હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 48) મેઘાણીની વિદાય !

જાન્યુઆરી મહિનાથી શરૂ થયેલ આ મેઘાણી સાહિત્ય યાત્રા હવે અંત તરફ ગતિ કરે છે ત્યારે , આપણાં રાષ્ટ્રીય શાયર કવિ ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યની ઘણી બધી વાતોકહી છતાં , ઘણી બધી વાતો અનકથિત જ રહેવાની ! પણ સમયને માન આપવું જ રહ્યું. સમયને ઓળખ્યા વિના જો લાગણીઓમાં ખેંચાઈને કાર્ય કરીએ તો કાર્ય ને સહન કરવાનું આવે અને પરિણામ જોઈએ તેવું વ્યાજબી ના પણ આવે !
ઝવેરચંદ મેઘાણી માટે તેમના ચાહક અને મિત્ર સુખલાલ સંઘવી એક જગ્યાએ દુઃખ સાથે , અફસોસ સાથે , અને કદાચ પાર્શ્ચયાતાપ સહ ; ‘ શક્તિ અને કાર્યની સમતુલા’ લેખમાં આ જ સત્ય આપણને ભારે હ્ર્દયે યાદ કરાવે છે ..
દિલના સાલસ સ્વભાવના મેઘાણીએ જીવનમાં ઘણાં ઉતાર ચઢાવ જોયેલાં. વણિક જેવી ‘ઉજળી’ જાતિનો દીકરો સૌરાષ્ટ્રનાં ડુંગરાળ પ્રદેશમાં ઉછર્યો અને ત્યાંની ‘દેશી’ પ્રજા સાથે સ્નેહના તાંતણે બંધાયો . ને પછી યુનિવર્સીટીનું ભણતર લીધું એટલે એ લોકોની સંસ્કૃતિને ભણેલ લોકો સુધી લઇ જવાના મહત્વના કાર્યમાં એ લાગી ગયા. ધરતીમાં ધરબાઈ રહેલ સાહિત્યને ગ્રન્થસ્થ કરવાનું ભગીરથ કાર્ય એમણે એકલે હાથે કર્યું !
“એકલે હાથે ?” તમે પૂછશો , “ કેમ ? બીજાં બધાં સાહિત્યકારો ક્યાં હતાં ?”
એ બધાં શહેરી સાહિત્યકારો મેઘાણીની વિરુદ્ધમાં હતાં !! તેમનું માનવું હતું કે અભણ પ્રજાનું આવું બધું , લોકગીતો અને લગ્ન ગીતો ને સંત કથાઓ ને બહારવટિયાઓની વાતો ને જેવી તેવી વ્રતકથાઓ એ બધું સાહિત્ય ના કહેવાય !
હા , એ પંડિત યુગ હતો ! મોટી ભારેખમ વાતોમાં આ લોકોની આવી જાડી ભાષાની વાતો ક્યાંથી આવે ? શરમાળ સ્ત્રીઓ પાસેથી -ખવાસણ, આહિરયાણી, ભરવાડણ , કાઠિયાણીઓ અને બ્રાહ્મણ -વણિક સ્ત્રીઓ પાસેથી પટાવીને -પોતાના કૌશલ્યથી મેઘાણીએ લોકગીતો મેળવ્યાં ત્યારે પ્રશંસા કરવાને બદલે રામનારાયણ પાઠકે મેઘાણીની ટીકા કરતા કહ્યું હતું ;” કોઈ સ્ત્રીની કનેથી આમ ગીતો કઢાવાય ? It is not something like drawing her naked ?”

અને આમ જોવા જઈએ તો ગાંધીજીને પણ દેશમાં જાગૃતિ લાવવા કેટલી તકલીફ થઇ હતી ? એ સત્ય જ છે કે સારું અને સાચું કરતાં આડે પથરા નાંખનારાઓનો તોટો નથી !
પણ ,આપણે વાત કરીએ છીએ આ બધાં કાર્યમાંથી ઉપજતા શ્રમની! મેઘાણીના જીવન પર આ બધું જ બોજાની જેમ સતત રહેતું જ !હા , એમની લોકપ્રિયતા – લોક ચાહના અનેરી હતી ! સામેની વ્યક્તિ મંન્ત્રમૂગ્ધ થઈને એમને સાંભળ્યા જ કરે તેવી પ્રચંડ તાકાત ધરાવતી એમની પ્રતિભા હતી . .એ વાત માંડે પછી જાણે કે આખો પ્રવાહ એમના મય બની જાય ! એ ગીત ગાય એટલે સૌ એમની સાથે લાગણીઓમાં ભળી જાય ! એમનાં શબ્દો , લય , છંદ , આરોહ અવરોહ ની તાકાત બેસુમાર હતાં! અને એમના પોશાક માંથી નિખરતું વ્યક્તિત્વ અનેરું હતું ! દિલના દિલાવર મેઘાણી પાછળ સૌ ઘેલું થતું !
સરળ સહજ સાલસ વ્યક્તિત્વ ! કુટુંબ માટે અનહદ પ્રેમ અને છતાં રાષ્ટ્રને પણ એમની એટલી જ જરૂર હતી . દેશમાં આઝાદી લાવવાઅજગરની જેમ ઊંઘતી પ્રજાને જગાડવાની હતી ! એમાં જાણેકે શહાદત વ્હોરીને જ કાર્ય કરવાનું ન હોય , તેમ તેઓ સમયને સમય આપ્યા વિનાઅથાગ કાર્ય કરી રહ્યા હતા.
દોઢસો જેટલાં પુસ્તકો માત્ર પચ્ચીસ વર્ષના સાહિત્ય સર્જનમાં લખવા – એ જમાનામાં જયારે આજની જેમ કમ્પ્યુટર નહોતાં, અન્ય સાધનનોનો અભાવ , ત્યારે સાહિત્ય સંશોધન , સર્જન અને પ્રસારણ કરવું એ નાની સુણી વાત નહોતી .
મા વિનાનાં ચાર બાળકોને ઉછેરવાનાં સાથે બીજીવાર્ ના પત્ની ચિત્રદેવી થી થયેલ સંતાનો અને પત્નીની અવારનવાર રહેતી નાદુરસ્ત તબિયત સાથે પોતાની પણ કથળતી તબિયત !
મેઘાણીએ પોતાના જીવનું ટીપેટીપું દેશ અને સાહિત્યને અર્પી દીધું .
સુખલાલ સંઘવી અફસોસ સાથે કહે છે કે ગમે તેવો શક્તિશાળી માણસ જો શક્તિ અને કાર્યની સમતુલા જાળવી શકે નહીં તો આખરે તો એને પોતાને અને પ્રજા ને નુકસાન જ છે .
એક વખત ગાંધીજીએ ગોખલેના મૃત્યુ બાદ કહ્યું હતું : “ ગોખલે એ બહુ કિંમતી કામ કર્યું પણ શરીર પ્રત્યે ધ્યાન નહોતું આપ્યું એટલે આખરે તો આપણને જ નુકસાન થયું છે કે આપણે એમના માર્ગદર્શનથી વંચિત રહીશું !
સુખલાલભાઈએ મેઘાણીનો એક પ્રસંગ લખ્યો છે : મુંબઈમાં ૧૯૪૩માં મેઘાણીના ભાષણોની સિરીઝ રાખી હતી . કલાકોના કલાકો સુધી વિદ્વાનો સમક્ષ પ્રવચનો આપવાના , અને સાથે સાથે ઊંચા સ્વરે એ મેદની સમક્ષ ગાવાનું અને સમજાવવાનું અને તે પણ સતત દિવસો સુધી ! ( અને માઈક વિના !) મેં એમને કહ્યું કે આ રીત સારી નથી – જીવલેણ છે .પણ તેઓ માન્ય નહીં !
ને પછી આવી મિજબાનીની સાંજ ! ત્યાં ફરીથી ત્રણ કલાક મેઘાણીએ સૌને મધુર સ્વરે ઘેલાં કર્યાં! શ્રોતાઓની માંગણી પણ અવ્યાજબી હતી , કાર્યકર્તાઓની પણ એ બાબતમાં ઢીલ , અને વક્તાની તો સૌથી મોટી ભૂલ ! પણ દિલાવર દિલના મેઘાણીને તો શ્રોતા વર્ગ મળે એટલે પછી પૂછવું જ શું !
જો કે , દિલમાં દુઃખના દાવાનળ સાથે એમણે પત્રોમાં મિત્રો પાસે હૈયાવરાળ જરૂર ઠાલવી છે :” હું તો એક ઉખડી ગયેલ મૂળિયાંવાળું ઝાડવું બન્યો છું !” એ અફસોસ અને દર્દ સાથે લખે છે .
ચૂલામાં ભીના લાકડાં અને કરગઠીયાને ( ડાંખળા) ફૂંકી ફૂંકી ચૂલો સંધરુકવો અને દેવતા પ્રગટાવવા જેવું કઠિન કામ – એવું હતું મેઘાણીનું જીવન !
મૃત્યુના થોડા જ મહિના પૂર્વે ૧૯૪૬માં ફરીથી મુંબઈમાં આવી જ રીતે મેળાવડામાં એકાદ કલાકનો પ્રોગ્રામ ત્રણ કલાક સુધી લંબાયો. “ જો આજ રીતે શરીરને શ્રમ આપશો તો ઝાઝું જીવશો નહીં !” સુખલાલ ભાઈએ બળાપો કાઢ્યો !
બરાબર અગ્યાર મહિના બાદ એ વાત સાચી પડી . નવમી માર્ચ ૧૯૪૭ હ્ર્દય રોગના હુમલાથી તેઓ પોતાના વતનમાં અવસાન પામ્યા !
પણ આગલે દિવસે એમણે મુંબઈના કોઈ નાટકો પર પ્રતિબંધ બાબત પોતાનો સ્વતંત્ર અભિપ્રાય લખ્યો છે :” એ ખોટું છે , poewr politics નું પરિણામ છે .” સ્પષ્ટવકત્વ્ય !
મેઘાણીનો જીવન ક્રમ હતો : રોજ રાત્રે સુતાં પહેલાં દરેક બાળકની પથારી પાસે જઈને ઓઢાડે , પંપાળે .. એજ ક્રમ પ્રમાણે સંતાનોને પ્રેમથી પંપાળી , છેલ્લે પોતાની ગાયને સવાર માટે ચારો નાંખ્યો- ઘાસ પાણી તપાસ્યાં અને અનંત નિદ્રામાં પોઢી ગયા ! એમના આમ સાવ અચાનક અવસાનથી ગુજરાત જ નહીં સમગ્ર દેશ ખળભળી ઉઠ્યો !
ગાંધીજીએ દેશને આઝાદી મળી ત્યારે (સૌરાષ્ટ્રમાં ઉહાપોહ થયેલ ત્યારે ) મેઘાણીને યાદ કરતા કહેલું કે એ જો જીવતા હોત તો ડહોળાયેલ વાતાવરણને તેમની કલમની શક્તિથી તેઓ પલટાવી નાખત ! જેમ કૃષ્ણ કરતા તેમની વાંસળીથી ગાયોનું ધણ કે ગોપી વૃંદ વશ થઇ જાય તેમ મેઘાણીનાં સાહિત્યમાં એવી પ્રચંડ તાકાત પડેલી હતી !
કાકા સાહેબ કાલેલકરે કહ્યું ;” મેઘાણીને ઘણું જીવવાનો અધિકાર હતો .. એ એકલે હાથે જ ઝઝૂમતા હતા .. એમણે કરેલ કામ કોઈએ ય એમની પાસેથી ખુંચવી લીધું જ નહીં .. પણ અરે એ કોઈની તાકાત જ નહોતી ! ગુજરાત તો શું , હિન્દુસ્તાનમાં એમનો જોટો જડવો મુશ્કેલ છે !
રસિકલાલ પરીખે સૂચન કરેલ કે એમને સાચી અંજલિ તો જ મળે કે જો એમની પાછળ લોકસાહિત્ય સંશોધન અધ્યયન માટે શિક્ષણ સંસ્થા શરૂ થાય !
હા , એમની ખોટ સાહિત્ય જગતને કાયમ રહેશે , પણ એમણે શરૂ કરેલ કાર્યને આજે સાહિત્ય જગત આગળ વધાવી રહ્યું છે તે ગૌરવની વાત છે !
વાચક મિત્રો ! એક વર્ષથી સતત દર અઠવાડીએ મેઘાણી વિષે લખતાં , અને તે માટેનું જરૂરી સાહિત્ય વાંચતા , વિચારતાં મારા પર એમની જે અસર પડી તે અંગત વાતો આવતે અંકે !
આપના અભિપ્રાયો પણ જણાવવા વિનંતી જે અંતિમ પ્રકરણમાં સમાવેશ કરીશું !અસ્તુ .

2 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 48) મેઘાણીની વિદાય !

  1. ગીતાબેન મેઘાણી લાગણી પ્રધાન સંવેદન સીલ લેખક અને કવિ હતાં જે ને આપે સરસ દર્શવ્યું છે ખુબ સરસ નલિની

    Liked by 1 person

    • Thank you Naliniben ! એમનાં વિષે કોલેજમાં તો ઘણું ભણ્યા હોઈશું , પણ આટલું બધું ઊંડાણમાં અને કોઈ જાતના દબાણ વગર આખું વર્ષ એમના વિષે વાંચ્યું અને મને પણ તમારી જેમ એવું જ લાગ્યું કે તેઓ કેવા સંવેદનશીલ સરળ વ્યક્તિ હતા ! પણ એ જયારે જીવતા હતા ત્યારે અન્ય સાહિત્યકારો અને સમાજના કેટલાક પ્રતિષ્ઠિત વર્ગે એમને દાદ આપી નહોતી ! હા , ગાંધીજીને તેમની સાચી પરખ થઇ ગઈ હતી ; આપણા દેશમાં જે છૂત અછૂતની ભયંકર પ્રથા હતી તેને કાઢવા મેઘાણી જેવા વિદ્વાન અને સમજદાર વ્યક્તિઓને બળ આપવાની જરૂર હતી જે ગાંધીજીએ કરી બતાવ્યું ! એનાથી વિરુદ્ધમાં મોટા મોટા શ્રીમંત લોકો શહેરના ભણેલ વિદ્વાન લોકો જેઓ લંડનમાં જઈને બધું જોઈને આવ્યા હતાં , પણ એ લોકોને અભણ પછાત વર્ગ પ્રત્યે સૂગ હતી ! એમને ભાષણો તો સમાજ સુધારાના આપવા હતા પણ ઘરમાં સ્ત્રીઓ પર જુલ્મ , નોકરો ઉપર ત્રાસ અને અછૂત છોકરીઓ નો ગેરલાભ – એ બધું ચાલતું હતું ! મેઘાણીની સામાજિક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં એ આ બધું ઉઘાડું પડે છે ! સ્વાભાવિક રીતે જ એ “ સભ્ય” સમાજ સુધારકોને પસન્દ ના હોય ! But things are improving .. Even today , we see how some parties are opposing PM Modi : even though he is doing all these for farmers’ benefits.. just like that!

      Like

Leave a reply to Nalini Trivedi Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.