકબીજાને હરાવવા કોશિશ કરતાં ભાગી રહ્યાં હતાં.અને કોરોનાનો એવો સમય આવી ગયો કે નાનામોટાં સૌને ઘરમાં બેસવું પડ્યું. બધાંની દોડને મહાશકિતએ સ્ટેચ્યુ કહી થંભાવી દીધા.એટલે કબીર જીવનમાં સૌ સાથે સમતા,પ્રેમભાવ રાખી ધીરજ ધરી આગળ વધવાનું કહે છે.કોઈની સાથે કોઈ સ્પર્ધામાં ઉતારવાની જરુર નથી,તું જેવો છે તેવો તારી જાતને તો સ્વીકાર ,એવું કબીર કહેતા હોય તેમ લાગે છે.અને જીવનની રફતારને સમજ સાથે ધીરી પાડવા કોશિશ કરું છું.

કબીર કાફેનાં નવયુવાનોને કબીરનાં દોહા ગાતાં સાંભળું “,


“ક્યા લેકે આયા જગતમેં ક્યા લે કે જાયેગાદો દિનકી જિંદગી,દો દિનકા મેલા”

ત્યારે આજનાં નવયુવાનોમાં આધ્યાત્મિકતા અને જીવનનાં સત્ય પ્રત્યેની સભાનતા જોઈ અચંબિત થઈ જાઉંછું.અને મૃત્યુની સત્યતાને સમજવા કોશિશ કરુંછું.

સંતની ઓળખ આપતા ઓશો કહે છે સંત એ નથી કે જે તમને સમજાવે કે તમે હીન્દુ છો કે મુસ્લિમ છો કે ઈસાઈ છો પણ અસલી સંત તો એ છે કે જે તમને બરોબર સમજાવે કે તમે સૌથી પહેલા એક ઇન્સાન છો.કબીરે સંત તરીકે તેજ સૌને સમજાવ્યું અને સંત કબીરને શત શત નમન કરવાનું મન થઈ જાય.

કબીરની ફકીરી,સમાજ અને કુટુંબની વચ્ચે રહીને વ્યવસાય કરતાં કરતાં તેમણે સાધેલું પરમ સાથેનું અનુસંધાન જોઈને યાદ આવે:
“નહીં કોઈ ચિંતા કે નહીં કોઈ ફિકર,નહીં કોઈ ખીણ કે નહીં કોઈ શિખર.
મારો ખુદ : એ ખુદાનું ખમીર કે હું તો મારે ફરતો ફકીર”

અને ફિકરને ફાકી કરીને પી જવાની ફકીરી શીખવતો કબીર મને ભીતર જોતાં અને ચિંતા વગર આનંદમય જીવન જીવતાં શીખવે છે.

મધ્યકાલીન યુગમાં અનેક સંતો થઈ ગયા પણ કબીરે ચારેબાજુ ચાલતાં જાતિ-પાતિનાં વાડા અને અંધશ્રદ્ધા નો વિરોધ કરવા સમાજ,દેશ કે દુનિયાથી ડર્યા વગર પોતાને જે સાચું લાગ્યું તે સત્ય પૂરા આત્મવિશ્વાસ સાથે પ્રગટ કર્યું.કબીરની આ વાત મને કબીરને સાચાં અર્થમાં ક્રાંતિકારી અને સમાજસુધારક સંત ગણાવવા યોગ્ય લાગે છે. તેમજ મને પણ પોતાની વાત સાચી હોય તો કોઈનો ડર નહીં રાખવાનું જાણે કબીર મારાં કાનમાં કહેતા હોય તેવું અનુભવાય છે.

કબીરબીજક દ્વારા તત્ત્વજ્ઞાનનાં પાઠ કબીરે મને પઢાવ્યા.મૌનનો મહિમા શીખવી પોતાની મસ્તીમાં મસ્તમૌલા બનતા શીખવ્યું. પ્રેમનો અનોખો મહિમા સમજાવી પોતાની જાતને પ્રેમ કરતાં અને આજનો આનંદ લઈ જીવતા શીખવ્યું.
આમ કબીરનાં આ લેખોનું આલેખન કરતાં જીવનનાં અણમોલ સત્યને પામી છું.અને અનોખા આનંદનો અનુભવ કર્યો છે.આ શ્રેણીને વાંચી જે વાચકોએ પ્રતિભાવ આપ્યા છે તેમનો આભાર અને પ્રજ્ઞાબહેને મને કબીર લખવાનું કહી કબીરની મને ઓળખ કરાવી તે બદલ તેમનો પણ અંત:કરણ પૂર્વક આભાર.

જિગીષા પટેલ

,

 

 

4 thoughts on “૪૯ -કબીરા

 1. એક સત્ય છે કે સંગ એવો રંગ..
  સારા અને સાચાની સાથે ચાલો તો એના સાચ અને સારપનો રંગ આપણા પર પણ ચઢે..
  સતત એક વર્ષ સુધી કબીર વિશે લેખ લખવા માટે જે વાંચન કર્યું એ તારા મન પર અંકિત થતું રહ્યું હશે.. આ રંગ ફટકિયા મોતી જેવો ક્યાં છે કે સમય જતાં એ ઝાંખો થાય કે ઓસરતો જાય?

  દિમાગથી જે વસ્તુ વિચારી હોય એ કદાચ કોઈ લૌકિક બાબતને લઈને બદલાય પણ દિલ, આત્માને ને જે સ્પર્શ્યું હોય એ હંમેશા આપણી સાથે જડાયેલું અને જોડાયેલું રહેશે.

  શબનમ વિરમાનીને સાંભળવા એ અનોખો લ્હાવો છે. જે એમને સાંભળે એ ક્યારેય એમને ભૂલે નહીં. જિગીષા તારી કબીરયાત્રાની શરૂઆત શબમનજીને સાંભળીને થઈ છે એ તારા જીવનની ધન્ય ક્ષણ હતી જેની ધન્યતા તું કાયમ અનુભવતી રહીશ.

  કબીરની લેખમાળા માટે ખૂબ ખૂબ અભિનંદન

  Liked by 1 person

 2. જિગીષા બેન, ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે તમે એક માઈલ સ્ટોન સર કર્યો છે. તમારી સાથે અમારા માટે પણ આ સફર ખૂબ જ્ઞાનપ્રદ બની રહી. કબીરનું ગહન જ્ઞાન તમે વાચકોને સુપાચ્ય સ્વરૂપે પીરસ્યું એ તમારી મોટી ઉપલબ્ધિ છે. અભિનંદન.

  Like

  • રીટાબહેન ,મને લાગે છે બેઠકનાં સૌ કોલમીઓને એકબીજાનાં વિષય થકી મીરાં ,મેઘાણી , કબીર,મુન્શીજી,અવિનાશભાઈ વિશે કેટલું બધું જાણવા મળ્યું.આપણે સૌ આ મહાનુભાવોને ઊંડાણથી ઓળખતા થયાં તેનો આનંદ છે.આભાર.

   Like

 3. રાજુ ,તને આભારનો પ્રતિભાવ આપતા સંકોચ થાય છે.પરતું મારા કબીરનાં દરેક આર્ટિકલ વાંચીને તેનો પ્રતિભાવ તેં આપ્યો છે એટલે હંમેશા તારા પ્રતિભાવોની રાહ જોતી હતી.મારી સાથે તેં પણ કબીરને માણ્યો તેનો આનંદ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.