આપણામાં કહેવત છે કે દ્રષ્ટિથી દૂર તે દિલથી એ દૂર ! પણ એનાથી વિરુદ્ધ કૈક મેં આ સમગ્ર વર્ષ દરમ્યાન અનુભવ્યું ! દૂર રહેલ માતૃભૂમિ જાણેકે અહીં આવી વસી મારાં મનમાં ! દ્રષ્ટિની નજીક અને દિલની નજીક! જે દિલમાં રમતું હતું તે જ જાણેકે સામે મળ્યું !
આ વર્ષના પ્રારંભે મારે શું લખવું તે વિષે વિચારતાં મનમાં રમી રહેલ ગરવી ભોમકા ગુજરાતના લાડીલા લોકસાહિત્યના બેતાજ બાદશાહ અને રાષ્ટ્રીય શાયર , મેઘાણી વિષે લખવાનું વિચાર્યું !
લખવાનું શરૂ કર્યું ત્યાં તો વળી મોટો મોટો ચમત્કાર બની ગયો !!
હા , છેલ્લા એક વર્ષમાં દર અઠવાડીએ નિયમિત ઝવેરચંદ મેઘાણી વિષે લખતાં મારી સમક્ષ આટલાં બધાં પુસ્તકો અને તેમને લગતું મબલખ સાહિત્ય મારા કમ્પ્યુટર અને વેબ સાઈટ પર રિસર્ચ કરીને મેં સાચવી રાખ્યું છે ; એટલે જાણે કે મેઘાણી મારાં રોજિંદા જીવનનું એક વિશ્વ બની ગયા છે ! એ વાત સાચી , અને તેમના વિષે મેં જે વાંચ્યું , જાણ્યું અને ચર્ચાઓ દ્વારા મેળવ્યું તે અમૂલ્ય ખજાનો મારી પાસે કાયમ સંગ્રહાયેલો રહેશે તેમાં એ કોઈ જ શંકા નથી ; પરંતુ પ્રિય વાચક મિત્રો ,મારે તમને એક અનોખી વાત પણ કરવી છે !
ઝવેરચંદ મેઘાણી આપણા સુપ્રસિધ્ધ કવિ ( ૧૮૯૭ – ૧૯૪૭) અને સાહિત્યકાર હોવાથી તેમના વિષે થોડું થોડું તો આપણે સૌ જાણતાં જ હોઈએ , તેમાં શંકા નથી . વળી મેં ગુજરાતી ભાષા સાથે એમ એ કરેલ અને વળી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે પણ કામ કરેલ એટલે એમના વિષે હું કદાચ વધારે જાણું તેમાં યે નવાઈ નથી . પણ , ઘણી ઘણી વાતો સાચા અર્થમાં જાણવાની તો આ વર્ષે આ લેખમાળાના ફળ સ્વરૂપે જ મળી !
મારા આ અનુભવને એક ચાઈનીઝ વાર્તા ચાંગ અને ચતુરાની વાર્તાના ચાંગ સાથે સરખાવી શકાય !
એ વાર્તામાં વતનથી દૂર એકલા રહેતા ચાંગને પોતાનો દેશ યાદ આવતો હોય છે ; પણ અહીં કામ પણ એટલું બધું હતું કે એ ત્યાં જય શકે એમ નથી .. પણ એક દિવસ ભગવાન એના પર પ્રસન્ન થાય છે અને રોજ ચાંગ બહાર નોકરી કરવા જાય ત્યારે તેના ઘરની દિવાલ પર લટકાવેલ કેલેન્ડરમાંથી ચતુરા નામની છોકરી બહાર નીકળીને ચાંગ માટે એની ગમતી ચાઈનીઝ સરસ રસોઈ તૈયાર કરીને રાખે છે! અને રોજ કેલેન્ડરમાં પાછી જતી રહેતી હોય છે ! કોણ મારી આટલી કાળજી રાખે છે ? ચાંગને પ્રશ્ન થાય છે .. ચાંગનો વતનનો ઝુરાપો જતો રહે છે . એને એક દિવસ એ નોકરીએથી વહેલો ઘેર આવે છે અને ચતુરાને પકડી પડે છે અને પછી તેઓ આનંદથી રહે છે !
દર અઠવાડીએ મારે માટે પણ કેલેન્ડરમાંથી હાં રે દોસ્ત હાલો અમારે દેશ કોલમ લખવા માટે જાણે કે ચતુરા આવીને મને આપણે દેશ , એ પ્રદેશ સૌરાષ્ટ્ર અને ત્યાંની ભૂમિ પર લટાર મારવા લઇ જતી ના હોય ? તેવી રમ્ય અનુભૂતિ થાય છે !
મેઘાણી વિષે લખતાં લખતાં એ યુગ – પંડિત યુગ અને ગાંધીયુગ બંને યાદ આવી ગયા ! હા , કોલેજમાં એ બધું ભણ્યા હતાં પણ એ યુવાનીના – કહો કે કોલેજ જીવનના અનુભવો હતા ! કાળના પ્રવાહમાં ઘણું વિસરાઈ ગયું હતું તો ઘણું નજરે જ ચઢ્યું નહોતું ! ઝવેરચંદ મેઘાણી ત્યારે પણ મારા પ્રિય સાહિત્યકાર હતા પણ તેમના વિષે પુરી માહિતી તો નહોતી જ !
જે જાણ્યું હતું તેમાંયે કહો કે કેટલુંક અર્ધ સત્ય હતું ; કેટલુંક તદ્દન સત્ય નહોતુંયે ! પણ , એક વાત ચોક્કસ છે કે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ પછીના સ્થાને – ત્રીજા નમ્બરે મેઘાણીનું નામ ગુજરાતભરમાં પ્રખ્યાત છે તેમાં શંકા નથી .!
અમારું કુટુંબ ગાંધીવાદી હોવાને લીધે અને સાહિત્ય અને સંગીતનું વાતવરણ ઘરમાં હોવાથી , નાનપણથી અમે મેઘાણીના કાવ્યો , હાલરડાં અને બાળગીતો સાંભળતા , ગાતાં મોટાં થયેલ .
મેઘાણીના પ્રખ્યાત ગીતો : ચૌદ વર્ષની ચારણ કન્યા અને મન મોર બની ટહુકાર કરે એ તો ગુજરાતી સાહિત્યમાં શિર મોર સમા છે એટલે આપણે સૌ એનાથી પરિચિત છીએ જ પણ રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે એ કોઈનો લાડકવાયો ગીત અને શિવજીને નિદરું ના’વે ; માતા જીજાબાઇ ઝુલાવે .. હાલરડાં અમે ભાઈ ભાંડુળાઓ સૌને આવડે . બા નવરાત્રીમાં ગરબા ગીતો ગવડાવે જેમાં મેઘાણીનાં: ‘ અષાઢી સાંજના અંબાર ગાજે ; અંબર ગાજે ને મેઘ ડંબબર ગાજે એ , અષાઢી સાંજના અંબાર ગાજે !’ ને દેશભક્તિનો ગરબો : મોરલિયા જાજે વીરાના દેશમાં ; એટલું તું કે’જે સંદેશમાં મોરલિયા જાજે વીરાના દેશમાં.. અને છેલ્લે જયારે બા પેલી પંક્તિઓ ગાય; “ કહેજે કે ભાભીએ લીધી છે બધા , વેણી નથી નાંખતી એ કેશમાં , મોટલીયા જાજે વીરાના દેશમાં.. ને કેટલીયે આંખના ખૂણા ભીના થઇ જતા …
મેઘણીનાં શૌર્ય ગીતો , રાષ્ટ્રભક્તિના ગીતો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ સૌ અમે નાનપણમાં ખુબ ગાતાં , ગરબે રમતાં અને પાછળથી કોલેજ જીવનમાં એ ગીતોના ગરબા કરાવ્યા હતાં એ બધું જ બધું આ લખતાં નજર સમક્ષ તાદૃશ્ય થયું !
કેલેન્ડરની ચતુરા જાણેકે બહાર આવીને મને મારાં બાળપણમાં લટાર મારવા લઇ જાય !
અને પછી મેં જયારે મેઘાણીની સૌરાષ્ટ્રના બહારવટિયાઓની વાતો માંડી ત્યાં તો મને યાદો તાજી થઇ કે ઓલી કોડ ભરેલ કન્યા પરણીને જામનગર જાય છે અને ફૂલછાબ છાપું જોઈને યાદ આવે છે એ મેઘાણી ! ત્યાં જઈને મેં જોયાં અસ્સલ ઓલી ચારણકન્યાઓના કાઠિયાવાડી નેસડાં, ગામની ભાગોળે જોયાં પેલાં પાળિયાઓ , જેસલ તોરલ સાથે સૌરાષ્ટ્રના સંતો જોગી જીવણદાસ અને જલારામ બાપાની વાતો કરતાં કરતાં જાણે કે ચતુરા મને મારાં મુગ્ધાવસ્થાનાં ભૂતકાળમાં ખેંચી ગઈ !! અહીં મારે સવિનય કહેવું જ પડશે કે મેઘાણી દ્વારા હું અને સુભાષ (my better half ) પતિ લગભગ પિસ્તાલીસ વર્ષ પૂર્વેની એ ધરતી સાથેની યાદોમાં સરી પડ્યાં!
મેઘાણી વિષેની ઘણી માહિતી મારી પાસે એમના શતાબ્દી ગ્રન્થમાંથી , અને એમાં દર્શાવેલ રેફ્રન્સ – સન્દર્ભ પુસ્તકોમાંથી પ્રાપ્ત થઇ છે જે ઉત્સાહથી વાચકવર્ગ સમક્ષ મેં રજૂ કરી તે છે ! એમનું અંગત જીવન અને એમનું અંતર મન , એની વાતો પણ મેં વાચક મિત્રો આપણી સમક્ષ રજૂ કરી છે .. કેવું હતું એ મહાન કવિનું પ્રેમાળ સહૃદય હૈયું ! એમનાં સંતાનો પ્રત્યે તેમનો પ્રેમ અને એમણે જેટલો રસ એ સંતાનોના ઉછેરમાં લીધો હતો તે અવર્ણીય છે , ખાસ કરીને એમના સંતાનો સાથેના સંવાદો , પત્રો વગેરેથી જાણેકે એમની એક અજાણ બાજુનો અનુભવ થયો ..
અને વાચકમિત્રોનો પ્રતિભાવ પણ અનન્ય રહ્યો છે . કેટલાક વાચકમિત્રોએ ફોન કરીને પોતાની પાસેથી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો કાઢી આપ્યાં! તો હું અમારાં અમુક મિત્રોને જાણું છું કે તેઓ તરત જ આ લેખ વાંચીને બપોરે જ ફોન પર તેની ચર્ચા કરે છે .કદાચ આવા વાચકમિત્રો મને વધુ સરળ સુગમ્ય લખવા પ્રેરે છે .. પણ વાચકોના પ્રતિભાવો વિષે વાત કરીશું આવતા અંકે ! હા , આ ઈસ્વીસન ૨૦૨૦નો એ છેલ્લો અને આખરી અંક – ૫૦ પચ્ચાસમો હશે . ત્યાર પછી નવી લેખમાળા લઈને મળીશું . બસ , આજે કલમ અટકવા આનાકાની કરે છે , અને હજુ તો પાશેરામાં પહેલી પૂણી જેવું લાગે છે , હજુ તો ઘણું બધું લખવાનું બાકી રહી ગયું તેમ થાય છે .. પણ આજના લેખના શબ્દો પણ વધીને છેક હજાર સુધી થઇ ગયા છે , તો મળીશું આવતે અંકે , વાચકોના અભિપ્રાયો વાગોળશું ..અસ્તુ !
Congratulations, Geetaben. It was a great journey do far!
LikeLike
અભિનંદન ગીતાબેન.
‘હાં રે દોસ્ત હાલો અમારે દેશ શ્રેણી દ્વારા તમે લોકસાહિત્યના સરતાજ એવા મેઘાણી અને મેઘાણીના લેખનની યાદ ફરી તાજી કરાવી.
ચતુરા હાથ પકડીને તમને એ સોરઠી ભૂમિ પર લઈ ગઈ એમ તમે અમારા માટે ચતુરા બનીને આવ્યા.
તમારી કલમની આંગળીએ અમે પણ એ સોરઠી ભૂમિને સ્પર્શીને, વંદન કરીને પાછા ફર્યા અને તેમ છતાં એવું લાગે છે કે એ ભૂમિની માટી અંતરમા સોડાય છે.
મેઘાણંઆ કાવ્યોનો કસુંબી રંગ મનમાં ઘોળાય છે.
આ રસધારા માટે ફરી એકવાર અભિનંદન.
LikeLiked by 1 person
Thank you Rajulben ; Bhartiben , Vasuben , Naliniben and all !આભાર સૌ વાચક મિત્રોનો ! જોત જોતામાં વર્ષ પૂરું થઇ ગયું ! સૌએ મને સતત પ્રોત્સાહન આપ્યું તો સાથે મેઘાણી સાહિત્ય માણવાની મઝા આવી ! બસ ; આવી જ રીતે નવી કોલમને પણ વધાવી લેજો !
LikeLike
રાષ્ટ્રીય સાયર અને લોક હૃદય ની ધબકતી લાગણી,, સૌરાષ્ટ્ર ની રસધાર ભૂમિ ની સુગન્ધ તમારા લેખમાં માણી
ગીતાબેન રસપ્રદ લેખ છૅ
ધન્યવાદ
નલિની ત્રિવેદી
LikeLiked by 1 person
વસુમતિબેન પરમાર 🙏
ગીતાબેન ખુબખુબ અભિનંદન હાંકે દોસ્ત હાલો અમારો દેશ દ્વારા
ગુજરાત સાહિત્ય ના શિરોમણિ ઝવેરચંદ મેઘાણી ના લેખન માંથી તમે દર અઠવાડિયે તમે જે સરળ ભાષા મા સમજાય તેવું લેખ દ્વારા જે પીરસો છો તેમાથી ઘણું શીખવા જેવું
LikeLiked by 1 person
Congratulations, Geetaben , you have written 50 articles in 2020 n given us good knowledge of Zaverchand Mehgani. Really you r very great n good writter also. The story of Chand n Chatura is excellent. Keep it up. God bless you. Best of luck for yr 2021.🙏🙏🙏
LikeLiked by 1 person