૪૬ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

દિવાળીના દિવસો જરા જુદી રીતે પણ પસાર થઈ ગયા. જો કે મઝાની વાત એ બની કે ઉત્સવપ્રિય ઉત્સાહી લોકોએ ચાર દીવાલોની મર્યાદામાં રહીનેય દિવાળી ઉજવી અને નવા વર્ષને આવકાર્યું. પરિસ્થિતિ અડધા ભરેલા પાણીના પ્યાલા જેવી રહી. કદાચ કોઈને એ અડધા ખાલી રહેલા પ્યાલાનો અફસોસ રહી ગયો હશે પણ પરિસ્થિતિને પોઝિટિવ રીતે સ્વીકારવાવાળાઓએ એ અડધા ભરેલા પાણીના પ્યાલાથી સંતોષ માન્યો.

વાત હતી સંજોગવશાત સમય પસાર કરવાની ત્યારે સૌએ સ્વજનો, સ્નેહીઓ, મિત્રોને ફોન, વ્હૉટ્સેપ, ફેસબુક, મેસેજ, મેસેન્જર પર ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવી. “સ્નેહમિલન બંધ છે પણ સ્નેહ અકબંધ છે” એવું કહીને દૂર રહીને પણ સાચા દિલથી મળવાની ઇચ્છા રાખતા સૌ સ્નેહીઓ ઝૂમ પર પણ એકમેકને મળ્યા.

કોઈએ એવુંય મન મનાવ્યું કે ધારો એટલું મળી જાય તો પણ ધારીએ એટલું માણી નથી શકતું. તો પછી જ્યારે જે મળ્યું છે એને માણી લઈએ.

પણ જુઓ મઝાની વાત. આ માણવાનો મોકો મળ્યો ત્યારેય એક વણદીઠ્યો, વણનોતર્યો, અણજાણ અને તેમ છતાંય વિચારોની સતત આવનજાવનમાં વ્યાપ્ત એવો છેલ્લા કેટલાય સમયથી પરાણે આપણા માનસપટ પર કબજો જમાવીને બેઠેલો એક ઓથાર તો ત્યાં હાજર જ હતો. કરોળિયાએ બાંધેલા જાળામાં ફસાયેલો જીવ એમાંથી છૂટવા ફાંફા મારે એમ કેટલાય સમયથી જેનાથી છૂટવા આપણે હવાતિયાં મારીએ છીએ એવા વૈશ્વિક વિનાશ વેરેલા વેપનની આપણી વાતોમાં ન ઈચ્છવા છતાં હાજરી રહી. અણમાનીતી રાણીની જેમ ન સહેવાય કે ન છૂટાય એવી એની હાજરીને આપણે અવગણવા મથીએ તોય એને વિસારે પાડી નથી શકાય એવું સૌએ અનુભવ્યું અને જે અનુભવ્યું એ કહ્યું. જે વાસ્તવિકતા આવીને ઊભી છે એની સામે શાહમૃગની જેમ રેતીમાં માથુ ખોસીને વણદેખી કરી શકાય છે?

નવા વર્ષની શરૂઆતે સૌ એકબીજાને નૂતન વર્ષમાં સુખ સંપત્તિ વધે એની શુભેચ્છા પાઠવે. આ વર્ષના આરંભે સુખ, સંપત્તિની સાથે શુભેચ્છામાં સ્વાસ્થ્ય અને સુખાકારી ઉમેરાઈ સાથે એક વાત નિશ્ચિતપણે, નિર્વિવાદે બની. સૌએ મારું, તારું વિસારીને સૌનું શુભ ઈચ્છ્યું.. સૌએ અભ્યર્થના કરી કે,

શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદામ,

શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતે.?

આ શુભ-મંગળની ભાવના અનેક અર્થે જરૂરી છે. આજે આપણી આસપાસ એક નહીં અનેક શત્રુ મંડરાય છે. એકને નાથવા જાવ તો જાણે અન્ય દિશાએથી બીજો શત્રુ ત્રાટકશે. કોને કોને નાથવા? વિજ્ઞાને જેટલી પ્રગતિ કરી છે એનાથી અનેકગણી સમસ્યાઓ સામે ઊભી છે. વિજ્ઞાનની પ્રગતિનો આધાર માનવની મેધાશક્તિ પર છે. માણસ એની બુદ્ધિ વિકાસ અર્થેય વાપરે અને વિનાશ અર્થે પણ.. પ્રત્યેક માનવીના મનમાં રામ પણ છે અને રાવણ પણ. કૃષ્ણ છે અને કંસ પણ. આજે  આ અતિ તીવ્ર બુદ્ધિશક્તિ ધરાવતો માનવી હાલમાં થાક્યો છે અને સ્વયં ઈશ્વરે પ્રગટ થવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આજથી લગભગ ૫૦૦૦ હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણની વાણી યથાર્થ કરવાનો સાચે સમય આવ્યો છે.

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત ।

અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ।

ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે..

સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગને વળોટીને જે કળિયુગમાં આપણે જીવીએ છીએ ત્યારે આ શક્ય બનશે તો એ ચમત્કાર જ હશે. શ્રીકૃષ્ણે સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું વચન આપ્યું છે જેનો સમય આવ્યો છે ત્યારે એમ લાગે છે કે આજના સંજોગોમાં સુખ, શાંતિનું નિમિત્ત બને એવું આ પ્રાગટ્ય કોઈપણ સ્વરૂપે હોઈ શકે.

વર્તમાન સમયે વ્યાપેલી આ મહામારીની એક સમસ્યા સિવાય અનેક સમસ્યા વ્યાપેલી છે. ત્રેતાયુગમાં એક રાવણ કે દ્વાપરયુગમાં એક કંસનો વધ કરીને સુખનું સામ્રાજ્ય શક્ય બન્યું હતું. આજે સમાજમાં  એક રાવણને હણ્યા પછીય અનેક રાવણ ક્યાંક્થી ફૂટી નિકળે છે ત્યારે કયા મર્યાદા કે પૂર્ણ પુરુષોત્તમની આશા કરીશું? 

આજે વાસ્તવિક સંજોગોને અનુલક્ષીને સૌને નવા વર્ષમાં જગત કલ્યાણની ભાવના સેવી હશે. સૌના મનની વાત એક છે, વિચાર એક છે. જગત કલ્યાણ માટે ઈશ્વરનું અવતરણ થાય એવો ભાવ પણ એક સમાન છે.

ભાવની વાત આવે ત્યારે શબ્દોની જરૂર પડે. મોટાભાગે શબ્દ એક હોય અને એના અર્થ અનેક હોય પણ અર્થ એક હોય અને શબ્દો અનેક હોય એવુંય બને. વિશ્વવ્યાપી સૌની વાત એક છે, ભાવ એક છે પણ એને પ્રસ્તુત કરવાની રીત નોખી હોય એવું બને.

આવી નોખી રીત, નોખા શબ્દોમાં અવિનાશ વ્યાસે રચેલું ગીત જોઈશું તો સમજાશે કે આપણા સૌની ભાવના યથાર્થ રીતે અહીં વ્યક્ત થઈ છે.

“આજ ખરું અવતરવાનું ટાણું,

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કંસની સામે તમે કૃષ્ણ થયા

અને રાવણની સામે રામ

પણ આજે તો કંસનો પાર નથી જગમાં

ને રાવણ તો સો માં નવ્વાણું

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કૈક ને માર્યા તમે કૈક ને તાર્યા

ને ધર્યા તમે વિધવિધ અવતાર

પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે

અવતરતા લાગે કેમ વાર?

શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા

હવે કોણ તાણે તારું ઉપરાણું?

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

આ ચંદ્રમાં તો હવે હાથવેંતમાં

અને સૂરજની ઘડિયું ગણાય

આકાશ વિંધીને અવકાશે આદમ

દોડ્યો આવે ને દોડ્યો જાય

બધું એ જીતાય, પણ એક તું ના જીતાય

તો ગીતાનો ગાનારો સાચો માનું

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું..

આગળ કહ્યું એમ આ પ્રાગટ્ય કોઈપણ સ્વરૂપે હોઈ શકે જેને આપણે આવકારવાનું, સ્વીકારવાનું છે.


Rajul Kaushik

http://www.rajul54.wordpress.com

2 thoughts on “૪૬ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

  1. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગને વળોટીને જે કળિયુગમાં આપણે જીવીએ છીએ ત્યારે આ શક્ય બનશે તો એ ચમત્કાર જ હશે. શ્રીકૃષ્ણે સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું વચન આપ્યું છે જેનો સમય આવ્યો છે ત્યારે એમ લાગે છે કે આજના સંજોગોમાં સુખ, શાંતિનું નિમિત્ત બને એવું આ પ્રાગટ્ય કોઈપણ સ્વરૂપે હોઈ શકે.

    શક્યતાની કલ્પના જ શુભમ બેન..,સુંદર લખાણ👌🙏

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.