કલમના કસબી: કનૈયાલાલ મુનશી-43

કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આપણે માણી રહ્યા છીએ. સાહિત્ય એ કળા છે, તો કસબ શું છે? કસબ એ આગવી ઓળખ છે, જે વિશિષ્ટ છે અને તેથી જ સાહિત્યના પુષ્પગુચ્છમાં રહેલ પુષ્પો પોતાની વિશિષ્ટ સુવાસ પ્રસ્તુત કરે છે. આપણે તેમની ઘણી ઐતિહાસિક ને પૌરાણિક કૃતિઓ માણી. આજે મુનશીના સાહિત્યિક પુષ્પગુચ્છમાંથી એક નવું પુષ્પ ને નવી સુગંધ પ્રસ્તુત છે. એ છે એમની સામાજિક નવલકથા ‘તપસ્વિની’.

ઘણા લાંબા સમય પછી મુનશી પાસેથી ‘તપસ્વિની’ પ્રાપ્ત થાય છે. આમાં ૧૮૫૭ ના બળવાથી ૧૯૩૭ સુધીના ભારતના સામાજિક, રાજકીય પ્રવાહોનું આલેખન કરાયું છે. આ નવલકથાનો મોટો ભાગ રાજકીય વ્રૃત્તાંત સાથે સંકળાયેલો છે.સમગ્ર નવલકથામાં પશ્ચિમની સંસ્કૃતિના  પૂર્વેની આર્ય સંસ્ક્રૃતિમાં રહેલા પરંપરાગત નૈતિક-આધ્યાત્મિક જીવન મૂલ્યોના વિજયનું દર્શન કરાવવાનો એમનો ઉપક્રમ દેખાય છે. આ નવલકથાની શૈલી પણ આત્મ કથનાત્માક છે. એમના પાત્રો અને પ્રસંગો એમની ‘સીધા ચઢાણ’, ‘સ્વપ્ન સિધ્ધની શોધમાં’,‘ I Follow the Mahatma’  અને અન્ય કૃતિઓમાં જોવા મળે એવા છે.  ગાંધીજીના રાજકીય વિચારોથી ઘડાયેલા મુનશીના રાજકીય વિચારોની છાયા એમાં જોવા મળે છે. આ કૃતિ સ્વરાજ પ્રાપ્તિના પુરુષાર્થની કથા છે. એમાં આલેખાયેલાં પાત્રો મધ્યમવર્ગના શિષ્ટ સમાજના છે.  આ નવલકથાના પાત્રો જીવંત, કથાવસ્તુમાં નાટ્યાત્મકતા, વર્ણોનોની ચિત્રાત્મકતા અને સંવાદો ચમકારાપુર્ણ હોઇ અહીં મુનશીની કલા ઝળકી ઉઠે છે.  આમ છતાં આ કૃતિ એટલી લોકપ્રિય બની નથી.  રવિ અને ઉદય તેમજ શીલા અને રાજ એ આ નવલકથાના નાયકો અને નાયિકાઓ છે. રવિ અને ઉદય મુખ્ય પાત્રો તરીકે આલેખાયેલા હોવા છતાં બંનેના ચિત્રણમાં અલગ અલગ પાસાઓનું પ્રતિબિંબ નિહાળી શકાય છે. એકમાં વ્યક્તિત્વ ઘડતરનું અને બીજામાં પ્રણય જીવનનું.  આમ છતાં રવિ મુખ્ય નાયક અને ઉદય ઉપનાયક તરીકે આલેખાયેલ છે.  લગ્નજીવનમાં નિષ્ફળ ગયેલી શીલા ઉદયમાં કવિનું અને લગ્નસુખથી વિમુખ ઉદય શીલામાં તપસ્વીનીના દર્શન કરે છે. આ કૃતિની આધ્યાત્મિકતા રાજના પાત્ર દ્વારા પ્રગટ થાય છે અને શીલાને ઉપનાયિકાના પદે બેસાડે છે. પ્રસ્તુત નવલકથામાં આવતા પાત્રો જેવાં કે – રાજબા, રવિ, શીલા, ઉદય, ગણપતિશંકર, રાધારમણ પોતાના વિશિષ્ટ વ્યકતિત્વની છાપ લઇને આવતા તેજસ્વી પાત્રો છે. 

‘તપસ્વિની’ નવલકથાના બે ભાગ છે. પહેલા ભાગમાં 4 અને બીજામાં 6 મળીને કુલ 10 વિભાગમાં લંબાણપૂર્વક લખાયેલી આ કથા છે. છતાં મુનશીની કમાલ એ છે કે વાચક તેમાં રસતરબોળ બની ડૂબી જાય છે. પહેલા વિભાગમાં વાત છે સંઘર્ષની. આ સંઘર્ષ છે પંચાશી વર્ષે એકલા હાથે હેતાળ માના વાત્સલ્યથી પૌત્રને ઉછેરતા ગણપતિશંકર ત્રિપાઠીનો. દાદાજી બ્રાહ્મણધર્મના પુરસ્કર્તા હતા ને વેદવિદ્યાની સાંગોપાંગ રક્ષા કરવી એ એમનો જીવનધર્મ હતો. તેમણે એકના એક પુત્ર શિવાને સ્વધર્મ ને સ્વદેશ માટે પ્રાણ અર્પણ કરવાની મંજૂરી આપી હતી. અરવિંદ ઘોષની આજ્ઞા માથે ચડાવી એ કલકત્તા ગયો ને ફિરંગીઓ સામેની લડાઈમાં સામી છાતીએ ગોળીઓ ઝીલી એમનો બત્રીસલક્ષણો પુત્ર આઝાદીના મહાયજ્ઞમાં આહુતિરૂપે હોમાઈ ગયો. તેઓ પૌત્ર રવિને પૈસાના પ્રલોભન વિના વિદ્યાભ્યાસનું ગૌરવ શીખવતા હતા. તેઓ કહેતા કે સરસ્વતી મૈયાની એકાગ્ર ભક્તિ વગર બ્રહ્મતેજ પ્રગટતું નથી. દાદાજીએ રવિને ઘણું શીખવ્યું. પણ રવિનું હૃદય ડંખતું હતું કે પ્રભાવની શોધમાં એ પહેલી વાર દાદાજી સાથે દગલબાજી રમ્યો હતો. છેવટે અપરિગ્રહની આકરી પ્રતિજ્ઞાનું પાલન કરતાં શાસ્ત્રીજી ગુજારી ગયા.

અહીં રવિના સંઘર્ષની પણ વાત છે. જેના ચિત્તમાં એક તરફ આદર્શમય દાદાજી, સ્વતંત્રતા સંગ્રામમાં જીવની આહુતિ દેનાર પિતાની છબી છે તો બીજી તરફ ફક્કડ કપડાં, ભભક અને રોફથી દાન કરવાનું આકર્ષણ પણ છે. એક તરફ કૌમુદી, વેદમંત્રો ને રઘુવંશ જાણતા હોવાનું આત્મગૌરવ છે તો બીજી તરફ સરકારી શાળામાં મળેલ તોછડાઇ, તિરસ્કાર અને ઉપહાસનો પડકાર પણ છે. અકસ્માતે તે શીલાની ગાડીની હડફેટે આવે છે ને તેને શીલા અને રાધારમણનો પરિચય થાય છે. મોજમજાને તિલાંજલિ આપી પ્રભાવની શોધમાં નીકળેલો રવિશંકર ત્રિપાઠી વાકપાટવ ખીલવી  કોમરેડ રવિદાસ ચૂડગર બની જાય છે.

સુંદર, સુશીલ અને સંસ્કારી શીલાએ નાની ઉમરમાં પિતા ગુમાવ્યા. તેના લગ્ન ન્યાતના પ્રખર ધારાશાસ્ત્રી અને વિધુર એવા રાધારમણ દલાલ સાથે પંદર વર્ષની ઉમરે થયા. પ્રતાપી અને વૈભવી પતિ મેળવી વ્હાલ અને વિલાસમાં વિહરતી શીલાને થોડા સમયમાં જ પતિના સંસ્કારવિહોણા, સ્વાર્થી, રાગોન્મ્મત્ત અને નિરંકુશ અસલી સ્વરૂપનો પરિચય થતાં જ  ઘરસંસાર ખારો લાગવા લાગેલો. પરસ્ત્રીના સ્પર્શે કલંકિત પતિની અધમતા સહન કરવા કરતાં તેને ઘરમાંથી નાસી જવાનું મન થતું. આવા સંજોગોમાં તે ગાંધીજીની વિચારધારા તરફ આકર્ષાય છે. ત્યારે તેનો પરિચય આઠ વર્ષ વિલાયતમાં ભણી એલીસ સાથે લગ્ન કરી તેને ભારતીય સંસ્કારોથી પરિચિત કરાવવા ઇચ્છતા ઉદય સોલંકી અને તેના પરિવાર સાથે થાય છે. શીલા બારડોલીમાં ગાંધીજીના દર્શન કરી શાંતિ અને અપાર્થિવ વાતાવરણનો અનુભવ કરે છે. શીલાના હૃદયમાં અપરિચિત સમર્પણવૃત્તિ જાગે છે. પણ તેના ઘરસંસારનો સંઘર્ષ તેને ગૂંગળાવે છે.

ઉદય સોલંકી મહારાજાનો ભત્રીજો હતો. તેણે રાજવી થવાનો લોભ જતો કરી બેરિસ્ટરના ધંધામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. ઉદય ઇચ્છતો હતો કે તેની વિલાયતી પત્ની એલીસ ભારતના જીવનમાં ઓતપ્રોત થાય. પણ ત્રણ દિવસમાં જ તેને પ્રતીતિ થઈ ગઈ કે એલીસ પાશ્ચાત્ય જીવનના છીછરા પાણીની માછલી હતી. તેને ઉદયના અથાગ પ્રયત્નો કે પરિવારમાં રસ ન હતો. તેને તો રણચંદાની સાથે ડાન્સ, ડિનર ને હરવાફરવામાં રસ હતો. ઉદયે હંસકુંવરબાનો કેસ લીધો પણ રાજરમતથી અજાણ ઉદયને ખબર જ ન હતી કે  મહારાણીને દહાડા રહ્યા ન હતા ને બાળકો તેમણે ખરીદીને આણ્યા હતા.

આવી રસપ્રદ સંઘર્ષની વાતો સાથે નવલકથાનો રોચક પ્રારંભ થાય છે.  જીવન તો છે એક તારલા સભર આકાશ. આ આકાશમાં અનેક તારલાઓના સૌંદર્યને માણતા આપણે એક પરોઢની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. જીવનના આટાપાટાના નવીન દૃશ્ય ને વધુ રોચક વાતો માટે પ્રતિક્ષા આવતા અંક સુધી…..

રીટા જાની

2 thoughts on “કલમના કસબી: કનૈયાલાલ મુનશી-43

  1. તપસ્વિની વાંચી ત્યારે ઉંમ્મર બહુ નહોતી પણ પછી જ્યારે સમજાય તેટલી ઉંમ્મર થઈ તો બે વાર ઉથલાવીને
    મન ચંચળ થઈ ગયું અફસોસ રહ્યો કે આઝાદીનાં આપણે ભાગીદાર કેમ ન બન્યા.

    આજે ફરી તમારા શબ્દો એ જ અતીતમાં દોરી ગયા. સરસ👌🌹

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.