૪૫ -કબીરા

ઘૂંઘટકા પટ ખોલ

કબીર પોતાને અક્ષરજ્ઞાની તરીકે ઓળખાવતા નથી.

મસિ કાગજ છુઆ નહિં,કલમ ગહી નહિં હાથ,
ચારિઉ જુગકો મહાતમ કબિરા મખહિં જનાઈ બાત.

કબીરના આ દોહાને વાંચી તેમણે કાગળ પેન્સિલને હાથ નથી અડાડયો તેમ કહે છે પરતું કબીરવાણીનાં જ્ઞાન,અધ્યાત્મ અને વેદ ગીતાનાં સારાંશ જેવી તેમની અનુભવજન્ય વાણીસાંભળીને ક્યારેક અચંબિત થઈ જવાય છે.

પુષ્પદંત રચિત મહિમ્ન સ્ત્રોત્રનો જાણીતો શ્લોક છે
અસિતગિરિસમં સ્યાત કજ્જલં સિંધુપાત્રે સુર તરુવર શાખા લેખિની પત્રમૂર્વી|

લિખતિ યતિ ગૃહિત્વા શારદા સર્વકાલંતદપિ તવ ગુણાનામ ઈશ પારં ન યાતિ
અને આ જુઓ કબીરનો દોહો
ધરતીકા કાગજ કરું,કલમ કરું વનરાય;
સાત સમુદ્રકી સાહિ કરું,હરિગુણ લિખા ન જાય.

કબીર ભણેલા નહોતા તો આ બધું જ્ઞાન તેમની પાસે આવ્યું ક્યાંથી? કબીરબીજકની તેમની સાખી,શબદ અને રમૈની વાંચતા વાંચતાં અનેકવાર આ વિચાર આવતો. મને લાગે છે તેઓ જ્ઞાન પ્રાપ્ત કરવા ગયા નથી એ જ્ઞાન સાથે જ જન્મ્યાં છે અને તેમને ઈશ્વર અંગે જે અનુભવ થયા તે જ તેમના દોહામાં ગાયું અને તેમના શિષ્યોએ આપણા સુધી અને ગ્રંથો સુધી પહોંચાડ્યું.તો ચાલો ઈશ્વરને પામવા માટે,જાણવા માટે કબીરે શું કહ્યું તે જોઈએ.ઈશ્વરને અનુભવી અને તેને આપણે કેવીરીતે અનુભવવો એના કેટલાય દોહા છે પણ તેમાંનાં આ દોહા જાણે ઈશ્વરને જાણવાની ચાવી રૂપ છે.


ઐસા કોઈ ના મિલા,ઘટમેં અલખ લખાય;
બિન બાત્તિ બિન તેલ બિન ,જલતી જ્યોત દિખાય.

સાહેબ તેરી સાહેબી,સબ ધટ રહી સમાય,

જ્યું મેંહદીકે પાતમેં,લાલી લખી ન જાય.

આપણી ભીતરમાં વાટ અને તેલ વગર જલતી જ્યોતિ જોવાની,ઘટ ઘટમાં,અણુએ અણુંમાં જેનું અસ્તિત્વ સમાયેલ છે તે ઈશ્વરને અનુભવવાની વાત કબીર કરે છે.મહેંદીની લાલી પાત્રમાં દેખાતી નથી એતો ઘૂંટી ઘૂંટીને હાથમાં લગાવ્યા પછી તેનો રંગ દેખાય છે. જે સત્ય છે તેની અનુભૂતિ છે. જેણે જેવીરીતે પરમાત્માને જાણ્યેા એણે એ રીતે તેને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો.મીરાંએ અનન્ય પ્રેમથી,બુધ્ધ, મહાવીરે જાગરણથી,નારદ -નરસિંહે જ્ઞાન અને ભક્તિથીતો કબીરે પોતાનાં અનુભવજ્ઞાનનું સત્ય રોજબરોજનાં વ્યાવહારિક જીવનનાં ઉદાહરણની ઉપમા આપી ,ઈશ્વરને પામવા સમજાવ્યું.પોતાની અંદર જ ઈશ્વર સમાયેલ છે તેની ખૂબ સરસ અભિવ્યક્તિ :

જ્યું નેનમેં પુતલી,યું ખાલેક ઘટ માંહે;

ભૂલા લોક ન જાનહિ,બાહેર ઢુંઢન જાયે.

ધટ બિન કહાં ન દેખીયે,રામ રહા ભરપૂર;
જિન જાના તિન પાસ હય,દુર કહા ઉન દૂર.

મૈં જાનુ હરિ દૂર હય,હરિ હ્રદય માંહિ,
આડી ત્રાટિ કપટકી,તાસે દિસત નાહિ.

આપણી આંખની અંદર કીકી સમાયેલી છે તેં આંખથી જુદી નથી તેમ ઈશ્વર આપણામાં જ સમાએલો છે.”અહમ્ બ્રહ્માસ્મિ”અને ‘શિવોહમ્’ ની ઊંડા તત્ત્વજ્ઞાનની વાત સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડી છે.અને નરસિંહ મહેતાની”બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ સાથે” યાદ આવી જાય છે.આપણો રામ આપણાં ઘટમાં સમાએલ છે જે એને જાણી લે તેના માટે તે સાવ નજીક છે અને જે આ વાત જાણતો નથી તેના માટે તે દૂર છે.પણ કબીર બીજાને દોષ આપ્યા વગર પોતાની જાતને જ ઉદ્દેશીને કહે છે કે હું તો હરિને મારાથી દૂર સમજતો હતો પણ તેતો મારા હ્રદયમાં જ બિરાજમાન છે પણ કપટનો પડદો હટાવું તો જ તે દેખાય ને મને? આમ કહી સૌને સૂચવે છે કે હરિને પામવા માટે કપટનો ત્યાગ કરવો પડશે.


કબીર જ્ઞાનમાર્ગી સંત છે.જ્ઞાનમાર્ગી માટે ઉપદેશક બની જવું સહજ છે. કબીરમાં પણ ઉપદેશનું તત્વ છે પણ તે નર્યા ઉપદેશની ભૂમિકાએ અટક્યા નથી.એમની કવિતામાં જોવા મળતાં પ્રતીક,પ્રતિરૂપ અને રૂપક તેમના કાવ્યતત્વને ઊંચી કોટિએ લઈ જાય છે.સૂક્ષ્મ હોવા છતાં તેમના ઉત્પ્રેક્ષા અલંકાર સામાન્ય માણસને પણ સમજાય એવા હોય છે.
શું શું છોડવાથી હરિ મળે તેની સુંદર વાત કરતાં કબીર કહે છે :


વિષય પ્યારી પ્રીતડી,તબ હરિ અંતર નાહિ;
જબ હરિ અંતરમેં વસે,વિષયસે પ્રીત નાહિ.


ભક્તિ બિગાડી કામીયા,ઈંદ્રિ કેરે સ્વાદ;
જન્મ ગમાયા ખાધમેં ,હિરા ખોયા હાથ.

રામ હય તહાં કામ નહિ,કામ નહિ તહાં રામ;
દોનો એક જા ક્યું રહે,કામ રામ એક ઠામ.

કબીર કહે છે જેને વિષયો સાથે પ્રેમ છે તેના અંતરમાં હરિ નથી રહેતા કારણ જેના અંતરમાં હરિ રહે છે તેને તો વિષય સાથે લગાવ હોતો જ નથી.જેણે ઈન્દ્રિયોનાં સ્વાદ છોડ્યા નથી તે ભક્તિ કરી જ ન શકે.ભક્તિ એટલે સ્વસમર્પણ અને સર્વ સમર્પણ.જ્યાં રામ રહે ત્યાં કામને માટે જગ્યા જ નથી.ઈશ્વર પ્રત્ત્યેની યાત્રા ભક્તિની પરાકાષ્ઠા છે.કબીરનાં દોહાને વાંચીએ ત્યારે તેમાં ઠાઠમાઠ અલંકાર વિનાની ભાષા છે,પણ અભિવ્યક્તિને કેટલી પારદર્શક કરી શકે છે,તે સમજાય છે.તેમાં અનુભવોનો સહજ ઉદ્ગાર છે.


તોકો પાંવ મિલેંગે ઘૂંઘટકા પટ ખોલ રે,
ઘટ ધટ મેં વહ સાંઈ રમતા કટુક વચન મત બોલ રે.

ધન જોબન કો ગરબ ન કીજૈ જૂઠા પંચરંગ ચોલ રે,
સુન્ન મહલમેં દિયના બારિ લે આસા સોં મત ડોલ રે.

જોગ જુગત સો રંગમહલ મેં પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ રે.

“તોકો પીવ મિલેંગે” પંક્તિ જ જાણે શાતાદાયક છે.કબીર આપણામાં શ્રધ્ધા પ્રેરે છે.તને પ્રિયતમ મળશે એની પ્રતીતિ આપે છે. પણ એમ નેમ ન મળે.તેના માટે આપણા અને પ્રિયતમ વચ્ચેનો પટ ખોલવો પડે.પટ ખસે તો જ સાક્ષાત્કાર થાય.આ ઘૂંઘટ એટલે આપણાં કામ,ક્રોધ,લોભ,મોહ,મદ,મત્સર ઇત્યાદિ.આપણો પ્રલંબ અહમ્ ખસે તો સોહમે મળે.પરમાત્મા કાશીમાંય નથી અને વૃંદાવનમાંય નથી.એતો ઘટઘટમાં સમાએલ છે.પરતું આપણી આસપાસનાં લોકોને કડવા વચન કહીએ તો એ દૂર ને દૂર થઈ જાય છે.સાચું જીવન જીવવાનો કેટલો સરસ રસ્તો કબીર સમજાવે છે.
“ઈસ તન ધન કી કૌન બડાઈ” ગાનાર કબીર ઘૂંટીઘૂંટીને કહે છે,આ ધન અને યૌવનનો ગર્વ શાનો?કશુંય શાશ્વત નથી.આ પંચતત્વનું બનેલું ખોળિયું પણ આપણું નથી ,ક્ષણભંગુર છે તો ,તેનું મમત્વ અને મહત્વ શા માટે?
કબીર કેટલા મોટા ગજાનો કવિ છે કે શૃંગારની ભાષામાં એ ગહન જ્ઞાનની વાતો કરે છે.આ શૂન્યનો મહેલ એ બ્રહ્માંડ.આ બ્રહ્માંડમાં જ તું બ્રહ્મનો દીવો પ્રગટાવ અને મૃગજળ જેવી આશાઓથી ચલિત ન થા.’આસા સોં મત ડોલ’ એ તો કબીર જ લખી શકે.આશાથી જીવવું હોય તો હતાશાનો સામનો કરવો પડે.અને હતાશાથી પાર જવું હોય તો આશાથી વિચલિત ન થવાય.


શૂન્યનાં મહેલમાંથી કબીર રંગમહેલમાં જાય છે.પણ આ ‘રંગમહલ’ રાગ વિનાનો છે.જે વીતરાગ હોય એને જ બ્રહ્માંડનો રંગ મળે.અહીં પ્રિયતમા અને પ્રિયતમનું મિલન થાય છે- જ્ઞાનની દીવાની સાક્ષીએ.આ રંગમહેલ એ બ્રહ્માંડનો રંગમહેલ છે. અહીં થયેલ મિલન અણમોલ છે.પ્રિયતમ પોતે જ અણમોલ છે.અને એની સાથેનાં મિલનનો આનંદ અવર્ણનીય છે.સુખ ખંડિત હોય છે. આનંદ અખંડિત હોય છે. સુખને હદ હોય છે. આનંદ અનહદ હોય છે.આ અનહદનો ઢોલ વાગ્યા જ કરે છે.અને સુરેશ દલાલ કહે છે તેમ,
“અહમનો દહનખંડ શૂન્યના શયનખંડમાં લપટાઈ જાય છે અને આત્મા અને પરમાત્માની ‘શુભદ્રષ્ટિ’ થાય છે.”

જિગીષા પટેલ

1 thought on “૪૫ -કબીરા

  1. કબીરના પ્રત્યેક દોહામાં જીવન અભિગમ , કેવું જીવન જીવવાથી હરિ મળે તેની ખોજ રહેલી છે ! ઘણા દોહા કંઠસ્થ કરવાનું મન થાય તેવા સુંદર મનોહર છે ! અન્ય ફિલિસોફર સાથેની સરખામણી તેને આધુનિક્તાનો ઓપ આપીને વધુ સુંદર બનાવે છે ! સરસ જિગીષાબેન !
    સુરેશ દલાલ કહે છે તેમ,
    “અહમનો દહનખંડ શૂન્યના શયનખંડમાં લપટાઈ જાય છે અને આત્મા અને પરમાત્માની ‘શુભદ્રષ્ટિ’ થાય છે.” Very true!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.