૪૭ -કબીરા

કબીર અને કૃષ્ણમૂર્તિ – હદ બેહદની પેલે પાર

વક્રોક્તિ અને વિરોધાભાસી રહસ્યવાદી વાણીનો ઉપયોગ કરનાર કબીર અને કૃષ્ણમૂર્તિની આજેવાત કરવી છે.પાંચ સદી પહેલા થઈ ગયેલી એવી બે સુવિખ્યાત માનવ ઇતિહાસની વ્યક્તિઓની કે જે બંને વિભિન્ન જગતમાં થઈ ગયા.કૃષ્ણમૂર્તિ કહે છે:

“ઈશ્વર”ના અસ્તિત્વ બાબતમાં જો તમારી પાસે સાબિતી હોય, તો તે”ઈશ્વર “ નથી.”
 
શું ઈશ્વરનું કોઈ અસ્તિત્વ છે? કે તેનું કોઈ અસ્તિત્વ જ નથી?- ન તો અસ્તિત્વ અગર ન તો અન અસ્તિત્વ – એ કૃષ્ણજીની ભાષા છે.મન જો એમ કહે કે ઈશ્વરનું અસ્તિત્વ તે પૂરવાર કરી શકે તેમ છે,તો તે પોતાના પ્રક્ષેપોની જ વાત કરે છે.કબીર પણ તેના એક ભજનમાં કહે છે:

“હું નથી ધાર્મિક નથી અધાર્મિક ;હું નથી શ્રદ્ધાળુ કે નથી અશ્રધ્ધાળુ.”

જો ધાર્મિક કે ન અધાર્મિક – તો પછી શું?આપણુ મન ‘આ ‘કે ‘તે’ ના રાહ પર જ આગળ વધવા ટેવાએલું છે.આ કે ‘તે ‘ન હોય તો મન ગુંચવાઈ જાય છે.પરતું કબીર અને કૃષ્ણમૂર્તિને સમજવા હોયતો વિરોધાભાસની વાણીને જ સમજવી પડશે.પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધોનાં પ્રાચીન ગ્રંથોમાં સર્વોત્કૃષ્ટ’સત્ય’ વિરોધાભાસની વાણીમાં વ્યક્ત થયું છે.જીવનનાં વૃક્ષનું વર્ણન કરતાં ગીતાનાં પંદરમા અધ્યાયમાં જણાવે છે કે” ‘તે’ ક્ષર અને અક્ષર એમ બં
પુરુષો લોકક્ષરશ્ચાક્ષર એવ ચ|ક્ષર: સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે॥

બંને જણા મનની મર્યાદાઓની વાત વારંવાર દોહરાવે છે.બંનેના ઉપદેશમાં મન કેન્દ્ર સ્થાને છે.આપણી સંસ્કૃતિ મુખ્યત્વે મનની જ સંસ્કૃતિ છે.મન તેની સ્વાભાવિક મર્યાદામાં જ કાર્યાન્વિત થાય છે.તેની પસંદગીમાં એ મર્યાદાઓ સંડોવાએલી હોય છે.કબીર તેના ભજનમાં જણાવે છે:

“હે મન ,તારે ક્યાં જવું છે? આગળ કોઈ માર્ગ નથી કે નથી કોઈ યાત્રિક,તું જ્યાં છું ત્યાં જ થંભી જા”માનવ મન ચાલાક હોઈ શકે છે પરતું અસ્તિત્વને તે જોઈ શકતું નથી.તે નવસર્જન કરી શકે છે પણ સંશોધન નહીં.માનવ મન સાધનો,યંત્રો,ઓજારો સર્જવામાં કુશળ છે.પરતું પ્રેમ પરત્વે તદ્દન અજ્ઞાત છે.
કૃષ્ણજી કહે છે:

“જે મનુષ્ય અણુનું વિભાજન કરી જાણે છે,પરતું જેના હ્રદયમાં કોઈ ‘પ્રેમ ‘ ઊભરાતો નથી,તે રાક્ષસ બને છે.”

ઔદ્યોગિક વિજ્ઞાનમાં કુશળ મનુષ્યો દ્વારા આચરવાનાં આવતાં તમામ પ્રકારનાં રાક્ષસી કૃત્યો આજે આપણે આધુનિક વિશ્વમાં નજરે નિહાળીએ છે.જગતભરને ભરડામાં લીધેલ આંતકવાદ તેનું મોટું ઉદાહરણ છે.આજે આપણે એવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે કે જ્યાં મન અત્યંત ચાલાક બન્યું છે પણ હ્રદય સંપૂર્ણપણે શુષ્ક રહ્યું છે.મન તેની નિયમાનુસારની સીમાઓમાં અત્યંત કુશળતાથી કાર્યાન્વિત થાય છે,પરતું સીમાઓની પેલે પારની બાબતોમાં તે સંપૂર્ણત: અજ્ઞાત છે.એ અજ્ઞાન તેને અસ્તિત્વનું ભાન થવા દેતું નથી.કબીર અને કૃષ્ણજીએ મનશ્ચક્ષુની વાત કરી છે.તે વાત કરતાં કૃષ્ણજી કહે છે:
“કદાચ ક્ષણિક ઝબકારામાં ‘સત્ય’નું દર્શન કરવાનું સામર્થ્ય હોવું જોઈએ.અને મારા મતે એ અનુભૂતિ જ ક્ષણમાત્રમાં મનને તેનાં તમામ વીતકોથી દૂર કરી નાંખશે.મનની ગતિ જ્યારે થંભી જાય છે,ત્યારે જ મનમાં ગતિનો પ્રારંભ થાય છે”
મનમાં થતી આ ગતિ દરમ્યાન જ યથાર્થ અનુભૂતિ થાય છે.વાસ્તવમાં અનુભૂતિ જ તેના સાચા અર્થમાં સૂઝ-સમજણ છે.અને કૃષ્ણજીની આ વાત સાંભળી જાણે તેમની બધી વાત સમજાઈ જશે:
“પ્રયાસ જ્યારે અપ્રતિકારક બની જાય છે,ત્યારે અજ્ઞાતપણે સત્વરે અનુભૂતિ થાય છે.પ્રયત્નો જ્યારે શાંત થઈ જાય છે ત્યારે જ અનુભૂતિની લહરી આવે છે.મન જ્યારે સંપૂર્ણપણે નીરવ થઈ જાય છે ,વિચારનો અભાવ થઈ જાય અને મનનો પોતાનો ઘોધાંટ શમી જાય છે ત્યારે અસાધારણ વેગ ધરાવતી સૂઝ અર્થાત્ અંત:સ્ફુરણા સમાન અનુભૂતિનો ક્ષણિક ઝબકાર થાય છે”

શ્રીમદ ભગવદ્ગીતાનાં બીજા અધ્યાયમાં જણાવ્યું છે:

“ન સ્વીકાર કે ન અસ્વીકાર .ત્યાં જ મન સુસ્થિર થાય છે.- એ જ સુમેળની સ્થિતિ છે.”
જયાં મન પોતાની ગતિ વિના સ્થિર થયું છે ત્યાં જ યથાર્થ કર્મ સંભવિત છે.મનની ગતિ જ્યારે ક્ષણ માટે કે દીર્ઘ કાળપર્યંત થંભી ગઈ હોય છે ત્યારે જ સાચો’પ્રેમ’ પ્રગટે છે. ‘પ્રેમ’ મનનો વિષય નથી મનની પેલે પારની અવસ્થામાંથી તે પ્રગટે છે.કૃષ્ણજી કહે છે:

”પ્રેમાળ બનો પછી તમને યોગ્ય જણાય તે કરો’ અને કબીરે તો પ્રેમને અનેક રીતે ગાઈ સમજાવ્યો છે.”
“પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન ચીન્હે પહીચાને કોય,આઠ પ્રહર ભીંજા રહે પ્રેમી કહાવે સોય.
પ્રેમ ન બાડી ઉપજૈ,પ્રેમ ન હાટ બીકાય;રાજા પરજા જેહૈ રુચૈ,શીશ દૈ લેઈ જાય.”

પ્રેમને પાંગરવા માટે ત્યાગ,બલિદાન અને નિસ્વાર્થતા જોઈએ. પ્રેમ એટલો સસ્તો નથી એની કિંમત જુદીજ છે.કબીર અને કૃષ્ણમૂર્તિ બંને મનની સીમાઓની પેલે પાર જઈ પરમના પ્રેમને પામવાની વાત કરે છે. યથાર્થ અનુભૂતિ ત્યાં જ થાય છે. યથાર્થ અનુભૂતિ જ યથાર્થ કાર્ય કે ક્રિયા અને અંત:સ્ફુરણાની ભૂમિકા છે.આ વાતને સમજવું એ જ તેની ખોજ છે.આ ખોજ અતિ આકર્ષક છે.
કબીરનાં સમયનું વિશ્વ ,મૂલ્યોમાં ધીમું પરિવર્તન નિહાળતું હતું.કબીરના દિવસોનું ભારત બહારથી આવેલા વિચારોના પ્રભાવ તળે આવતું હતું.ઉદ્યોગવાદનાં આક્રમણો અને યાંત્રિક જીવનની લોકજીવન પર થનારી અસરોનાં સંકેતો તે ઝીલી શકતો હતો.અને તેથી પોતાની વિલક્ષણ ઢબથી લોકોને ચેતવતો હતો.પાંચ સદી પહેલાં કબીરે રચેલાં ભજનો,પદો આજે પણ હજારો લોકોને પ્રેરણા આપે છે.સરળવાણીમાં તેમણે અગાધ જ્ઞાન પીરસ્યું.
કબીરને જે સંકેતો પ્રાપ્ત થયેલા, તે કૃષ્ણમૂર્તિએ નજરે નિહાળેલા,કારણ કે તેઓ એવા યુગમાં જન્મ્યા અને જીવ્યા કે ઉધોગીકરણનાં આક્રમણો અને યંત્રવાદનાં ધસારાઓ ત્યારે વિશ્વમાં પ્રસરી ચુક્યા હતા.હજારો વર્ષોથી ટકાવી રાખનારાં ,જીવન મૂલ્યો ભાંગીને ભુક્કો થઈ રહ્યા હતા.માનવ-સંસ્કૃતિને સંપૂર્ણ વિનાશની સ્થિતિમાં ઢસડી જતી પરિસ્થિતિ સામે કૃષ્ણમૂર્તિએ પોતાનો શક્તિશાળી અવાજ ઉઠાવ્યો.પોતાના સમયમાં તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં હતા.એશિયા,અમેરિકા,યુરોપ,અને ઓસ્ટ્રેલિયામાં ફરીને તેમણે હજારો શ્રોતાઓ સમક્ષ જીવન અને તેની સૂક્ષ્મ સમસ્યાઓ ઉપર અનેક પ્રવચન આપ્યા છે.
કૃષ્ણજીમાં નિર્ભેળ વિશુધ્ધ રહસ્યવાદ જ નજરે પડે છે.તેમનો અભિગમ સંપૂર્ણપણે અદ્વૈતવાદી હતો.કબીર પણ વાસ્તવિકપણે રહસ્યવાદી જ છે અને તેમનો અભિગમ પણ અદ્વૈત મત અનુસારનો જ રહ્યો છે.કબીર અને કૃષ્ણજીનાં શિષ્યોનો રસ તેમના રહસ્યવાદમાં જ છે.
સામાજિક જીવનનાં તમામ પાસાઓમાં યાંત્રિકતાનાં ભયનો સંકેત કબીરને થયો અને કૃષ્ણજીએ તેને પ્રત્યક્ષ નિહાળ્યો.બંનેના કથનોમાં મુખ્ય વિષય માનવીય સંબંધોની સમસ્યાઓને લગતો છે.કૃષ્ણજીએ માનવીય સંબંધો અને તેમાં આવેલી અવનતિનાં પાસાંઓને સ્પર્શ્યા છે.તો કબીર તો તેનાં સુવિખ્યાત પદમાં કહે છે:
જા ઘટ પ્રેમ ન સંચરે સો ,ઘટ જાનું મસાન,જ્યોં લુહાર કી ધોંસરી સાંસ લેત બિન પ્રાન.
જીવન જીવવા માટે જેમ શ્વાસોશ્વાસ અનિવાર્ય છે,તેમ શાંતિભર્યું જીવન જીવવા માટે બીજા જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા હોવાં જરુરી છે.નહીંતર એ જીવન હરતાં ફરતાં મડદા જેવું છે.લુહારની ધમણ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરતી હોવા છતાં તેમાં કોઈ જીવનતત્વ હોતું નથી તેવીરીતે જે જીવનમાં’પ્રેમ’ ઊભરાતો નથી ,તે જીવન સ્મશાનભૂમિ સમાન છે.શ્વાસોચ્છ્વાસની યાંત્રિક પ્રક્રિયામાં હયાતીનું તત્વ જોઈ શકાય છે,પરતું તેમાં જીવંતતાનું કોઈ લક્ષણ હોતું નથી.સ્નેહ અને પ્રેમ વગરનું જીવન માત્ર હયાતી બનીરહે છે જીવન માણવું અને માત્ર હયાતી ધરાવવી એ બંને સંપૂર્ણ ભિન્ન બાબત છે.યંત્રવાદની અસર તળે માનવી પ્રૌદ્યોગિક કુશળતા સવિશેષ દાખવી શકે છે પણ તેની હયાતીમાં જીવંતતાનો પમરાટ હોતો નથી.

મનુષ્યનું મૂલ્ય આપણે તેની પારંગતતા અને તેની વિશેષ વિશિષ્ટતા પરથી આંકીએ છીએ.મનુષ્યે આજે પોતાનાં જીવનની સીમાઓ બાંધી દીધી છે.સીમાઓનું રેખાંકન કરવામાં સચોટતા દાખવવામાં આવે છે પણ ત્યાં પ્રેમની રેલમછેલ હોતી નથી. પ્રેમનું અસ્તિત્વ માત્ર રેલમછેલમાં જ છે.રેલમછેલ એટલે ભારે વર્ષા પછી નદીઓ તેમની સીમા ઓળંગીને રેલમછેલ કરેને તે. રેલમછેલ જ ભૂમિને સમૃદ્ધ કરે.પ્રેમનું અસ્તિત્વ તમામ સીમાઓને તોડી નાંખે છે.પ્રત્યેક માનવ પોતાની સીમા અને સરહદ સુધી જ જાય છે. કોઈ સીમાડા ઓળંગતું નથી પરતું કબીર તો કહેછે પરમને પામવા સીમાડા જ ઓળંગવા પડશે. અસીમ અવકાશમાં જ તે મળશે.કબીર અને કૃષ્ણજી કહે છે માનવ મન સીમામાં રહીને સત્ય શોધવા પ્રયત્ન કરે છે પણ સત્યને પામવા હદ પાર કરવી પડશે.અને મારો કબીરો તો ગાયછે “જો ઘર ફૂંકે અપના” “જે પોતાના ઘરને આગ લગાડવા તૈયાર હોય તે જ માત્ર મારી સાથે આવે.”અહીં મકાનને નહીં ઘરને આગ લગાડવાનું કબીર કહેછે. આપણી માયા,આસક્તિને આગ લગાડી શકે તે કબીર સાથે જઈ શકે.
કબીર અને કૃષ્ણમૂર્તિ બંને જણા આપણને આનંદદાયક અનુભૂતિની યાત્રાએ નીકળવા નિમંત્રણ આપે છે.તો ચાલો તે તરફની યાત્રાની શરુઆત કરીએ…..

જિગીષા પટેલ

2 thoughts on “૪૭ -કબીરા

  1. કબીર અને કૃષ્ણમૂર્તિના શબ્દો, ભાષા કદાચ અલગ હોઈ શકે પણ મૂળ વાત અલગ નથી. અનહદને , અનહદનાદને પામવા હદ ઓળંગવી જ રહી.

    જમીનની ઉપર ઉગીને ફાલેલા વૃક્ષની શાખાઓ અલગ દેખાતી હોય, એના પર ઉગેલા ફળ ફૂલ, પાન પણ એકમેકથી અલગ પડતા હોય પણ જમીનમાં રહેલું વૃક્ષનું તો એક જ. એવી રીતે આધ્યાત્મની, પરમને પામવાની વાત કહેવાની સૌની રીત અલગ હોઈ શકે પણ એમાં રહેલો ભાવ તો પેલા મૂળની જેમ એક..જો એ સમજી લઈને તો કબીર કે કૃષ્ણમૂર્તિ સાથેની યાત્રા વધુ સરળ બને.
    કબીરવાણીની જેમ આ લેખમાળા કદાચ અવિરત ચાલતી રહે એવી શુભેચ્છા.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.